ઈસુએ આપણને શીખવ્યું કે જ્યાં પવિત્ર આત્મા આપણા આંતરિક અસ્તિત્વમાંથી વહે છે એવા જીવન તરફનું પહેલું પગલું તે પસ્તાવો કરવો અથવા પાછા ફરવું છે (માથ્થી 4:17). ફક્ત પૃથ્વી પરની બાબતો શોધવામાંથી જ પાછા ફરવું નહીં, પણ સૌથી વધુ, પાપથી પણ પાછા ફરવું. પવિત્ર આત્મા પ્રાપ્ત થાય તે પહેલાં આપણે પાપ પર કાબુ મેળવવાની જરૂર નથી. પવિત્ર આત્મા આપણને પાપ પર કાબુ મેળવવામાં મદદ કરવા આવે છે. આપણે ઘોડાની આગળ ગાડી રાખતા નથી. ઘોડો ગાડીની આગળ હોવો જોઈએ. હું પાપ છોડી દઉં અને પછી કહું કે, "હે પ્રભુ, મને પવિત્ર આત્મા આપો." એમ બની શકતું નથી. તેના બદલે હું કહું છું, "હે પ્રભુ, મને પાપ પર કાબુ મેળવવા માટે પવિત્ર આત્માની જરૂર છે." પરંતુ હું મારા મનમાં પાપથી ફરી શકું છું; તેનો અર્થ એ છે કે મારું વલણ એ છે કે હું ખરેખર બધા પાપ છોડી દેવા માંગુ છું.
ઈશ્વર તમને એટલું જ પૂછી રહ્યા છે. શું તમારું એવું વલણ છે કે તમે તમારા જીવનમાં ઈશ્વરનું અપમાન કરતી દરેક બાબત છોડી દેવા માંગો છો? તેમને ખરેખર છોડી દેવામાં તમને કેટલાક વર્ષો લાગી શકે છે, પરંતુ તેનો વાંધો નહિ. ખાતરી કરો કે તમારું વલણ હંમેશા પસ્તાવાનું હોય, જ્યાં તમે તમારી જૂની જીવનશૈલીથી પાછા ફરો. પસ્તાવો અને ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ આપણે ખ્રિસ્તી દોડની આરંભ રેખા પર આવીએ છીએ. હિબ્રૂઓને પત્ર 12:1-2 કહે છે કે ખ્રિસ્તી જીવન એક દોડ જેવું છે, અને જો મેં પસ્તાવો કર્યો હોય તો જ હું આરંભ રેખા પર આવી શકું છું. પસ્તાવો અને પાપથી પાછા ફરવાનો તે સંદેશ એવો સંદેશ છે જેનો આજે ખ્રિસ્તી ધર્મમાં અભાવ છે.
તમે પસ્તાવો કરવા પર કેટલા સુવાર્તા સંદેશાઓ સાંભળો છો? તમે પસ્તાવો કરવા પર કેટલા ગીતો સાંભળો છો? કોઈપણ સ્તોત્ર/ગીતોનું પુસ્તક જુઓ અને જુઓ કે પસ્તાવો કરવા પર કેટલા ગીતો છે - ભાગ્યે જ કોઈ મળશે. તમને વિશ્વાસ વિશે ઘણા ગીતો મળશે. ઉદાહરણ તરીકે, એક જાણીતું ગીત છે જે કહે છે, 'ઈશ્વરનો મહિમા થાઓ, તેમણે મહાન કાર્યો કર્યા'. તે ગીતની એક પંક્તિ કહે છે, "સૌથી ખરાબ ગુનેગાર જે ખરેખર વિશ્વાસ કરે છે, તે તે જ ક્ષણે ઈસુ પાસેથી માફી મેળવે છે." હું તેની સાથે અસંમત છું. ધારો કે ત્યાં એક માણસ સભામાં હાજરી આપી રહ્યો છે - એક સંપૂર્ણ દુ:ખી પાપી - જે સુવાર્તા વિશે કંઈ જાણતો નથી. અને તે ત્યાં આવે છે અને તે ગીત સાંભળે છે - "જે સૌથી ખરાબ ગુનેગાર ખરેખર વિશ્વાસ કરે છે, તે તે જ ક્ષણે ઈસુ પાસેથી માફી મેળવે છે." તે કહે છે, "હા, હું સૌથી ખરાબ ગુનેગાર છું," અને તે સ્વીકારે છે અને કહે છે, "મારે બસ એટલું જ કરવાનું છે, ફક્ત ઈસુમાં વિશ્વાસ કરવાનો. હું તેમનામાં વિશ્વાસ કરું છું, તે ઈશ્વરના પુત્ર છે, તે મારા પાપો માટે મરણ પામ્યા." શું તેને માફ કરવામાં આવે છે? જો તેણે પસ્તાવો ન કર્યો હોય તો તેને માફ કરવામાં આવશે નહીં. જે સૌથી ખરાબ ગુનેગાર પસ્તાવો કરે છે અને વિશ્વાસ કરે છે તેને માફ કરવામાં આવે છે. ઘણા લોકો કહેશે, "સારું, 'ખરેખર વિશ્વાસ કરો' નો અર્થ એ જ છે". પરંતુ તે એક ધર્મશાસ્ત્રીય સમજૂતી છે જેના વિશે એક બદલાણ નહિ પામેલો અધર્મી પાપી જાણતો નથી. તેને કહેવાની જરૂર છે કે તેણે પસ્તાવો કરવો પડશે. પ્રેરિત પિતરે પચાસમાના દિવસે સ્પષ્ટ કર્યું હતું: પસ્તાવો કરો. અને તે જ પાઉલે દરેક જગ્યાએ ઉપદેશ આપ્યો. તેણે બે બાબતોનો ઉપદેશ આપ્યો - "ઈશ્વરની આગળ પસ્તાવો કરવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો" (પ્રેરિતોનાં કૃત્યો 20:21).
