written_by :   Bobby McDonald
WFTW Body: 

નવા કરારના પ્રબોધનો ઉપયોગ કરવો
બોબી મેકડોનાલ્ડ
(વડીલ, NCCF ચર્ચ, સેન જોસ, કેલિફોર્નિયા, યુ એસ એ)

"પ્રબોધ કરવાની અભિલાષા રાખો..." (કરિંથીઓને પહેલો પત્ર 14:39)

1. વ્યાખ્યા - કરિંથીઓને પહેલો પત્ર 14:3 - જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે - અથવા બીજા શબ્દોમાં “ઉત્તેજન, બળ અને દિલાસો” આપવા - ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન). હિબ્રૂઓને પત્ર 3:13 માં આપણને એકબીજાને ઉત્તેજન આપવા - પ્રેમમાં ઊંચા ઉઠાવવા - કહેવામાં આવ્યું છે. પ્રબોધમાં સૌપ્રથમ આપણે ઉત્તેજન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી આપણે નિરાશ લોકોને ઊભા કરી શકીએ - તેથી તે લોકોને પાપના કપટથી કઠણ હૃદયના થવાથી બચાવી શકીએ. જો આપણે આ સારી રીતે કરીશું, તો ઈશ્વર એવા વચનો બોલવા માટે આપણને સક્ષમ કરશે જે તેઓને પડકાર આપશે,ઉપદેશ આપશે અને તેમના પાપ માટે તેઓને દોષિત ઠરાવશે. અજાણી ભાષામાં બોલવાના કૃપાદાન કરતાં પ્રબોધ કરવો વધુ સારો છે કારણ કે પ્રબોધ મંડળીમાં અન્ય લોકોને બોધ આપે છે જ્યારે અન્ય ભાષામાં બોલવાથી ફક્ત તે જ વ્યક્તિનું નિર્માણ થાય છે (કરિંથીઓને પહેલો પત્ર 14:4).

2. પ્રબોધ દરેક માટે છે - આપણે બધાએ પ્રબોધ કરવાનું કૃપાદાન મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. (કરિંથીઓને પહેલો પત્ર 14:31 મુજબ). મંડળીમાં બહેનો પણ પ્રબોધ કરી શકે છે - તે માત્ર પુરુષો માટે જ નથી. જયારે બહેનો પ્રબોધ કરે ત્યારે તેઓનું માથું ઢાંકેલું હોવું જોઈએ. અને તેનું કારણ આ છે: કરિંથીઓને પહેલો પત્ર 11:3-15 શીખવે છે કે સ્ત્રીનું શિર પુરુષ છે. અને જ્યારે સ્ત્રી તેનું માથું ઢાંકે છે, ત્યારે તે મૌન સાક્ષી આપે છે કે મંડળીમાં માણસનો મહિમા ઢાંકેલો હોવો જોઈએ - જેથી ફક્ત ઈશ્વરનો મહિમા દેખાય.

3. તેને વ્યક્તિગત રાખવાની ખાતરી કરો - ઉપદેશ આપવા માટે કોઈ વચન તૈયાર કરતી વખતે, ખાતરી કરો કે તે તમારો વ્યક્તિગત અનુભવ છે અને માત્ર એક માન્યતા નથી. ઈસુએ ફક્ત તે વિશે જ વાત કરી હતી જે તેમણે પ્રથમ અમલમાં મૂકી હતી (પ્રેરિતોનાં કૃત્યો 1:2 કહે છે: "ઈસુએ પ્રથમ કર્યું અને પછી શીખવ્યું"). આપણે ક્યારેય પોતે અમલમાં ન મૂક્યા હોય એવા સિદ્ધાંતોનો ઉપદેશ ન આપવો જોઈએ! જો આપણી પાસે કહેવા માટે કંઈ નવું ન હોય, તો આપણે જે અગાઉ બોલ્યા છીએ તેનું પુનરાવર્તન કરવું શ્રેષ્ઠ છે - પરંતુ જે આપણે આપણા જીવનમાં ક્યારેય કર્યું નથી, તે નહીં. જો આપણે તેમના આજ્ઞાપાલનમાં જીવ્યા હોઈએ તો જ ખ્રિસ્તનો અધિકાર આપણને સમર્થન આપશે. અને તેથી, જ્યારે આપણે ઈશ્વરના વચનનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણે આપણા પોતાના જીવનમાં, સૌ પ્રથમ તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પછી આપણે આપણા જીવનમાં જે કર્યું છે અને અનુભવ્યું છે તે વિશે વાત કરી શકીએ છીએ.

