written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

આપણે મોટી ભુલામણીના દિવસો અને એવા સમયમાં જીવી રહ્યા છીએ જેને માટે ઈસુએ આપણને ચેતવણી આપી હતી કે લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે અને તેઓ એકબીજાને (ભાઈની વિરુદ્ધ ભાઈ) દગો કરશે. તેથી આપણે ફક્ત બધા‌ સાથે પ્રેમમાં ટકી રહેવું જોઈએ એટલું જ નહીં, પણ એવા લોકોથી દૂર રહેવા માટે પણ સમજદાર બનવું જોઈએ જેઓ હંમેશા ઝઘડા અને વિવાદ ઈચ્છે છે.

ખ્રિસ્તીઓ તરીકે, આપણે ક્યારેય કોઈનું ખરાબ નહીં કરીએ અને આપણે‌ ક્યારેય માણસો સાથે તકરાર કરીશું નહીં. પરંતુ આપણે ખોટા ઉપદેશોને ખુલ્લા પાડતા રહીશું.

આપણે "મૂંગાઓને ખાતર તથા સર્વ નિરાધાર માણસોના પક્ષમાં, આપણું મુખ ઉઘાડવું જોઈએ અને અદલ ઇનસાફ કરીને ગરીબ તથા દરીદ્રીને ન્યાય આપવો જોઈએ" (નીતિવચનો 31:8, 9). દાઉદે પ્રાર્થના કરી કે ઈશ્વર અહિથોફેલની સલાહ (2 શમુએલ 15:31) દ્વારા બંડખોર આબ્શાલોમની છાવણીમાં મૂંઝવણ પેદા કરે અને ઈશ્વરે તે પ્રાર્થનાનો જવાબ આપ્યો (2 શમુએલ 17:23). ઈસુએ પ્રાર્થના કરી કે તેમને દુઃખ પહોંચાડનારાઓને પિતા‌ માફ કરે. પરંતુ તેમણે અન્યોને નુકસાન પહોંચાડનારાઓની ટીકા દયા દર્શાવ્યા વગર કરી (માથ્થી 23 માં તેમણે કરેલી ફરોશીઓની ટીકા જુઓ).

અને હવે બુદ્ધિમાન કુમારિકાઓના દૃષ્ટાંત વિશે એક વાત: એકવાર આપણે એક દૃષ્ટાંતનું એક અર્થઘટન સાંભળી લઈએ છીએ પછી, આપણું મન તે અર્થઘટન પર એટલી‌ સરળતાથી સ્થિર થઇ જાય છે કે ઈશ્વર‌ આપણને તેનું બીજું અર્થઘટન ક્યારેય આપી શકે નહીં. થોડા સમય પહેલા, મેં ઈશ્વરને તેના સંદર્ભમાં દૃષ્ટાંત સમજવા માટે આ જડતામાંથી મને‌ બહાર નીકાળવા માટે વિનંતી કરી હતી - જે હંમેશા કોઈપણ દૃષ્ટાંતનું અર્થઘટન કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે :

માથ્થી 24:12 માં, ઈસુએ કહ્યું કે છેલ્લા દિવસોમાં ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, પણ અંત સુધી જે કોઈ ટકશે (જેમનો પ્રેમ ઠંડો પડી જશે‌ નહીં) તે જ તારણ પામશે (અથવા, ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શકશે) (માથ્થી 24:13).

ત્યાર પછી તેમણે કુમારિકાઓનું દૃષ્ટાંત કહ્યું - પાંચ જેમની મશાલો હોલવાઈ ગઈ અને પાંચ જેઓ અંત સુધી ટકી રહી અને ઘરમાં પ્રવેશી (માથ્થી 25). તેથી તેમણે જે તેલની વાત કરી તેનો એક અર્થ પવિત્ર આત્મા દ્વારા આપણને આપવામાં આવેલ દૈવી પ્રેમનો ઉલ્લેખ હોવો જોઈએ. તેથી જ્યારે વરરાજા આવે ત્યારે જો આપણે ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરવો હોય તો આપણે દૈવી પ્રેમમાં અંત સુધી ટકી રહેવું પડશે. "તેલની વધારાની કુપ્પી" રાખવાનો અર્થ‌ એ જ છે જે આપણી મશાલો અંત સુધી સળગતી રાખશે.

ઇસુએ કહ્યું, "તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે" (યોહાન 15:25) પરંતુ બદલામાં, તેમણે તેમને વિનાકારણ પ્રેમ કર્યો. ચાલો અંત સુધી તેમના ઉદાહરણ અને પ્રેમને અનુસરીએ. નહિંતર "સ્વ નકાર કરવો" એ નિરર્થક ઉપદેશ બની શકે છે - જેમ તેના વિશે ઉપદેશ કરનારા ઘણા લોકો માટે બની ગયું છે તેમ. મેં જોયું છે કે ઘણા "વિશ્વાસીઓ" કે જેઓ વધસ્તંભના માર્ગે ચાલવાની વાત કરે છે, તેઓમાં માત્ર પ્રેમનો જ અભાવ છે એમ નહિ પરંતુ સાદા માનવીય શિષ્ટાચાર અને માણસાઈનો પણ અભાવ હોય છે. તેઓ તેમના કહેવાતા "શુદ્ધ ઉપદેશ" માં ગૌરવ અનુભવે છે,‌ પરંતુ તેમના જીવનમાંથી દુર્ગંધ આવે છે. જો આપણો ઉપદેશ ખરેખર શુદ્ધ છે, તો ખ્રિસ્તના પ્રેમની સુગંધ આપણા જીવનમાંથી પ્રસરશે.

19મી સદીના ક્વેકર મિશનરી, સ્ટીફન ગ્રેલેટે એક વખત કહ્યું હતું કે, "હું આ દુનિયામાંથી એક જ વાર પસાર થવાનો છું. તેથી હું જે પણ સારી બાબત કરી શકું, અથવા કોઈપણ સાથી-સજીવો પ્રત્યે જે દયા બતાવી શકું, તે મને હમણાં કરી લેવા દો. મને તેને માટે થોભવા અથવા તેની અવગણના ન કરવા દો - કારણ કે હું ફરીથી આ માર્ગે પસાર થનાર નથી." મને તમને એ સલાહને અનુસરવા પ્રોત્સાહિત કરવા દો.