ઈશ્વરની આગળ પસ્તાવો કરવો, સમૃદ્ધિ અને સાજાપણા આગળ નહીં. પસ્તાવો એ બીમારીથી સાજાપણા તરફ વળવું તે નથી. હું ગરીબીથી સમૃદ્ધિ તરફ નથી ફરી રહ્યો. ના! આજે આ ખોટી સુવાર્તાનો પ્રચાર થઈ રહ્યો છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે હું મારા જીવનમાં જે કંઈ પણ ઈશ્વર વિરુદ્ધ હતું તેનાથી ઈશ્વર આગળ પસ્તાવો કરું છું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખું છું. પાઉલ થેસ્સાલોનિકીઓને લખતી વખતે પણ આ જ વાત કહે છે. તે તેમને કહે છે કે ઈશ્વરનું વચન તેમની પાસે આવ્યું અને તેઓ ઈશ્વર તરફ વળ્યા, જીવતા ઈશ્વરની સેવા કરવા માટે મૂર્તિઓથી દૂર થઈ ગયા" (થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 1:8-10).
મૂર્તિ શું છે? મૂર્તિ એ કંઈપણ છે જે તમારા હૃદયમાં ઈશ્વરનું સ્થાન લે છે. તે તમારું સ્વાસ્થ્ય, તમારી સંપત્તિ, તમારી નોકરી, તમારું ઘર, તમારી કાર, તમારી પત્ની અથવા તમારા બાળકો હોઈ શકે છે. તે કંઈપણ હોઈ શકે છે જે તમારા હૃદયમાં ઈશ્વરનું સ્થાન લે છે. જેમ ઈસહાકે ઈબ્રાહિમના હૃદયમાં ઈશ્વરનું સ્થાન લીધું હતું અને ઈશ્વરે ઈબ્રાહિમને તે મૂર્તિપૂજાથી છૂટકારો મેળવવા કહ્યું હતું. મૂર્તિઓથી ઈશ્વર તરફ વળવું અને ઈશ્વરને તમારા હૃદયમાં પ્રથમ અને સર્વોચ્ચ બનતા અટકાવતી દરેક બાબતથી ઈશ્વર તરફ વળવું - તે પસ્તાવો છે. પહેલા ઈશ્વરના રાજ્યને અને તેમના ન્યાયીપણાને શોધવાનો આ અર્થ છે, એવી રીતે કે આપણી બધી દૈહિક જરૂરિયાતો આપણને આપવામાં આવશે (માથ્થી 6:33). તમે સંપૂર્ણપણે ખાતરી રાખી શકો છો કે તમને ક્યારેય કોઈ દૈહિક જરૂરિયાતોનો અભાવ નહીં પડે - ભલે તમે ક્યારેય કરોડપતિ ન બનો, પણ ઈશ્વર એ ચોક્કસ જોશે કે તમારી બધી દૈહિક જરૂરિયાતો તમને આપવામાં આવે - જો તમે પહેલા ઈશ્વરના રાજ્યની શોધ કરો છો તો. તેના માટે ઈશ્વરનો આભાર માનો.
દરેક ખ્રિસ્તી વ્યક્તિએ આ રીતે જીવવું જોઈએ. આજે જ્યારે ખ્રિસ્તીઓ એવું વિચારે છે કે ભૌતિક સમૃદ્ધિ અને શારીરિક સાજાપણું એ ઈશ્વરના આશીર્વાદના ચિહ્નો છે ત્યારે તે ખૂબ જ દુઃખદ બાબત છે. તે સાચું ન હોઈ શકે કારણ કે ઘણા બિન-ખ્રિસ્તીઓ છે જેમની પાસે આત્મિક ખ્રિસ્તીઓ કરતાં પણ ઘણી વધુ ભૌતિક સમૃદ્ધિ અને ઘણું વધારે શારીરિક સ્વાસ્થ્ય છે. તે પોતે જ સાબિત કરે છે કે તે સુવાર્તા નથી. વધુમાં, તેમને પાપથી છુટકારો નથી મળ્યો જે ખરા શિષ્ય પાસે હોય છે.
ઈસુએ પહેલા જે સંદેશ જાહેર કર્યો હતો, અને આપણે જે જાહેર કરતા રહેવાની જરૂર છે તે છે પસ્તાવો કરવો. જ્યારે ઈસુએ કહ્યું, "મેં જે શીખવ્યું છે તે બધું કરવાનું તેમને શીખવો," ત્યારે તેમણે શું શીખવ્યું? સૌથી પહેલું પગલું એ છે કે પાપથી પાછા ફરો, ઈશ્વર તરફ વળો અને આકાશના રાજ્ય માટે તમારું હૃદય ખોલો જેથી તમારું મન હવે ઉપરની બાબતો પર, ઈશ્વરની બાબતો - પવિત્ર આત્મામાં ન્યાયીપણા, શાંતિ અને આનંદ પર કેન્દ્રિત થાય.