written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

છેલ્લા કેટલાક અઠવાડિયાથી, આપણે શિષ્યપણાની શરતો જોઈ રહ્યા છીએ. આ શરતો બાપ્તિસ્મા માટેની પૂર્વ જરૂરીયાતો છે. માથ્થી 28:19 માં મળેલ મહાન આદેશ પર પાછા જઈએ, જ્યાં ઈસુએ કહ્યું, "એકવાર તમે તેમને શિષ્ય બનાવો પછી તમારે તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવાની જરૂર છે."

બીજા શબ્દોમાં કહીએ તો, આપણે કોઈ વ્યક્તિને બાપ્તિસ્મા આપતા પહેલા, તેની સમક્ષ શિષ્યપણાના દાવાઓ રજૂ કરવા જોઈએ, અને કહેવું જોઈએ, "જ્યારે તમે ખ્રિસ્ત પાસે આવો છો, ત્યારે અમે તમને ફક્ત તમારા મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માટે આમંત્રણ નથી આપી રહ્યા. અમે તમને ફક્ત તમારા પાપોની માફી મેળવવા માટે આમંત્રિત કરી રહ્યાં નથી. અમે તમને ઈસુને તમારા જીવનના ઈશ્વર બનાવવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ. તે એ નથી કે જેની તમે અઠવાડિયે એક વાર મુલાકાત લો, પરંતુ તે એ છે કે જે તમારા પતિ બનશે.”

જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરે છે, ત્યારે તે તેના માતાપિતાનું નામ પણ છોડી દે છે, અને તે તેના પતિ સાથે સંપૂર્ણ રીતે એક થઈ જાય છે. તેણે એ રીતે રહેવું જોઈએ, અને આ તે સંબંધ છે જે ખ્રિસ્ત આપણામાંના દરેક સાથે રાખવા માંગે છે. શિષ્ય બનવાનો અર્થ જ આ છે. કોઈ સ્ત્રીએ "મારે મારા પતિ સાથે અઠવાડિયામાં માત્ર એક દિવસ જ વિતાવવાનો છે," અથવા "હું મારું પોતાનું જીવન જીવીશ અને સમયાંતરે તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખીશ" એમ વિચારીને લગ્ન કરવું ન જોઈએ. તેણે એ હકીકતથી વાકેફ હોવું જોઈએ કે, લગ્નમાં, તે જે પુરુષ સાથે લગ્ન કરવાની છે તેના પ્રત્યે તે સંપૂર્ણ સમર્પિત હોવી જોઈએ.

સુવાર્તા પ્રચારમાં પણ, આપણે જે લોકોને પ્રચાર કરીએ છીએ તેઓને આપણે જે રીતે સમજાવીએ છીએ તેમાં સ્પષ્ટતા હોવી જોઈએ, કે ખ્રિસ્તી જીવનમાં સંપૂર્ણ સમર્પણની જરૂર છે. તેનો અર્થ છે શિષ્યપણું. તેનો અર્થ થાય છે પ્રભુની પાછળ ચાલવું. જેઓ તે માટે તૈયાર છે, તેઓ બાપ્તિસ્મા લેવા તૈયાર છે. વ્યક્તિ સંપૂર્ણ બને ત્યાં સુધી આપણે રાહ જોતા નથી, પરંતુ આપણે કહીએ છીએ કે તે વ્યક્તિને શિષ્યપણાના દાવાઓ જણાવવા જોઈએ. જ્યારે તે તારણહાર અને ઈશ્વર તરીકે ખ્રિસ્તના આ દાવાઓને સ્વીકારે છે, ત્યારે આપણે તેને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપીએ છીએ. એટલા માટે આપણે આપણી મંડળીમાં કોઈ વ્યક્તિને બાપ્તિસ્મા આપતા પહેલા તે ઈશ્વરની પાછળ ચાલવા તૈયાર છે કે કેમ તે જોવા માટે રાહ જોવાનું પસંદ કરીએ છીએ.

એવા દેશોમાં જ્યાં સતાવણી છે, અથવા જ્યાં ખ્રિસ્તી બનવું એ બહુ જાણીતી બાબત નથી, ત્યાં આપણે આટલી લાંબી રાહ જોવાની જરૂર નથી. શરૂઆતના દિવસોમાં, યહૂદી વ્યક્તિ માટે ખ્રિસ્તી બનવું એ જબરદસ્ત ત્યાગ હતો (જેમ તે આજે પણ છે), અને તેથી જ તેઓ લગભગ તરત જ વ્યક્તિને બાપ્તિસ્મા આપી શકતા હતા (જેમ આપણે પ્રેરિતોનાં કૃત્યોમાં જોઈએ છીએ). મૂર્તિપૂજક વ્યક્તિ માટે તેની મૂર્તિપૂજા છોડી દેવી અને ખ્રિસ્તી બનવાનો અર્થ તેના સંબંધીઓ સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી જવો તે છે. આમ, એ જાણવું સહેલું છે કે તેઓ શિષ્યો બનવા ઈચ્છુક હતા, અને તેથી તેઓ બહુ જલદી બાપ્તિસ્મા લઈ શકે. પરંતુ આજકાલ, એવા દેશોમાં જ્યાં કોઈ સતાવણી નથી, તે જાણવું એટલું સરળ નથી કે કોઈ વ્યક્તિ શિષ્યપણાના દાવાઓને સમજે છે કે કેમ. તેણે કદાચ ખ્રિસ્તને સ્વીકાર્યો હશે કારણ કે તે સ્વર્ગમાં જવા માંગે છે. શિષ્યપણાના દાવાઓ કદાચ તેને જણાવવામાં આવ્યા ન હોય, અથવા તે કદાચ તેમને સમજી શક્યો ન હોય, અથવા જો તે તેમને સમજતો હોય, તો પણ તે શિષ્યપણાની શરતોને પૂર્ણ કરવા તૈયાર ન હોય. આપણને આવા લોકોને બાપ્તિસ્મા આપવાનો કોઈ અધિકાર નથી.

