એવા માત્ર બે પ્રસંગો હતા જ્યાં ઇસુ મંડળી વિષે બોલ્યા હતા - માથ્થી ૧૬:૧૮ અને ૧૮:૧૭-૨૦ માં. અને આ બન્ને પ્રસંગોમાં તેમણે શેતાન મંડળીની વિરુદ્ધ લડાઈ કરે છે તે વિષે વાત કરી હતી. પહેલા ઉલ્લેખમાં ઈસુ એ વિશે બોલ્યા કે, શેતાન મંડળીની વિરુદ્ધ પ્રત્યક્ષ રીતે આત્મિક મૃત્યુના બળો દ્વારા હુમલો કરે છે - દુષ્ટાત્માઓની મારફતે. અને બીજા પ્રસંગમાં, તેમણે એ વિશે વાત કરી કે, શેતાન કોઈ એક ભાઈ દ્વારા કે જે પરોક્ષ રીતે મંડળીને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, કે જે ભાઈ શેતાનથી છેતરાઈને અને બંધનમાં નંખાઈને અજાણતા તેનો પ્રતિનિધિ બની ગયો હોય છે. પરંતુ ભલેને શેતાન કોઈપણ રીત અપનાવે, પ્રભુએ આપણને શેતાનના કામોને બાંધવાનો અને જેઓ તેના બંધનમાં છે તેઓને છોડાવવાનો અધિકાર આપ્યો છે(માથ્થી ૧૬:૧૯,.૧૮:૧૮, ૨ તિમોથી ૨:૨૬) આપણે મંડળીમાં આ આધિકારનો સપૂર્ણ નીડરતાથી ઉપયોગ કરવો જ જોઈએ.
ઈસુએ કહ્યું હતું કે જે મંડળી તે બાંધે છે તેની એક પ્રમાણિત ઓળખચિન્હ આ છે: કે તે નરકના બારણાંઓ (આત્મિક મૃત્યુના બળો) ની ઉપર વિજયવંત થાય છે. બીજી બાજુ, જો કોઈ મંડળી પોતે આત્મિક મૃત્યુના બળોથી પરાજિત થવા લાગે તો - જેમ કે, ઈર્ષ્યા, અથવા ઝઘડો, અથવા પ્રતિસ્પર્ધીનો આત્મા, અથવા પોતાનું માન-સન્માન શોધવાની લાલચ, અથવા અનૈતિકતા, અથવા પૈસા પ્રત્યેનો પ્રેમ, અથવા સાંસારિકતા દ્વારા, અથવા કડવાશ, અથવા ઘમંડ, અથવા અહંકાર, અથવા ફરોશીપણું વગેરે દ્વારા. તો પછી આપણે ચોક્કસપણે કહી શકીએ કે તે એ મંડળી નથી કે જેને ઈસુ બાંધી રહ્યા છે.
શેતાન નિરંતર મંડળીનો નાશ કરવાની ઈચ્છા રાખે છે. અને મોટા ભાગે, તે આ કાર્ય કરવાનો પ્રયાસ તેના પ્રતિનિધિઓ દ્વારા મંડળીમાં ઘૂસણખોરી કરીને કરે છે. યહૂદા આવા લોકો વિશે વાત કરે છે "જે છુપી રીતે મંડળીમાં ઘૂસી આવ્યા છે(યહૂદાનો પત્ર ૧:૪). જેમ ગીબયોનીઓએ યહોશુઆને છેતર્યો (યહોશુઆ ૯) તેમ આજે પણ ઘણાઓએ વડીલોને છેતર્યા છે અને શિષ્યો હોવાનો ઢોંગ કરીને મંડળીઓમાં સંતાઈને ઘૂસી આવ્યા છે. પરંતુ આ લોકો વડીલોને છેતરવામાં કઈ રીતે સફળ થયા? તેનું કારણ કદાચ એ હોય શકે કે, વડીલો તેમની ધન-સંપત્તિથી ખરીદાઈ ગયા હતા અથવા તેમની દુન્યવી પદ-પ્રતિષ્ઠાથી પ્રભાવિત થયા હતા. બધા જ બાબીલના ધર્મ-સંપ્રદાયોમાં, એવા લોકો કે જેમની પાસે દુન્યવી પદ-પ્રતિષ્ઠા અથવા ધન-સંપત્તિ છે કે જેઓ ભલે પછી વડીલો ન હોય તેમ છતાં પણ તેમના જૂથો દ્વારા લીધેલા નિર્ણયોથી પ્રભાવિત કરવા સક્ષમ હોય છે. પરંતુ આવું આપણી મધ્યે ક્યારેય ન થવું જોઈએ. જો આપણે સાવચેત ન રહીએ તો ગીબયોનીઓ મંડળીઓમાં પણ ઘૂસી આવશે.
આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે તે આપણા ઉપર સતત પોતાની નજર રાખીને શેતાનના આવા હુમલાઓથી આપણને બચાવે છે. "જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે." (ગી.શા ૧૨૭:૧). જ્યાં બધા ભાઈઓ સંપીને સાથે રહેતા હોય, ફક્ત ત્યાં જ પ્રભુ પોતાના આશીર્વાદો મોકલી શકે છે (ગી.શા ૧૩૩:૧, ૩) - અને ફક્ત સંપીલી મંડળી જ નરકના બારણાંઓની ઉપર વિજયવંત થઈ શકે છે. તેથી પવિત્ર-આત્મા આપણા મધ્યે એ સંપ જાળવી રાખવા માટે પરાક્રમી રીતે કાર્યો કરે છે.
