(આ લેખ જોજી સેમ્યુઅલ - જેઓ ભારતનાં કોટ્ટાયમ સ્થિત CFC મંડળીના વડીલ છે, તેમના દ્વારા 2015 માં બેંગલોરમાં યોજાયેલી CFC મંડળીઓની અખિલ-ભારતીય પરિષદમાં આપવામાં આવેલા સંદેશનો સારાંશ છે)
(આ સંદેશને ધીમેથી અને ધ્યાનપૂર્વક વાંચો)
ખ્રિસ્ત પાછા આવે ત્યાં સુધી આપણે આપણી મંડળીઓમાં ઈશ્વરના મહિમાને કેવી રીતે જાળવી રાખી શકીએ?
જ્યારે આપણે કહીએ છીએ કે આપણે આપણી વચ્ચે ઈશ્વરના મહિમાને જાળવી રાખવા માંગીએ છીએ, ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે ઈશ્વરનો મહિમા અત્યારે આપણી વચ્ચે છે જ. આપણે તે બાબતે કેવી રીતે ખાતરી કરી શકીએ?
આપણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી વચ્ચે કેટલાક મહિમાવાન સત્યો સાંભળ્યા છે, જે સત્યોએ આપણને પાપમાંથી મુક્ત કર્યા છે અને આપણી વચ્ચે મોટી સ્વતંત્રતા લાવ્યા છે. એ એક એવી રીત છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર આપણી સાથે છે – કારણ કે ઈસુએ કહ્યું હતું કે જ્યારે આપણે પાપમાંથી મુક્ત થઈએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે આપણી પાસે ઈશ્વરનું સત્ય છે (યોહાન 8:32). પરંતુ હવે આપણે એ જોવાની જરૂર છે કે આપણે આ સ્વતંત્રતામાં કેવી રીતે ટકી રહી શકીએ અને આગળ વધી શકીએ.
પાઉલે તિમોથીને પત્ર લખતી વખતે, તેમના જીવનના અંતિમ તબક્કે, તેને આગ્રહપૂર્વક કહ્યું: "તારા પોતાના વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહે; તેમાં તલ્લીન રહેજે" (તિમોથીને પહેલો પત્ર 4:15,16). અને પછી તેણે તિમોથીને કહ્યું કે જો તે તે બાબતો કરવાનું ચાલુ રાખશે, તો તે પોતાના માટે અને જેઓ તેનું સાંભળે છે તેમના માટે પણ તારણ સુનિશ્ચિત કરશે. આપણે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એ સત્યોની વાસ્તવિકતાનો અનુભવ કર્યો છે જેણે આપણને મુક્ત કર્યા છે, અને આપણી સભાઓમાં આપણે આપણી વચ્ચે ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યો છે. આ બધી બાબતો આપણી વચ્ચે ઈશ્વરનો મહિમા હોવાના પુરાવા છે.
મારો જન્મ એક પેન્ટીકોસ્ટલ પરિવારમાં થયો હતો અને હું પેન્ટીકોસ્ટલ મંડળીમાં જતો હતો. પરંતુ થોડા સમય પછી, મને સમજાયું કે હું જે બાબતો વિશે વાત કરતો હતો તે મારા પોતાના વ્યક્તિગત જીવનમાં વાસ્તવિકતા નહોતી. અને હું જે મંડળીમાં જતો હતો ત્યાંના અન્ય લોકોના જીવનમાં પણ - અને મંડળીના પાળકો તથા આગેવાનોના જીવનમાં પણ - મને તે સત્યોની વાસ્તવિકતા જોવા મળી નહીં. તે સમયે મેં "How to live the victorious life" (વિજયી જીવન કેવી રીતે જીવવું) નામનું એક પુસ્તક વાંચ્યું. તેમાં મેં વિજયી જીવન જીવવાની શક્યતા વિશે વાંચ્યું. તેથી મેં તે પુસ્તકના લેખકનો સંપર્ક કરવાનું વિચાર્યું. પરંતુ લેખકનું નામ "એક અજ્ઞાત ખ્રિસ્તી" તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે પુસ્તકમાંથી જ મને સૌપ્રથમ વિજયી જીવન જીવવાની આશા મળી. પરંતુ આ બાબતમાં મને મારી આસપાસના લોકો પાસેથી કોઈ મદદ મળી શકી નહીં.
