પ્રેરિતોનાં કૃત્યો 1:1 આપણને કેટલીક મહત્વપૂર્ણ બાબત શીખવે છે. આ પુસ્તક લૂકે લખ્યું હતું, જે પાઉલનો સહકાર્યકર હતો, અને તેણે 'પ્રેરિતોનાં કૃત્યો* લખ્યા પહેલાં, 'લૂકની સુવાર્તા' લખી હતી. બંને પુસ્તકો લૂકે થિયોફિલ નામની એક વ્યક્તિને લખ્યા હતા. પ્રેરિતોનાં કૃત્યોની શરૂઆતમાં, તેણે પહેલાની સુવાર્તાનો ઉલ્લેખ કર્યો છે, “ … ઈસુએ જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબત વિશે, ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે.” જો તમે લૂકને તેની સુવાર્તા માટે શીર્ષક આપવા કહો તો તે કહેશે, “ઈસુએ જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબતો” નહિ કે, “જે બધું ઈસુએ શીખવ્યું,” પરંતુ “જે બધું તેમણે કર્યું અને શીખવ્યું.” ઈસુના જીવનમાં એક સિદ્ધાંત હતો કે તેઓ કદી એ બાબત શીખવતા ન હતા જેનો તેમણે પોતાના જીવનમાં અમલ કર્યો ન હોય. સિદ્ધાંત એ છે: પ્રથમ કરો અને પછી શીખવો. પ્રથમ શીખવો અને પછી કરો નહિ, પરંતુ કરો અને પછી શીખવો. ઈસુએ ઉપદેશ આપ્યો અને પછી કર્યું એમ નહિ; તેમણે તે શીખવ્યું જે તેઓ પહેલાથી જ કરી રહ્યા હતા અને આગળ પણ કરતા રહ્યા. આ જ સિદ્ધાંત છે.
તે આધારે, જો તમે લૂકને 'પ્રેરિતોનાં કૃત્યોનું શીર્ષક આપવા કહો, તો તમને શું લાગે છે તે કેવું શીર્ષક આપશે? જો લૂકની સુવાર્તા "ઈસુએ તેના ભૌતિક શરીરમાં પૃથ્વી પર જે કરવાનું અને શીખવવાનું શરૂ કર્યું તે બધું હતું" તો 'પ્રેરિતોનાં કૃત્યો એ "ઈસુએ તેમના આત્મિક શરીર એટલે મંડળી દ્વારા જે કરવાનું અને શીખવવાનું ચાલુ રાખ્યું તે બધું છે." આપણું ધ્યેય આ જ છે કે તેમણે ૩૩ વર્ષ સુધી પૃથ્વી પર રહેતા જે કરવાનું અને શીખવવાનું શરૂ કર્યું હતું તે બધું ચાલુ રાખવું. આ જ કારણ છે કે મંડળીને ઈસુ ખ્રિસ્તના શરીર તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે, ઈસુએ શું શીખવ્યું તેની સમજૂતી મેળવવી મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે તે કરવું જોઈએ અને પછી શીખવવું જોઈએ.
'પ્રેરિતોનાં કૃત્યોમાં એનું એક સુંદર ઉદાહરણ છે. 'પ્રેરિતોનાં કૃત્યો 10:4' માં, ઈશ્વર રોમન સેનાપતિ કર્નેલ્યસ પાસે એક દૂત મોકલે છે અને દૂત તેને કહે છે, "તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે." પરંતુ દૂતે તેને સુવાર્તા કેમ ન આપી? તેણે કર્નેલ્યસને કેમ કહ્યું નહિ કે, “તને ખબર છે કે તું પાપી છે, મસીહ તારા પાપો માટે મૃત્યુ પામ્યા અને ફરી જીવતા થયા છે, કે તારે તેમને તારા પ્રભુ તરીકે સ્વીકારવાની, પસ્તાવો કરવાની અને વિશ્વાસ રાખવાની જરૂર છે?” દૂત એવું કહી શક્યો નહિ. દૂત ફક્ત એટલું જ કહી શક્યો કે “તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે, અને હવે તું માણસો મોકલીને સિમોનને તેડાવ, તે દૂર જોપ્પામાં રહે છે. પિતરને અહીં આવવામાં થોડો સમય લાગી શકે છે, પણ તારે રાહ જોવી પડશે.” અને પછી દૂત વિદાય લે છે.
તમને નથી લાગતું કે દૂત કર્નેલ્યસને તે જ વાત કહી શક્યો હોત જે પિતર તેને કહેશે? દૂતને સુવાર્તાની સ્પષ્ટ સમજણ હતી. એક મહત્વપૂર્ણ કારણ છે જેના લીધે સર્વશક્તિમાન ઈશ્વરે દૂતને કર્નેલ્યસને સુવાર્તા આપવા માટે મંજૂરી ન આપી. કારણ કે દૂતને સુવાર્તાનો અનુભવ નહોતો, કર્નેલ્યસને પિતર આવે ત્યાં સુધી ઘણાં દિવસો રાહ જોવી પડી. દૂત પિતરની જેમ કહી ના શક્યો હોત કે “હું પાપી હતો, પરંતુ ઈસુ મારા માટે મરણ પામ્યા, અને તેમના લોહીએ મારા પાપોને ધોઈ નાખ્યા છે, અને મને પાપોની માફી મળેલી છે.”