4. નમ્ર હૃદય રાખો - આત્મવિશ્વાસ સાથે ક્યારેય વાત કરશો નહીં. અને લોકોને ઉપદેશ આપશો નહીં. આપણે બીજાઓને એવી છાપ આપવી જોઈએ નહિ કે આપણે જીવનના બધા પ્રશ્નો ઉકેલી લીધા છે! તેના બદલે, આપણા વિશ્વાસના પ્રમાણમાં જ પ્રબોધ કરવો જોઈએ (રોમનોને પત્ર 12:6). આપણે હંમેશા નમ્ર હૃદયથી વાત કરવી જોઈએ, ફક્ત ઈસુને ઊંચા કરવા જોઈએ. જ્યારે એકલા ઈસુને ઊંચા કરવામાં આવે છે, ત્યારે તે લોકો તેમની તરફ ખેંચશે (યોહાન 12:32). અને તેથી, આપણે ખૂબ પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર આપણને તેમના વચન પ્રગટ કરતી વખતે દરેક સમયે નમ્ર હૃદય રાખવા માટે મદદ કરે.

5. દેહ પર ભરોસો ન રાખો - "અમે દેહ પર ભરોસો ન રાખનાર સાચા સુન્નતી છીએ" (ફિલિપ્પીઓને પત્ર 3:3). જો તમારી પાસે જાહેરમાં બોલવાની હિંમતનો અભાવ હોય, તો પાછા હટશો નહીં, પરંતુ તમને મજબૂત કરવા માટે ઈશ્વરને શોધો - અને તે તમને બળ આપશે. જો આપણી પાસે જાહેરમાં બોલવાની કુદરતી ક્ષમતા હોય તો આપણે ચોક્કસપણે તેના પર આધાર રાખવો જોઈએ નહીં; પરંતુ તમને મજબૂત કરવા માટે પ્રાર્થનામાં હજી વધારે ઈશ્વર પર આધાર રાખો. પ્રબોધ માટે પ્રભુ પર વિશ્વાસ અને નિર્ભરતા સંપૂર્ણ આવશ્યક બાબતો છે.

6. ખૂબ પ્રાર્થના કરો - આપણે પ્રાર્થના કરવી જોઈએ, ઈશ્વરને વિનંતી કરો કે તમારે શું બોલવું અને શું ન બોલવું તે સમજવા જ્ઞાન આપે (યાકૂબનો પત્ર 1:5). આપણે પવિત્ર આત્માના સામર્થ્ય માટે વિનંતી કરવી જોઈએ જેથી જયારે આપણે બોલીએ, ત્યારે તે આપણને ખરા આત્મામાં અને ખરા હેતુ સાથે બોલવા માટે સક્ષમ બનાવે (લૂક 11:13). અને વચનની સેવા પૂર્ણ કર્યા પછી પણ પ્રાર્થના કરવાની ટેવ પાડો. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે વાવેલું બીજ કોઈ સારી જમીન પર પડે અને ફળ આપે; અને તમે જે બોલ્યા છો તેની અન્ય લોકો કદર કરે ત્યારે ઈશ્વર આપણને ગર્વથી બચાવે, અને આપણે જે બોલ્યા છીએ તેની કોઈ કદર ન કરે તો આપણને નિરાશાથી પણ બચાવે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઈશ્વરે આપણને જે બોલાવવા માંગતા હતા તે આપણે બોલ્યા કે નહિ અને તે નમ્રતાથી બોલ્યા કે નહિ. જો તમે તેમ કર્યું હશે તો ઈશ્વરનો મહિમા થશે – અને તે સૌથી મહત્ત્વનું છે.