ત્યારબાદ હું ભાઈ ઝેક પૂનેનને વધુ નજીકથી ઓળખતો થયો અને તેમના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. મેં તેમની પાસેથી માત્ર પાપ પર વિજય મેળવતા જીવનનો સંદેશ જ ન સાંભળ્યો, પરંતુ તેમનામાં ખ્રિસ્ત-સમાન જીવનનું ઉદાહરણ પણ જોયું. તેમણે ઈસુ વિશે ઉપદેશ આપ્યો કે તે આપણા અગ્રેસર છે, જે આપણા જેવા જ દેહમાં આવ્યા હતા અને આપણી જેમ જ દરેક બાબતમાં પરીક્ષણ પામ્યા હતા – અને વિજયી થયા હતા. તેનાથી મને ખ્રિસ્તી જીવનનો એક તદ્દન નવો દ્રષ્ટિકોણ મળ્યો અને મેં ભાઈ ઝેકની મંડળી (ક્રિશ્ચિયન ફેલોશિપ ચર્ચ) સાથે જોડાવાનું શરૂ કર્યું. તે પછી તરત જ, મેં પવિત્ર આત્માના સાચા બાપ્તિસ્માનો અનુભવ પણ કર્યો.
પેન્ટીકોસ્ટલ ચળવળ 20 મી સદીની શરૂઆતમાં ઈશ્વરના કાર્ય તરીકે શરૂ થઈ હતી. આપણે બધાએ સાંભળ્યું છે કે કેવી રીતે માર્ટિન લ્યુથરે (16 મી સદીમાં) 'વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરવા'ના સત્યને પુનઃસ્થાપિત કર્યું, જે સદીઓથી દફન થયેલું હતું. ત્યારબાદ એનાબેપ્ટિસ્ટ ચળવળે પાણીના-બાપ્તિસ્માનું સત્ય રજૂ કર્યું. પછી જ્હોન વેસ્લી આવ્યા અને દુનિયાથી અલગ રહીને પવિત્ર જીવન કેવી રીતે જીવવું તેનું સત્ય લઈને આવ્યા. ત્યારબાદ પેન્ટીકોસ્ટલ ચળવળ આવી અને પવિત્ર આત્માના બાપ્તિસ્મા વિશેના તે સત્યને પુનઃસ્થાપિત કર્યું, જેની ઘોષણા પ્રથમ સદીમાં પ્રેરિતોએ કરી હતી.
પરંતુ જ્યારે આપણે પેન્ટીકોસ્ટલ ચળવળને વધુ ધ્યાનથી જોઈએ છીએ, ત્યારે આપણને જણાય છે કે તેમના આગેવાનો પવિત્ર આત્માના કાર્યને માત્ર તેમના 'કૃપાદાનો' ના ઉપયોગ સાથે જ સરખાવે છે. મને એવા કોઈ પેન્ટીકોસ્ટલ આગેવાનો જોવા મળ્યા નહીં જેમણે પવિત્ર જીવન જીવવા માટે પવિત્ર આત્માના સામર્થ્યનો ઉપયોગ કર્યો હોય. તેમના માટે માત્ર આત્મિક કૃપાદાનો જ મહત્વના હતા. મેં એ પણ જોયું કે જોકે તેઓ પવિત્ર આત્માના સામર્થ્યની શોધ કરતા હતા, તેમ છતાં તેઓ લગભગ બધા જ પૈસા પાછળ દોડતા હતા અને માન-પ્રતિષ્ઠાના હોદ્દાઓ મેળવવાનો પ્રયાસ કરતા હતા. તેમનામાંથી કોઈએ પણ વિજયી ખ્રિસ્તીઓ તરીકે જીવવા વિશે વાત કરી નહીં. અન્ય લોકોએ પણ આ વિરોધાભાસ નોંધ્યો હતો – પરંતુ કોઈને પણ તેનાથી કોઈ વાંધો હોય તેવું લાગ્યું નહીં.
