written_by :   Zac Poonen categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

ઈસુ ખ્રિસ્તના શિષ્યએ માણસોના ભય અથવા સંજોગોના આધારે નિર્ણયો ન લેવા જોઈએ.

મારા ઘરના આગળના રૂમમાં મોટા અક્ષરોમાં મેં એક કલમ લટકાવેલ છે જેમાં લખ્યું છે, "જો તમે ઈશ્વરનો ભય રાખો છો, તો તમારે બીજા કશાથી બીવાની જરૂર નથી". તે યશાયા 8:12 અને 13નું લિવિંગ બાઇબલ પ્રમાણેનું લખાણ છે. તે કલમ છેલ્લા 25 વર્ષો દરમિયાન મને જબરદસ્ત રીતે મદદરૂપ રહી છે.

ભયની આ બાબત વિશે કેટલાક સત્યો જે મેં ઈશ્વર પાસેથી શીખ્યા છે તે તમારી સાથે વહેંચવા દો. સૌ પ્રથમ, હું શીખ્યો કે ભય એ શેતાનના શસ્ત્રાગારમાંનું એક મુખ્ય શસ્ત્ર છે.

બીજું, હું શીખ્યો છું કે જો ક્યારેક મને ભયની લાગણીઓ આવે તો મારે પોતાને દોષિત ઠરાવવાની જરૂર નથી - કારણ કે હું હજી પણ દેહમાં છું. આપણે આ વિશે વાસ્તવિક અને પ્રમાણિક હોવા જોઈએ. પ્રેરિત પાઉલ એકદમ પ્રામાણિક હતા અને તેમણે સ્વીકાર્યું કે ચોક્કસ સમયે તેમની અંદર "બીક" હતી (કરિંથીઓને બીજો પત્ર 7:5).

ત્રીજી બાબત જે મેં શીખી છે (અને આ સૌથી મહત્વપૂર્ણ છે) તે એ છે કે જો મને બીક હોય તો પણ, મારે ક્યારેય બીકના આધારે નિર્ણય લેવો જોઈએ નહીં. મારા નિર્ણયો હંમેશા ઈશ્વર પરના વિશ્વાસ પર આધારિત હોવા જોઈએ - ભયથી તદ્દન વિરુદ્ધ. અને આ રીતે હું ઘણા વર્ષોથી જીવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને ઈશ્વરે મને મદદ કરી છે અને મને ખૂબ ઉત્તેજન આપ્યું છે. હું હવે સમજી શકું છું કે શા માટે ઈસુએ વારંવાર કહ્યું:

બીહો‌ મા, બીહો‌ મા, બીહો‌ મા.
આ બાબત, નવા કરારની અન્ય બાબત, જેના પર ભાર મુકવામાં આવ્યો છે તેના જેટલી જ મહત્વપૂર્ણ છે:
પાપ ન કરો, પાપ ન કરો, પાપ ન કરો.

ઈસુ હંમેશા પાપની વિરુદ્ધ હતા અને તેઓ હંમેશા ભયની વિરુદ્ધ હતા. તેમણે આપણને ફક્ત ઈશ્વરનો ભય રાખવા કહ્યું અને બીજા કોઈનો નહીં (માથ્થી 10:28). આપણા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ છે, કારણ કે એક આત્મિક આગેવાને ક્યારેય ભયના આધારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

અન્ય એક કલમ જે મેં ઘણા વર્ષોથી મારા બેઠક રૂમમાં લટકાવી છે તે છે ગલાતીઓને પત્ર 1:10:

જો હું માણસોને રાજી કરવા ચાહું છું, તો હું ખ્રિસ્તનો સેવક નથી.

જો તમે માણસોને ખુશ કરવા માંગતા હો, તો તમે ક્યારેય ઈશ્વરના સેવક બની શકતા નથી. અને હું તમને કહીશ કે માણસોને ખુશ કરવાની કોશિશથી‌ મુક્ત થવું સહેલું નથી.

