WFTW Body: 

ગીતોનું ગીત બધા ખ્રિસ્તીઓ માટે એક મહત્વપૂર્ણ પુસ્તક છે. હું પ્રભુનો ખૂબ આભારી છું કે તેમણે મને મારા ખ્રિસ્તી જીવનની શરૂઆત કરતી વખતે આ પુસ્તકનો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ માર્ગદર્શન આપ્યું. ખ્રિસ્ત સાથેનો વ્યક્તિગત, પ્રેમાળ, સમર્પિત સંબંધ એ સ્ત્રોત છે જેમાંથી પ્રભુ માટેની સર્વ ખરી સેવા વહે છે - પછી ભલે તે સુવાર્તા પ્રચાર હોય, મંડળી બાંધવી, બાઇબલ-શિક્ષણ, સામાજિક કાર્ય હોય કે કંઈપણ. આપણે પહેલા "વરરાજા અને કન્યાનું ગીત" શીખવું જોઈએ - તે ગીત જે આપણા પ્રભુ આપણા માટે ગાય છે, અને આપણે તેને તેમના માટે પાછા ગાઈએ છીએ.

ગીતોનું ગીત 1:1 માં આપણે સૌ પ્રથમ જોઈએ છીએ કે આ સુલેમાનનું ગીત છે - મુખ્યત્વે વરરાજાનું ગીત, અને કન્યાનું નહિ. તેનો અર્થ એ છે કે તે મુખ્યત્વે આપણા માટે આપણા પ્રભુનું ગીત છે, અને તે આપણું ગીત નથી. "આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો" (યોહાનનો પહેલો પત્ર 4:19). આપણે પહેલા તેમને પ્રેમ કર્યો ન હતો. તેમણે પ્રથમ આપણા પર પ્રેમ રાખ્યો. તેમણે આ ગીત પહેલા આપણા માટે ગાયું હતું, તેથી જ આપણે હવે તેમના માટે ગીત ગાઈ શકીએ છીએ.

ગીતોનું ગીત 4:8 માં આપણે વરરાજાને કન્યાને કહેતા સાંભળીએ છીએ, “હે [મારી] નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ જ ચિત્તાઓના પર્વતો પરથી જો" (ગીતોનું ગીત 4:8). આ સ્વર્ગીય સ્થળોમાં રહેવાનું આમંત્રણ છે. પ્રભુ કહે છે, "પૃથ્વીના દૃષ્ટિકોણથી વસ્તુઓને ન જુઓ. મારી સાથે સ્વર્ગીય સ્થળોમાં આવો અને તે દૃષ્ટિકોણથી બધું જુઓ. જયારે તમે એ વસ્તુઓ ત્યાંથી જોશો ત્યારે પૃથ્વીની વસ્તુઓ પછી નાની, ઝાંખી અને નકામી થઈ જશે." પ્રભુ આપણને ઊંચા સ્તરે લઈ જવા માંગે છે. એ ખરું છે કે ત્યાં સિંહો છે - દુષ્ટાત્માઓ, અંધકારના સત્તાધારીઓ અને શક્તિઓ. પણ આપણે ત્યાં પ્રભુ સાથે રહીશું અને તેમની સાથે મળીને આપણે તે બધી દુષ્ટ શક્તિઓ પર વિજય મેળવીશું.

ગીતોનું ગીત 4:12 માં વરરાજા કન્યાને "એક પ્રવેશ બંધ વાટિકા" કહે છે, ફક્ત વરરાજા માટે એક વિશિષ્ટ વાટિકા. તે બીજા કોઈની નથી. તે ફક્ત તેના પ્રભુની છે. શું તમારો પ્રભુ સાથેનો સંબંધ આવો છે? શું પ્રભુ તમને કહી શકે છે, "તમે મારી ખાનગી વાટિકા છો, ફક્ત મારી"? દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે જે આપણને આકર્ષિત કરી શકે છે જેમ કે આપણી જરૂરિયાત કરતાં વધુ પૈસા કમાવવાની તકો, પૃથ્વી પરની શક્તિ અને ખ્યાતિ મેળવવી અને આપણા માટે નામ કમાવવું વગેરે. આવી લાલચની સરખામણી કન્યાને લલચાવવાનો પ્રયાસ કરતા અન્ય પુરુષો સાથે કરી શકાય છે. પણ અહીં કન્યા આકર્ષિત થતી નથી. તે ફક્ત તેના પ્રિયતમ સાથે જ જોડાય છે. તે ફક્ત તેના વરરાજાની છે. બહુ ઓછા વિશ્વાસીઓ ખ્રિસ્ત સાથે આવા સંબંધમાં રહે છે અને તેથી જ તેઓ તેમને નજીકથી ઓળખતા નથી અને તેમના વચનને સમજી શકતા નથી. બાઇબલને સમજવાનું રહસ્ય એ છે કે સૌ પ્રથમ ઈશ્વર સાથે ઘનિષ્ઠ સંબંધ રાખવો - તેમના વચનનો અર્થ શું છે તે તેમના કરતાં વધુ સારી રીતે કોણ સમજાવી શકે. શરૂઆતના શિષ્યોની જેમ તેમની સાથે ચાલો અને તેમને તમારી સાથે વાત કરતા સાંભળવા માટે ઝંખના કરો. પછી તમારી આંખો તેમની આંખોની જેમ ખુલી જશે અને તમારા હૃદય તેમના હૃદયની જેમ જ્વાળામાં સળગી ઉઠશે.