આનાથી મને એક વ્યક્તિ વિશે સાંભળેલી વાત યાદ આવે છે, જે એક સમયે બિઝનેસ એક્ઝિક્યુટિવ હતો પરંતુ નિવૃત્તિ પછી તેને માનસિક સમસ્યા થઈ ગઈ હતી. પછી તે તેની ઓફિસના પાર્કિંગ-લોટમાં ચાલતા જતો અને કલ્પના કરતો કે તે હજુ પણ તેની કાર ચલાવી રહ્યો છે. તેથી તે પોતાના શરીરથી એવી બધી હિલચાલ કરતો જાણે કે તે કાર ચલાવી રહ્યો હોય – જેમ કે બ્રેક મારવી અને પોતાની કાલ્પનિક કારને ખુલ્લી જગ્યામાં પાર્ક કરવી. પછી તે પોતાની કાલ્પનિક કારનો દરવાજો ખોલીને બહાર નીકળતો, "દરવાજો બંધ કરતો" અને સુરક્ષાકર્મી પાસે જઈને તેને "પોતાની કારનું ધ્યાન રાખવા" કહેતો! ત્યારબાદ તે થોડી વાર પછી પાર્કિંગ લોટમાં પાછો આવતો અને એવો અભિનય કરતો જાણે કે તે કારમાં બેસી રહ્યો હોય, તેને રિવર્સ કરી રહ્યો હોય અને ત્યાંથી ચલાવીને જઈ રહ્યો હોય. એક દિવસ, તેની આ હિલચાલ જોનારા કેટલાક લોકોએ સુરક્ષાકર્મીને પૂછ્યું કે તે માણસ શું કરી રહ્યો હતો. તેણે તેમને કહ્યું કે જ્યારે તે માણસ એક મોટો અધિકારી હતો ત્યારે તે ત્યાં પોતાની અસલી કાર લઈને આવતો હતો, પરંતુ હવે તે માનસિક રીતે અસ્થિર થઈ ગયો છે. સુરક્ષાકર્મીએ કહ્યું, “પણ, તે માણસ કોઈને કોઈ તકલીફ નથી આપતો. તે બસ તેની કાલ્પનિક કાર ત્યાં પાર્ક કરે છે, જતો રહે છે અને થોડી વાર પછી પાછો આવીને તેને ચલાવીને લઈ જાય છે! એટલે હું તેને કંઈ કહેતો નથી!” ત્યારે લોકોએ તેને પૂછ્યું કે તે તે માણસને કેમ ટોકતો નથી. તેના જવાબમાં સુરક્ષાકર્મીએ કહ્યું, “હું તેને શા માટે ટોકું, જ્યારે તે મને દર અઠવાડિયે નિયમિતપણે પાર્કિંગની ફી આપે છે; અને તે ઉપરાંત, તેની કાર ધોવા માટે પણ દર બે અઠવાડિયે મને સો રૂપિયા આપે છે!!”
આજે ઘણી પેન્ટીકોસ્ટલ મંડળીઓમાં જે બની રહ્યું છે તેનું આ એક ચિત્ર છે: લોકો પવિત્ર આત્માથી ભરેલા હોવાનો ડોળ કરે છે અને વિવિધ હલનચલન તથા અવાજો કરે છે. તેમના પાળકો, જેઓ આ બધી ચેષ્ટાઓ જુએ છે, તેઓ કહે છે, “આપણે તેમને શા માટે ખલેલ પહોંચાડવી જોઈએ? તેઓ દર મહિને તેમનો દશાંશ આપે છે અને અમને પાળકોને નિયમિતપણે ભેટો પણ આપે છે. તો પછી આપણે તેમને આત્માથી ભરેલા સાચા વિજયી જીવનની વાસ્તવિકતા વિશે શા માટે જણાવીએ?” અલબત્ત, તે પાળકો પોતે જ વિજયી જીવન જીવતા નથી! આ એ ભ્રમણા છે જે ઘણી પેન્ટીકોસ્ટલ મંડળીઓમાં જોવા મળે છે.
ઘણી મંડળીઓમાં પ્રવર્તતી આ ભયાનક પરિસ્થિતિને કારણે જ, ઈશ્વરે આપણી વચ્ચે એક વ્યક્તિને મોકલી – એક એવી વ્યક્તિ જેને ઈશ્વરની મંડળીમાં વાસ્તવિકતા માટેનો બોજ હતો.
લૂક 12:56 માં, ઈસુએ ફરોશીઓને ઠપકો આપ્યો કારણ કે તેઓ જે સમયમાં જીવી રહ્યા હતા તેને પારખી શક્યા ન હતા. આપણે પણ જે સમયમાં જીવી રહ્યા છીએ તેને પારખવાની જરૂર છે – અને આપણે જોવાની જરૂર છે કે આપણે પોતે ક્યાં ઊભા છીએ. અને આપણે પ્રભુની સાથે આગળ વધવાની જરૂર છે. જે વ્યક્તિ વર્તમાન સમયને પારખે છે, તે સમય માટે પ્રભુનો બોજ સ્વીકારે છે, તે બોજને ઉપાડે છે અને તેની સાથે આગળ વધે છે, તે જ સાચો પ્રબોધક છે.
બાઇબલમાં એવા ઘણા પ્રબોધકો હતા જેમણે તેમના પોતાના સમય માટે પ્રભુ તરફથી બોજ મેળવ્યો હતો. યોહાન બાપ્તિસ્ત એક પ્રબોધક અને ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલી વ્યક્તિ હતો. જો આપણે તેના જીવન પર નજર કરીએ, તો આપણે સાચા પ્રબોધકની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોઈ શકીએ છીએ.
