written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

“જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે” (માથ્થી 5:11). આ કલમ પહેલાની કલમ જેવી જ છે, જે કહે છે, “ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવે છે તેઓને ધન્ય છે...” પરંતુ ઈસુ એક મહત્વપૂર્ણ તફાવત દર્શાવે છે.

કલમ 10 અને કલમ 11 વચ્ચેનો તફાવત એ છે કે, કલમ 10 માં, તમે જે સાચું છે તેના માટે ઊભા છો. એવા બિન-ખ્રિસ્તીઓ પણ છે જે ક્યારેક સાચું છે તેના માટે ઊભા રહે છે. એવા લોકો છે જેમણે પોતાની નોકરી ગુમાવી છે, સાચો ચુકાદો આપવા બદલ એવા ન્યાયાધીશો માર્યા ગયા છે, અને ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને અન્ય લોકો છે જેઓ જે સાચું છે તેના માટે ઊભા રહેવા બદલ તેમના દુશ્મનો દ્વારા માર્યા ગયા છે. ફક્ત ખ્રિસ્તીઓ જ આવું કરતા નથી, અને તે શરમજનક બાબત છે કે ખ્રિસ્તી હોવાનો દાવો કરતા ઘણા લોકો કરતાં ક્યારેક બિન-ખ્રિસ્તીઓ, પ્રામાણિકતા માટે ઊભા રહેવા માટે વધુ તૈયાર હોય છે. મને વિશ્વાસ છે કે ન્યાયના દિવસે તમને ઘણાને આશ્ચર્ય થશે જ્યારે, આવા ખ્રિસ્તીઓ જેમણે કલ્પના કરી હતી કે તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ સમાધાન કરનાર અને પીછેહઠ કરનારા ગણાશે. જો તમે ન્યાયી છો અને ન્યાયીપણાને કારણે સતાવણી સહન કરવા તૈયાર છો, તો સ્વર્ગનું રાજ્ય તમારું છે; અન્યથા નહીં.

માથ્થી 5:11 ઈસુને લીધે સતાવણી સહન કરવા વિશે વાત કરે છે. જો તમે એ હકીકત વિશે ચૂપ રહો છો કે તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય છો, તો તમને તમારા કાર્યસ્થળમાં કેટલાક ફાયદા મળી શકે છે. કદાચ તમે ન્યાયી છો અને અન્ય લોકો તેની પ્રશંસા કરે છે, પરંતુ તમે એ હકીકત વિશે ચૂપ રહો છો કે તમે ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારના એકમાત્ર માર્ગ તરીકે માનો છો કારણ કે તમને ડર છે કે તમને બઢતી મળશે નહીં. કદાચ જેવા તમારા ઉપરીઓ છે તેવા જ તમે બિન-ખ્રિસ્તી છો એવું બીજાઓ માને તે તમને પસંદ હશે,અને તમને ખ્રિસ્ત માટે સાક્ષી બનવામાં શરમ આવે છે. મેં સરકારી કચેરીઓ અને બેંકો જોઈ છે જ્યાં બિન-ખ્રિસ્તીઓ તેમની પ્રિય મૂર્તિના ચિત્રવાળું કેલેન્ડર લટકાવશે, પરંતુ એવું ખૂબ જ દુર્લભ છે કે તમને કોઈ ખ્રિસ્તી મળે જે ઈશ્વરના વચન સાથે કેલેન્ડર લટકાવવા તૈયાર હોય, જે એ હકીકત પ્રગટ કરે કે તે ખ્રિસ્તી છે. આ એટલા માટે છે કારણ કે તેને ડર છે કે લોકો તેના વિશે શું કહેશે. "શું મારા ઉપરી તે જોશે અને મને બઢતી મેળવવાથી રોકશે અથવા કોઈ રીતે મને હેરાન કરશે?"

"ધન્ય છે તે લોકો જેમની મારા કારણે સતાવણી કરવામાં આવે છે, જેઓ મારા લીધે શરમાતા નથી." શું તમે તમારા કાર્યસ્થળ પર ઈસુને લીધે શરમ અનુભવો છો? એ હકીકતમાં બડાઈ ન મારશો કે તમે બાહ્ય રીતે ન્યાયી છો કારણ કે ઘણા બિન-ખ્રિસ્તીઓ પણ બાહ્ય રીતે ન્યાયી છે. તેનાથી આગળ વધો, એક પગલું આગળ: જાહેર કરો, "હું પણ ખ્રિસ્તી છું. હું ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું." જો તમે ઈશ્વર અને તેમના વચન માટે મક્કમ ઊભા રહો છો (અને તે ફક્ત કાર્યસ્થળ પર જ નહીં, એક ઉપદેશક તરીકે પણ જો તમે ઈશ્વરના વચનમાં શીખવવામાં આવતી દરેક બાબત માટે મક્કમ ઊભા રહો છો), જો તમે આજે ખ્રિસ્તી વર્તુળોમાં છેતરપિંડીનો પર્દાફાશ કરવા આતુર છો, તો લોકો તમારું અપમાન કરશે અને તમને સતાવશે અને તમારા વિશે અસત્યતાથી તરેહતરેહની ભૂંડી વાતો કહેશે, કારણ કે તમે સત્ય માટે ઊભા છો.

