પવિત્ર આત્માને સત્યનો આત્મા કહેવામાં આવે છે. ઈસુએ કહ્યું, "'તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.” (યોહાન 16:13)
હું ઇચ્છું છું કે મારું જીવન માથાથી પગ સુધી સંપૂર્ણપણે સત્યવાદી હોય કારણ કે ઈસુની પાછળ ચાલવાનો અર્થ એ જ છે. ઈસુએ કહ્યું, "હું સત્ય છું." ઘણી વાર ખ્રિસ્તી ઉપદેશકો પણ બીજાઓ સાથે વાત કરવામાં કૂટનીતિ વાપરતા હોય છે. તેઓ કહે છે, "જો હું આ રીતે બોલીશ તો તેનાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, તેથી મને કૂટનીતિ વાપરવા દો." ઈસુએ ક્યારેય કૂટનીતિ વાપરી નહોતી. તેમણે હંમેશા સ્પષ્ટ અને સીધી રીતે સત્ય કહ્યું. મારો મતલબ એ નથી કે તે ઉદ્ધત હતા અને હું માનતો નથી કે આપણે ઉદ્ધત બનવું જોઈએ, પરંતુ ઈસુ કોઈ વ્યક્તિગત લાભ માટે કૂટનીતિ કરતા નહોતા. મારું માનવું છે કે આપણે સત્ય બોલવામાં દયાળુ અને વિચારશીલ રહેવું જોઈએ (ઉદ્ધત નહીં) - જ્યારે આપણે બીજા લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા દયાળુ રહેવું જોઈએ - પરંતુ હું એ સત્ય બોલવાની વાત કરી રહ્યો છું જ્યાં તે તમને અસર કરતુ હોય. જ્યારે વાત આપણી જાતની આવે ત્યારે આપણે સત્યવાદી રહેવું જોઈએ.
શું તમે જાણો છો કે પવિત્ર આત્મા આપણને સર્વ સત્યમાં દોરી જાય છે? શરૂઆતની મંડળીમાં જે પહેલું પાપ જેનો ન્યાય કરવામાં આવ્યો હતો તે અપ્રમાણિકતાનું પાપ હતું, લોભનું પાપ નહીં. પ્રેરિતોનાં કૃત્યો 5 માં, અનાન્યા અને સાફીરાએ ઘણા લોકોને તેમની જમીન વેચતા અને પૈસા લાવીને પ્રેરિતોનાં પગ આગળ મૂકતા જોયા (પ્રેરિતોનાં કૃત્યો 4:34 માં ઘણા લોકો આવું કરી રહ્યા હતા). અનાન્યા અને સાફીરા પણ મંડળીમાં સંપૂર્ણ હૃદય અને ઈશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત દેખાવાની પ્રતિષ્ઠા ઇચ્છતા હતા, તેથી તેઓએ તેમની જમીનનો થોડો ભાગ પણ વેચી દીધો, પરંતુ જેમ બીજા લોકો કરતા હતા તેમ બધા જ પૈસા પ્રેરિતોનાં પગ આગળ મૂક્યા નહીં. ધારો કે તેમણે જમીન 100,000 રૂપિયામાં વેચી દીધી અને 50,000 રૂપિયા પાછા રાખી લીધા, આમ 50% મંડળીને આપ્યા. જો આજે કોઈ પોતાની મિલકત વેચી દે અને પોતાની આવકનો 50 % ભાગ ઈશ્વરને માટે લાવે, તો તમે તે વ્યક્તિને સંપૂર્ણ હૃદયનો ખ્રિસ્તી કહેશો! પરંતુ અનાન્યાને મારી નાખવામાં આવ્યો, તેણે શું આપ્યું કે શું ન આપ્યું તેના કારણે નહીં, પરંતુ તે જૂઠું બોલ્યો તેના કારણે.