સૌ પ્રથમ, યોહાન પાસે માત્ર એક જ સંદેશ હતો. તે હતો "પસ્તાવો કરો, પસ્તાવો કરો" – અને તેણે તે ખૂબ જ ભારપૂર્વક જાહેર કર્યો. શું યોહાનનો સંદેશ સંતુલિત સંદેશ હતો? બિલકુલ નહીં. તેની પાસે માત્ર એક જ સંદેશ હતો: પસ્તાવો કરો. દરેક સાચા પ્રબોધક પાસે ઈશ્વર તરફથી મળેલો બોજ હશે – અને તેથી તેમનો સંદેશ ક્યારેય સંતુલિત નહીં હોય. યોહાન બાપ્તિસ્તના દિવસોમાં સંતુલિત સંદેશ આપનારા લોકો કોણ હતા? તે ફરોશીઓ હતા – જેમણે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ તેમના સભાસ્થાનોમાં "સંતુલિત" સંદેશનો ઉપદેશ આપતા હતા, પરંતુ તેઓ પોતે આત્મિક રીતે મૃત હતા! અને જે લોકો સભાસ્થાનોમાં બેસીને આ કહેવાતા "સંતુલિત" સંદેશાઓ સાંભળતા હતા અને તેઓ પણ તેટલા જ મૃત અવસ્થામાં રહેતા હતા. પરંતુ તેમનામાંના કેટલાક, જેમને ઈશ્વર માટે તરસ હતી, તેઓ ઈશ્વરના સાચા પ્રબોધક – યોહાન બાપ્તિસ્તનો સંદેશ સાંભળવા માટે અરણ્યમાં ગયા. આમ, તેઓ આત્મિક વિનાશમાંથી બચી ગયા.
સાચા પ્રબોધકની બીજી વિશેષતા જે આપણે યોહાનના પુસ્તકમાં જોઈએ છીએ તે તેની કડક વાણી છે. ઘણા ઉપદેશકો તેમના સંદેશની શરૂઆત સૌપ્રથમ તેમના શ્રોતાઓનું આદરપૂર્વક અભિવાદન કરીને કરે છે. પરંતુ યોહાને તેના સંદેશની શરૂઆત એમ કહીને કરી કે, "સર્પોના વંશ!" તેણે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે નહીં, પરંતુ તેમને તેમના પાપોનો અહેસાસ કરાવવા માટે ઉપદેશ આપ્યો.
સાચા પ્રબોધકની ત્રીજી વિશેષતા એ છે કે તેઓ ક્યારેય સમાધાન કરનારા હોતા નથી. રાજા હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવો ગમતો હતો અને તે તેની ખૂબ પ્રશંસા કરતો હતો. જ્યારે લોકો આપણા ઉપદેશની પ્રશંસા કરે છે, ત્યારે તેમને તેમની આત્મિક સ્થિતિ વિશે સત્ય કહેવું મુશ્કેલ બની શકે છે. પરંતુ યોહાનને આવી કોઈ મર્યાદા નડતી નહોતી. તેણે હેરોદને મોઢામોઢ ઠપકો આપ્યો અને કહ્યું કે તે વ્યભિચારી છે, કારણ કે તેણે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કર્યા હતા. યોહાન સમાધાન કરનાર કે લોકોને ખુશ કરનાર માણસ નહોતા. સત્ય બોલવાને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ ઈશ્વરે તેને જે સંદેશ આપ્યો હતો તેના પ્રત્યે તે અંત સુધી વિશ્વાસુ રહ્યો. દરેક સાચા પ્રબોધક આવા જ હોય છે.
ઈઝરાયેલના કેટલાક લોકો, જેઓ સમજ્યા હતા કે યોહાન એક સાચો પ્રબોધક છે અને તેની પાસે ઈશ્વરનો સંદેશ છે, તેઓ અરણ્યમાં તેની સાથે જોડાયા.
જો આપણે આપણા સમય અને જે ચળવળનો આપણે હિસ્સો છીએ (CFC – ક્રિશ્ચિયન ફેલોશિપ ચર્ચ) તેના પર નજર કરીએ, તો આપણે યોહાન બાપ્તિસ્તના સેવાકાર્યમાં જોવા મળતી બાબતો સાથે ઘણી સમાનતાઓ જોઈ શકીએ છીએ.
સૌ પ્રથમ તો, યોહાનની જેમ આપણે પણ માત્ર એક જ સંદેશનો પ્રચાર કરીએ છીએ: પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા ખ્રિસ્તના રૂપમાં રૂપાંતરિત થવું. જ્યારે નવા લોકો અમારી સભાઓમાં આવે છે, ત્યારે તેઓમાંના કેટલાક અમને પૂછે છે કે અમે દર રવિવારે શા માટે આ જ વિષય પર પ્રચાર કરીએ છીએ. તેઓ અમને કહે છે કે અમે સંતુલિત સંદેશનો પ્રચાર કરતા નથી! પરંતુ આ તે બોજ છે જે આ સમયે પ્રભુના હૃદયમાં તેમના લોકો માટે છે. પરંતુ એવા કેટલા ખ્રિસ્તીઓ છે જેઓ જાણે છે કે આ સમય માટે પ્રભુનો સંદેશ આ જ છે – કે તેમના લોકો માટે પ્રભુનો વર્તમાન બોજ આ જ છે? અને એવા કેટલા ખ્રિસ્તીઓ છે જેઓ તેમના પ્રબોધકની સાથે રહેવા માટે "અરણ્યમાં" જવા તૈયાર છે?
