ઈસુ અને પ્રેરિતોએ વારંવાર ચેતવણી આપી હતી કે છેલ્લા દિવસોની લાક્ષણિકતા વ્યાપક ઠગાઈ અને ઘણાં જૂઠા પ્રબોધકો હશે. (માથ્થી 24:3-5,11,24; તિમોથીને પહેલો પત્ર 4:1) - અને આપણે છેલ્લા થોડા દાયકાઓમાં તેઓમાંના પુષ્કળ જોયા છે.
શા માટે લાખો ખ્રિસ્તીઓ આ જૂઠા પ્રબોધકો અને આ બનાવટી "આત્મિક જાગૃતિ" દ્વારા છેતરાય છે? અને શા માટે ઘણા ઉપદેશકો અનૈતિકતા અને લોભનો શિકાર બની રહ્યા છે?
અહીં કેટલાક મુખ્ય કારણો છે:
1. આજે મોટાભાગના ખ્રિસ્તીઓ નવો કરાર શું શીખવે છે તેનાથી વાકેફ નથી, કારણ કે તેઓએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો નથી; અને તેથી તેઓ નવા કરારના ઉપદેશોને નહીં પણ તેમના આગેવાનોના ઉપદેશોને અનુસરે છે.
2. તેમના માટે તેમના ચારિત્ર્ય (ઈશ્વરીય જીવન) કરતાં ચમત્કારો (અલૌકિક ભેટો) વધુ મહત્વપૂર્ણ બની ગયા છે.
3. તેમના માટે આત્મિક સંપત્તિ કરતાં ભૌતિક સંપત્તિ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.
4. તેઓ આત્માપૂર્ણ ઉન્માદ અથવા મનોવૈજ્ઞાનિક નિયંત્રણ અને પવિત્ર આત્માની વાસ્તવિક ગતિ વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. આ માટેનું કારણ ફરીથી, નવા કરાર વિશેની અજ્ઞાનતા છે.
5. તેઓ સાયકોસોમેટિક હીલિંગ (મનના ખરા વલણોથી આવે છે તે સાજાપણું) અને ઈસુના નામમાં મળતા અલૌકિક સાજાપણા વચ્ચેનો તફાવત સમજવામાં અસમર્થ છે.
6. ભાવનાત્મક ઉત્તેજના અને વિચિત્ર શારીરિક અભિવ્યક્તિઓ તેમના માટે ઈશ્વરના આંતરિક આનંદ કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયા છે.
7. આગેવાનો માટે, લોકો માટેનું તેમનું સેવાકાર્ય ઈશ્વર સાથેના તેમના આંતરિક સંબંધ કરતાં વધુ મહત્વનું બની ગયું છે.
8. આ આગેવાનો માટે ઈશ્વરના સમર્થન કરતાં માણસોનું સમર્થન વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.
9. સભાઓમાં ભાગ લેનારા લોકો ખ્રિસ્ત પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે કે નહિ તેના કરતા લોકોની સંખ્યા, આ આગેવાનો માટે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.
10. સ્થાનિક મંડળી બનાવવી અને તે સ્થાનિક મંડળીમાં પોતાને સેવક બનાવવા કરતાં આ આગેવાનો માટે તેમના અંગત સામ્રાજ્યો અને તેમના નાણાકીય સામ્રાજ્યોનું નિર્માણ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે “કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી સઘળા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી સઘળા જૂઠાણું ચલાવે છે. (યર્મિયા 6:13).
આ બધું ઈસુએ જે શીખવ્યું હતું તેનાથી તદ્દન વિપરીત છે. નવા કરારમાં ખ્રિસ્તના વિરોધીને "ખ્રિસ્તવિરોધી" કહેવામાં આવે છે. જો ખ્રિસ્તીઓ આ જ સ્પષ્ટપણે સમજતા નથી, તો પછી જ્યારે ખ્રિસ્તવિરોધી જગતના મંચ પર, તેના ખોટાં ચિહ્નો અને ચમત્કારો (થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:3-10) સાથે આવશે, ત્યારે તેઓ તેને પણ આંખ મીંચીને સ્વીકારી લેશે. ખ્રિસ્તના આત્માથી દોરવવાનો અર્થ, જે બાબતો ઉપરના મુદ્દાઓમાં ઉલ્લેખિત છે તેનાથી વિરુદ્ધનો આત્મા હોવો છે.