7. તૈયારીમાં સમય વિતાવો - જો બોલવું આપણા માટે સંઘર્ષ છે, તો આપણે જે કહેવા જઈ રહ્યા છીએ તે ગોઠવવામાં ઘણો સમય પસાર કરવો જોઈએ, બોલવા માટે આપેલા સમયને વળગી રહેવું જોઈએ અને આપણે જે મુખ્ય મુદ્દા પર ભાર મૂકી રહ્યા છીએ તેને વળગી રહેવું જોઈએ. જો આપણે જે બાબત કહેવા માંગીએ છીએ તે લખીશું, તો મુદ્દાને વળગી રહેવું સરળ રહેશે અને આપેલા સમયને પણ વળગી રહીશું. પરંતુ આપણે અગાઉથી સખત મહેનત કરવી જોઈએ. બાઇબલ કહે છે કે આપણે જે વાવીએ છીએ તે લણીએ છીએ (ગલાતીઓને પત્ર 6:7). નીતિવચનો 13:4 કહે છે કે ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે. ઈશ્વર સખત મહેનતનું ફળ આપે છે. કરિંથીઓને પહેલો પત્ર 14:40 આપણને કહે છે કે "પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે." તેથી, હંમેશા સ્પષ્ટ રીતે બોલવાનો પ્રયાસ કરો - અને વ્યવસ્થિત રીતે. આપણે હંમેશા ઈશ્વરના વચનને એવી રીતે રજૂ કરવા જોઈએ કે લોકો સરળતાથી સ્વીકારી શકે, જેમ કે એક સારો રસોઇયા લોકો સરળતાથી પચાવી શકે તેવું ભોજન તૈયાર કરવા માટે સખત મહેનત કરે છે. આપણે કેટલીક બાબતોને પુનરાવર્તિત કરવા માટે તૈયાર રહેવું જોઈએ, અને હંમેશા કંઈક નવું બોલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પ્રભુએ આપણા હૃદયમાં જે મૂક્યું છે તે અતિ ઉત્તેજક લાગતું નથી. પરંતુ જો આપણને વિશ્વાસ હોય કે આપણે (આપણા શ્રેષ્ઠ જ્ઞાન પ્રમાણે) ઈશ્વર જે ઈચ્છે છે તે વહેંચી રહ્યા છીએ, તો આપણે ખાતરી રાખી શકીએ કે પ્રભુ તેને આશીર્વાદ આપશે.

8. તેને સરળ રાખો. ઈસુ હંમેશા સરળ રીતે બોલ્યા હતા. તેમણે જે શીખવ્યું તેમાં તેઓ વ્યવહારુ હતા - અને તેમના શબ્દો હંમેશા સમજવામાં સરળ હતા. જ્યારે લોકો ચતુરાઈભર્યા શબ્દો અને તેમની વકતૃત્વ કુશળતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સત્ય ખોવાઈ શકે છે. આપણે હંમેશા એવી રીતે બોલવું જોઈએ કે એક બાળક પણ સમજી શકે અને આપણે જે બોલીએ તેમાંથી કંઈક ઉપજી શકે.

9. ક્યારે રોકાવું તે જાણો. ઈસુએ ક્યારેય તેમના સંદેશાઓને લાંબા સમય સુધી ખેંચ્યા નથી. પહાડ પરના ભાષણની લંબાઈ માત્ર 20 મિનિટ છે. ઈશ્વર ખૂબ જ ટૂંકા સમયમાં શક્તિશાળી વચનો કહી શકે છે! ખૂબ લાંબુ બોલવાથી ઘણા લોકોને સમજવામાં મુશ્કેલી પડી શકે છે. ઘણા લોકો ધ્યાન પણ ગુમાવી શકે છે. માત્રા કરતાં ગુણવત્તા વધુ મહત્વપૂર્ણ છે. સભાશિક્ષક 6:11 કહે છે, "તમે જેટલા વધુ શબ્દો બોલો છો, તેનો અર્થ એટલો જ ઓછો થાય છે. તો તેથી શું ફાયદો છે?" (NLT ના તરજુમા પ્રમાણે) ઘણા ઓછા લોકો પાસે લાંબા સમય સુધી લોકોનું ધ્યાન ખેંચી રાખવાની ક્ષમતા હોય છે. લાંબા સંદેશાઓ આપવા કરતાં, ઈશ્વરે આપણા હૃદય પર જે મૂક્યું છે તે ટૂંકમાં બોલવું વધુ સારું છે - નહિ તો લોકો રસ ગુમાવે છે અને સતત તેમની ઘડિયાળો જોતા હોય છે (લૂક 14:8-11).

10. ભયભીત કે ડરપોક ન બનો પણ હિંમતવાન બનો. "ઈશ્વરે આપણને ભયનો કે બીકનો આત્મા નથી આપ્યો, પરંતુ સામર્થ્યનો આત્મા આપ્યો છે" (2 તિમોથી 1:7). ખ્રિસ્ત જે છે તેના કારણે અને આપણે જાણીએ છીએ કે તેમણે આપણા પોતાના જીવનમાં શું કર્યું છે તેના કારણે આપણે સામર્થ્યવાન બની શકીએ છીએ. ઈશ્વર આપણી અપૂર્ણતાનો પણ ઉપયોગ કરી શકે છે અને તેના દ્વારા બીજાઓને આશીર્વાદ આપી શકે છે. જો આપણે ઓછામાં ઓછું જે કરી શકીએ તેટલું કરીએ, તો ઈશ્વર તે કરશે જે આપણે કરી શકતા નથી, અને આપણે જે બોલીએ છીએ તેને આશીર્વાદ આપશે. જો આપણે ફક્ત કુંડને પાણીથી ભરવા માટે વિશ્વાસુ હોઈએ (કાનામાં), તો ઈશ્વર પાણીને દ્રાક્ષારસમાં બદલી નાખશે. (યોહાન 2:1-11). આ કરવા માટે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. જો આપણે તેમનામાં વિશ્વાસ રાખીએ તો ઈશ્વર આપણી નિર્બળતા દ્વારા ઘણાને આશીર્વાદ આપી શકે છે.

