પ્રકટીકરણ 2:12-17 માં આપણે વાંચીએ છીએ, “અને 'પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ: જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે: તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ...”
પેર્ગામમ એક શહેર હતું, જે એટલું દુષ્ટ હતું કે પ્રભુ કહે છે કે આ પૃથ્વી પર શેતાનનું મુખ્ય મથક ત્યાં હતું. આનો ઉલ્લેખ પ્રકટીકરણ 2:13 માં બે વાર કરવામાં આવ્યો છે. અને તે શહેરની વચ્ચે જ પ્રભુએ પોતાની મંડળી મૂકી હતી.
પ્રભુ તેમને કહે છે, “તું ક્યાં વસે છે તે હું જાણું છું”. તે બરાબર જાણે છે કે આપણે ક્યાં રહીએ છીએ અને આપણે કઈ પરિસ્થિતિઓમાં રહીએ છીએ. અને પૃથ્વી પર શેતાનની ગાદી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ હોય તો પણ ઈશ્વર આપણને શુદ્ધ અને વિજયી રાખી શકે છે. આત્માની તલવારથી, આપણે પણ જીતી શકીએ છીએ.
કોઈ પણ દીવી ક્યારેય ફરિયાદ કરતી નથી કે આસપાસનું વાતાવરણ એટલું અંધકારમય છે કે તે તેમાં પ્રકાશી શકશે નહિ. દીવીના પ્રકાશને તેની આસપાસના વાતાવરણ સાથે કોઈ લેવાદેવા નથી. તેનો પ્રકાશ ફક્ત તેમાં રહેલા તેલના જથ્થા પર આધાર રાખે છે.
કોઈપણ સ્થાનિક મંડળી સાથે પણ આવું જ છે. આસપાસનું વાતાવરણ દુષ્ટ હોઈ શકે છે. તે શહેરમાં શેતાનની ગાદી હોઈ શકે છે. પરંતુ જો મંડળી પવિત્ર આત્માના તેલથી ભરેલી હોય, તો પ્રકાશ તેજસ્વી રીતે ચમકશે. હકીકતમાં, આસપાસના વાતાવરણમાં જેટલું અંધારું હશે, તેટલો જ તેજસ્વી રીતે આવા વાતાવરણમાં કોઈપણ પ્રકાશ દેખાશે! તારાઓ રાત્રે દેખાય છે - દિવસ દરમિયાન નહીં.
ઈશ્વર આ મંડળીની તેમના નામને મજબૂત રીતે વળગી રહેવા અને સતાવણીના સમયે પણ વિશ્વાસને નાકબૂલ ન કરવા બદલ પ્રશંસા કરે છે. તેમણે ખાસ કરીને અંતિપાસનો ઉલ્લેખ કર્યો છે, જે એક વિશ્વાસુ સાક્ષી હતો જેણે પોતાના વિશ્વાસ માટે પોતાનો જીવ આપ્યો હતો.
અંતિપાસ એવો હતો જે ઈશ્વરના સત્ય માટે ઊભો હતો, ભલે તેનો અર્થ એકલા ઊભા રહેવું હોય. તે વિશ્વાસુ માણસ હતો અને માણસોને ખુશ કરવાનો પ્રયાસ કરનારા ન હતો. જેઓ ઈશ્વરને જાણે છે તેમને આસપાસ જોવાની જરૂર નથી કે બીજા કેટલા લોકો તેઓ જે માને છે તે માને છે. તેઓ જરૂર પડ્યે આખી દુનિયામાં બીજા બધા સામે પ્રભુ માટે એકલા ઊભા રહેવા તૈયાર હોય છે. અંતિપાસ પણ આવો જ માણસ હતો. અને પરિણામે, તેને મારી નાખવામાં આવ્યો.
જો તે માણસોને ખુશ કરનાર હોત, તો તે મૃત્યુથી બચી શક્યો હોત. તેને મારી નાખવામાં આવ્યો કારણ કે તે ઈશ્વરના પ્રગટ સત્ય માટે કોઈ સમાધાન વિના ઊભો હતો. લોકો કદાચ તેને સંકુચિત મનનો, હઠીલો, કઠોર અને પાગલ કહેતા હશે. પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નહીં. તે ફક્ત પોતાના ઈશ્વર પ્રત્યે સાચા રહ્યો, બધા પાપ, દુન્યવીપણુ, સમાધાન, ઈશ્વરના વચનનો અનાદર અને શેતાનની સામે ઊભો રહ્યો. અહીં એક માણસ હતો જે શેતાનના રાજ્ય માટે ખતરો હતો.
કદાચ અંતિપાસ પેર્ગામમમાં હોવાથી શેતાને ત્યાં પોતાની શેતાનની ગાદી રાખવાનું નક્કી કર્યું હશે. જો શેતાન પણ તેનાથી ડરતો હોય તો અંતિપાસ કેવો માણસ હશે!
આજે જગતના દરેક ભાગમાં ઈશ્વરને અંતિપાસ જેવા લોકોની જરૂર છે. ટૂંક સમયમાં જ એવો સમય આવી રહ્યો છે જ્યારે આપણે આપણા વિશ્વાસની કિંમત ચૂકવવી પડશે. આપણી આસપાસનું નકલી સિદ્ધાંતોને અનુસરતું ખ્રિસ્તી જગત સમાધાન કરશે અને ખ્રિસ્તવિરોધી સમક્ષ નમન કરશે. શું આપણે એ દિવસે અંતિપાસની જેમ મક્કમ રહીશું? કે પછી આપણે શેતાન આગળ ઘૂંટણિયે પડીને આપણા જીવને બચાવીશું? શું આપણે ખાતરી રાખી શકીએ છીએ કે ઈશ્વરના સત્ય માટે આપણું જીવન ગુમાવવું યોગ્ય છે?
આજે, ઈશ્વર નાની કસોટીઓ દ્વારા આપણી પરીક્ષા કરી રહ્યા છે. જો આપણે આ નાની કસોટીઓમાં વિશ્વાસુ રહીશું તો જ ભવિષ્યમાં આવનારી મોટી કસોટીઓમાં આપણે વિશ્વાસુ રહી શકીશું. શેતાન તમને તેના રાજ્ય માટે એટલો ખતરો ગણશે કે તે શેતાનની ગાદી તે શહેરમાં ખસેડશે જ્યાં તમે રહો છો.
દુઃખદ વાત એ હતી કે અંતિપાસના મૃત્યુ પછી, પેર્ગામમની મંડળી આત્મિક રીતે હારી ગઈ. અંતિપાસ કદાચ જીવતો હતો ત્યારે મંડળીનો સંદેશવાહક હતો. જ્યારે તે મૃત્યુ પામ્યો, ત્યારે કોઈ બીજાએ કબજો લીધો અને મંડળીનું પતન થયું. આ ઘણી મંડળીઓનો દુઃખદ ઈતિહાસ છે.