વધુમાં: યોહાનના કિસ્સાની જેમ, CFCમાં જે ઉપદેશ સાંભળવા મળે છે તે પણ ખૂબ જ પ્રબળ અને સંપૂર્ણપણે સમાધાન રહિત હોય છે. અને જેમ ઈશ્વરભક્ત માણસોએ યોહાનના સમયમાં કર્યું હતું, તેમ પ્રભુ આજે પણ તેમના લોકોને ઈસુની સાથે છાવણીની બહાર જવા અને તેમનું અપમાન સહન કરવા માટે આહવાન આપી રહ્યા છે.
શું તમે તે બોજને "જોયો" છે જે પ્રભુનો આ સમયે તેમના લોકો માટે છે? જો એમ હોય, તો શું તમે પ્રભુ માટે – અને પ્રભુની સાથે – ઊભા રહેશો? પરંતુ તમારે તેની કિંમત ચૂકવવી પડશે.
શું તમે ક્યારેય પક્ષીઓના ટોળાને ઉડતા જોયા છે? ટોળાની આગળ એક પક્ષી હોય છે જે નેતૃત્વ કરે છે – અને બાકીનાં બધાં પક્ષીઓ તેની પાછળ તીરના આકારમાં અનુસરે છે. આગળનું પક્ષી સમગ્ર ટોળાનું નેતૃત્વ કરે છે. તે ટોળાની આગળ ઘણા અવરોધો હોઈ શકે છે, જેમ કે વીજળીના તાર, ટાવર અને અન્ય અવરોધો. નેતૃત્વ કરનાર પક્ષી જ આ તમામ જોખમોનો સામનો સૌ પ્રથમ કરે છે. અને તે સાવચેતીપૂર્વક તે બધાથી બચે છે. ત્યારબાદ અન્ય પક્ષીઓ સુરક્ષિત રીતે તેની પાછળ ચાલે છે – અને આમ તેઓ સુરક્ષિત રહે છે. આપણા માટે પણ એવું જ છે – એવા ઈશ્વરભક્ત માણસ સાથે જોડાયેલા રહેવું અને તેમના ઉદાહરણને અનુસરવું એ એક મોટો વિશેષાધિકાર છે, જેઓ પ્રભુનો બોજ ઉઠાવે છે અને માર્ગમાં આવતા તમામ આત્મિક જોખમોથી આપણને બચાવીને આગળ દોરી જાય છે.
વોચમેન ની એ એકવાર કહ્યું હતું કે આપણે આપણા સમયમાં "આત્માના વર્તમાન પ્રવાહ" સાથે આગળ વધવું જોઈએ. જો આપણે માર્ટિન લ્યુથરના સમયમાં જીવતા હોત, તો માર્ટિન લ્યુથરની સાથે ઊભા રહેવું યોગ્ય હોત. પરંતુ જો આપણે જ્હોન વેસ્લીના સમયમાં જીવતા હોત, તો આપણે માત્ર તે બાબતો માટે ઊભા ન રહેવું જોઈએ જેના માટે માર્ટિન લ્યુથર ઊભા રહ્યા હતા. કારણ કે તે સમય સુધીમાં ઈશ્વરે જ્હોન વેસ્લી દ્વારા મંડળી સમક્ષ તેમના સત્યો વધુ સ્પષ્ટ કર્યા હતા. તે સમયે આપણે તે ઉચ્ચ સત્યો માટે જ્હોન વેસ્લીની પડખે ઊભા રહેવું જોઈતું હતું. નહીંતર, આપણે તે સમયે "આત્માના પ્રવાહ" સાથે આગળ વધી રહ્યા ન હોત.
20 મી સદીની શરૂઆતમાં, પવિત્ર આત્માએ પેન્ટીકોસ્ટલ ચળવળ દ્વારા કાર્ય કરવાનું શરૂ કર્યું, જેણે પવિત્ર આત્માના બાપ્તિસ્મા પર ભાર મૂક્યો હતો. પરંતુ પ્રભુનો આત્મા હવે ઈશ્વરના લોકોને આગળ દોરી રહ્યો છે – વિજયી જીવન અને પાપ પર જય મેળવનાર જીવન તરફ. તેથી આપણે સૌએ પવિત્ર આત્માના વર્તમાન કાર્ય સાથે આગળ વધવું જોઈએ. અને જેઓ આત્માના આ વર્તમાન કાર્ય સાથે આગળ વધવાનું નક્કી કરશે તેઓ ઈશ્વરના પ્રબોધકની પડખે ઊભા રહેશે અને પ્રચલિત "ધાર્મિક ખ્રિસ્તી જૂથ"ની બહાર હોવાને કારણે થતું અપમાન સહન કરવા તૈયાર થશે.
