WFTW Body: 

મારા જીવનમાં ઘણી બધી વખત મેં પાછળ નજર કરી છે અને જોયું છે કે ઈશ્વરે મને કેવી રીતે દોર્યો છે અને મારા વિશ્વાસને તાજો કર્યો છે. જ્યારે હું મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરું છું અને એવું લાગે છે કે કોઈ રસ્તો નથી, ત્યારે હું મારી જાતને બાઇબલમાં આપેલા વચનો યાદ કરાવું છું અને અન્ય વિશ્વાસીઓ જે પ્રોત્સાહન મને આપે છે તે સાંભળું છું. પરંતુ મારો વિશ્વાસ સૌથી વધુ મજબૂત ત્યારે થાય છે જ્યારે હું પાછું વળીને જોઉં છું. ઈશ્વર મને પૂછે છે, "શું મેં અત્યાર સુધી એક વાર પણ તને નિરાશ કર્યો છે?" મારે જવાબ આપવો પડશે, “ના, પ્રભુ. એક વાર પણ નહિ." પછી તેઓ કહે છે, "હવે પછી પણ હું તને નિરાશ નહિ કરું." આ બાબત મને અન્ય કોઈ પણ બાબત કરતાં વધુ પ્રોત્સાહિત કરે છે.

શું તમે ફરીથી પડી ગયા છો? પાછળ નજર કરો અને જુઓ કે ભૂતકાળમાં ઈશ્વરે તમને કેવી રીતે માફ કર્યા હતા. જ્યારે તેમણે તમને માફ કર્યા, ત્યારે શું તેઓ જાણતા ન હતા કે તમે ફરીથી પડી જશો? શું તે તેમના માટે આશ્ચર્યજનક હતું કે તમે ફરીથી પડી ગયા છો? ના. તો પછી તેઓ તમને ફરીથી માફ કરશે. આભારીભાવ સહિત પાછળ જુઓ. એનાથી તમારો વિશ્વાસ મજબૂત થશે. પ્રભુની દયા માટે આભારી બનો. જ્યારે તમે ભૂતકાળમાં તમારી નિષ્ફળતાઓ તરફ જોશો, ત્યારે તમે તમારી આસપાસના અન્ય વિશ્વાસીઓ, જેઓ નિષ્ફળ જાય છે તેમની પ્રત્યે દયાળુ બનવાનું શીખી શકશો.

આપણે ક્યારેય ઉપર તરફ જોવાનું અને પ્રભુના મહિમાને વધુ જોવાનું બંધ ન કરવું જોઈએ. ઇસુનો મહિમા ઘણો વધુ છે જે આપણે હજુ સુધી જોયો નથી. આ માટે આપણને ભૂખ હોવી જોઈએ, કારણ કે આવી પ્રતિમામાં પવિત્ર આત્મા આપણને બદલવા માંગે છે. જેમ આપણે ઈશ્વરનો મહિમા જોઈશું, તેમ આપણે નમ્ર બનીશું કારણ કે આપણે આપણી પોતાની જરૂરિયાત જોઈશું. જીવનના અંત સુધી નમ્રતામાં રહેવાનું આ રહસ્ય છે.

જેને ઈશ્વરે અભિષિક્ત કર્યા છે અને જેનો ભરપૂર ઉપયોગ કર્યો છે તેઓને માટે ઘમંડી બનવું ખૂબ જ સરળ છે. મેં આવા ઘણા ઉપદેશકો જોયા છે. ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો છે તેથી તેઓ ખૂબ જ ગર્વ અનુભવે છે અને તેઓ લોકોથી ખૂબ દૂર છે. એવું શું છે જે આપણને જીવનના અંત સુધી ભંગિત અને નમ્ર રાખી શકે છે? ફક્ત એક જ બાબત : આપણા વિશ્વાસના અગ્રેસર અને સંપૂર્ણ કરનાર, ઈસુ તરફ લક્ષ રાખવું. જ્યારે આપણે ઈસુ તરફ જોઈએ છીએ ત્યારે ગર્વ કરવો અશક્ય છે. માણસ ત્યારે ગર્વ અનુભવે છે જ્યારે તે અન્ય લોકો તરફ જોવાનું શરૂ કરે છે, અને પોતાને તેમના કરતા વધુ સારા, અથવા તેમના કરતા વધુ અભિષિક્ત, અથવા તેમના કરતા ઈશ્વર માટે વધુ વપરાતા હોવાની કલ્પના કરે છે.

