WFTW Body: 

જ્યારે આપણે પવિત્રશાસ્ત્રના શરૂઆતના પૃષ્ઠોની તુલના તેના અંતિમ પૃષ્ઠો સાથે કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે બે વૃક્ષોએ (જીવનનું વૃક્ષ અને ભલુંભૂંડુ જાણવાનું વૃક્ષ) અંતના સમય સુધી બે વ્યવસ્થાતંત્ર ઉત્પન્ન કર્યા છે - યરૂશાલેમ અને બાબિલોન.

જે ખરેખર આત્માથી જન્મ્યું છે - ઈશ્વરથી, ઈશ્વર દ્વારા અને ઈશ્વર માટે - તે કાયમ રહે છે; વળી જે દેહથી જન્મ્યું છે - માણસમાંથી, માણસ દ્વારા અને માણસ માટે - તે નાશ પામે છે.

આજે, આપણે ઉત્પત્તિ અને પ્રકટીકરણના પૃષ્ઠો વચ્ચે જીવીએ છીએ. અને ભલે આપણે તે અનુભવીએ કે નહિ, આપણે આ બે વ્યવસ્થાતંત્રમાંથી એકમાં ફસાઈ જઈએ છીએ - એક ઈશ્વરને ઊંચા કરવા અને મહિમા આપવા માટે છે અને બીજું માણસને ઊંચા કરવા અને મહિમા આપવા માટે છે; એક ખ્રિસ્તને અનુસરે છે અને બીજું આદમને અનુસરે છે; એક આત્મામાં રહે છે અને બીજું શરીર અને દેહમાં રહે છે.

ઈસુ અને આદમ બંનેએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો - તફાવત ફક્ત એ હકીકતમાં હતો કે એકે આજ્ઞા પાળી અને બીજાએ આજ્ઞા તોડી. તેથી, ઈસુએ કહ્યું, જેઓ તેમનો અવાજ સાંભળશે તેઓમાંથી - એક આજ્ઞા પાળશે અને ખડક પર ઘર બાંધશે, અનંતકાળ માટે અચળ, જ્યારે બીજો સાંભળશે પણ પાળશે નહીં અને આમ રેતી પર ઘર બાંધશે, આખરે નાશ પામશે (માથ્થી 7: 24-27).

આ બે ઘરો કે જેની ઈસુએ વાત કરી તે યરૂશાલેમ અને બાબિલોન છે.

આજે એવા લોકો છે જેઓને ખરેખર વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે અને નવા કરારમાં પ્રવેશ કરે છે, જેમને ઈસુના રક્ત દ્વારા મુદ્રાંકિત કરવામાં આવ્યા છે, અને ઈશ્વરની ઈચ્છા (ખાસ કરીને માથ્થી 5 થી 7 માં વર્ણવ્યા પ્રમાણે) મુજબ આજ્ઞાકારી જીવન જીવીને ઈસુને અનુસરે છે. ખડક અને યરૂશાલેમમાં તેમની ભાગીદારી છે. વ્યક્તિ આ વ્યવસ્થાતંત્રનો છે કે નહીં તે જાણવા માટે તેણે ફક્ત માથ્થી 5 થી 7 વાંચવું પડશે.

એ જ રીતે બીજાઓ પણ છે (અને તેઓ બહુમતીમાં છે), જેઓ માથ્થી 5 થી 7 માં ઈસુના શબ્દો સાંભળે છે, પરંતુ ન્યાયીપણું, વિશ્વાસ અને કૃપાની ખોટી સમજ ધરાવતા, ખોટી સલામતીમાં રહે છે, ઈસુના વચનોનું પાલન કરવાની કાળજી લેતા નથી. અને આમ રેતી ઘર પર બાંધે છે - બાબિલોન - આખરે કાયમ માટે નાશ પામે છે.