ભૂતકાળની પેઢીઓમાં જ્યારે પણ ઈશ્વરે નવી રીતે કાર્ય કર્યું, ત્યારે હંમેશાં અન્ય ખ્રિસ્તીઓ તરફથી વિરોધ થયો છે, જેમણે કઠોર ટીકાઓ દ્વારા તે નવી ચળવળને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. અને ઈશ્વરના કાર્યને ખતમ કરવાનો લોકોનો સૌથી સામાન્ય રસ્તો તેને "ખોટું શિક્ષણ" ગણાવવાનો રહ્યો છે. અને ખેદજનક રીતે, મોટાભાગના ખ્રિસ્તીઓ ગંભીર પાપો કરવા કરતાં ખોટા સિદ્ધાંતોથી વધુ ડરે છે!! તેથી જો આપણે સાંભળીએ કે આજકાલ કેટલીક બાઇબલ-કોલેજો તેમના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં "CFC મંડળીઓ એક સંપ્રદાય (cult) તરીકે" શીર્ષકનો વિષય ધરાવે છે, તો તેમાં નવાઈ પામવા જેવું નથી!!
ભૂતકાળના વર્ષોમાં, જ્યારે પણ ખ્રિસ્તી જગતમાં કોઈ સાચો પ્રબોધક ઊભો થયો અને ઈશ્વરનું નવું કાર્ય શરૂ કર્યું, ત્યારે તે ચળવળને હંમેશાં એક 'સંપ્રદાય' (cult) તરીકે ગણવામાં આવતી હતી. તેથી આજે પણ ખ્રિસ્તી જગતમાં એ જ બાબત બનતી જોવી એ આશ્ચર્યજનક નથી.
ખ્રિસ્તી વિશ્વાસ વિશેનું એક પુસ્તક, જે પ્રેરિત યોહાનના સમયની આસપાસ – ઈ.સ. 100 માં – લખાયું હતું, તે (નવા કરારના સમયમાં) ખોટા પ્રબોધકના ત્રણ લક્ષણો વિશે વાત કરે છે.
સૌ પ્રથમ, તેમાં કહેવામાં આવ્યું હતું કે ખોટો પ્રબોધક હંમેશાં તેના સાંભળનારાઓ પાસેથી પોતાના માટે પૈસાની માંગણી કરશે. જ્યારે પાઉલે કરિંથીઓને લખેલા પહેલા અને બીજા પત્રોમાં મંડળીમાં પૈસા એકત્રિત કરવા વિશે વાત કરી, ત્યારે તે હંમેશાં અન્ય મંડળીઓના ગરીબ વિશ્વાસીઓ માટે હતું – ક્યારેય પોતાના માટે નહીં. પ્રભુ ઈસુએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ઈશ્વર અને પૈસા બંનેની સેવા કરી શકતી નથી. દરેક ખ્રિસ્તીએ પસંદગી કરવી પડે છે કે તે કોની સેવા કરશે – ઈશ્વરની કે પૈસાની. તેણે પૂરા હૃદયથી એકની સેવા કરવી જોઈએ અને બીજાની સેવા કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ખ્રિસ્તી ઉપદેશકો દ્વારા ઈશ્વરના નામનું કેટલું અપમાન થઈ રહ્યું છે, જેઓ સતત લોકો પાસે પૈસા માંગતા રહે છે. ભારતમાં ઘણા ઉપદેશકોએ સુવાર્તાના પ્રચારના નામે પોતાના માટે પુષ્કળ સંપત્તિ એકઠી કરી છે. તેઓ આજે એટલી બધી કમાણી કરી રહ્યા છે કે જે કદાચ કોઈ સામાન્ય વ્યવસાય કે નોકરી કરીને ક્યારેય ન કરી શક્યા હોત. આ બધું સ્પષ્ટપણે સાબિત કરે છે કે આવા ઉપદેશકો જે સુવાર્તાનો પ્રચાર કરે છે તેમાં કંઈક ગંભીર ખામી છે. તેઓ કહે છે કે સૃષ્ટિના રાજાના પુત્રો હોવાને કારણે, તેમણે પૃથ્વીના રાજાઓની જેમ જીવવું જોઈએ!! આ એક એવી છેતરપિંડી છે જેનાથી એવી દુર્ગંધ ફેલાઈ છે કે જેને લીધે ભારતમાં ખ્રિસ્તની સાક્ષી કલંકિત થઈ છે.