પ્રકટીકરણનાં પુસ્તકમાં આપેલ સ્વર્ગની સાત ઝાંખીઓમાંની દરેકમાં આપણે સ્વર્ગના રહેવાસીઓને સતત ઊંચા સ્વરે પરમેશ્વરની સ્તુતિ કરતા સાંભળીએ છીએ - કેટલીક વખત ગાજવીજના જેવા અને કેટલીક વખત તોફાની ખળભળાટ કરતી નદીઓના જેવા ઊંચા અવાજે. આ સ્વર્ગનું વાતાવરણ છે.- કે જ્યાં કોઈ પણ ફરિયાદો અથવા માંગણીઓ વગર નિરંતર સ્તુતિનું વાતાવરણ. અને આ એ જ વાતાવરણ છે કે જેને પવિત્ર-આત્મા આપણા હૃદયોમાં, આપણા ઘરોમાં અને આપણી મંડળીઓમાં પણ લાવવા ઈચ્છે છે. અને આ જ રીતે શેતાનને આ બધી જગ્યાઓથી દુર ખસેડવામાં આવશે.
શેતાને ખ્રિસ્તીઓના એક વિશાળ સમૂહને લકવાગ્રસ્ત કરીને તેની વિરુદ્ધના આત્મિક યુદ્ધમાં તેમને નિષ્ફળ બનાવી દીધા છે કારણ કે તેણે તેઓને તેમના ભાઈઓ અને બહેનો વિરુદ્ધ, સગા-સંબંધીઓ અને પડોશીઓ વિરુદ્ધ, તેમની પોતાની પરિસ્થિતિઓ વિરુદ્ધ અને આપણા પરમેશ્વર વિરુદ્ધ પણ કચકચ અને ફરિયાદો કરવાના આત્માથી અસરગ્રસ્ત કરવામાં તે સફળ રહ્યો છે.
પ્રકટીકરણ ૧૨:૮માં એક અદભુત વચન લખેલ છે કે શેતાન અને તેના અપદૂતોને સ્વર્ગમાં કોઈ જગ્યા મળેલ નથી. આપણા જીવનમાં પણ આ રીતે જ હોવું જોઈએ - આપણા હૃદયમાં, આપણા ઘરોમાં અને આપણી મંડળીઓમાં પણ શેતાનને કોઈ જગ્યા ન મળવી જોઈએ. "શેતાનને અને તેના અપદૂતોને આ સ્થાનોમાં સહેજ પણ જગ્યા ન મળવી જોઈએ."
આપણે શેતાન ઉપર ત્યારે જ વિજય મેળવી શકીએ જયારે આપણે આ ઉપદેશનું પાલન કરીશું:"ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને આભારસ્તુતિ કરો" (કલોસ્સી.૩:૧૫). " હું વિનંતી કરું છું કે આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે" (૧ તિમોથી ૨:૧). "આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સઘળાંને સારું દેવ બાપની આભારસ્તુતિ નિત્ય કરજો" (એફેસી.૫:૨૦). આપણને સૌપ્રથમ એ બધા લોકોને માટે આભાર માનવા પ્રોત્સાહિત કરવામાં આવે છે કે જેમને પરમેશ્વરે ખ્રિસ્તનાં શરીરમાં બોલાવ્યા છે. જો આ પસંદગી કરવાની તક આપણને આપવામાં આવી હોત, તો આપણે એવા ઘણા લોકોને ન બોલાવ્યા હોત જેમને પરમેશ્વરે બોલાવ્યા છે - ખાસ કરીને એવાઓને કે જેઓ આપણા સમૂહના નથી ને કોઈ બીજા સમૂહના છે!!! પરંતુ પરમેશ્વરની બુદ્ધિ આપણાથી ઊંચી છે, જેમ કે આકાશો આ પૃથ્વી કરતાં ઊંચા છે. તેથી સ્પષ્ટરૂપે તેમના માટે પરમેશ્વરનો અભિપ્રાય આપણાથી અલગ છે. અને જો આપણે સમજદાર છીએ, તો આપણા વિચારને પરમેશ્વરના વિચાર સાથે એક કરી લઈશું. એક વખત જો આપણે આપણા ભાઈઓ અને બહેનો જે ખ્રિસ્તનાં શરીરમાં છે તેમના માટે આભારી થવાનું શીખી લઈશું, તો પછી આપણે સર્વ લોકો માટે અને સર્વ પરિસ્થિતિઓમાં પણ આભારી થવાનું શીખી લઈશું. આપણે જાણીએ છીએ કે આપણા સ્વર્ગીય પિતા સર્વ મનુષ્યો અને સર્વ પરિસ્થિતિઓ ઉપર તેમનુ નિયંત્રણ રાખે છે અને તે સર્વ ઉપર તેમની પ્રભુતા છે. જો આપણને ખરેખર આ વાત પર વિશ્વાસ હશે, તો આપણે નિશ્ચિતરૂપે દરેક સમયે પરમેશ્વરની સ્તુતિ કરીશું અને આ રીતે આપણે એ સાબિત કરી શકીશુ કે આપણું રાજ્ય આ સંસારનું નથી પણ સ્વર્ગનું છે. ત્યારે શેતાન આપણા ઉપરની તેની શક્તિ ગુમાવી દેશે. ફક્ત ત્યારે જ આપણે તેની વિરુદ્ધ અસરકારક યુદ્ધ લડી શકીશું.