દૂત સુવાર્તા પ્રચાર કરી શક્યો નહિ કારણ કે આ કહી શકે નહિ. તે એક એવી સત્ય વાતનો પ્રચાર કરી શકતો નથી કે જે તે માત્ર મનથી જ જાણતો હતો. તે પિતર કરતા વધુ સારો પ્રચાર કરી શક્યો હોત; પણ તેનો કોઈ અર્થ નહોતો. તેને આ વાત કહેવાની મંજૂરી નહોતી, કારણ કે તેને તેનો અનુભવ નહોતો. આ આપણને એક મૂળભૂત સિદ્ધાંત શીખવે છે: ઈશ્વર આપણને તે જ શીખવવા માટે મંજૂરી આપે છે જેનો આપણે અનુભવ કર્યો છે. જે લોકો એવી બાબતનો પ્રચાર કરે છે જે તેમણે કરી નથી અથવા તેને અનુભવી નથી તેઓ માટે નવા કરારમાં એક શબ્દ છે, તે શબ્દ છે “ઢોંગી”. ઘણા ઢોંગી ઉપદેશકો છે.
ઈસુ ઈચ્છે છે કે આપણે પહેલા કરીએ અને પછી શીખવીએ, નહી કે જે આપણે કર્યું નથી તે શીખવીએ. આપણે શીખવવાથી શરૂઆત કરવી જોઈએ નહીં; શરૂઆત અમલમાં મૂકવાથી કરવી જોઈએ. જો તમે તમારા જીવનમાં ઈસુએ જે આદેશ આપ્યા છે તેનો અમલ ન કર્યો હોય તો તમે એવું વિચારી શકો નહિ કે તમે બાઈબલ શાળામાં જઈને, ત્રણ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કરી, ડિગ્રી મેળવીને, પછી તમે હવે લોકોને શીખવી શકશો. મને યાદ છે કે મેં એક વ્યક્તિ સાથે વાત કરી હતી, જેણે ચાર વર્ષના બાઈબલ કોલેજનો અભ્યાસ કર્યો હતો. તે તેની કક્ષામાં સૌથી સારા ગુણ મેળવનાર વિદ્યાર્થી હતો. મેં તેના ગ્રેજ્યુએશન સમારંભમાં ભાષણ આપ્યું હતું, તે મને મળવા માટે આવ્યો અને મેં તેને પૂછ્યું, “આ ચાર વર્ષના અભ્યાસના અંતે, તારા આંતરિક જીવનમાં તારી આત્મિક સ્થિતિ શું છે?” તેણે કહ્યું, “તે પહેલા કરતાં વધુ ખરાબ છે. પાપે મારા પર વધુ જીત મેળવી છે.” તે પ્રામાણિક હતો. મેં તેને કહ્યું, “હવે તું તારી ડિગ્રી સાથે બહાર જઈને ક્યાંક ધર્મસેવક બનીશ, તો તું લોકોને શું શીખવીશ? વિવિધ કલમોના હિબ્રૂ અને ગ્રીક ભાષાઓના અર્થ શીખવીશ કે, તું તેમને બતાવી શકીશ કે આંખોની લાલસાને કેવી રીતે જીતી શકાય, અને ક્રોધ પર કેવી રીતે વિજય મેળવી શકાય છે? લોકોએ તે સાંભળવું જોઈએ, કારણ કે ઈસુએ તે શીખવ્યું. અને જો તેં તારા જીવનમાં આ જીત મેળવી નથી, તો તું ફક્ત સિદ્ધાંતો શીખવીશ."
ઘણા ઉપદેશકો અને ધર્મસેવકોની આવી દુઃખદ સ્થિતિ છે, અને તેથી જ તમે અવારનવાર સાંભળો છો કે કોઈ પ્રખ્યાત ઉપદેશક અથવા પાસ્ટર, જેણે ઘણા વર્ષો સુધી પ્રચાર કર્યો છે, અચાનક કબૂલાત કરે છે કે તે ઘણા વર્ષોથી વ્યભિચારમાં હતો. કેવી રીતે મંડળીના લોકો આ માણસના આત્માની અશુદ્ધિને પારખી શક્યા નહિ? કારણ કે તેઓ તેમના પ્રચારની છટા અને તેમના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. ઈસુએ કહ્યું, “મેં જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”
જ્યારે ઈસુએ તેમના મહાન આદેશમાં કહ્યું, “મેં જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” તેઓ આપણને ઢોંગથી મુક્ત રહેવાનું કહી રહ્યા હતા. તેઓ આપણને કદી તે વાત ન કરવાની ચેતવણી આપી રહ્યા હતા જે આપણે ન કર્યું હોય. ફક્ત તે જ શીખવો, જે પહેલા આપણે પોતાના જીવનમાં કર્યું હોય.