જયારે આપણે વર્ષના અંત તરફ આવી રહ્યા છીએ, ત્યારે આપણા જીવનની તપાસ કરવી અને તે કેવું રહ્યું તે જોવું આપણા માટે સારું છે. પ્રબોધક હાગ્ગાયે તેના સમયમાં લોકોને "તેમના માર્ગો વિષે વિચાર કરવા" માટે આહ્વાન આપ્યું હતું. હાગ્ગાય 1:5,6 માં લખેલું છે: હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.”
"તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.” આપણે ઉપરોક્ત પ્રશ્નોને આ રીતે આપણી જાત પર લાગુ કરી શકીએ છીએ: પ્રભુ આપણને પડકાર ફેંકે છે કે, "તમારા જીવનમાં બધી બાબતો કેવી રીતે ચાલી રહી છે તેના વિષે વિચાર કરો".
શું આત્મિક ફળદાયીતા રહી છે? તમે ઘણું વાવ્યું છે, પણ થોડું લણ્યું છે. તમે ઘણી સભાઓમાં ગયા છો, ઘણા ખ્રિસ્તી પુસ્તકો વાંચ્યા છે અને ઘણા ખ્રિસ્તી ભાષણો સાંભળ્યા છે, પરંતુ શું આજે તમારું ઘર એક ધાર્મિક ઘર અને શાંતિનું ઘર છે? શું તમે તમારી પત્ની/પતિ સામે બૂમો પાડવા જેવી સરળ બાબત પર પણ કાબુ મેળવ્યો છે? જો નહીં, તો ભલે તમે ઘણું વાવ્યું હોય, પણ તમે થોડું જ લણ્યું છે. તમે કપડાં પહેરો છો, પણ તમે હજુ પણ ગરમી મેળવી નથી. તમે ઘણા પૈસા કમાવો છો, પરંતુ તમારા ખિસ્સામાં કાણા છે અને તેથી મોટાભાગના પૈસાનો બગાડ થાય છે.
ઈશ્વર માટે કંઈ અશક્ય નથી - જયારે આપણે ખરાબ રીતે અને વારંવાર નિષ્ફળ ગયા હોઈએ ત્યારે પણ આપણને તેમની સંપૂર્ણ ઈચ્છામાં લાવવા, તેમને માટે અશક્ય નથી. ફક્ત આપણો અવિશ્વાસ જ તેમને રોકી શકે છે. જો તમે કહો છો, "પણ મેં ઘણી વખત બાબતો ખરાબ કરી છે. હવે મને તેમની સંપૂર્ણ યોજનામાં લાવવું ઈશ્વર માટે અશક્ય છે", તો ઈશ્વર માટે તે અશક્ય હશે, કારણ કે તમે વિશ્વાસ કરી શકતા નથી કે તે તમારા માટે શું કરી શકે છે. પરંતુ ઈસુએ કહ્યું કે આપણા માટે કંઈપણ કરવું ઈશ્વરને અશક્ય નથી - જો આપણે ફક્ત વિશ્વાસ કરીએ તો.
"તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ", એ ઈશ્વરનો નિયમ બધી બાબતો માટે છે (માથ્થી 9:29). આપણને આપણા વિશ્વાસ પ્રમાણે મળશે. જો આપણે માનીએ છીએ કે આપણા માટે કંઈક કરવું ઈશ્વર માટે અશક્ય છે, તો આપણા જીવનમાં તે પૂર્ણ થશે નહીં. બીજી બાજુ, ખ્રિસ્તના ન્યાયાસન આગળ તમને ખબર પડશે કે બીજા એક વિશ્વાસીએ, જેણે તમારા કરતાં પણ વધુ ખરાબ જીવન જીવ્યું હોવા છતાં, તેણે પોતાના જીવન માટે ઈશ્વરની સંપૂર્ણ યોજના પૂર્ણ કરી - ફક્ત એટલા માટે કે તે માનતો હતો કે ઈશ્વર તેના જીવનના ભાંગેલા ટુકડાઓ ઉપાડી શકે છે અને તેમાંથી કંઈક "ખૂબ સારું" બનાવી શકે છે. તે દિવસે તમારા જીવનમાં કેટલો અફસોસ થશે, જ્યારે તમને ખબર પડશે કે તમારી નિષ્ફળતાઓએ (તેઓ ગમે તેટલી હોય) તમારા જીવનમાં ઈશ્વરની યોજનાને નિષ્ફળ બનાવી નહોતી, પરંતુ તે તમારા અવિશ્વાસને કારણે હતું!