વ્યક્તિ બાપ્તિસ્મા લીધા પછી વિશ્વાસમાં પાછી પડી જઈ શકે છે -- તે બીજી સમસ્યા છે -- પરંતુ શિષ્યપણાના દાવાઓ લોકોને શરૂઆતમાં જ સ્પષ્ટ કરવા જોઈએ. ઈસુએ હંમેશા આ રીતે સત્ય જાહેર કર્યું. જ્યારે એક શ્રીમંત યુવાન અધિકારી ઈસુ પાસે આવ્યો અને તેમને પૂછ્યું, "અનંતજીવનનો વારસો મેળવવા માટે મારે શું કરવું જોઈએ," તેમણે શ્રીમંત યુવાન અધિકારીને તેની પાસે જે હતું તે બધું છોડી દેવા કહ્યું. જ્યારે તે એ પ્રમાણે કરવા તૈયાર ન હતો અને ચાલ્યો ગયો, ત્યારે ઈસુ તેની પાછળ ગયા નહીં. પ્રભુએ તેને અનુકૂળ બનાવવા માટે શરતોને ઘટાડવાની ક્યારેય ઈચ્છા કરી નથી. તેમણે તેને ધીમે ધીમે આગળ વધવાનું પણ કહ્યું નહીં. તેમણે કહ્યું, "તે જ સત્ય છે. જો તમે મારી પાછળ ચાલવા માંગતા હો, તો તમારે બધું છોડી દેવું પડશે."

બાપ્તિસ્મા મહત્વપૂર્ણ છે કારણ કે, જેમ આપણે રોમનોને પત્ર 6 માં વાંચીએ છીએ, તેમ તે જૂના માણસપણાને દફનાવી દેવાનું પ્રતીક છે: મારી જૂની જીવનશૈલી, જે મૂળભૂત રીતે મારી પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે, જે મને ખુશ કરે છે, મારી જાતને ખુશ કરવા અથવા અન્ય માણસોને ખુશ કરવા માંગે છે. તે વ્યક્તિ, મારી અંદર રહેતી તે આદમ જેવા સ્વભાવની વ્યક્તિ મૃત્યુ પામી છે. મેં વધસ્તંભ પર ખ્રિસ્ત સાથે મારું સ્થાન લીધું છે અને તે વ્યક્તિ મૃત્યુ પામી છે. જ્યારે હું તે સ્વીકારું છું, ત્યારે હું બાપ્તિસ્મા લઈ શકું છું. બાપ્તિસ્માના પાણીમાંથી બહાર આવીને, હું સાક્ષી આપું છું કે હું એક નવી વ્યક્તિ છું. તેથી બાપ્તિસ્મા લેવાનો અથવા ડૂબી જવાનો અર્થ એ છે. જો તે બદલાણ પામનાર માટે ખરું નથી, તો બાપ્તિસ્મા અર્થહીન બની જાય છે.

તમે એવા માણસને દફનાવી શકતા નથી કે જે મૃત્યુ પામ્યો નથી, અને ઘણા લોકો જે બાપ્તિસ્મા લે છે, તેઓ મૃત્યુ પામ્યા નથી કારણ કે તેઓએ પોતે મરવાનું પસંદ કર્યું નથી. તેના બદલે, તેઓ ધાર્મિક વિધિ તરીકે પાણીમાં જાય છે. ઘણા માબાપ તેમના બાળકોને તેમના પોતાના સન્માન માટે બાપ્તિસ્મા લેવા વિનંતી કરવા માંગે છે. અથવા માબાપ વિચારે છે કે બાપ્તિસ્મા કોઈક રીતે તેમના બાળકોને દુનિયાથી બચાવશે. એવું થતું નથી.

બાપ્તિસ્મા એ માત્ર એક પસંદગીનું પ્રતીક છે જે વ્યક્તિએ પહેલેથી જ કરી છે - પોતાની મરજી પ્રમાણે કરવા પ્રત્યે મરણ પામવું. જો તેણે તે પસંદગી ન કરી હોય, તો બાપ્તિસ્મા અર્થહીન ધાર્મિક વિધિ છે.