તે બીજાઓ સાથે લાઇનમાં ઊભો રહ્યો અને લોકો પ્રેરિતોના પગ આગળ પૈસા મૂકી રહ્યા હતા ત્યારે તેણે તેનું મોં બંધ રાખ્યું. તેણે પણ પોતાના પૈસા મૂકી દીધા અને આગળ વધ્યો. જયારે તે આગળ વધી રહ્યો હતો ત્યારે પિતરે કહ્યું, "અનાન્યા, અહીં પાછો આવ." ઈશ્વરે પિતરને સમજ આપી કે આ વ્યક્તિ જૂઠો છે. પ્રેરિતોનાં કૃત્યો 5:4 માં પિતરે તેને કહ્યું, “'તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? ઈશ્વરને તારી જમીન જોઈતી નથી. દરેક વ્યક્તિ સ્વેચ્છાએ આપી રહી છે અને તમે તેને વેચી પછી પણ પૈસા તમારા જ હતા. કોઈએ તમને 50%, 10% કે 1% પણ આપવાનું કહ્યું નથી - તમે આ વિશે કેમ વિચાર્યું? તમે ઈશ્વરને જૂઠું બોલ્યા છો.” અનાન્યા કહી શક્યો હોત, “મેં ક્યારેય મારું મોં ખોલ્યું નથી! મેં ક્યારેય એક શબ્દ પણ કહ્યું નથી,” પરંતુ શું તમે જાણો છો કે તમે તમારું મોં ખોલ્યા વિના ઈશ્વરની આગળ જૂઠું બોલી શકો છો? અનાન્યા ફક્ત લાઇનમાં ઊભો રહ્યો, પ્રેરિતોના પગ પાસે પૈસા મૂક્યા અને આગળ વધ્યો. તેણે ક્યારેય પોતાનું મોં ખોલ્યું નહીં, પરંતુ તે ક્રિયામાં, તે જૂઠ હતું. આ દંભ છે - ડોળ કરવો.
તમે મંડળીની સંગતમાં આવી શકો છો અને બીજા બધાની જેમ તમારે પણ સંપૂર્ણ હૃદયના છો એવો ઢોંગ કરી શકો છો, અને છતાં જૂઠા હોઈ શકો છો. જો તમે બીજાઓની જેમ સંપૂર્ણ હૃદયના છો એવો ઢોંગ કરીને લોકો સાથે બેસો છો અને તમે સંપૂર્ણ હૃદયના નથી, તો તમે જૂઠા છો ભલે તમે તમારું મોં ન ખોલો. તમે ઈસુની આગળ ગાતા હોઈ શકો છો, "મારું ચાંદી અને સોનું લઈ લો, હું એક કણ પણ રાખીશ નહીં," તમે બીજા બધા સાથે ગાઓ છો અને સૂર અને શબ્દો સારા છે, પરંતુ તમે એકદમ જૂઠા હોઈ શકો છો કારણ કે તમે ખરા અર્થમાં તે નથી. ઘણા ખ્રિસ્તીઓ રવિવારે જે ગીતો ગાય છે તેના કારણે ઈશ્વરની આગળ વધુ જૂઠાણું બોલે છે ! જો તમે "બધું હું ઈસુને સમર્પણ કરું છું" ગાઓ છો, પરંતુ તમે બધું સમર્પણ કર્યું નથી, તો તમે જૂઠા છો. તમે કોઈ ઉપદેશકને સત્ય કહેતા ના પણ સાંભળો, પરંતુ તમારે તે સાંભળવાની જરૂર છે કારણ કે તે સત્ય છે. જો તમે બધું ખ્રિસ્તને સમર્પણ કર્યું છે તો તે કહો, નહીં તો તમારું મોં બંધ રાખો, અથવા કહો, "પ્રભુ, હું બધું સમર્પણ કરવા માંગુ છું, પણ મેં બધું કર્યું નથી." તે વધુ પ્રમાણિક છે. જો બીજાઓ જે સૂર ગાય છે તેની સાથે તે બંધબેસતું નથી તો કોઈ વાંધો નથી. તમે ઈશ્વર સાથે પ્રમાણિક બનો.