11. હંમેશા હૃદયથી પ્રબોધ કરો. આપણે આપણા મનથી શીખવવું જોઈએ નહીં. બાઇબલ કહે છે કે બધા જ પ્રબોધ કરી શકે છે (1 કરિંથીઓને પત્ર 14:31) પરંતુ બધા ઉપદેશકો હોઈ શકતા નથી (1 કરિંથીઓને પત્ર 12:29). શીખવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ બહુ ઓછાને ઉપદેશક બનવા માટે આપવામાં આવે છે; અને જો ઈશ્વરે આપણને આવું તેડું આપ્યું ન હોય, તો આપણે ક્યારેય શીખવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, 1 કરિંથીઓને પત્ર 8:1 કહે છે કે "જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે". તેના લીધે આપણે બીજાઓને આપણાથી ઉતરતા ગણી શકીએ છીએ. ફક્ત આપણે શું કહીએ છીએ એટલું જ મહત્વનું નથી, પરંતુ આપણે તેને કેવી રીતે કહીએ છીએ (અને કયા હેતુથી) તે પણ મહત્વનું છે. જો આપણા મનમાં હંમેશા બીજાની ભલાઈ ન હોય, તો આપણે જ્ઞાન, સિદ્ધાંત અને એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે ફક્ત લોકોના મનને ઉત્તેજિત કરે છે અને તેમનું મનોરંજન કરે છે!! જો કે, આપણું તેડું લોકોને ઊંચા ઉઠાવવાનું અને તેમને પડકાર આપવાનું છે.

12. આતુરતાપૂર્વક પ્રબોધના કૃપાદાન માટે અભિલાષા રાખો - પ્રેમને અનુસરો (1 કરિંથીઓને પત્ર 14:1). આપણે જે કરીએ છીએ તે પ્રેમથી વહેવું જોઈએ. પ્રેમ વિનાનું શ્રેષ્ઠ કાર્ય નિરર્થક છે. તેથી, આપણે મંડળી માટેના પ્રેમથી, અને અન્ય લોકોનું નિર્માણ કરવાની અને તેમને મદદ કરવાની ઇચ્છાથી પ્રબોધના કૃપાદાનની શોધ કરવી જોઈએ. આ આપણો હેતુ હંમેશા હોવો જોઈએ. ભાઈ ઝેક પૂનેને કહ્યું છે તેમ, "ઈશ્વરના સેવકના હૃદયમાં હંમેશા બે બાબતો હોવી જોઈએ તે છે ઈશ્વરનું વચન અને ઈશ્વરના લોકો".

13. વ્યક્તિગત વાતચીતમાં પણ પ્રબોધ કરો. પ્રબોધ કરવો એ આપણે મંડળીની જાહેર સભામાં બોલીએ ત્યાં સુધી જ મર્યાદિત નથી. આપણે બીજાઓ સાથેની વાતચીતમાં પણ પ્રબોધ કરી શકીએ છીએ. તે ફક્ત ફોન પર અથવા લેખિત સંદેશ દ્વારા અથવા તેમના ઘરમાં કોઈની સાથે વાત કરતી વખતે કોઈને ઉત્તેજન આપી શકાય છે. ઉત્તેજન આપવું એ પ્રબોધ છે, અને આપણે દરરોજ લોકોને ઉત્તેજન આપવાનો પ્રયાસ કરવો જોઈએ (હિબ્રૂઓને પત્ર 3:13). તેનાથી, આપણે જેમને પ્રેમ કરીએ છીએ એ લોકોને પાપથી કઠણ હૃદયના થવાથી બચાવી શકાશે. જો આપણે બીજાને આશીર્વાદ આપવા માંગતા હોઈએ તો આ રીતે આપણે કરી શકીએ. તકો માટે આપણે આપણી આંખો ખુલ્લી રાખવી જોઈએ. જો પ્રભુએ આપણને કંઈક કહ્યું જે આપણને આશીર્વાદિત નીવડ્યું હોય, તો ચાલો બીજા તે વડે કોઈને પણ આશીર્વાદ આપીએ. પ્રબોધ કરીએ "યોગ્ય સમયે - યોગ્ય શબ્દ બોલવો" છે. અને તે તે જ છે જે અન્ય લોકો માટે સૌથી વધુ આશીર્વાદ લાવશે (નીતિવચનો 15:23).

તેથી ચાલો આપણે ઈશ્વરના મહિમા માટે પ્રબોધ કરવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ!!