WFTW Body: 

ઈશ્વર કરુણાથી ભરપૂર છે (એફેસીઓને પત્ર 2:4). જ્યારે આપણું બદલાણ થયું ત્યારે આપણામાંના દરેક જણને જે સૌ પ્રથમ દૈવી સ્વભાવની લાક્ષણિકતાનો અનુભવ થયો તે તો તેમની કરુણા હતી. જો આપણે ખરેખર એ દૈવી સ્વભાવના ભાગીદાર બન્યા હોઈએ તો, જ્યારે કોઈ આપણને મળે છે ત્યારે તેમના પર આપણી પ્રથમ છાપ પણ એવી જ હોવી જોઈએ.

નરકમાં કોઈ કૃપા જોવા મળતી નથી અને તેમ જ આપણા દેહમાં પણ કોઈ કૃપા જોવા મળતી નથી. આપણો દેહ સ્વાભાવિક રીતે અન્ય લોકો પ્રત્યે કઠોર હોય છે અને આપણી જાતને એ વિચારથી છેતરવું સરળ છે કે આવી કઠોરતા દૈવી ગંભીરતાનો એક ભાગ છે. આવી રીતે પાપ છેતરપિંડી કરે છે.

જો આપણે અત્યારે સ્વર્ગ તરફ જોઈ શકીએ, તો આપણે જોઈશું કે ઈશ્વર સતત બીજાઓને માફ કરે છે. આ જગતના દરેક ભાગમાંથી, વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ તેમના પાપો અને તેમની નિષ્ફળતાઓ માટે માફી માંગતા સતત તેમને વિનંતી કરે છે. અને ઈશ્વર હંમેશા તેમને માફ કરે છે - દરરોજના 24 કલાક. કેટલાક લોકો એવા પાપ માટે માફી માંગતા હશે જે તેઓએ 1000મી વખત કર્યું હશે. છતાં પણ ઈશ્વર તેમને માફ કરે છે, કારણ કે તે તેમનો સ્વભાવ છે. ઈસુએ કહ્યું કે આપણે બીજાઓને બરાબર એ જ રીતે માફ કરવાના છે (માથ્થી 18:35).

ઈસુએ એમ પણ કહ્યું કે આપણે આપણા ભાઈઓને એક દિવસમાં સાત વાર માફ કરવા (લૂક 17:4). એક દિવસ 12 કલાક તરીકે ગણવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે જો તમારા ભાઈએ સવારે 6 વાગ્યે તમારી વિરુદ્ધ પાપ કર્યું હોય, અને સવારે 7 વાગ્યે તમારી માફી માંગી હોય, તો તમારે તેને માફ કરવો. જો તેણે સવારે 8 વાગ્યે તમારી વિરુદ્ધ એ જ પાપ કર્યું હોય અને સવારે 9 વાગ્યે તમારી માફી માંગી હોય તો તમારે તેને ફરીથી માફ કરવો. પછી સવારે 10 વાગ્યે તે ત્રીજી વખત તે જ કરે, અને 11 વાગ્યે તમારી માફી માંગે છે, તમારે તેને માફ કરવો. તે બપોરે 12 વાગ્યે અને બપોરે 2 વાગ્યે અને સાંજે 4 વાગે બરાબર એ જ પાપનું પુનરાવર્તન કરે છે અને દરેક વખતે, એક કલાક પછી પાછો આવે છે અને માફી માંગે છે. દરેક વખતે, તમે તેને તે જ દિવસે અગાઉ કેટલી વાર માફ કરી ચૂક્યા છો તેની કોઈ નોંધ રાખ્યા વિના, તેને માફ કરો. કાનૂની વિચારસરણી ધરાવતા કેટલાક લોકો કહી શકે છે કે ઈસુએ આપણને સાત વખત માફ કરવાની નોંધ રાખવા કહ્યું હતું. બરાબર તેવું જ પિતરે એકવાર ઈસુને કહ્યું હતું, અને તેને કહેવામાં આવ્યું હતું કે તેણે તેના ભાઈને‌ 490 વખત માફ કરવો જોઈએ (માથ્થી 18:21,22).

ઈશ્વરનો સ્વભાવ આવો જ કંઈક છે. અને નવા કરારના સુસમાચાર એ છે કે આપણે તેમના‌ સ્વભાવના ભાગીદાર બની શકીએ છીએ. હકીકતમાં તેના ભાગીદાર બનવા કરતાં એ વિશે બોલવું સરળ છે. તે આપણે બધા અનુભવથી જાણીએ છીએ. કેમ કે "ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી પણ સામર્થ્યમાં છે" (કરિંથીઓને પહેલો પત્ર 4:20).

આપણા મુખ દ્વારા બોલાતા ઘણા અદ્ભુત "સત્યો" અને ઉપદેશો દ્વારા નહીં, પરંતુ અન્ય લોકો પ્રત્યે ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરવાથી ખ્રિસ્તનો મહિમા આપણા દ્વારા ફેલાય છે.