અહીં માથ્થી 7:13-27માં ઈસુના શબ્દોનો એક શબ્દાર્થ છે (માથ્થી અધ્યાય 5 થી 7ના સંદર્ભમાં વાંચો):
“અનંતજીવનમાં પ્રવેશવાનું બારણું અને માર્ગ બંને ખૂબ જ સાંકડા છે - જેમ મેં હમણાં જ વર્ણન કર્યું છે (માથ્થી 5 થી 7). પણ જૂઠા પ્રબોધકો સાથે આવશે અને તમને કહેશે કે બારણું અને માર્ગ સાંકડો નથી પણ સરળ અને પહોળો છે. તેમનાથી સાવધ રહો. તમે તેમના ચારિત્ર્યના ફળને જોઈને તેમને સરળતાથી ઓળખી શકશો: શું તેઓ ક્રોધથી મુક્ત, સ્ત્રીઓની લાલસાથી મુક્ત, પૈસાના પ્રેમથી મુક્ત અને ભૌતિક સંપત્તિની ચિંતાથી મુક્ત જીવન જીવે છે (જેમ દુન્યવી લોકો શોધે છે તેમ)? શું તેઓ આ બાબતો વિરુદ્ધ પ્રચાર કરે છે જેમ મેં અહીં કર્યું છે તેમ? (માથ્થી 5:21-32 અને 6:24-34). આ જૂઠા પ્રબોધકો ઘણી અલૌકિક ભેટોનો ઉપયોગ કરી શકે છે અને ચમત્કારો કરી શકે છે અને ખરેખર મારા નામમાં લોકોને સાજા કરી શકે છે, તો પણ છેલ્લા દિવસે હું તે બધાને નરકમાં મોકલીશ, કારણ કે તેઓ (પવિત્ર ઈશ્વર તરીકે) મને ઓળખતા ન હતા અને તેઓએ તેમના અંગત જીવનમાં પાપ કરવાનું છોડ્યું નહોતું (માથ્થી 7:21-23). તેથી જો તમે એવા ખડક પર મંડળી બાંધવા માંગતા હોવ કે જે સમય જતા કે અનંતકાળ સુધી કદી હલે નહીં કે પડી ન જાય, તો મેં હમણાં જ તમને જે કહ્યું છે તે બધું કરવામાં સાવચેત રહો (માથ્થી 5 થી 7) અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તમારા લોકોને શીખવતા જાઓ. પછી હું સર્વકાળ તમારી સાથે રહીશ અને મારો અધિકાર હંમેશા તમને મદદ કરશે (માથ્થી 28:20,18). પરંતુ જો તમે ફક્ત હું જે કહું છું તે સાંભળો છો અને તે કરતા નથી, તો તમે જે બાંધો છો તે માણસોને એક વિશાળ અને પ્રભાવશાળી મંડળી જેવું લાગે, પરંતુ એક દિવસ તે ચોક્કસ ક્ષીણ થઈ જશે અને ભાંગી પડશે (માથ્થી 7:25)."
તો પછી આ છેલ્લા દિવસોમાં આપણે કેવી રીતે અચળ મંડળી બાંધીશું?
1. આપણે પહાડ પરના ઉપદેશ પ્રમાણે જીવવું જોઈએ (માથ્થી 5 થી 7) અને તેનો સતત પ્રચાર કરવો જોઈએ.
2. આપણે નવા કરારમાં જીવવું જોઈએ અને જૂના કરારમાં નહીં. આ માટે, આપણે બે કરારો વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જાણવો જોઈએ (કરિંથીઓને બીજો પત્ર પત્ર 3:6). આપણે નવા કરારનો બોધ પણ કરવો જોઈએ.
