WFTW Body: 

“ત્યારે તેમના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું ‘આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, એ શું તમે જાણો છો?’ ઈસુએ કહ્યું, ‘તેઓને રહેવા દો’” (માથ્થી 15:12-14).

જ્યારે ઈસુએ, માતાપિતાનું અપમાન કરવાનું શીખવવા બદલ ફરોશીઓને સુધાર્યા ત્યારે તેઓ નારાજ થયા હતા. ફરોશીઓ ઠપકો અથવા સુધારણાની કોઈપણ વાતથી સરળતાથી નારાજ થાય છે, જે ઈશ્વર તેમને તેઓના મોટા ભાઈ દ્વારા આપે છે. "નારાજ થવા" પર વિજય મેળવવો, ખ્રિસ્તી જીવનના બાળવર્ગના (કિન્ડરગાર્ટન) પાઠોમાંનો એક છે. જયારે તમને કોઈ સુધારો જણાવે ત્યારે સંપૂર્ણપણે નારાજ થવામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરશો નહીં, તો તમે ક્યારેય ફરોશીવાદમાંથી મુક્ત થશો એવી કોઈ આશા રહેતી નથી.

હું એવા લોકોને જાણું છું જેઓ એક સમયે અમારી મંડળીમાં હતા, જેઓ તેમને સૂચવવામાં આવેલા કેટલાક સુધારાથી એટલા નારાજ થયા હતા કે તેઓએ મંડળીને સંપૂર્ણપણે છોડી દીધી હતી. તેઓ આજે અરણ્યમાં ભટકી રહ્યા છે અને તેઓ હંમેશ માટે ખોવાઈ જાય તેવી દરેક શક્યતા છે. હું તમને ખાતરી આપી શકું છું કે જો તમને સૂચવવામાં આવેલ કેટલાક સુધારાથી તમે નારાજ થયા છો તો ફરોશીઓની જેમ, તમે પણ તમારા નરકના માર્ગે હોઈ શકો છો,

ઈસુએ તેમના શિષ્યોને "તેઓને રહેવા દેવા" કહ્યું. આપણે નારાજ ફરોશીઓને મંડળીમાં પાછા લાવવાનો પ્રયાસ કરવા, તેમની પાછળ જવાનું નથી. આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેઓને રહેવા દેવા જોઈએ. જો તેઓ પસ્તાવો કરે, તો તેઓ પ્રભુ પાસે અને મંડળીમાં પાછા આવી શકે છે. નહિંતર નહિ.

તિમોથીને બીજો પત્ર 3:1-4 માં આપણે ચાર પ્રકારના પ્રેમીઓનો ઉલ્લેખ જોઈએ છે: સ્વ પ્રેમીઓ, પૈસાના પ્રેમીઓ, આનંદના પ્રેમીઓ અને ઈશ્વરના પ્રેમીઓ. આ ચાર પ્રકારના પ્રેમીઓમાંથી માત્ર એક જ ખરો છે. એક ખરો ખ્રિસ્તી ઈશ્વરનો પ્રેમી હોવો જોઈએ, પરંતુ જો તે ઈશ્વરનો પ્રેમી ન હોય, તો તે સ્વ પ્રેમી હશે - તેના પોતાના અધિકારો, તેની પ્રતિષ્ઠા, તેના સન્માન વગેરેનો પ્રેમી હશે.

તેનો એક પુરાવો એ છે કે આપણે સરળતાથી નારાજ થઈ જઈએ છીએ. જે પોતાની જાતને જ પ્રેમ કરે છે તે જ નારાજ થાય છે. જે પોતાની જાતને પ્રેમ નથી કરતો પણ ઈશ્વરને પ્રેમ કરે છે તે બીજી વ્યક્તિ કંઈ કહે કે ન કહે, અથવા બીજી વ્યક્તિ કંઈ કરે છે કે ન કરે, તેનાથી ક્યારેય નારાજ થતો નથી.

આપણે નારાજ થઈએ છીએ કારણ કે આપણને દુઃખ થાય છે. કોઈએ આપણી સાથે જે રીતે વર્તન કર્યું, અથવા આપણી પીઠ પાછળ કોઈએ આપણા વિશે જે કહ્યું તે સાંભળીને આપણા સ્વ-જીવને દુ:ખ થાય છે. આપણે આપણી જાતને કેટલો બધો પ્રેમ કરીએ છીએ!