જો તમે તમારા હૃદયમાં એવો ભય રાખો છો કે, તમે કોઈને નારાજ કરશો તો કોઈ તમને કોઈ રીતે નુકસાન પહોંચાડશે, તો તમે હંમેશા તેને ખુશ કરવાનો પ્રયાસ કરશો. પછી તમે ક્યારેય ઈશ્વરના સેવક ન બની શકો. જો તમે ક્યારેય ભયના આધારે કાર્ય કરો છો, તો તમે ખાતરી રાખી શકો છો કે તે શેતાન છે જે તમને માર્ગદર્શન આપી રહ્યો‌ છે, ઈશ્વર નહીં.

જો આપણે આપણા પાછલા જીવન પર ફરી નજર કરીએ, તો આપણને જોવા મળશે કે ભૂતકાળમાં આપણે ભયના આધારે ઘણા નિર્ણયો લીધા છે. તે બધા નિર્ણયોમાં, આપણે ઈશ્વરના માર્ગદર્શન હેઠળ ન હતા. તેમાંથી કેટલાક‌ નિર્ણયોના પરિણામો ગંભીર ન હોઈ શકે. પરંતુ ઈશ્વર જે આપણા માટે ઉત્તમ કરવા માંગતા હતા તે આપણે ચૂકી ગયા છીએ. આપણે ભવિષ્યમાં અલગ રીતે કાર્ય કરવું જોઈએ.

આપણને ભયનો અનુભવ થવો, તે સ્વાભાવિક છે - કારણ કે આપણે માણસ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે અત્યારે જ્યાં બેઠા છો ત્યાં અચાનક તમારી સામે કોબ્રા આવે, તો સ્વાભાવિક રીતે તમને આંચકો લાગશે અને તમે કૂદી પડશો - અને એડ્રેનાલિન તમારા લોહીના પ્રવાહમાં‌ વહેવા લાગશે. તે સ્વાભાવિક છે. પરંતુ તમે જ્યાં પણ જાઓ - ત્યાં દરેક ખુરશીની નીચે કોબ્રા હોવાના ભયમાં જીવતા નથી.

આપણે પણ કોઈના ભયમાં જીવવું જોઈએ નહીં.

આપણે ક્યારેય માણસો કે શેતાનના ભયના આધારે નિર્ણય ન લેવો જોઈએ. દરેક નિર્ણય જે આપણે લઈએ છીએ તે ઈશ્વરના ભય અને આપણા સ્વર્ગીય પિતામાં સંપૂર્ણ વિશ્વાસ પર આધારિત હોવો જોઈએ. માત્ર ત્યારે જ આપણે ખાતરી રાખી શકીએ કે આપણે પવિત્ર આત્મા દ્વારા દોરાઈ રહ્યા છીએ.

આપણે, જેઓ ઈશ્વરની સેવા કરીએ છીએ, તે બધા માટે હિબ્રૂઓને પત્ર 13:6 ખૂબ જ મહત્વપૂર્ણ કલમ છે. ત્યાં કહેવામાં આવ્યું છે:

તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, પ્રભુ મને સહાય કરનાર છે; હું બીહીશ નહીં : માણસ મને શું કરનાર છે?

જો આપણે આમાં વિશ્વાસ કરીએ છીએ, તો તે આપણા જીવનમાં જબરદસ્ત અધિકાર લાવશે. શેતાન દ્વારા આપણા ઘણા આત્મિક અધિકાર છીનવી લેવામાં આવ્યા છે, કારણ કે આપણે માણસોનો ભય રાખીએ છીએ, અથવા તેમને ખુશ કરવા અથવા તેમને પ્રભાવિત કરવા અથવા તેમની સમક્ષ આપણી જાતને ન્યાયી ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આ વલણોથી સંપૂર્ણપણે છુટકારો મેળવવો જોઈએ.