જ્યારે આવું થાય ત્યારે તમારે શું કરવું જોઈએ? શું આપણે પોતાના પર દયા કરવાની જરૂર છે? તેનાથી તદ્દન વિપરીત! તે કહે છે, "તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે" (માથ્થી 5:12). તમને પૃથ્વી પર કોઈ બદલો મળશે નહીં - તમને સતાવવામાં આવશે અને કાઢી મૂકવામાં આવશે - પરંતુ સ્વર્ગમાં તમારો બદલો મોટો છે કારણ કે તેઓએ તમારી અગાઉના પ્રબોધકોને આ જ રીતે સતાવ્યા હતા. જો તમે જૂના કરારના પ્રબોધકોને જુઓ, તો તમે જોશો કે ઈશ્વરના ખરા પ્રબોધકોને સતાવવામાં આવ્યા હતા. જોકે, તેઓએ જે સતાવણીનો સામનો કર્યો હતો તેનો હંમેશા ઉલ્લેખ કરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે, યશાયા જેવા માણસને જોઈએ, જેણે ઈઝરાયલના લોકો વિરુદ્ધ કેટલાક કઠોર શબ્દો કહ્યા હતા. યશાયાના પુસ્તકમાં આપણને કહેવામાં આવ્યું નથી કે તે કેવી રીતે મૃત્યુ પામ્યો, પરંતુ પરંપરા આપણને કહે છે કે તે લાકડાના ખાલી ખોખામાં હતો અને તેના સતાવનારાઓએ તેને બે કકડામાં કાપી નાખ્યો.

તે હિબ્રૂઓને પત્ર 11 માં ઉલ્લેખિત લોકોમાંનો એક છે, જેમને કરવતથી કાપી નાખવામાં આવ્યા હતા. ખ્રિસ્ત માટે ઊભા રહેલા બધાની સતાવણી કરવામાં આવશે. પ્રેરિતોનાં કૃત્યો 7 માં મુખ્ય યાજકો સમક્ષ ઊભો હતો ત્યારે, સ્તેફન પોતાના લાંબા સંદેશના અંતે ભીડને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે: તે પ્રેરિતોનાં કૃત્યો 7:52 માં કહે છે, “પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,” સ્તેફન ઈઝરાયલના ઈતિહાસનું વર્ણન કરી રહ્યો હતો. તેણે ઈઝરાયલના ઈતિહાસનો અભ્યાસ કર્યો હતો અને તેણે તારણ કાઢ્યું હતું કે ઈઝરાયલના સમગ્ર ઈતિહાસમાં એક પણ પ્રબોધક એવો નહોતો જેની સતાવણી ન થઈ હોય. જૂના કરારમાં કે નવા કરારમાં કોઈ પણ ખરો પ્રબોધક લોકપ્રિય નહોતો.

પાસ્ટરો લોકપ્રિય હોઈ શકે છે, પ્રચારકો લોકપ્રિય હોઈ શકે છે, અને પ્રેરિતો પણ ક્યારેક લોકપ્રિય હોઈ શકે છે. શિક્ષકો ખૂબ જ લોકપ્રિય હોઈ શકે છે, પરંતુ એક પ્રબોધક લગભગ ક્યારેય લોકપ્રિય નથી હોતો કારણ કે તે મંડળીમાં અથવા લોકોમાં ખામીઓ બતાવવા અને તેનો ઉપાય કરવા આવે છે. અને લોકોને જે સાંભળવાની જરૂર છે તે બોલવા માટે તે આવે છે અને જે સાંભળવાનું તેમને ગમે છે તે બોલવા નહીં. તે તેમને ઈશ્વરના વચનના તે ક્ષેત્રો બતાવશે જેને તેઓ અવગણી રહ્યા છે. તે તેમને તેમના જીવનના તે ક્ષેત્રો બતાવશે જ્યાં તેઓ ઈશ્વરના ધોરણોમાં અધૂરા રહ્યા છે, અને પછી તેની સતાવણી કરવામાં આવશે. આજે પણ આવું થાય છે. ઈસુ માટે ઊભા રહેવાનો અર્થ આ છે, "મારા અને મારા વચનને કારણે." જો તમારી સતાવણી કરવામાં આવે છે, તો તમને ધન્ય છો અને તમારી ઈર્ષ્યા થવી જોઈએ. બીજા સંસ્કરણમાં તે કહે છે, "આનંદથી કૂદો!" તમારે ઉત્સાહિત થવું જોઈએ કારણ કે તમે પ્રબોધકોના પગલે અને ઈસુ ખ્રિસ્તના પગલે ચાલી રહ્યા છો.