આનું પરિણામ શું છે? થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:10 માં તે એવા લોકો વિશે વાત કરે છે જેઓ પ્રેમથી સત્યનો અંગીકાર કરતા નથી. સત્યને પ્રેમ કરવો એ સત્ય બોલવા કરતાં પણ વધારે મહત્વનું છે. હું સત્ય બોલી શકું છું પણ તેનાથી પણ ઊંચું સ્તર સત્યને પ્રેમ કરવાનું છે. મને સત્ય બોલવાની એટલી પ્રચંડ ઝંખના છે કે હું તેને પ્રેમ કરું છું અને હું ક્યારેય મારામાં કોઈ જૂઠાણું રાખવા માંગતો નથી. જો આપણે બધા જૂઠાણાથી બચવા માટે પ્રેમથી સત્યનો અંગીકાર ન કરીએ, તો થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:11 આપણને પરિણામ જણાવે છે: ઈશ્વર પોતે આપણને ભ્રમણામાં નાખશે. તે નવા કરારમાં સૌથી ભયાનક કલમોમાંની એક છે.
જો તમે સત્યને પ્રેમ નથી કરતા, તો પ્રિય મિત્ર, હું તમને સીધું કહી દઉં છું: સર્વશક્તિમાન ઈશ્વર ભ્રમણામાં નાખશે. શેતાન એક છેતરપિંડી કરનાર છે. તમારી વાસનાઓ તમને છેતરે છે. તમારું હૃદય છેતરપિંડી કરે છે. આ ઉપરાંત, જો સર્વશક્તિમાન ઈશ્વર, જે છેતરપિંડીથી રક્ષણની તમારી એકમાત્ર આશા છે, તે તમને ભ્રમણામાં નાખવાનું નક્કી કરે છે, તો તમારા માટે કોઈ આશા નથી. થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:11 કહે છે કે ઈશ્વર તમને જે ખોટું છે તે માનવા દેશે. જ્યારે તમે નવો જન્મ નહીં પામ્યા હોય ત્યારે તે તમને એવું માનવા દેશે કે તમે નવો જન્મ પામ્યા છો. જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર નથી ત્યારે તે તમને એવું માનવા દેશે કે તમે પવિત્ર આત્માથી ભરપૂર છો. શા માટે? એક કારણસર: તમે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નથી.
શું તમે બાઇબલમાં ઉલ્લેખિત પહેલું પાપ જાણો છો? તે એક જૂઠ હતું, જ્યારે શેતાને હવાને જૂઠું કહ્યું હતું કે, "તમે મરશો નહીં" (ઉત્પત્તિ 3:4). બાઇબલમાં ઉલ્લેખિત પહેલું પાપ એ છે - એક જૂઠ.
બાઇબલમાં ઉલ્લેખિત છેલ્લું પાપ કયું છે? જો તમે બાઇબલના છેલ્લા અધ્યાય તરફ વળો છો, તો તમે જોશો કે જૂઠું બોલવું એ પણ છેલ્લું પાપ છે. પ્રકટીકરણ 22:15 માં કહેવામાં આવ્યું છે કે જેઓ જૂઠું બોલે છે તેઓ પવિત્ર શહેરની બહાર છે. તેથી બાઇબલમાં ઉલ્લેખિત પહેલું પાપ અને છેલ્લું પાપ જૂઠું બોલવું છે. શરૂઆતની મંડળીમાં જેનો ન્યાય કરવામાં આવ્યો હતો તે પહેલું પાપ જૂઠું બોલવું તે હતું. ઈશ્વર જેમને ભ્રમણામાં નાંખે છે તે એવા લોકો છે જેઓ પ્રેમથી સત્યનો અંગીકાર કરતા નથી.
