written_by :   Zac Poonen categories :   The Church Disciples
WFTW Body: 

ઈસુએ જે પ્રથમ ખોટા વલણ વિષે વાત કરી તે ગુસ્સો હતો. આપણે આપણા જીવનમાંથી ગુસ્સો દૂર કરવો જોઈએ. જે બધા ખ્રિસ્તીઓ (બધા માણસો) સાથે બીજી મોટી સમસ્યા છે, તે જાતીય વાસનાભરી વિચારસરણી છે - જેમ કે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને વાસનાભરી રીતે જુએ છે. માથ્થી 5: 27-28 કહે છે કે જૂના કરારનું ધોરણ હતું "શારીરિક વ્યભિચાર ન કરો." જ્યાં સુધી તમે જે તમારી પત્ની નથી એવી સ્ત્રીને સ્પર્શ ન કરો, અને તમે તેની સાથે વ્યભિચાર ન કરો, ત્યાં સુધી તમે ઠીક છો. તે જૂના કરારનું ધોરણ હતું.

પરંતુ ઈસુએ ધોરણ ઊંચું કર્યું. જેમ મૂસા પર્વત પર ગયો અને દસ આજ્ઞાઓ લઈને નીચે આવ્યો, તેમ ઈસુ પહાડ પર ગયા અને પહાડ પરનો ઉપદેશ આપ્યો. તેમણે તે દસ આજ્ઞાઓનું સ્તર તે આજ્ઞાઓની ભાવના સુધી ઊંચું કર્યું. તેમણે કહ્યું કે ક્રોધ એ હત્યા સમાન છે, અને તમારી આંખોથી થતી વાસના એ વ્યભિચાર સમાન છે - બીજા શબ્દોમાં કહીએ તો, તમે તમારા મનમાં તે સ્ત્રી સાથે વ્યભિચાર કરી રહ્યા છો. ઈસુએ કહ્યું કે ઈશ્વરની નજરમાં, તે વ્યભિચાર છે કારણ કે તમારું આંતરિક જીવન અશુદ્ધ હતું.

ફરોશીઓની નિશાની એ હતી કે તેઓ તેમના બાહ્ય જીવનને શુદ્ધ રાખતા હતા - પ્યાલાને બહારથી શુદ્ધ રાખવા જેવું. જે ખ્રિસ્તી પોતાના બાહ્ય જીવનને સ્વચ્છ રાખે છે પણ પોતાના આંતરિક વિચારોને અશુદ્ધ રાખે છે તે ફરોશી છે, અને તે નરકમાં જઈ રહ્યો છે, ભલે તે જાણતો હોય કે ન જાણતો હોય. આપણામાંથી ઘણા લોકો આની ગંભીરતા સમજી શકતા નથી.

છેલ્લા (35) વર્ષો દરમિયાન મેં થોડા જ પાપો સામે સૌથી વધુ ઉપદેશ આપ્યો છે, ખાસ કરીને બે પાપો - ક્રોધ અને જાતીય પાપ, વાસનાપૂર્ણ વિચારો. લોકોએ મને પૂછ્યું છે કે હું આ બાબતોની વિરુદ્ધ આટલું બધું કેમ બોલું છું. હું તેમને કહું છું કે કારણ કે ઈસુએ જ્યારે પહેલી વાર કહ્યું હતું કે આપણું ન્યાયીપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયીપણા કરતાં વધુ હોવું જોઈએ ત્યારે તેમણે આ બે પાપોનો ઉલ્લેખ કર્યો હતો. તમારું ન્યાયીપણું તમારી આસપાસના બધા ફરોશીઓ (ખૂબ જ ધાર્મિક લોકો) ના ન્યાયીપણા કરતાં વધુ હોવું જોઈએ, તે કહ્યા પછી તરત જ, ઈસુએ ઉલ્લેખ કરેલા પહેલા બે પાપો ગુસ્સાના ક્ષેત્રમાં અને જાતીય વાસનાપૂર્ણ વિચારના ક્ષેત્રમાં હતા. મારા માટે તેની વિરુદ્ધ સૌથી વધુ ઉપદેશ આપવાનું આ પહેલું કારણ છે.

આ બે પાપો વિરુદ્ધ ઉપદેશ આપવાનું બીજું કારણ એ છે કે આ બે જ પાપો છે જેના વિશે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં વાત કરી હતી જ્યાં તેમણે કહ્યું હતું કે તેમાં વ્યસ્ત રહેવાથી નરકમાં જવાનું જોખમ છે. મોટાભાગના લોકો એવું માનતા નથી. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ ફક્ત બે જ વાર નરક વિશે વાત કરી હતી તે આ બે પાપોના સંબંધમાં હતી (માથ્થી 5:22ખ, 29-30), તેથી આ આપણને કહે છે કે આ બે પાપો ખૂબ જ ગંભીર હોવા જોઈએ.

તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં ફક્ત બે જ વાર નરક વિશે વાત કરી હતી તે ગુસ્સા અને જાતીય વાસનાપૂર્ણ વિચારસરણીના સંબંધમાં હતી. તેથી આ ઈશ્વરની નજરમાં ખૂબ જ ગંભીર પાપો હોવા જોઈએ અને આજે તેમની વિરુદ્ધ પૂરતા ઉપદેશ આપવામાં આવતા નથી. શું તમે યાદ કરી શકો છો કે તમે છેલ્લી વાર ક્યારે ગુસ્સા પર કાબુ મેળવવાનો સંદેશ સાંભળ્યો હતો? મને નથી લાગતું કે મેં મારા આખા જીવનમાં આ વિશે કોઈ સંદેશ સાંભળ્યો છે. 50+ વર્ષોથી હું ખ્રિસ્તી જગતમાં ફરતો રહ્યો છું, મેં ટેલિવિઝન, ટેપ, સીડી અને ઘણા પ્રભુમંદિરોમાં ઘણા ઉપદેશકોને સાંભળ્યા છે. છતાં મેં ભાગ્યે જ ક્યારેક જાતીય વાસનાપૂર્ણ વિચારસરણી પર કાબુ મેળવવાનો સંદેશ સાંભળ્યો છે. ઉપદેશકોને આ બે ક્ષેત્રોમાં પ્રચાર કરતા શેતાન કેમ રોકે છે?

સૌથી મોટું કારણ એ છે કે ઉપદેશકોએ પોતે એ બાબતો પર વિજય મેળવ્યો નથી. જો તેઓ હજુ પણ એ બાબતોના ગુલામ છે તો તેઓ તે વિશે કેવી રીતે વાત કરી શકે? બીજું, ઉપદેશકોને ઘણીવાર તેમની મંડળીના લોકોને બહારથી સુંદર દેખાડવામાં અને તેમના પૈસા એકઠા કરવામાં વધુ રસ ધરાવતા હોય છે. તેથી આ બે બાબતો પર ભાર મૂકવાની ખૂબ જરૂર છે, જેના વિશે ઈસુએ ખૂબ વાત કરી હતી. આ બે પાપો છે જેના વિશે ઈસુએ કહ્યું હતું કે વ્યક્તિને આખરે નરકમાં લઈ જશે અને તે ખૂબ જ ગંભીર બાબત છે. ઈસુએ દસ આજ્ઞાઓ લીધી અને લોકોને તે આજ્ઞાઓ પાછળ શું છુપાયેલું છે તે બતાવ્યું.

તમારે માથ્થી 5 માં જોઈને જાણવાની જરૂર નથી કે જે સ્ત્રી તમારી પત્ની નથી તેની સાથે વ્યભિચાર કરવો એ પાપ છે. ઈસુએ કહ્યું કે દરેક વ્યક્તિ (અને તે વ્યક્તિ વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય) જે કોઈ સ્ત્રીને વાસનાભરી રીતે જુએ છે તેણે તેના મનમાં પહેલેથી જ તેની સાથે વ્યભિચાર કર્યો છે. વાસનાનો અર્થ થાય છે તીવ્ર ઈચ્છા. તેમણે કહ્યું કે આ એટલું ગંભીર છે કે જો તમારી જમણી આંખ તમને આ ક્ષેત્રમાં ઠોકર ખવડાવે છે તો તમારે તેને કાઢી નાખવી જ જોઈએ! જ્યારે તમે તમારી આંખોથી વાસના કરવા માટે પરીક્ષણમાં પડો છો ત્યારે તમારે ઉગ્ર બનવું જોઈએ. તમારે એવું વર્તન કરવું જોઈએ કે તમે અંધ છો. તે વિચારને દૂર કરવાનો આ એકમાત્ર માર્ગ છે. તમારે તેને હળવાશથી ન લેવું જોઈએ અને કહેવું જોઈએ નહીં કે, "હું તો ફક્ત ઈશ્વર દ્વારા બનાવેલી સુંદરતાની પ્રશંસા કરી રહ્યો છું." આ પાપને ન્યાયી ઠેરવવા માટે ઘણી બધી રીતો છે, અને ઘણા લોકો એવું કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ ક્ષેત્રમાં બેદરકાર હોય છે ત્યારે સમય જતાં તે શારીરિક વ્યભિચારમાં પણ પડી જશે, જેમ જગતભરના ઘણા પાળકો સાથે થયું છે.

