માથ્થી 4:9 માં, શેતાને ઈસુને એક ક્ષણમાં જગતનાં બધાં રાજ્ય તથા તેઓનો મહિમા બતાવ્યો, અને કહ્યું, "જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધાં હું તને આપીશ." તે હંમેશાથી આ જ ઈચ્છતો હતો, અને આ જ બાબતે તેને શેતાન બનાવ્યો. તે દૂતોનો વડો હતો, તે સુંદર, જ્ઞાનથી ભરેલો, સૃષ્ટિમાં સર્વોચ્ચ પદ ધરાવતો હતો અને માણસને ઉત્પન્ન કર્યો તેના ઘણા સમય પહેલા તેને ઈશ્વર દ્વારા સર્જવામાં આવ્યો હતો. આપણે યશાયા 14 અને હઝકિયેલ 28 માં આ સર્વોચ્ચ દૂતનો ઈતિહાસ વાંચીએ છીએ. આપણે તેનું નામ જાણતા નથી, ફક્ત એટલું જ કે તેને પ્રભાતનો તારો કહેવામાં આવ્યો છે (યશાયા 14:12), જેનો લેટિનમાં "લ્યુસિફર" તરીકે અનુવાદ થાય છે. તેથી તે શીર્ષક તેની સાથે લાગી ગયું, પરંતુ તે તેનું નામ નથી. આપણે તેનું નામ જાણતા નથી, પરંતુ દૂતોનો આ વડો ઈચ્છતો હતો કે દૂતો ઈશ્વરનું ભજન ન કરે પણ તેનું ભજન કરે. તે જ વાત તે યશાયા 14 માં કહે છે, "હું મારી જાતને ઈશ્વર સમાન કરીશ." યાદ રાખો કે પાપની ઉત્પત્તિ આ રીતે થઈ હતી: જ્યારે કોઈ પોતાનું ભજન થાય એમ ઈચ્છતું હતું, જ્યારે કોઈ ઈશ્વર સામે બંડ કરવા માંગતું હતું, અને જ્યારે કોઈનું હૃદય ઘમંડી થયું હતું અને દૂતો તેની પ્રશંસા કરે એમ ઈચ્છતું હતું.
આ પાપનું મૂળ છે. દુનિયામાં પહેલું પાપ ખૂન કે વ્યભિચાર નહોતું; તે પાપ બીજા લોકો તમારી પ્રશંસા કરે તેવી ઈચ્છા હતી. જો તમારી પાસે તે ઈચ્છા હોય, તો તમે ગમે તે હોવ, ભલે તમે તમારી જાતને ખ્રિસ્તી કે ઉપદેશક કહો, જો તમે ઈચ્છો છો કે લોકો તમારી પ્રશંસા કરે અને ખ્રિસ્તની નહીં, તો તમે શેતાન જે રીતે ચાલ્યો હતો તે રીતે ચાલી રહ્યા છો. તે એક ખતરનાક બાબત છે કારણ કે તે આખરે નરકમાં લઈ જાય છે. શેતાન તે સમયે તે મેળવી શક્યો નહીં; તેને સ્વર્ગમાંથી નાખી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ફરીથી તે મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. "નીચે પડી જા," શેતાન કહે છે, "અને મારું ભજન કર." પરંતુ ઈસુએ કહ્યું, "અરે શેતાન, આઘો જા," માથ્થી 4:10, "કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર." આપણે ફક્ત એક જ વ્યક્તિનું ભજન કરવું જોઈએ. આપણે મહિમાવાન માણસો અને ઈશ્વરના મહાન સેવકોનું ભજન કરવાની ભૂલ કરી શકીએ છીએ. પ્રકટીકરણ 22:8 માં, મહાન પ્રેરિત યોહાને પણ આ ભૂલ કરી હતી. તેણે એક દૂત જોયો અને પ્રકટીકરણના પુસ્તકમાં પ્રગટ થયેલી અદ્ભુત બાબતો જોયા પછી તે તેને વંદન કરવાને તેને પગે પડ્યો. કલ્પના કરો, જો પ્રેરિત યોહાન, ૯૫ વર્ષની ઉંમરે, જે લાંબા સમયથી પ્રભુને ઓળખતો હતો, તે ઈશ્વરના એક શક્તિશાળી સેવકને વંદન કરવાની ભૂલ કરી શકે છે, તો આપણામાંથી કોઈ પણ તે ભૂલ કરી શકે છે. આપણે ઈશ્વરના કોઈ શક્તિશાળી સેવકને એટલી હદે વંદન ન કરવું જોઈએ કે ઈશ્વર સાથેનો આપણો સંપર્ક તે સેવક દ્વારા જ હોય.
જ્યારે પણ કોઈ ઉપદેશક કે પાસ્ટર, ઈશ્વર અને માણસો વચ્ચે બીજો મધ્યસ્થ બનવા માંગતો હોય, ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ. જૂના કરારના પ્રબોધકો એવા લોકો હતા જેમણે માણસોને ઈશ્વરની ઈચ્છા જણાવી હતી, પરંતુ નવા કરારમાં, ઈશ્વર અને માણસો વચ્ચે ફક્ત એક જ મધ્યસ્થ છે, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ખ્રિસ્ત અને તમારી વચ્ચે બીજો મધ્યસ્થ બનવા માટે તમારે પાસ્ટર કે ઉપદેશક કે કોઈ ઈશ્વરના માણસની જરૂર નથી. તમારે મરિયમની જરૂર નથી. તમારે બીજા કોઈની જરૂર નથી. તમે સીધા ઈસુ પાસે અને તેમના દ્વારા પિતા પાસે જઈ શકો છો. પરંતુ આપણે ભૂલ કરી શકીએ છીએ, જેમ યોહાને કરી હતી. પ્રકટીકરણ 22 માં, આપણે આ શક્તિશાળી દૂતનું વિશ્વાસુપણું પણ જોઈએ છીએ. તે કહે છે, "જોજે, એમ ન કર; મારી આરાધના ન કર."
ક્યાં છે એવા ઉપદેશકો, પાસ્ટરો અને ખ્રિસ્તી આગેવાનો જે બીજા ખ્રિસ્તીઓને પોતાની સાથે જોડાવા દેશે નહીં, જે તેમને દૂર ધકેલી દેશે અને કહેશે, "મારી સાથે જોડાશો નહીં; ખ્રિસ્ત સાથે જોડાવાનો પ્રયાસ કરો"? તે ઈશ્વરનો ખરો માણસ છે જેને તમે કોઈ પણ ભય વગર અનુસરી શકો છો - જે તમને તેની સાથે જોડાવા દેવાનો ઈનકાર કરે છે અને તમારા માટે ઈશ્વરની ઈચ્છા શોધવાનો ઈનકાર કરે છે પરંતુ તમને કહે છે, "ઈશ્વર તમારા પિતા છે. સીધા તેમની પાસે જાઓ, અને તે તમને તેમની ઈચ્છા બતાવશે." કારણ કે હિબ્રૂઓને પત્ર 8:11 માં ઈશ્વરનું નવા કરારનું વચન છે, 'હવે પછી ‘પ્રભુને ઓળખ,’ એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને ઓળખશે." તેનો અર્થ એ છે કે જે હમણાં જ નવો જન્મ પામેલો, ખ્રિસ્તમાં એક બાળક જેવો છે તે, અને મોટામાં મોટા, ઈશ્વરના સૌથી શક્તિશાળી સેવક, બધા તેમને વ્યક્તિગત રીતે જાણી શકે છે. તેથી દૂત કહે છે, “જોજે, એમ ન કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાસ છું. તું ઈશ્વરની આરાધના કર."