ગીતોનું ગીત 5:2 માં, જ્યારે વરરાજા મધ્યરાત્રિએ આવ્યો અને "મારી પ્રાણપ્રિયે, મારે માટે ઉઘાડ" એમ કહીને તેને બોલાવી, ત્યારે કન્યાએ ખૂબ જ આળસ કરી હતી કે તે પોશાક પહેરીને દરવાજો ખોલી નહિ શકે (ગીતોનું ગીત 5:3). તેને ચિંતા હતી કે તેના પગ (જે તેણે ધોયા હતા) ગંદા થઈ જશે. વરરાજાએ પોતે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો (ગીતોનું ગીત 5:4). પછી કન્યાએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને દરવાજો ખોલ્યો, પણ જોયું કે તેનો પ્રિય ચાલ્યો ગયો હતો. જ્યારે તેણે તેને બોલાવ્યો ત્યારે તેણે તરત જ જવાબ આપ્યો નહિ, તેથી તે ત્યાંથી ચાલ્યો ગયો. આવું આપણી સાથે પણ થઈ શકે છે. પ્રભુ આપણને કહી શકે છે, "હવે તમે જે કરી રહ્યા છો તે બધું છોડી દો. તે પુસ્તક વાંચવાનું બંધ કરો. તે વાતચીત બંધ કરો. મારી સાથે એકલા રહો અને મારી સાથે વાત કરો. ચાલો સાથે ફરવા જઈએ." અને આપણે કહી શકીએ છીએ, "પ્રભુ, બસ રાહ જુઓ. મારે કંઈક મહત્વપૂર્ણ કામ છે. તે પંદર મિનિટમાં પૂરું થશે. પછી હું આવીશ." અને પંદર મિનિટ પછી, જ્યારે આપણે તે મહત્વપૂર્ણ (?) કાર્ય પૂર્ણ કરી લઈએ, ત્યારે આપણે કહીએ છીએ, "પ્રભુ, હું હવે તૈયાર છું." પણ આપણને ખબર પડે છે કે તે જતા રહ્યા છે. આપણે તેમને શોધી શકતા નથી. શું તમે ઈશ્વરના અસરકારક સેવક બનવા માંગો છો? પ્રભુ તમને બોલાવે ત્યારે બધું છોડી દેવાની અને તેમનું સાંભળવાની આ આદત કેળવો. તમને ક્યારેય પસ્તાવો થશે નહિ.

ગીતોનું ગીત 5:2 માં વરરાજા કન્યાને કહે છે, "હું રાત્રે બહાર ગયો છું અને ઝાકળથી ઢંકાયેલો છું. કારણ કે ઈસુ ખોવાયેલાને શોધવા અને તારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, તે વધસ્તંભના માર્ગે (સ્વ-નકારના) માર્ગે ચાલ્યા અને આ દુનિયાની અંધારી રાત્રે ખોવાયેલા ઘેટાંની શોધમાં દુઃખ સહન કર્યું. હવે તે તેમની કન્યાને પણ એ જ માર્ગે ચાલવા આમંત્રણ આપે છે. પણ તે તૈયાર નથી.

