written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

રોમન 14 અને 15 ખ્રિસ્તના શરીરમાં એકબીજાને સ્વીકારવા વિશે વાત કરે છે. વિશ્વાસીઓ તરીકે, આપણે સર્વ દરેક બાબતે એકસરખું વિચારતા નથી. એક દિવસ જ્યારે ખ્રિસ્ત પાછા આવશે અને આપણું મન સંપૂર્ણ બનશે, ત્યારે આપણે દરેક સિદ્ધાંત પર 100% સહમત થઈશું અને આપણે જાણીશું કે સાચી આત્મિકતા શું છે અને આત્મા અંગેની બાબતો અને સંસારીક બાબતો શું છે. પરંતુ અત્યારે આ બાબતો પર આપણા બધાના મંતવ્યો અલગ-અલગ છે, કારણ કે જો આપણે નિષ્ઠાવાન અને પૂર્ણ હૃદય ધરાવનાર હોઈએ તો પણ આપણા મન હજુ પણ પાપની અસરોથી વિકૃત છે. કોઈને પણ કોઈ બાબતની સંપૂર્ણ સ્પષ્ટ સમજ નથી. હમણાં આપણે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ (કરિંથીઓને પહેલો પત્ર 13:12). તેથી, જ્યારે આપણે બીજામાં કંઈક અલગ જોઈએ છીએ, ત્યારે આપણે સાચા છીએ અને બીજા બધા ખોટા છે તેવી કલ્પના કરીને હઠીલા ન થવું જોઈએ. આ રીતે ખ્રિસ્તના શરીરમાં ભાગલા પડે છે. શાસ્ત્રમાં સ્પષ્ટ અને મહત્વપૂર્ણ સત્યો આપેલા છે - ખાસ કરીને ખ્રિસ્તના એક વ્યક્તિ તરીકે અને તેમના કાર્યને લગતા. ઇસુ ખ્રિસ્ત સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ માણસ છે અને તેઓ જગતના પાપો માટે મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા અને ઈશ્વરપિતા પાસે પહોંચવાનો તેઓ જ એકમાત્ર માર્ગ છે. આવા સિદ્ધાંતો પર દલીલ કરવાનો કોઈ અવકાશ જ નથી. પરંતુ એવા અન્ય સિદ્ધાંતો છે જે મૂળભૂત નથી.

પાણીનું-બાપ્તિસ્મા, તારણ માટે જરૂરી ન હોવા છતાં પણ તે હજુ સ્થાનિક મંડળીઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. ઘણા ખ્રિસ્તીઓ, બાળકોને બાપ્તિસ્મા આપવામાં માને છે અને ઘણા માને છે કે બાળકોનું-બાપ્તિસ્મા શાસ્ત્ર પ્રમાણે નથી, આ બંને પ્રકારના લોકોને એક જ મંડળીમાં એકબીજા સાથે કામ કરવું અશક્ય લાગશે - કારણ કે તેઓ સતત સંઘર્ષમાં રહેશે. આપણે આવા ભાઈઓ સાથે મળીને કામ કરી શકતા નથી, તેમ છતાં પણ જો તે નવો જન્મ પામેલો હોય તો આપણે તેને ખ્રિસ્તમાં એક ભાઈ તરીકે સ્વીકારવો જોઈએ - કારણ કે ઈશ્વરે તેને સ્વીકાર્યો છે. જો આપણે સાથે કામ ન કરી શકીએ તો પણ આપણે સાથે મળીને સંગત કરી શકીએ છીએ. આજે ખેદજનક બાબત એ છે કે ઘણા વિશ્વાસીઓને લાગે છે કે જો તેઓ કોઈ વ્યક્તિ સાથે કામ કરી શકતા નથી, તો તેઓ તેની સાથે સંગત પણ કરી શકતા નથી. ત્યાં જ અધ્યાય 14 અને 15 એ બાબત સમજાવે છે.