માથ્થી 5 માં ઈસુએ જે શીખવ્યું તે કંઈ નવું નહોતું જે ઈશ્વરનો ભય રાખનારા માણસો જાણતા ન હોય. મને ખાતરી છે કે યોહાન બાપ્તિસ્ત ઈસુએ તે કહ્યું તે પહેલાં જ તે જાણતો હતો. અયૂબ તે જાણતો હતો (અયૂબ 31:1,4,11). જે કોઈ ઈશ્વરનો આદર કરે છે, ભલે તેની પાસે અયૂબ જેવું બાઈબલ ન હોય, તે નિષ્કર્ષ કાઢશે કે જો હું એવી સ્ત્રીને જાતીય વાસનાથી જોઉં જે મારી પત્ની નથી, તો તે ઈશ્વર સમક્ષ પાપ છે. આપણી અંદર કંઈક એવું છે જે આપણને કહે છે કે તે ખોટું છે. તે એવી વસ્તુ ચોરી કરવા જેવું છે જે ઈશ્વરે તમને આપી નથી. જો તમારી પાસે બાઈબલ ન હોય, તો પણ તમારું અંતઃકરણ તમને કહેશે કે જ્યારે તમે એવી વસ્તુ ચોરી કરો છો જે તમારી નથી, તો તે પાપ છે. તમને તે કહેવા માટે કોઈ આજ્ઞાની જરૂર નથી. ઈશ્વર પ્રત્યેનો આદર જ તમને તે કહેશે. ઈસુએ જે શીખવ્યું તે આપણે જોઈએ છીએ ત્યારે તે યાદ રાખવા જેવી આ એક અદ્ભુત વાત છે.

આજે ઘણા વિશ્વાસીઓ જાતીય વાસનાના આ મુદ્દાને આટલી હળવાશથી કેવી રીતે લે છે? કારણ કે જે અયૂબમાં હતો તે,ઈશ્વર પ્રત્યેના આદરનો લોકોમાં મૂળભૂત અભાવ છે. આજના ખ્રિસ્તીઓ પાસે બાઈબલનું જ્ઞાન છે, પણ ઈશ્વર માટે કોઈ આદર નથી. એવા લોકો છે જે બાઈબલ કોલેજોમાં જાય છે અને બાઈબલનો અભ્યાસ કરીને ધર્મશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવે છે, છતાં પણ સ્ત્રીઓ માટે વાસના રાખે છે. તે આપણને શું શીખવે છે? તે આપણને શીખવે છે કે શાસ્ત્રનું જ્ઞાન જે ફક્ત માથામાં છે તે અને બાઈબલ સેમિનરીમાંથી "ડિગ્રી" મેળવવાથી તમે પવિત્ર નથી બનતા. આજે અનુવાદો અને સંકલનની વિપુલતા સાથે બાઈબલનું ઘણું જ્ઞાન છે. આપણી પાસે આપણા મોબાઈલ ફોન અને સીડી પર પણ બાઈબલ છે, જે લોકો તેમની કારમાં વાહન ચલાવતી વખતે સાંભળી શકે છે, વગેરે. આટલા બધા જ્ઞાનની વિપુલતા હોવા છતાં, ઈશ્વર માટે ખૂબ જ ઓછો આદર છે.

પહાડ પરના ઉપદેશમાં, ઈસુએ ઘણી બધી બાબતો શીખવી હતી અને જો આપણે ઈશ્વર માટે આદર રાખીએ છીએ તો આપણે પહાડ પરનો ઉપદેશ વાંચ્યા વિના પણ જાણી શકીએ છીએ. આમાંની કેટલીક બાબતો આપણા માટે ખૂબ જ સ્પષ્ટ છે: ક્રોધ પાપ છે, સ્ત્રીઓ માટે વાસના પાપ છે, અને બીજી ઘણી બાબતો અહીં લખેલી છે. તેથી, તમે જ્ઞાનના અભાવને કારણે પાપ નથી કરતા; તમે ઈશ્વર માટેના આદરના અભાવને કારણે તે કરો છો. ઈશ્વર માટેનો આદર એ જ્ઞાનની શરૂઆત છે. તે ખ્રિસ્તી જીવનની "બારાખડી" છે અને જો આપણી પાસે તે ન હોય, તો ગમે તેટલો બાઈબલ અભ્યાસ કરવાથી કે સંદેશાઓ સાંભળવાથી આપણે પવિત્ર થઈ શકતા નથી.