તે પુસ્તકમાં જણાવેલું બીજું લક્ષણ એ છે કે સાચો પ્રબોધક (નવા કરારના સમયમાં) હંમેશાં પોતાનો સંદેશો ફેલાવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતો રહેશે અને માત્ર એક જ જગ્યાએ સ્થિર થઈને બેસી રહેશે નહીં. તેનાથી વિપરીત, જૂઠા પ્રબોધકો કોઈ એક જગ્યાએ આરામથી સ્થાયી થઈ જાય છે. જ્યારે લોકોએ ઈસુને તેમની સાથે રોકાઈ જવાનો આગ્રહ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે તેમણે ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા માટે અન્ય સ્થળોએ પણ જવું પડશે (લૂક 4:42,43). પિતરે કહ્યું હતું કે ઈસુ હંમેશાં "ફરતા રહેતા અને ભલાઈ કરતા" હતા (પ્રેરિતોનાં કૃત્યો 10:38). દરેક સાચો પ્રબોધક આવો જ હોય છે. પ્રભુએ તેમને જે બોજ આપ્યો છે, તે તેમને એક સ્થળેથી બીજા સ્થળે જઈને તે સંદેશ જાહેર કરવા માટે પ્રેરે છે. જૂઠા પ્રબોધક પાસે આવો કોઈ બોજ હોતો નથી. તે એક જગ્યાએ સ્થાયી થાય છે અને પોતાના સેવાકાર્ય માટે એક વિશાળ મુખ્ય મથક બનાવે છે - જે દુનિયાની નજરમાં ભવ્ય હોય છે! પરંતુ સાચો પ્રબોધક પોતાના પ્રભુને અનુસરે છે, જેમણે કહ્યું હતું કે, "મારું રાજ્ય આ જગતનું નથી" (યોહાન 18:36).
જૂઠા પ્રબોધકનું ત્રીજું લક્ષણ (પુસ્તક મુજબ) એ છે કે તેના શબ્દો અને કાર્યો વચ્ચે - તેના ઉપદેશ અને તેની જીવનશૈલી વચ્ચે - મોટો તફાવત જોવા મળે છે. ઈસુના જીવનમાં, તેમના શબ્દો અને તેમનું જીવન એકરૂપ હતાં - તે બંને સાથે ચાલતાં હતાં. પ્રેરિતોનાં કૃત્યો 1:1 માં આપણે વાંચીએ છીએ કે ઈસુએ પહેલાં કાર્ય કર્યું અને પછી પોતે જે કર્યું હતું તેનો ઉપદેશ આપ્યો. સાચા પ્રબોધકની વ્યક્તિગત જીવનશૈલી તે જે સંદેશ જાહેર કરે છે તેની પ્રબળ સાક્ષી પૂરે છે. જ્યારે સાચો પ્રબોધક પોતાના જીવનમાં કોઈ ખામી કે નિષ્ફળતા જુએ છે ત્યારે તેને ભારે વેદના થાય છે. પ્રબોધક યશાયાએ એકવાર પોકાર કરીને કહ્યું હતું: "અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોવાળો માણસ છું... કારણ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે" (યશાયા 6:5). પાઉલે એકવાર કહ્યું હતું: "હું કેવો દુર્ભાગી માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?" (રોમનોને પત્ર 7:24). ઈસુના પગલે ચાલનારા દરેક સાચા પ્રબોધકના હૃદયમાં એવો શોક અને તીવ્ર ઈચ્છા હોય છે કે તેનું જીવન તેના ઉપદેશ સાથે બરાબર મેળ ખાતું હોય. પરંતુ જૂઠો પ્રબોધક એ વાતથી ક્યારેય વ્યથિત થતો નથી કે તેની જીવનશૈલી તેના ઉપદેશથી તદ્દન અલગ છે. એક જૂઠો પ્રબોધક મૂળભૂત રીતે લોકોને કહે છે કે, "બાઇબલનો ઉપદેશ આપવાનું કામ મારું છે – અને તેનો અમલ કરવાનું કામ તમારા બધાનું છે!"