આજે જ્યારે ઉપદેશકો ગંભીર પાપમાં પડે છે, ત્યારે તેઓ જૂના કરારના સંતો, જેઓ પણ પાપમાં પડ્યા હતા તેમના ઉદાહરણો દ્વારા પોતાને ન્યાયી ઠરાવે છે (અને તેમાં દિલાસો મેળવે છે). અને થોડા સમયગાળા માટે શાંત રહીને તેઓ તેમનું સેવાકાર્ય ફરીથી શરૂ કરે છે. તેઓ દાઉદના ઉદાહરણો ટાંકે છે જેણે વ્યભિચાર કર્યો હતો, અને એલિયા જે નિરાશ થયો હતો, અને તેઓ કહે છે કે "તો પણ ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો હતો"! પરંતુ તેઓ પાઉલના ઉદાહરણને ટાંકશે નહીં જે તેના જીવનના અંત સુધી વિજયવંત અને શુદ્ધતામાં જીવ્યો હતો.
આ ઉપદેશકો (અને મોટાભાગના ખ્રિસ્તીઓએ) જે જોયું નથી તે એ છે કે જૂના કરારના સંતો આજે આપણા ઉદાહરણો નથી. કૃપાના આ સમયમાં આપણને ઘણું બધું આપવામાં આવ્યું છે - અને "જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે" (લૂક 12:48). ઈસુ નવા કરારના મધ્યસ્થ છે અને તેઓ આપણું ઉદાહરણ છે અને તેઓ આજે આપણા વિશ્વાસના અગ્રેસર છે - દાઉદ અથવા એલિયા નહીં. જૂના કરારના સંતો (હિબ્રૂઓને પત્ર 11માં સૂચિબદ્ધ) અને ઈસુ વચ્ચેનો તફાવત, હિબ્રૂઓને પત્ર 12:1-4 માં ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો આની વાસ્તવિકતામાં જીવે છે. બહુ ઓછા લોકોએ જોયું છે કે નવા કરારમાં "ઈશ્વરે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું છે" (હિબ્રૂઓને પત્ર 11:40).
જો આપણે જાગૃત અને સતર્ક ન રહીએ તો જેમ ઘણા ઉપદેશકો પડી ગયા છે તેમ આપણામાંના કોઈપણ પડી જઈ શકે છે - કારણ કે શેતાન એક કપટી શત્રુ છે. આપણી સલામતી નવા કરારના શિક્ષણનું બરાબર પાલન કરવામાં અને ઈશ્વરીય નેતૃત્વને આધીન થવામાં રહેલી છે. ( "ઈશ્વરીય" નેતૃત્વ દ્વારા, મારો મતલબ એ છે કે મેં અગાઉ ઉલ્લેખ કરેલા દસ મુદ્દાઓમાંથી એક પણ ખોટા મૂલ્યવાળું લક્ષણ જેનામાં નથી). જો આપણે બીજાની ભૂલોમાંથી શીખીશું, તો આપણે તે જ ભૂલો જાતે કરવાનું ટાળી શકીશું.
તો ચાલો આપણે દરેક સમયે ઈશ્વર સમક્ષ તેમના ચરણોમાં રહીએ - કારણ કે તે એજ જગા છે જ્યાં આપણે દૈવી પ્રકટીકરણ પ્રાપ્ત કરીશું, જેમ યોહાને પ્રાપ્ત કર્યું હતું (પ્રકટીકરણ 1:17). જો આપણે આપણી જાતને નમ્ર બનાવીશું, તો આપણને જીત મેળવવાની કૃપા પ્રાપ્ત થશે (પિતરનો પહેલો પત્ર 5:5). અને જ્યારે પવિત્ર આત્મા આપણને ઈશ્વરના વચનોમાં સત્ય અને આપણા વિશેનું સત્ય જણાવે છે, ત્યારે ચાલો આપણે સંપૂર્ણ પ્રમાણિક બનીએ અને "પ્રેમથી સત્યનો અંગીકાર કરીએ, જેથી દરેક પાપથી આપણું તારણ થાય". આ રીતે આપણે ઈશ્વર દ્વારા તમામ પ્રકારની ઠગાઈથી સુરક્ષિત રહીશું (થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:10,11). આમીન.