શું વિશ્વાસમાં નબળા હોય એવા કોઈ ભાઈને તમે જુઓ છો? તો તેને સ્વીકારો. તમારે તેને કેવી રીતે સ્વીકારવો જોઈએ? "જેમ ખ્રિસ્તે તમારો અંગીકાર કર્યો" (રોમનોને પત્ર 15:7). શું ખ્રિસ્તે તમારો સ્વીકાર ત્યારે કર્યો જ્યારે તમે સંપૂર્ણ હતા? ના. તો પછી તમે શા માટે તમારા ભાઈને સ્વીકારતા પહેલા તે સંપૂર્ણ હોય એવી અપેક્ષા રાખો છો? જે દિવસે આપણો નવો જન્મ થયો તે દિવસે આપણે બધા કેટલા નબળા અને મૂર્ખ હતા. આપણે ઈશ્વર વિશે કશું જાણતા ન હતા અને આપણે બધા પાપથી હારેલા હતા. છતાં પ્રભુએ આપણને સ્વીકાર્યા. તેમણે આપણામાં ઘણી બધી ખોટી બાબતો જોઈ, છતાં તેમણે આપણને સ્વીકાર્યા. જેમને ઈશ્વરે સ્વીકાર્યા છે તેમને જો આપણે સ્વીકારતા નથી, તો આપણે ઘમંડી છીએ અને આપણી જાતને ઈશ્વર કરતાં વધુ આત્મિક હોવાની કલ્પના કરીએ છીએ! આ રીતે જ ખોટા પંથ બનાવવામાં આવે છે - માત્ર ખોટા સિદ્ધાંતો દ્વારા જ નહીં, પરંતુ ઈશ્વરના અન્ય બાળકો પ્રત્યેના ખોટા વલણ દ્વારા પણ. આપણે આપણા તુચ્છ નિયમો અને કાયદાઓને, ખ્રિસ્તના શરીરના અન્ય સભ્યોને સ્વીકારવા માટેનો આધાર ન બનાવવો જોઈએ.

"તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે?" (રોમનોને પત્ર 14:10અ). તે એક બાહ્ય ક્રિયા છે. "તું તારા ભાઈને કેમ તુચ્છ ગણે છે?" (રોમનોને પત્ર 14:10બ). તે આંતરિક વલણ છે. આપણે બંનેથી બચવું જોઈએ. જ્યારે આપણું હૃદય એટલું મોટું થાય કે, ઈશ્વરે જેમને સ્વીકાર્યા છે તે બધાને આપણે પણ સ્વીકારીએ છીએ, ત્યારે આપણે સુવાર્તાના સંદેશની પરાકાષ્ઠા પર આવીએ છીએ. "એક ચિત્તે (ખ્રિસ્તના શરીરમાં અન્ય લોકો સાથે) અને એક અવાજે, આપણે ઈશ્વરનો મહિમા પ્રગટ કરીએ" (રોમનોને પત્ર 15:5).

છેલ્લા અધ્યાય, રોમનોને પત્ર 16 માં રોમના વિવિધ વિશ્વાસીઓને પાઉલ તરફથી શુભેચ્છાઓ શામેલ છે. રોમની મંડળીમાં, પાંચ ગૃહ મંડળીઓ હતી (કલમ 5-15). તેઓ બધા એક મોટી મંડળી તરીકે એક સ્થળ પર એક સાથે મળતા ન હતા. રોમમાં ખૂબ મોટી મંડળી હતી. પરંતુ તેઓ નાના જૂથોમાં અને જુદા જુદા ઘરોમાં મળતા હતા. પાઉલ ક્યારેય રોમ ગયો ન હતો, તેમ છતાં, તેણે ત્યાંની મંડળીના જુદા જુદા લોકોને જાણવામાં રસ લીધો અને તેઓને શુભેચ્છા પાઠવી.

છેલ્લે: 'વિશ્વાસને આધીન' (રોમનોને પત્ર 16:25) અભિવ્યક્તિનો અહીં આ પત્રના અંતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ તેનો ઉલ્લેખ પત્રની શરૂઆતમાં છે. લોકોને ફક્ત વિશ્વાસ તરફ જ દોરવા માટે ઈશ્વરે પાઉલને તેડું આપ્યું ન હતું પણ તેઓ જે વિશ્વાસ રાખતા હતા તેને આધીન થવાનું પણ તેડું આપ્યું હતું. આજ્ઞાપાલનનાં કાર્યો વિનાનો વિશ્વાસ એ મૃત વિશ્વાસ છે - નિર્જીવ શરીર સમાન. જૂના કરાર હેઠળ, આજ્ઞાપાલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા કરાર હેઠળ, વિશ્વાસની આધીનતા પર ભાર મુકવામાં આવ્યો છે. હવે આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ, એ જાણીને કે દરેક આદેશ પ્રેમાળ પિતા તરફથી આવે છે અને તે આપણા શ્રેષ્ઠ માટે રચાયેલ છે.