અંતે: ભલે કોઈ પ્રબોધક અંત સુધી ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહે, તેમ છતાં સમય જતાં તેની ચળવળમાં બગાડ અને ઘટાડો થવાની શક્યતા રહે છે; કારણ કે જે લોકો શરૂઆતમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેની ચળવળમાં જોડાયા હતા, તેઓ ધીમે ધીમે સમાધાનકારી વલણ અપનાવવા લાગે છે. ઈશ્વરની ચળવળનું નેતૃત્વ કરનાર પ્રબોધક આ બાબતને સમજે છે અને આવા "પતન" કે "માર્ગ ભ્રષ્ટ થવાની સ્થિતિ"ને શક્ય તેટલી રોકવા માટે ભારે બોજ અનુભવે છે. પરંતુ કદાચ તે આ પતનને રોકવામાં સફળ ન પણ થાય. આપણે વાંચીએ છીએ કે પાઉલના સહકર્મચારી દેમાસે તેને છોડી દીધો હતો (તિમોથીને બીજો પત્ર 4:10). દેમાસે પાઉલને શા માટે છોડી દીધો? કારણ કે પાઉલ પર એવો ભારે બોજ હતો કે કાર્ય શુદ્ધતા સાથે ચાલુ રહેવું જોઈએ? અને સમાધાનકારી વૃત્તિ ધરાવતા દેમાસને તે વાત અસહ્ય લાગી. પાછળથી, એશિયાની મંડળીઓમાંના અન્ય ઘણા લોકોએ પણ પાઉલને છોડી દીધો (તિમોથીને બીજો પત્ર 1:15). જે લોકો એક સમયે સાચા પ્રબોધક સાથે ઈશ્વરની ચળવળમાં જોડાય છે, તેઓ શા માટે પાછળથી તેમને છોડી દે છે? કારણ કે પ્રબોધક સંપૂર્ણપણે સમાધાન રહિત હોય છે અને કોઈપણ ભોગે માત્ર ઈશ્વરને જ પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે; તેઓ ક્યારેય પોતાના અનુયાયીઓ કે અન્ય કોઈ મનુષ્યને ખુશ કરવાનો પ્રયાસ કરતા નથી. પરિણામે તેમના ઘણા અનુયાયીઓ દૂર થઈ જાય છે, કારણ કે તેઓ તે જ કિંમત ચૂકવવા તૈયાર હોતા નથી.
સાચો પ્રબોધક ક્યારેય મોટી સભાઓના આયોજનમાં વ્યસ્ત રહેતો નથી – કે પછી તેના ઉપદેશમાં કૂટનીતિ કે મુત્સદ્દીગીરી વાપરતો નથી. જેઓ કૂટનીતિમાં માને છે તેઓ મોટી સભાઓનું આયોજન કરવા માંગશે – અને તેઓ ક્યારેય નહીં ઈચ્છે કે કોઈ તેમના જૂથને છોડીને જાય. ઈસુ ક્યારેય એવા નહોતા. તેમણે હંમેશાં લોકોને કહ્યું હતું કે જેઓ તેમને છોડીને જવા માંગતા હોય તેઓ ગમે ત્યારે જઈ શકે છે. સાચો પ્રબોધક પણ એ જ રીતે કાર્ય કરે છે. તેમનો મુખ્ય બોજ એ હોય છે કે ચળવળની ગુણવત્તા ક્યારેય ઘટવી ન જોઈએ. તેમનું રાજ્ય આ જગતનું નથી – અને તેથી તેમની પાસે રક્ષણ કરવા માટે કોઈ ભૌતિક રાજ્ય હોતું નથી. આ એક એવું લક્ષણ છે જેના દ્વારા આપણે આપણા સમયના સાચા પ્રબોધકોને ઓળખી શકીએ છીએ.
યાદ રાખો કે ઈસુએ કહ્યું હતું કે જ્યારે પણ આપણે સાચા પ્રબોધકને સ્વીકારીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે સ્વયં ઈસુને જ સ્વીકારી રહ્યા હોઈએ છીએ. તેથી આપણે આપણા સમયના ઈશ્વરના સાચા પ્રબોધકોને ઓળખવા જોઈએ અને તેમને પૂરા હૃદયથી સ્વીકારવા જોઈએ. ઈસુએ આગળ કહ્યું કે જેઓ સાચા પ્રબોધકને સ્વીકારે છે તેઓ પ્રબોધકનું ફળ પણ પ્રાપ્ત કરશે (માથ્થી 10:40-41).
આપણા બધાને પ્રબોધક બનવાનું તેડું મળેલું હોતું નથી. પરંતુ જ્યારે આપણે કોઈ સાચા પ્રબોધકને જોઈએ, ત્યારે આપણે તેમની સાથે ઊભા રહેવું જોઈએ, તેમની સાથે છાવણીની બહાર જવું જોઈએ અને તેમની સાથે અપમાન સહન કરવું જોઈએ. ત્યારે આપણને પણ પ્રબોધકનું ફળ પ્રાપ્ત થશે.
તો પછી, ચાલો આપણે આ સત્યો પર પૂરી ગંભીરતાથી ધ્યાન આપીએ અને તેને આપણા જીવનમાં અમલમાં મૂકીએ. આમ કરવાથી આપણે માત્ર છેતરાઈ જવાથી જ નહીં બચીએ, પરંતુ આપણી આસપાસના અન્ય ઘણા લોકોને પણ બચાવી શકીશું.
તેમ થાઓ.
જેને સાંભળવાને કાન છે, તે સાંભળે.