WFTW Body: 

ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તેઓ તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે (પિતરનો પહેલો પત્ર 5:5, 6).

ઉચ્ચપદે મૂકશે એનો અર્થ એ નથી કે આપણે આ દુનિયામાં કે ખ્રિસ્તી જગતમાં મહાન માણસો બનીએ અને માણસોનું સન્માન મેળવીએ. આ તો આત્મિક ઉન્નતિનો સંદર્ભ આપે છે, જ્યાં આપણને આપણા જીવન અને સેવાકાર્યમાં ઈશ્વરની બધી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે આત્મિક અધિકાર આપવામાં આવે છે. પરંતુ આવી ઉન્નતિ આપણી જાતને નમ્ર બનાવવા પર આધારિત છે.

આપણે બધા જાણીએ છીએ કે દુનિયા એવા લોકોથી ભરેલી છે જે બીજાની નજરમાં મોટા અને મોટા બનવા માંગે છે. દરેક રાજકારણી અને દરેક વેપારી મોટો બનવા માંગે છે. ખેદ જનક રીતે, જેઓ પોતાને ખ્રિસ્તના સેવકો કહે છે તેઓ પણ મોટા અને મોટા બનવા માંગે છે. તેઓ "રેવરન્ડ ડોક્ટર" જેવી ભવ્ય પદવીઓ મેળવવા અને તેમની સંસ્થાઓના "ચેરમેન" જેવા હોદ્દા મેળવવાની ઈચ્છા ધરાવે છે. દુઃખની વાત એ છે કે આજનું ખ્રિસ્તી જગત દુનિયાના કોઈપણ કોર્પોરેશનથી અલગ નથી!

યુવા વિશ્વાસીઓ આજે તેમના આગેવાનોને જાહેર સભાઓમાં મોટા પ્લેટફોર્મ પર, ફિલ્મ સ્ટાર્સની જેમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનીને ઉભેલા, મોંઘી હોટલો અને મકાનોમાં રહેતા અને મોંઘી કાર ચલાવતા જુએ છે. ઈશ્વરના માર્ગો વિશે વધુ જાણતા ન હોવાથી, તેઓ આવા આગેવાનોની પ્રશંસા કરે છે અને તે દિવસની રાહ જુએ છે જ્યારે તેઓ પણ તે ઊંચાઈએ પહોંચશે! તેઓને લાગે છે કે આવા પ્રચારકો ઘણા વર્ષોથી વિશ્વાસુ રહ્યા હશે તેથી ઈશ્વર તેમને આ રીતે વાળી આપે છે ! અને તેઓ કલ્પના કરે છે કે વિશ્વાસુ રહીને, તેઓ પણ એક દિવસ આવા પ્લેટફોર્મ પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બનીને ઊભા રહેશે!

જ્યારે યુવાનો, ઉપદેશકોને મળેલી ભેટોથી પુષ્કળ પૈસા કમાતા જુએ છે, ત્યારે તેઓ એ દિવસની આતુરતાપૂર્વક રાહ જુએ છે જ્યારે તેઓ પણ તેમના જેવા ધનવાન બની શકે. આ યુવાનો માટે ઈસુ ખ્રિસ્ત આદર્શ નમૂનો નથી પણ આ ધનાઢ્ય, ફિલ્મ સ્ટાર - જેવા પ્રચારકો છે. આજે સમસ્ત ખ્રિસ્તીધર્મી લોકોમાં આ એક દુઃખદ બાબત છે.

આપણે આપણા યુવાનોને આપણા જીવન દ્વારા દર્શાવવાની જરૂર છે અને તેમને આપણા શબ્દો દ્વારા શીખવવાની જરૂર છે કે જો આપણે ઈશ્વરને અનુસરીએ, તો આપણે ધનવાન કે પ્રખ્યાત નહીં, પણ ઈશ્વરીય બનીશું.

તે જ સમયે, આપણને ગેરસમજ, અસ્વીકાર અને સતાવણીનો સામનો કરવો પડશે! પરંતુ જેઓ આપણને ધિક્કારે છે તેઓને આપણે પ્રેમ કરી શકીશું, અને જેઓ આપણને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપી શકીશું. આ તે બાબત છે જે આપણે આગામી પેઢીને દર્શાવવાની જરૂર છે. જો આપણે તે નહિ કરીએ, તો તેઓ "બીજા ઈસુ" ને અનુસરશે - તે જેને તેઓ આજના દૈહિક પ્રચારકોમાં જુએ છે.

