"મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ ..." (માથ્થી 28:20)
મહાન આદેશનો આ આગળનો ભાગ છે. પ્રથમ, આપણે સર્વ દેશનાઓ પાસે જઈએ છીએ અને લોકોને કહીએ છીએ કે તેઓ પાપી છે, કે ખ્રિસ્ત તેમના પાપો માટે મૃત્યુ પામ્યા અને મૃત્યુમાંથી ઉઠ્યા, કે તે સ્વર્ગમાં ગયા છે અને પાછા આવવાના છે, અને પિતા પાસે જવાનો એકમાત્ર માર્ગ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે પણ આપણને લોકો પ્રતિભાવ આપતા જોવા મળે છે, ત્યારે આપણે તેમને ઈસુને તેમના જીવનના પ્રભુ બનાવવા, શિષ્ય બનવા માટે આમંત્રિત કરીએ છીએ કે જેઓ આખી જીંદગી ખ્રિસ્તની પાછળ ચાલવાના છે, તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપીએ છીએ અને તેમને ઈશ્વરત્વના મર્મો વિશે સમજાવીએ છીએ. પરંતુ ત્યાં આ સમાપ્ત થતું નથી; તે બધું ઓલિમ્પિક મેરેથોન દોડ સ્પર્ધાની પ્રારંભિક લાઈનમાં આવવા જેવું છે.
જો તમને તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવા અને ઓલિમ્પિક મેરેથોન દોડ સ્પર્ધાની પ્રારંભિક લાઈનમાં આવવા માટે પસંદ કરવામાં આવે તો તે એક મહાન સિદ્ધિ હશે. તે પોતે એક મહાન બાબત છે, પરંતુ તેનો પોતાનો કોઈ અર્થ નથી, કારણ કે પ્રારંભિક લાઈન પર આવવું એ દોડની માત્ર શરૂઆત છે. તમે શિષ્ય બન્યા છો અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા લીધું છે તે હકીકત એ જ રીતે મહાન છે, પરંતુ ઓલિમ્પિકના ચિત્રની જેમ, તમારે દોડવાનું શરૂ કરવું આવશ્યક છે. અને તે દોડ માટે ઈસુએ આપણને જે આદેશ આપ્યો છે તે દરેક બાબત કરવાની છે.
દરેક ખ્રિસ્તી માટે આખું જીવન આ ચાલશે, અને આ તે બાબત છે જે દરેક મંડળીએ લોકોને શીખવવી જોઈએ.
જો કોઈ મંડળી શિષ્યો બનાવવા અને બાપ્તિસ્મા આપવાને પ્રાથમિકતા આપે છે, તો તેમણે ત્યાં અટકવું જોઈએ નહીં. તેઓએ દર રવિવારે તેમની મંડળીની સભાઓમાં શું શીખવવું જોઈએ? ઈસુએ દરરોજ જે શીખવ્યું તે દરેક બાબત. ઈસુએ જે શીખવ્યું તે બધું, માત્ર અમુક પસંદ કરેલી બાબતો જ નહીં, અને ચોક્કસપણે મનોવિજ્ઞાન અથવા માત્ર મનોરંજન નહીં. તે દુઃખદાયક છે જ્યારે મંડળી તેના સભ્યોની ગુણવત્તા સુધારવા કરતાં તેના સંગીતને સુધારવામાં વધુ રસ ધરાવે છે. તે અત્યંત દુઃખદ છે. તમને શું લાગે છે કે સ્વર્ગમાં ઈશ્વરને શેમાં વધુ રસ હશે?
ધારો કે એક નવી મંડળી એકત્ર થઈ છે. ધારો કે તેઓ એવા લોકોથી ભરેલી છે જેઓ ખરેખર નવો જન્મ પામ્યા છે, અને તેઓ ખરેખર ઈસુને તેમના જીવનના પ્રભુ બનાવવા માંગે છે. જો તમને જાણવા મળે કે આવી મંડળી સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો શું તમને લાગે છે કે ઈશ્વર પ્રસન્ન થશે? સારું સંગીત હોય તે સારું છે. હું તેની વિરુદ્ધ નથી. પરંતુ અહીં પ્રાથમિકતાનો પ્રશ્ન છે. ઈશ્વરને શેમાં વધુ રસ છે, મંડળીમાં લોકોની ગુણવત્તા વધુ ખ્રિસ્ત જેવી બની રહી છે તેમાં, અથવા સંગીત વધુ મનોરંજક બની રહ્યું છે તેમાં? ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તીઓ કેવી રીતે ભટકી ગયા છે, કારણ કે ખ્રિસ્તી આગેવાનો સમજી શક્યા નથી કે ઈશ્વર શેનાથી પ્રસન્ન થાય છે.
