ઈસુનું જીવન સંપૂર્ણ વિશ્રામનું જીવન હતું. તેમની પાસે દરરોજ 24 કલાકમાં તેમના પિતાની બધી ઇચ્છા પૂરી કરવા માટે પૂરતો સમય હતો. પરંતુ જો તેમણે પોતાને જે સારું લાગે તે કરવાનું નક્કી કર્યું હોત, તો દિવસના 24 કલાક તેમને માટે પૂરતા ન હોત અને તેમના મોટાભાગના દિવસો અશાંતિમાં પસાર થયા હોત.
યરૂશાલેમના મંદિરના સુંદર દરવાજાની બહાર, ઈસુએ વારંવાર એક લંગડા માણસને ભીખ માંગતો જોયો. પરંતુ તેમણે તેને સાજો કર્યો નહિ, કારણ કે તેમના પિતા તરફથી એમ કરવા માટે કોઈ દોરવણી મળી નહોતી. પાછળથી, તેમના સ્વર્ગારોહણ પછી, પિતર અને યોહાને તે માણસને સાજો કર્યો - પિતાના સંપૂર્ણ સમયમાં - અને તેના પરિણામે ઘણા લોકો ઈશ્વર તરફ વળ્યા (પ્રેરિતોનાં કૃત્યો 3:1-4:4). તે માણસને સાજો કરવા માટેનો પિતાનો તે સમય હતો, અગાઉ તે સમય આવ્યો નહોતો. જો ઈસુએ તે માણસને અગાઉ સાજો કર્યો હોત તો તે પિતાની ઇચ્છામાં અવરોધ લાવત. તે જાણતા હતા કે પિતાનો સમય સંપૂર્ણ છે, અને તેથી તે ક્યારેય કંઈપણ કરવા માટે અધીરા થતા ન હતા.
ઈસુ તેમની સામે આવતા દરેક વિક્ષેપમાં આનંદ કરી શકતા હતા, કારણ કે તેમણે એ હકીકત સ્વીકારી હતી કે સ્વર્ગમાં એક સર્વોપરી પિતા છે જે તેમના રોજની દિનચર્યાનું આયોજન કરી રહ્યા હતા. અને તેથી તે ક્યારેય વિક્ષેપોથી નારાજ ન થતા. ઈસુનું જીવન આપણા આંતરિક મનુષ્યત્વને પણ સંપૂર્ણ વિશ્રામમાં લાવશે. આનો અર્થ એ નથી કે આપણે કંઈ પણ નહિ કરીએ, પરંતુ આપણે ફક્ત તે જ કરીશું જે આપણા જીવન માટે પિતાની યોજના છે. પછી આપણે આપણા પોતાના પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમ કરતાં પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે વધુ ઉત્સુક હોઈશું.
દૈહિક ખ્રિસ્તીઓ 'તેમની પોતાની બાબતો' કરવા માટે એટલા ઉત્સુક હોય છે કે તેઓ વારંવાર ચીડિયા અને બેચેન બની જાય છે. તેમાંના કેટલાક અંતે માનસિક અથવા શારીરિક રીતે ભાંગી પડે છે. પ્રભુ અને તેમના શિષ્યોની સેવા કરવામાં માર્થા કોઈ પાપ કરતી ન હતી. છતાં તે બેચેન હતી અને મરિયમની ટીકા કરતી હતી. આ દૈહિક સેવાનું સ્પષ્ટ ચિત્ર છે. દૈહિક ખ્રિસ્તી બેચેન અને ચીડિયો હોય છે. તે તેના "પોતાના કાર્યો" થી વિશ્રામ લેતો નથી અને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ્યો નથી (હિબ્રૂઓને પત્ર 4:10). તેના ઇરાદા સારા છે, પરંતુ તેને સમજાતું નથી કે તેના પોતાના કાર્યો ભલે ગમે તેટલા સારા હોય, પણ તેના બદલાણ પછી પણ ઈશ્વરની નજરમાં તે કાર્યો "મેલા ચીંથરા" જેવા છે (યશાયા 64:6).
