WFTW Body: 

પરસ્પર માફી આપવાના કાર્યને ધ્યાનમાં લો. કોઈ પણ વ્યક્તિ જે પોતાની જાતનો નકાર કરે છે તે ક્યારેય બીજા પ્રત્યે કડવાશ કે દ્વેષ રાખી શકતો નથી અથવા બીજા મનુષ્યને માફી આપવામાં નિષ્ફળ થઈ શકતો નથી. રોષ ફક્ત એજ હૃદયમાં હોય ​​છે જ્યાં ‘સ્વ’ હજુ પણ સિંહાસન પર હોય છે.

ઇસુએ એકવાર એક ચાકરનું દૃષ્ટાંત કહ્યું કે, જેને તેના માલિક દ્વારા મોટું દેવું માફ કરવામાં આવ્યુ હોવા છતાં, તે તેના સાથી ચાકરનું મામૂલી દેવું માફ કરી શક્યો નહિ. તેના માલિકે, આ સાંભળીને, નિર્દય ચાકરને સજા કરવા માટે પીડા આપનારાઓને સોંપી દીધો. "તેથી", ઈસુએ કહ્યું કે, "એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના બાપ પણ તમને એમ જ કરશે" (માથ્થી 18:35). જો કે, સજા માટે પીડા આપનારાઓને સોંપવામાં આવે છે, તેનું એક અર્થઘટન એ છે કે જેઓ માફ નહિ કરવાનું વલણ અપનાવે છે અથવા તો તેમના કોઈપણ સાથી-વિશ્વાસીઓને માફી નહીં આપવાની ભાવના રાખે છે તેમની સાથે ઈસુએ જેમ કહ્યું બિલકુલ તેવું જ થશે. નોંધ લો કે ઈસુએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે માફી હૃદયથી હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, તે પૂરા હ્રદયથી હોવી જોઈએ અને બાહ્ય વિધિ ન હોવી જોઈએ. જો તમારા હૃદયમાં હજુ પણ કડવાશ હોય તો તમે કોઈને માફી આપી છો તેવું કહેવું અર્થહીન છે.

આપણે ઈશ્વરના પ્રેમના નિયમનું ઉલ્લંઘન કરીએ છીએ, ત્યારે આપણે ખ્રિસ્તના શરીરના કામમાં અવરોધ ઊભો કરીએ છીએ. પરંતુ એટલું જ પૂરતું નથી. આપણે આપણી જાતને પણ નુકસાન પહોંચાડીએ છીએ. ડો. એસ.આઈ. મેકમિલન, ‘આમાંથી કોઈ પણ રોગોમાં નહીં’માં કહે છે કે, "જે ક્ષણે હું કોઈ માણસને ધિક્કારવાનું શરૂ કરું છું, હું તેનો ગુલામ બની જાઉં છું. હું મારા કામનો હવે આનંદ લઈ શકતો નથી, કારણ કે તે મારા વિચારોને પણ નિયંત્રિત કરે છે. મારી નારાજગી મારા શરીરમાં ઘણા બધા તણાવના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને હું થોડા કલાકોના કામ પછી થાકી જાઉં છું. અગાઉ જે કામનો હું આનંદ માણતો હતો તે હવે કઠિન બની ગયું છે. આરામના દિવસો પણ મને આનંદ આપતા નથી. હું જ્યાં પણ જાઉં છું ત્યાં તે માણસ જેને હું ધિક્કારું છું તે મને હેરાન કરે છે. હું મારા મન પરની તેની જુલમી પકડમાંથી છટકી શકતો નથી."

છુપા પૂર્વગ્રહો અને કડવાશ, અસરકારકતાને ખરાબ કરે છે, અને તે આજે સમગ્ર વિશ્વમાં ઘણા ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી કાર્યકરોના શારીરિક સ્વાસ્થ્યને પણ બગાડે છે.

ઈસુએ શીખવ્યું કે આપણે સંગત પુનઃસ્થાપિત કરવામાં પહેલ કરવી જોઈએ, ત્યારે પણ જયારે કોઈ ભાઈને લાગે (સાચું કે ખોટું) કે આપણે તેને દુઃખ પહોંચાડ્યું છે. ઈસુએ કહ્યું‌ કે, “એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ" (માથ્થી 5:23, 24).

તેવી જ રીતે તેમણે કહ્યું કે, “જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે” (માર્ક 11:25 ). જ્યાં પણ સંગત તૂટી ગઈ હોય ત્યાં તેને પુનઃસ્થાપિત કરવા માટે, ઈસુ આપણને બધી પરિસ્થિતિઓમાં આપણી જાતનો નકાર કરવા, આપણા અભિમાનને ગળી જવા અને "વિશેષ પ્રયત્ન" કરવા કહે છે. અમુક સમયે, સમાધાનના આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, કોઈ ભાઈ કઠોર અને માફ ન કરવાનું વલણ અપનાવી શકે છે; પરંતુ જો આપણે પ્રયત્ન કર્યો હોય તો આપણે ઈશ્વર સમક્ષ આપણી‌ જવાબદારી નિભાવી કહેવાશે.

ઈસુના શબ્દો સ્પષ્ટ કરે છે કે જો આપણી અને તેમના શરીરના અન્ય કોઈ અંગ વચ્ચે મામલો વણસ્યો હોય અને આપણે સમાધાન માટે કોઈ પ્રયાસ ન કર્યો હોય તો, ઈશ્વર આપણી ભક્તિ કે આપણી સેવા કે અન્ય કોઈ પણ બાબત જે આપણે તેમને આપીએ છીએ તે સ્વીકાર કરી શકતા નથી. મને ક્યારેક આશ્ચર્ય થાય છે કે કેટલા ખ્રિસ્તીઓ ઈસુના શબ્દોને ગંભીરતાથી લે છે. ઘણા લોકો ઈશ્વરની આજ્ઞાઓને હળવાશમાં લે છે અને તેથી ખ્રિસ્તના શરીરમાં આત્મિક મરણ લાવે છે. માફી આપવાનું વધુ એક કારણ, પાઉલ આપણને કહે છે, “કે જેથી શેતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય” (કરિંથીઓને બીજો પત્ર 2:11).