ગીતોનું ગીત 6:4-10 માં વરરાજા પછી તેની કન્યા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરે છે. તે કહે છે કે બધી સ્ત્રીઓમાં, કોઈ પણ તેની કન્યા, તેની સંપૂર્ણ સ્ત્રી જેવી નથી. હું તેને બીજા બધા કરતા વધારે પસંદ કરું છું." દરેક પતિએ તેની પત્નીને આ રીતે જોવી જોઈએ: દુનિયામાં ઘણી આકર્ષક સ્ત્રીઓ છે, પણ મારી પત્ની જેવી કોઈ નથી. તે મારી નજરમાં પ્રથમ ક્રમે છે. ઈશ્વર આપણા વિશે આ જ કહે છે. તે દુનિયાના બધા હોંશિયાર લોકો, ધનિક લોકો અને મહાન લોકો કરતાં આપણી વધુ કદર કરે છે.

ગીતોનું ગીત 7:1-9 માં, વરરાજા તેની કન્યાની પ્રશંસા કરે છે. આપણે સ્પષ્ટપણે જોવાની જરૂર છે કે આપણી સઘળી નબળાઈઓ હોવા છતાં, આપણા પ્રભુ ખરેખર આપણી પ્રશંસા કરે છે અને આપણી કદર કરે છે. ઘણા વિશ્વાસીઓ સતત દોષની લાગણી સાથે જીવે છે, ફક્ત એટલા માટે કે તેઓ માનતા નથી કે પ્રભુ તેમની પ્રશંસા કરે છે. અને જ્યારે વરરાજા કન્યાના હોઠની પ્રશંસા કરે છે, ત્યારે કન્યા ઝડપથી જવાબ આપે છે કે, તે બાબત ખરેખર તો વરરાજાના હોઠ માટે વધુ સાચી છે (ગીતોનું ગીત 7:9)! આ બંને વચ્ચે ઉચ્ચ સ્તરની આત્મીયતાની વાત કરે છે - જે પ્રકારની આત્મીયતા આપણે આપણા પ્રભુ સાથે રાખવી જોઈએ.

ગીતોનું ગીત 7:10 માં, કન્યા કહે છે, "હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે." અહીં કન્યા ફક્ત એમ નથી કહી રહી કે ઈશ્વર તેના છે, પણ ઈશ્વર તેનાથી ખુશ પણ છે. પ્રભુ માટે કહેવું, "હું તને પ્રેમ કરું છું" એ એક વાત છે. પ્રભુ માટે કહેવું, "હું તારાથી ખુશ છું" એ એકદમ અલગ વાત છે. પતિ પોતાની પત્નીને પ્રેમ કરી શકે છે, પણ તે જે રીતે કામ કરે છે તેનાથી ખુશ ન પણ હોય. પ્રભુ તમને પ્રેમ કરી શકે છે, પણ તમારા જીવનમાંની ઘણી બાબતોથી તે ખુશ ન પણ હોય. પરિપક્વ પ્રેમ પ્રભુને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. હવે કન્યા તેના વરરાજા સાથે સહકાર્યકર બને છે અને કહે છે, "હે મારા પ્રીતમ, ચાલ, આપણે જંગલમાં ચાલ્યાં જઈએ" (ગીતોનું ગીત 7:11). કન્યા હવે તેના વરરાજા જેવી જરૂરિયાતમંદ દુનિયાની ચિંતા કરે છે જ્યાં ખેતરો કાપણી માટે સફેદ હોય છે. પણ ક્યારેય એકલા તે ખેતરોમાં ન જાવ. તમારા પ્રીતમ સાથે ત્યાં જાઓ. તેની સાથે સંબંધ બનાવો અને પછી તેની સેવા કરો. તે જ એક છે જે જાણે છે કે ખેતરના ક્યાં શ્રેષ્ઠ ભાગમાં તમે મહેનત કરી શકો છો.

આ ચાલીસ વર્ષથી વધુ સમય દરમિયાન મેં આ રીતે ઈશ્વરની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. હું ક્યારેય એકલા ક્યાંય જવા માંગતો નથી. મેં કહ્યું છે, "પ્રભુ, તમે માર્ગ બતાવો અને હું પણ તમારી સાથે આવીશ. ચાલો આપણે સાથે ખેતરોમાં જઈએ. મને કહો કે તમે ક્યાં જઈ રહ્યા છો. અને જો તમે ક્યાંક નથી જઈ રહ્યા, તો હું ત્યાં પણ જવા માંગતો નથી." જો આપણે પ્રભુની સાથે સંગતમાં અને તેમને આધીન રહીને સેવા કરીશું, તો આપણા જીવનમાં કોઈ બડાઈ નહિ હોય, કે આપણી સેવાની કોઈ બીજા સાથે સરખામણી નહિ થાય.