આપણે આને ગંભીરતાથી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. "તમારી હા ને હા અને તમારી ના ને ના ના રાખો" (માથ્થી 5:39). આ આપણને છેતરપિંડીથી બચાવે છે. ઈસુએ કહ્યું, "હું માર્ગ છું." આપણે બધા તેની પ્રશંસા કરીએ છીએ. આપણે સ્વીકારીએ છીએ કે ઈસુ માર્ગ અને જીવન છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું, "હું સત્ય છું - હું વાસ્તવિકતા છું" (યોહાન 14:6).
જૂના કરારમાં આ ન હોઈ શકે. બાથશેબા સાથે પાપ કર્યા પછી દાઊદ ગીતશાસ્ત્ર 51:6 માં કહે છે કે, "પ્રભુ, હું જાણું છું કે તમે અંતઃકરણની સત્યતા માંગો છો, મારી પાસે તે નથી. હું દંભી રહ્યો છું. હું ગોલ્યાથને મારી શકતો હતો, હું પલિસ્તીઓને હરાવી શકતો હતો, પણ હું મારા હૃદયમાં દંભી હતો. મેં બાથશેબા સાથે પાપ કર્યું અને તે દિવસે તેના પતિને તેની પથારીમાં જવા માટે પ્રેરિત કરીને મારા પાપને છુપાવવાનો પ્રયાસ કર્યો. હું ત્યાં સફળ ન થયો. પછી મેં તેના પતિથી છૂટકારો મેળવ્યો અને તેની સાથે લગ્ન કર્યા. પ્રભુ, હું જાણું છું કે તમે અંતઃકરણની સત્યતા માંગો છો. મારી પાસે તે નથી." પરંતુ પવિત્ર આત્માના કારણે આજે આપણે જે અદ્ભુત વસ્તુઓ મેળવી શકીએ છીએ તેમાંની એક એ છે કે સત્યનો આત્મા આપણને આપણા જીવનના અને હૃદયના આંતરિક મનુષ્યત્વને સત્યવાદી બનાવશે.
પ્રકટીકરણ 14 ચોક્કસ લોકો વિશે વાત કરે છે જેઓ સિયોન પર્વત પર હલવાન સાથે ઉભા છે. પ્રકટીકરણ 14:4 વિજેતાઓના એક જૂથ વિશે જણાવે છે જે હલવાન જ્યાં પણ જાય છે ત્યાં તેની પાછળ જાય છે. તેમની એક લાક્ષણિકતા એ છે કે, "તેમના મોંમાં કોઈ જૂઠું માલૂમ પડ્યું નહીં" (પ્રકટીકરણ 14:5). માણસોના બાળકો જન્મથી જ જૂઠા હોય છે. આપણે ગીતશાસ્ત્ર 58:3 માં વાંચીએ છીએ. પરંતુ અહીં એવા લોકોનો એક જૂથ છે જેઓ જૂઠાણાથી સંપૂર્ણપણે મુક્ત થયા છે જેથી તેમના સમગ્ર તંત્રમાં કોઈ જૂઠ નથી. તેઓ ઈસુ જેવા બન્યા છે: સત્યથી ભરપૂર! હું તમને પ્રોત્સાહિત કરવા માંગુ છું: આપણે દરેક પ્રકારના જૂઠાણાથી પોતાને શુદ્ધ કરવાની જરૂર છે.
ભલે તમારે સત્ય બોલવાની કિંમત ચૂકવવી પડે, જો તમે સત્ય માટે ઊભા રહો અને નક્કી કરો કે તમે તમારા જીવનમાંથી જૂઠાણું દૂર કરવાના છો, તો તમારું જીવન 100 % શુદ્ધ રહેશે. તમે ઈશ્વરને જોઈ શકશો. આજે ખ્રિસ્તી ધર્મમાં ચાલી રહેલી કોઈપણ ભ્રમણાથી તમે ક્યારેય છેતરાઈ શકશો નહીં. તમે સત્ય જાણશો કારણ કે ઈશ્વર પોતે તમને સત્ય બતાવશે, અને તમે તમારી આત્મિક સ્થિતિ વિશે ક્યારેય છેતરાઈ શકશો નહીં.