જેઓ માર્થાની જેમ 'સેવા' કરે છે, તેઓ ભલે ગમે તેટલા નિષ્ઠાવાન હોય, પણ તેઓ ખરેખર માત્ર પોતાની જ સેવા કરે છે. તેઓને ઈશ્વરના સેવકો કહી શકાય નહીં, કારણ કે સેવક સેવા કરતા પહેલા, તે સાંભળવાની રાહ જુએ છે કે તેના માલિક તેને શું કરવા કહે છે. ઈસુ માટે માનસિક રીતે ભાંગી પડવું અશક્ય હતું, કારણ કે તેઓ તેમના આંતરિક મનુષ્યત્વમાં સંપૂર્ણ વિશ્રામમાં હતા. તે આપણને કહે છે,
મારી ઝૂંસરી તમે પોતા પર લો અને મારી પાસેથી શીખો, અને તમે પણ તમારા જીવમાં વિસામો પામશો (માથ્થી 11:29).
આ ઇસુનો મહિમા છે જે, ઈશ્વરનો આત્મા આપણને વચનમાં બતાવે છે અને તે આપણને આપવા અને આપણા દ્વારા પ્રગટ કરવા માંગે છે.
પ્રભુ આપણાં ઘેટાંપાળક છે અને તે તેમના ઘેટાંને વિશ્રામના બીડમાં દોરી જાય છે. ઘેટાં પોતાના કાર્યક્રમનું આયોજન પોતે કરતા નથી અથવા નક્કી કરતા નથી કે આગળ કયા બીડમાં જવું. તેઓ ફક્ત તેમના ઘેટાંપાળકને અનુસરે છે. પરંતુ તે રીતે ઘેટાંપાળકને અનુસરવા માટે વ્યક્તિએ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા દૂર કરવી પડશે. ઈસુ નમ્રતાથી તેમના પિતાને અનુસર્યા. પરંતુ દૈહિક ખ્રિસ્તીઓ ઘેટાં બનવા માંગતા નથી, અને તેથી પોતાની બુદ્ધિને અનુસરતા તેઓ માર્ગ ભૂલી જાય છે. આપણી બુદ્ધિ ઈશ્વરનું અદ્ભુત અને સૌથી ઉપયોગી કૃપાદાન છે, પરંતુ જો આપણા જીવનમાં આપણે બુદ્ધિને પ્રભુના સ્થાન જેવું ઉચ્ચ સ્થાન આપીશું તો તે બધા કૃપાદાનોમાં સૌથી ખતરનાક બની શકે છે.
ઈશ્વરે તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું, "પિતા, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાવ." સ્વર્ગમાં ઈશ્વરની ઈચ્છા કેવી રીતે પૂરી થાય છે? ત્યાંના દૂતો 'ઈશ્વર માટે કંઈક' કરવાનો પ્રયાસ કરતા દોડાદોડ કરતા નથી. જો તેઓ આમ કરે તો સ્વર્ગમાં મૂંઝવણ થશે. તેઓ શું કરે છે? ઈશ્વર જે આદેશ આપે છે તે સાંભળવા માટે તેઓ ઈશ્વરની હાજરીમાં રાહ જુએ છે, અને પછી તેઓને વ્યક્તિગત રીતે જે કરવાનું કહેવામાં આવે છે તે પ્રમાણે બરાબર કરે છે. ઝખાર્યાને દેવદૂત ગાબ્રિયેલે કહેલા શબ્દો સાંભળો, "ઈશ્વરની આગળ ઊભો રહેનાર હું ગાબ્રિયેલ છું; અને મને તારી સાથે વાત કરવા મોકલવામાં આવ્યો છે....” (લૂક 1:19). આ તે સ્થાન છે જે પ્રભુ ઈસુએ પણ લીધું - તેમના પિતાની હાજરીમાં રાહ જોઈ, તેમનો અવાજ સાંભળ્યો અને તેમની ઇચ્છા પૂર્ણ કરી.
દૈહિક ખ્રિસ્તીઓ સખત મહેનત કરી શકે છે અને ઘણું બલિદાન આપી શકે છે, પરંતુ અંનતકાળનો પ્રકાશ સ્પષ્ટ રીતે પ્રગટ કરશે કે "તેઓએ આખી રાત મહેનત કરી અને કશું પકડ્યું નહીં." પરંતુ જેમણે દરરોજ પોતાનો વધસ્તંભ ઉપાડ્યો (સ્વ-નકાર કર્યો અને સ્વ માટે મરણ પામ્યા) અને ઈશ્વરના આદેશનું પાલન કર્યું, તેઓની પાસે તે દિવસે માછલીઓથી ભરેલી જાળ હશે (યોહાન 21:1-6).
ઈસુએ કહ્યું, “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.” (લૂક 9:62).