તેઓ તેમની પોતાની નજરમાં 'ખ્રિસ્તીઓ' છે, કારણ કે ઈસુએ કહ્યું હતું કે રેતી પર બાંધનાર તે વ્યક્તિ હતો જેણે તેમનો અવાજ સાંભળ્યો હતો, અને તેથી દેખીતી રીતે, તે વિધર્મી નથી, પરંતુ બાઈબલ વાંચનાર અને 'પ્રભુમંદિરમાં’ જનાર હતો. તેની એકમાત્ર સમસ્યા એ હતી કે તેણે આજ્ઞા પાળી ન હતી અને તેથી જેઓ ઈસુની આજ્ઞાનું પાલન કરે છે તેઓની સાથે તે અંનતકાળના તારણનો ભાગીદાર બની શક્યો ન હતો (હિબ્રૂઓને પત્ર 5:9). તેનો વિશ્વાસ સાચો ન હતો, કારણ કે આજ્ઞાપાલનની કરણીઓથી તેના વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો નહોતો. (યાકૂબનો પત્ર 2:22, 26).

આદમના નેતૃત્વ હેઠળના લોકો ઈશ્વરની જાહેર કરેલી ઈચ્છાના આજ્ઞાભંગમાં તેમના આગેવાનને અનુસરે છે, પરંતુ શેતાન દ્વારા સમજાવવામાં આવે છે કે તેઓ "મરશે નહિ" (ઉત્પત્તિ 3:4), કારણ કે તેઓ દાવો કરે છે કે તેઓએ 'ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે'. આમ તેઓ બાબિલોનમાં ખોટી સુરક્ષામાં રહે છે.

તે જ રીતે, ખ્રિસ્તના નેતૃત્વ હેઠળના લોકો એ હકીકત દ્વારા ઓળખાય છે કે તેઓ ઈશ્વરની ઈચ્છાના આજ્ઞાપાલનમાં "ઈસુ ચાલ્યા તે પ્રમાણે ચાલે છે" (યોહાનનો પહેલો પત્ર 2:6). તેઓ ખ્રિસ્તના ભાઈઓ અને બહેનો છે (માથ્થી 12:50), અને યરૂશાલેમના ભાગીદાર છે.

માથ્થી 5 થી 7 ના અંતમાં ઈસુએ જે દૃષ્ટાંતની વાત કરી તે વિશેની રસપ્રદ વાત એ છે કે ડાહ્યા માણસનું ઘર અને મૂર્ખ માણસનું ઘર બંને થોડા સમય માટે - વરસાદ અને પૂર આવ્યા ત્યાં સુધી- ઊભા રહ્યા હતા, જેમ કે બાબિલોન અને યરૂશાલેમ બંને આજે ઊભા છે. જ્યારે મૂર્ખ માણસ ફક્ત ઘરના બાહ્ય દેખાવ (માણસોની આગળ સાક્ષી) વિશે ચિંતિત હતો, ત્યારે ડાહ્યો માણસ મુખ્યત્વે પાયા (હૃદયમાં છુપાયેલ જીવન, ઈશ્વરના મુખ સમક્ષ) વિશે વધુ ચિંતિત હતો.

યરૂશાલેમનું વિશિષ્ટ લક્ષણ પવિત્રતા છે. તેને "પવિત્ર શહેર" કહેવામાં આવે છે (પ્રકટીકરણ 21:2). જોકે, બાબિલોન તેની મહાનતા માટે જાણીતું છે. તેને "મહાન નગર" કહેવામાં આવે છે (પ્રકટીકરણ 18:10). તેને પ્રકટીકરણમાં અગિયાર વખત "મહાન" કહેવામાં આવ્યું છે.

જેઓ ખરી પવિત્રતામાં જીવે છે, ઈશ્વરના આજ્ઞાપાલનમાં રહે છે અને વિશ્વાસથી કૃપા દ્વારા ખ્રિસ્તના સ્વભાવના ભાગીદાર થયા છે, તેઓને યરૂશાલેમમાં એક સાથે બાંધવામાં આવે છે; જ્યારે જેઓ અહીં પૃથ્વી પર મહાનતા શોધી રહ્યા છે (માણસોની સાક્ષી અને માન) તેઓને બાબિલોનમાં બાંધવામાં આવ્યા છે.
ઓગણીસસો વર્ષથી, ઈશ્વરના લોકોને આ તેડું આપવામાં આવી રહ્યું છે

ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી (બાબિલોનમાંથી) નીકળી જાઓ (પ્રકટીકરણ 18:4).

આ તેડું આજે પણ વધુ તાકીદનું છે, કારણ કે આપણે યુગના અંતની નજીક આવી રહ્યા છીએ. જેને સાંભળવાને કાન છે, તે સાંભળે.