આપણે આપણી મંડળીમાં શું કરવાનું છે? આપણે લોકોને ઈસુએ જણાવેલી દરેક આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવવાનું છે. જો આપણે પોતે તેનું પાલન ન કર્યું હોય તો આપણે બીજાઓને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કેવી રીતે કરવું તે શીખવી શકતા નથી. આ બે નિવેદનો વચ્ચેના તફાવત પર ધ્યાન આપો: "મેં તમને જે આજ્ઞા આપી છે તે બધું તેઓને શીખવો," અને "મેં તમને જે આજ્ઞા આપી છે તે બધું કરવાનું તેઓને શીખવો."
જો ઈસુએ આજ્ઞા આપી છે તે મારે ફક્ત બીજાઓને શીખવવાની જ હોય, તો હું ઈસુના બધા ઉપદેશો લઈને તેઓને શીખવી શકું છું જેમ કોઈ માણસ રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા ઈતિહાસ શીખવે છે તેમ. હું સંકલ્પનાઓનો અભ્યાસ કરું છું અને હું તેમને શીખવું છું. પરંતુ "તે બધું કરવાનું તેઓને શીખવવા..." માટે જરૂરી એ છે કે મારે તે પહેલા જાતે કર્યું હોવું જોઈએ, જેથી હું તેમને શીખવી શકું કે તેઓ પણ તે કેવી રીતે કરી શકે છે. જો મેં તે જાતે ન કર્યું હોય, તો હું એક એવી વ્યક્તિ જેવો હોઈશ જે તરવાનું શીખવે છે પણ તેને તરતા આવડતું નથી. જો તમે તરવાના સિદ્ધાંતો અને તકનીકોને સમજો છો, તો તમે તેને બ્લેકબોર્ડ પર ઘણા બધા લોકોને સ્પષ્ટ રીતે સમજાવી શકો છો, અને છતાં તમે જાતે તરવૈયા ન હોવ. તે માત્ર "તેમને શીખવવા" માટે છે. પરંતુ "તેમને તે કરવાનું શીખવવું..." એ માટે તેમને સ્વિમિંગ પૂલ અથવા નદીમાં તરીને બતાવવું પડે છે કે તમે ખરેખર પાણીની સપાટી પર કેવી રીતે તરી શકો છો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકો છો.
બાઈબલના ખ્રિસ્તી આગેવાનની જવાબદારી છે કે તે લોકોને વાસ્તવમાં ઈસુએ આપેલી દરેક આજ્ઞાનું પાલન કરવાનું શીખવે, અને તે શિક્ષણ ખુબ મોટા પ્રમાણમાં છે. તેથી જ — તે આદેશને પરિપૂર્ણ કરવા, મેં “ઈસુએ શીખવ્યું તે બધું” પુસ્તક લખ્યું. હું માત્ર ઈસુની આજ્ઞા પરિપૂર્ણ કરવા માંગું છું, ઈસુએ જે શીખવ્યું તે બધું શીખવવા, અને મારા જીવનના છેલ્લા 52 વર્ષોમાં મેં જાતે જેમ કરવા માટે પ્રયત્ન કર્યો છે તેમ તમને તે કરવાનું શીખવવા માંગું છે. ફક્ત મારી મનપસંદ આજ્ઞાઓ અથવા સરળ હોય તેવી બાબતો પર ભાર મૂકવો અને અન્યની અવગણના કરવી તેમ નહીં.
ઈસુની આજ્ઞા પ્રમાણે બધું કરવું : એ દરેક શિષ્યનો જુસ્સો હોવો જોઈએ.