"ઈશ્વરના પુત્રનું પ્રગટ થવાનું કારણ શેતાન દ્વારા કરવામાં આવેલા કાર્યોને ઉલટાવી નાખવાનું (વિનાશ કરવાનું) હતું" (યોહાનનો પહેલો પત્ર 3:8 એમ્પ્લીફાઇડ બાઈબલ). તે કલમનો ખરેખર અર્થ એ છે કે શેતાન દ્વારા આપણા જીવનમાં બાંધવામાં આવેલી બધી ગાંઠો ખોલવા માટે ઈસુ આવ્યા હતા. તેની આ રીતે કલ્પના કરો: જ્યારે આપણે જન્મ્યા, ત્યારે આપણે કહી શકીએ કે ઈશ્વરે આપણ દરેકને એક સંપૂર્ણ રીતે વાળેલી દોરીનો દડો આપ્યો. જેમ જેમ આપણે દરરોજ જીવવાનું શરૂ કર્યું, તેમ તેમ આપણે તે દોરીના ગુચ્છાને ખોલવાનું શરૂ કર્યું અને આપણે તેમાં ગાંઠો બાંધવાનું શરૂ કર્યું (પાપ કરવાનું). આજે ઘણા વર્ષો સુધી દોરી ખોલ્યા પછી, આપણે નિરાશ થઈએ છીએ, કારણ કે આપણે તેમાં હજારો ગાંઠો જોઈએ છીએ. પરંતુ ઈસુ "શેતાન દ્વારા બાંધેલી ગાંઠો ખોલવા" આવ્યા છે. તેથી સૌથી વધુ ગૂંથેલા તારવાળા લોકો માટે પણ આશા છે.
પ્રભુ દરેક ગાંઠ ખોલી શકે છે અને તમને ફરી એકવાર તમારા હાથમાં દોરીનો સંપૂર્ણ દડો પાછો આપી શકે છે. આ સુવાર્તાનો સંદેશ છે: તમે એક નવી શરૂઆત કરી શકો છો. તમે કહો છો, "તે અશક્ય છે!" તો પછી, તમારા વિશ્વાસ અનુસાર તમારી સાથે તે કરવામાં આવશે. તમારા કિસ્સામાં તે અશક્ય હશે. પરંતુ હું બીજા કોઈને સાંભળું છું જેનું જીવન તમારા કરતા ખરાબ છે, તે કહે છે, "હા, હું માનું છું કે ઈશ્વર મારામાં તે કરશે". તેના માટે પણ તે તેના વિશ્વાસ અનુસાર થશે. તેના જીવનમાં, ઈશ્વરની સંપૂર્ણ યોજના પૂર્ણ થશે.
જો તમારી બધી નિષ્ફળતાઓ માટે તમારા જીવનમાં ઈશ્વરીય દુ:ખ હોય, તો ભલે તમારા પાપો લાલ વસ્ત્ર જેવા હોય, તે ફક્ત હિમ સરખાં શ્વેત જ નહીં - જેમ કે જૂના કરાર હેઠળ વચન આપવામાં આવ્યું હતું (યશાયા 1;18), પરંતુ ઈશ્વર નવા કરાર હેઠળ વચન આપે છે કે, "તમારા પાપોને તે હવે યાદ નહીં રાખે" (હિબ્રૂઓને પત્ર 8:12). તમારી ભૂલો કે નિષ્ફળતાઓ ગમે તે હોય, તમે ઈશ્વર સાથે નવી શરૂઆત કરી શકો છો. અને જો તમે ભૂતકાળમાં હજાર નવી શરૂઆત કરી હોય અને નિષ્ફળતા મળી હોય, તો પણ તમે આજે 1001 મી વાર નવી શરૂઆત કરી શકો છો. ઈશ્વર હજુ પણ તમારા જીવનમાંથી કંઈક મહિમાવાન બનાવી શકે છે. જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી આશા છે. તેથી, ઈશ્વર પર વિશ્વાસ કરવામાં ક્યારેય નિષ્ફળ ન જાઓ. ઈશ્વર તેમના ઘણા બાળકો માટે ઘણા શક્તિશાળી કાર્યો કરી શકતા નથી, એટલા માટે નહિ કેમ કે તેઓએ ભૂતકાળમાં તેમને નિષ્ફળ કર્યા છે, પરંતુ એટલા માટે કે તેઓ હવે તેમના પર વિશ્વાસ કરતા નથી. તો ચાલો આપણે જે બાબતોને અત્યાર સુધી અશક્ય માનતા હતા તેના માટે આવનારા દિવસોમાં તેમના પર વિશ્વાસ રાખીએ અને "વિશ્વાસમાં મજબૂત રહીને ઈશ્વરનો મહિમા કરીએ" (રોમનોને પત્ર 4:20). સર્વ લોકો - નાના હોય કે મોટા - ભૂતકાળમાં ગમે તેટલા નિષ્ફળ ગયા હોય, પણ જો તેઓ પોતાની નિષ્ફળતાઓને સ્વીકારે, નમ્ર બને અને ઈશ્વર પર વિશ્વાસ રાખે તો આશા રાખી શકે છે.