તેમ છતાં, જો તે ઈસુ તરફ જુએ, તો તે પસ્તાવા સહિત તેમની આગળ ઊંધા મોંએ ધૂળમાં પડી જશે - જેમ પ્રેરિત યોહાને પાત્મસ ટાપુ પર કર્યું હતું. અને જો તે ઈસુ તરફ જોતો રહેશે, તો તે તેનું મોં હંમેશ માટે નીચે ધૂળમાં રાખશે. આપણે બધાએ આપણા મોંને હંમેશા નીચે ધૂળમાં રાખવાનું શીખવાની જરૂર છે. તે સલામતીનું સ્થાન છે. તેથી જો તમે ઇચ્છો છો કે ઈશ્વર તમારા દિવસોના અંત સુધી તમારી પર પ્રસન્ન રહે, તો ઈસુ તરફ ઉપર જોતા રહો.

ઈશ્વરે આપણા માટે અદ્ભુત બાબતો રાખી‌ મૂકેલી છે. તેમની પાસે આપણા માટે એક મહાન કાર્ય છે. આપણને ખબર નથી કે આપણે ક્યારે આ દુનિયા છોડી દેવી પડશે. પરંતુ પ્રભુ આવે તે પહેલાં, આપણે આ પૃથ્વી પર તેમના માટે કંઈક ઉપયોગી કરવા માટે આતુર રહીએ. દુનિયાના મોટાભાગના લોકો ભય અને ચિંતા સહિત ભવિષ્ય તરફ જુએ છે. પણ આપણે વિશ્વાસથી આગળ જોઈએ છીએ.

પુનર્નિયમ 11:21 માં, મૂસાએ ઈઝરાયલપુત્રોને કહ્યું કે ઈશ્વર તેમના માટે આવી ઝંખના રાખે છે કે, "તમારા દિવસો તથા તમારા વંશજોના દિવસો પૃથ્વી ઉપરના આકાશના/સ્વર્ગના દિવસોની જેમ વૃદ્ધિ પામે." આ આપણા બધા માટે ઈશ્વરની ઇચ્છા છે - કે પૃથ્વી ઉપરના આપણા દિવસો સ્વર્ગના દિવસો જેવા હોય. ઈશ્વર ઇચ્છે છે કે આપણે અત્યારે પણ આપણા ઘરોમાં અને આપણી મંડળીમાં આનંદ, શાંતિ, પ્રેમ, પવિત્રતા અને સ્વર્ગની ભલાઈનો અનુભવ કરીએ. મેં તેનો થોડો ઘણો અનુભવ કર્યો છે. તેથી મારું જીવન અને મારું સેવાકાર્ય મારા માટે ભારે બોજારૂપ નથી. જરાય નહિ. તે આનંદકારક રહ્યું છે અને દરેક દિવસ રોમાંચક રહ્યો છે, કારણ કે મેં પૃથ્વીના નહીં પણ સ્વર્ગના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું શીખી લીધું છે. જ્યારે તમે તમારું ખ્રિસ્તી જીવન શરૂ કરો છો ત્યારે આ કરવાનું નક્કી કરવું તમારા માટે સરળ છે. પરંતુ હું આશા રાખું છું કે તમે આવતા વર્ષ દરમિયાન પણ પૃથ્વીના નહીં પણ સ્વર્ગના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું નક્કી કરશો. અંત સુધી ટકી રહેનાર ઈસુ પર તમારી આંખો સ્થિર રાખો - જેથી તમારા દિવસો પૃથ્વી ઉપરના સ્વર્ગના દિવસો જેવા બની શકે. આ આપણા માટે ઈશ્વરની ઇચ્છા છે.

હું તમને બધાને ખૂબ જ આશીર્વાદિત નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું, જે દરરોજ ઈશ્વરના સૌથી સમૃદ્ધ આશીર્વાદથી ભરેલું હોય.