અને આપણે અહીં કોની વાત કરી રહ્યા છીએ? અવિશ્વાસીઓ? ના! આપણે કહેવાતા "વિશ્વાસીઓ" વિશે વાત કરી રહ્યા છીએ - જેઓ ક્યારેય સમજી શક્યા નથી કે વધસ્તંભ ઉચકવો અને પોતાની જાતનો‌ નકાર કરવો શું છે. કારણ કે છેલ્લા દિવસોમાં વધસ્તંભ વિશે અને પોતાની જાતનો‌ નકાર કરવા વિશે બહુ ઓછો પ્રચાર થશે. તે આજે મોટાભાગની મંડળીઓમાં લગભગ સંભળાતું નથી, અને ખ્રિસ્તી ટેલિવિઝન પર ક્યારેય સાંભળ્યું નથી. જ્યારે પોતાનો‌ નકાર કરવાનો કોઈ ઉપદેશ નથી, ત્યારે ઘણા ખ્રિસ્તીઓના જીવનોમાં સ્વ ખીલશે. તેઓ એ‌ પણ જાણશે નહીં કે જો તમે તમારી જાતને પ્રેમ કરો છો તો તમે ઈસુને અનુસરી શકતા નથી. તેઓ વિચારશે કે તમે તમારી જાતને પ્રેમ કરી શકો છો અને ઈસુને અનુસરી શકો છો. ખ્રિસ્તીઓના ટોળાંને જુઓ, જેઓ નારાજ થાય છે અને દુઃખી થાય છે અને તેમને એવું નથી લાગતું કે તે એક ભયંકર પાપ છે.

તમે કહી શકો છો, "હા, પરંતુ કોઈએ મારી સાથે તે ભયંકર બાબત કરી છે, તેથી મને દુ:ખી થવાનો અધિકાર છે!" બરાબર! કારણ કે તમે અવિશ્વાસી છો! તમે ઈસુના શિષ્ય નથી, તેથી જ તમને દુઃખી થવાનો અધિકાર છે. જો તમે ઈસુના શિષ્ય છો, તો તમને દુઃખી થવાનો કોઈ અધિકાર નથી. ઈસુને ક્યારેય દુઃખ થયું ન હતું - જ્યારે તેઓએ તેમને ભૂતોના સરદાર કહ્યા, જ્યારે તેઓ તેમના મોં પર થૂંક્યા, અથવા તેઓએ તેમની સાથે અન્ય તમામ પ્રકારની દુષ્ટ બાબતો કરી.

ઈસુના શિષ્ય બનવાનો અર્થ શું છે? બહુ જ ઓછા ખ્રિસ્તીઓ છે જેઓ છેલ્લા દિવસોમાં વધસ્તંભ ઉંચકીને તેમની પાછળ ચાલશે. તેથી ખરા ખ્રિસ્તી બનવું ખૂબ જ મુશ્કેલ બનશે કારણ કે આપણે એવા લોકોથી ઘેરાયેલા છીએ જેઓ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે, જેઓ આત્માથી ભરપૂર હોવાનો દાવો કરે છે, જેઓ અન્ય ભાષાઓ બોલવાનો દાવો કરે છે, પરંતુ તેઓ દુઃખી થાય છે અને નારાજ થાય છે. અથવા, તેઓ પરેશાન છે કારણ કે તેમનું નામ ધૂળમાં મળી ગયું હતું.

ઈસુએ આપણને પ્રાર્થના કરવાનું શીખવ્યું, "ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાઓ." એનો અર્થ કે, તમારું પોતાનું નામ ભૂલી જાઓ! પરંતુ છેલ્લા દિવસોમાં, પોતાને ખ્રિસ્તી કહેનારા ઘણા લોકો પણ તેમના પોતાના નામ વિશે વધુ ચિંતિત થવાના છે. દાખલા તરીકે, શું તમે જાણો છો કે આજે દુનિયામાં ઈસુનું નામ કેટલું બદનામ થાય છે? તેમ છતાં, મોટાભાગના લોકો જેઓ પોતાને ખ્રિસ્તી કહે છે તેમને તે‌ બાબતની પડી નથી. પરંતુ, જો કોઈકના દ્વારા તેમના નામ પર કીચડ ઉછાળવામાં આવે છે, ભલે તે એક જ વખત થયું હશે તો પણ - તે બાબત તેમને પરેશાન કરશે. અથવા જો તેમની નાની સુંદર દીકરીના નામને બદનામ કરવામાં આવે, તો તે બાબત તેમને જબરદસ્ત રીતે તકલીફ આપશે. પરંતુ સમગ્ર દેશમાં ઈસુનું નામ બદનામ થાય તે બાબત તેમને જરાય પરેશાન કરતી નથી. શું તમને લાગે છે કે આવા લોકો ઈસુના શિષ્યો છે? ના! તેઓ ઈસુથી દૂર છે! પરંતુ તેઓ ચર્ચમાં બેસે છે. તેઓ નવો જન્મ પામ્યા હોવાનો દાવો કરે છે. તેઓ ઈશ્વરને પ્રેમ કરવાનો દાવો કરે છે.

શેતાને આ એક અદ્ભુત બાબત કરી છે - એવા લોકોને તે છેતરે છે જેઓ ઉપરથી નીચે સુધી, માથાથી પગના તળિયા સુધી પોતાની જાતને પ્રેમ કરે છે, અને હજી પણ એવું માને છે કે તેઓ ઈસુના શિષ્યો છે.

પરંતુ, હું તમને ફક્ત ચેતવણી આપી શકું છું. જો તમે જાતે જ તેનાથી મુક્ત થવા માંગતા ન હોવ, તો કોઈ તમને સ્વ પ્રેમી બનવામાંથી સુધારી શકશે નહીં!