ઈશ્વરના સમર્થ હાથ હેઠળ પોતાને નમ્ર બનાવવાનો અર્થ એ છે કે ઈશ્વર આપણા જીવનમાં જે મોકલે છે તે તમામ સંજોગોને આનંદથી સ્વીકારવા. આપણે તે સંજોગોને આપણને નમ્ર બનવાની મંજૂરી આપીએ છીએ, જેથી આપણે ઘટતા જઈએ અને ઈશ્વર વધતા જાય. જ્યારે આપણે લોકોની નજરમાં ઘટતા જઈશું, ત્યારે તેઓ આપણા પર નહિ, પણ પ્રભુ પર નિર્ભર રહીને જીવશે.

આપણે ઈચ્છવું જોઈએ કે ખ્રિસ્ત આપણામાં વધતા જાય અને આપણે ઘટતા જઇએ. આપણે ઘટતા જઇએ માટે ઈશ્વર આપણને આપણા જીવનમાં એવા ઘણા સંજોગોમાંથી દોરી જાય છે, જેથી ખ્રિસ્ત આપણામાં વઘી શકે. જો આપણે એ સંજોગોમાં પોતાને નમ્ર બનાવીએ, તો ઈશ્વરનો હેતુ આપણામાં પૂરો થશે.

આપણી જાતને નમ્ર બનાવવી એમાં જેઓનું આપણે ખોટું કર્યું છે તે બધાની માફી માંગવાનો સમાવેશ થાય છે. ઈશ્વરના સેવકો તરીકે, આપણે બધા લોકોના સેવક બનવાનું છે અને તેઓને આશીર્વાદ આપવા માટે તે બધાથી નાના થવા માટે તૈયાર હોવા જોઈએ. જ્યારે આપણે ભૂલો કરીએ છીએ, ત્યારે આપણે તેને સ્વીકારવામાં અને જ્યાં જરૂર હોય ત્યાં માફી માંગવા માટે ઉતાવળ કરવી જોઈએ. જે ક્યારેય ભૂલ કરતા નથી તે એકમાત્ર ઈશ્વર છે.

મેં ઈશ્વરને કહ્યું છે કે હું આ પૃથ્વી પર કોઈની પણ માફી માંગવા તૈયાર છું - બાળકો, નોકર, ભિખારી અથવા કોઈપણ - અને આ બાબતમાં હું ક્યારેય મારી પ્રતિષ્ઠા અથવા મોભાનો વિચાર નહિ કરું. અને મેં તે કર્યું છે - અને ઈશ્વરે મને આશીર્વાદ આપ્યો છે.

તમે જેઓ પરિણીત છો તેઓ જાણો છો કે તમારો એવો ઈરાદો ન હોવા છતાં, તમારી પત્નીઓને આકસ્મિક રીતે દુઃખી કરવી તમારા માટે કેટલું સરળ છે. તમે સારા ઈરાદા સાથે કંઈક કહ્યું હોઈ શકે છે. પરંતુ તમારી પત્ની કદાચ તમારા કહેવાનો ખોટો અર્થ સમજી શકે છે. આ બીજી રીતે પણ હોઈ શકે છે - જ્યાં તમારી પત્નીના કંઈક કહેવાથી તમને ગેરસમજ થઇ હોય. આવા કિસ્સાઓમાં તમારે શું કરવું જોઈએ? મને ફક્ત એટલું જ કહેવા દો: તમારા ઈરાદાઓને સમજાવવાની સખત મહેનત કરવી અથવા તે કોની ભૂલ હતી તેનું વિશ્લેષણ કરવું, તેના કરતા માફી માંગવાથી તમારા ઘરમાં ઘણી ઝડપથી શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય છે!

ધારો કે તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં જુઓ કે જ્યાં તમારા સહકાર્યકરોને તમારા વિશે ગેરસમજ છે. તેમને સાચી બાબતો સમજાવવાનો કોઈ ફાયદો ન હોઈ શકે, કારણ કે તેઓ કદાચ સાંભળવા તૈયાર ન હોય. આવા કિસ્સામાં તમારે શું કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે તમે સંપૂર્ણપણે નિર્દોષ હોવ? શું તમારે તમારા માટે દિલગીર થવું જોઈએ? જરા પણ નહિ. ફક્ત ખાતરી કરો કે તમારો અંતરાત્મા ઈશ્વર અને માણસો સમક્ષ સ્પષ્ટ છે અને આ બાબત ઈશ્વર પર છોડી દો. તમારે માત્ર એટલું જ કરવાનું છે. તે એ નીતિ છે જે મેં ઘણા વર્ષોથી અનુસરી છે અને મને ખરેખર આશીર્વાદ મળ્યો છે. હું તમને પણ તેની ભલામણ કરીશ.