written_by :   Zac Poonen categories :   The Church
WFTW Body: 

ખ્રિસ્તી જગતમાં ઘણી દુઃખદ બાબત એ છે કે ઘણા ખ્રિસ્તીઓ કે જેઓ મહાન આદેશના પ્રથમ ભાગને પરિપૂર્ણ કરી રહ્યા છે તેઓને ખ્યાલ નથી હોતો કે બીજા ભાગને પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે. એવા ઘણા કાર્યકરો છે જેઓ પ્રથમ ભાગ પૂર્ણ કરે છે અને વાસ્તવમાં જેઓ બીજા ભાગને પૂર્ણ કરવા માંગે છે, તેમને ધિક્કારે છે, તે બાબત ઘણી ખરાબ છે. જો આપણે નમ્ર હોઈશું, તો આપણે જોઈશું કે આપણે ખ્રિસ્તના શરીરમાં સાથી કાર્યકરો છીએ, અને તે એક કાર્ય બીજા જેટલું જ મહત્વપૂર્ણ છે. જે વ્યક્તિ તેમના પાપો માટે મૃત્યુ પામેલા ખ્રિસ્તના સંદેશા સાથે સુવાર્તા સાંભળી ન હોય તેવા લોકો સુધી સુવાર્તા પહોંચાડવા માટે જાય છે તે તેટલો જ મહત્વપૂર્ણ છે જેટલો એ વ્યક્તિ છે કે જે તે કાર્યને પૂર્ણ કરવા માટે એ વ્યક્તિને શિષ્ય બનાવીને અને ઈસુએ આદેશ આપ્યો તે બધું કરવાનું તેને શીખવવાનું કાર્ય પૂર્ણ કરવા માંગે છે.

મહાન આદેશના પ્રથમ ભાગને પરિપૂર્ણ કરવો તે ખૂબ જ રોમાંચક છે કારણ કે આ કાર્ય ઘણીવાર તેના સંબંધિત ઘણી અદ્ભુત વાતો આપે છે. મિશનરી અને સુવાર્તિક કાર્યના ખરા અહેવાલો હંમેશા રોમાંચક હોય છે. દુષ્ટાત્માઓ અને મૂર્તિપૂજામાંથી મુક્ત થયેલા લોકોના સંબંધની વાતો હોય છે અને તેના જેવી ઘણી બાબતો હોય છે, અને ખાસ કરીને બીજાઓને જાણાવવા માટે ઘણા આંકડાકીય અહેવાલો હોય છે. ખ્રિસ્ત પાસે લાવેલા લોકોની સંખ્યા વિશે પ્રચારકો બડાઈ કરી શકે છે. પરંતુ બીજા ખ્રિસ્તી કાર્યકર વિશે શું, જે તે બદલાણ પામેલાને એક શિષ્ય બનાવી રહ્યો છે, કે તે ઈસુએ જે શીખવ્યું તે બધું પાળે? તેની પાસે બડાઈ મારવા માટેના આંકડા નથી, પરંતુ જ્યારે ખ્રિસ્ત પાછા આવશે ત્યારે આપણે જાણી શકીશું કે તે વ્યક્તિએ શિષ્યો બનાવવા માટે પૃથ્વી પર કોઈ સન્માન મેળવ્યા વિના વધુ વિશ્વાસુ રીતે કાર્ય કર્યું છે. સામાન્ય રીતે કહીએ તો, ખ્રિસ્તીઓ એવા સેવાકાર્યો કરવાનું પસંદ કરે છે કે જેના વિશે તેઓ બીજાઓને જણાવી શકે, અને જ્યાં તેઓ આંકડા આપી શકે. તેથી જ મહાન આદેશનું માર્ક 16:15 માંનું પાસું માથ્થી 28:19-20 માંના બીજા અડધા ભાગ કરતાં વધુ લોકપ્રિય છે. પરંતુ તેથી જ આપણે બીજા અડધા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને લોકોને ઈસુએ જે આદેશ આપ્યો છે તે બધું કરવાનું શીખવીએ છીએ.

ધારો કે તમે વિશ્વના જુદા જુદા ભાગોમાં પહોંચવામાં, સુવાર્તાનો ઉપદેશ આપવામાં અને પ્રચાર કરવામાં 25 વર્ષ ગાળ્યા છે. જો તમે પ્રચારક છો, તો જેમને તમે ખ્રિસ્ત પાસે લાવ્યા છો તેવા કદાચ સેંકડો અથવા કદાચ હજારો લોકોના આંકડાની જાણ કરવાની તક તમારી પાસે હશે. પરંતુ જો તમે તે 25 વર્ષોમાં બદલાણ પામેલા લોકોના જૂથને જેઓ હજી શિષ્યો નથી બન્યા તેઓને, ઈસુએ જે આદેશ આપ્યો છે તે બધું કરવાનું શીખવવામાં ગાળ્યો હશે, તો તમારી પાસે આંકડાઓની દ્રષ્ટિએ જાણ કરવા માટે ઘણું બધું ન હોઈ શકે. જો કે, તમે ખ્રિસ્ત જેવા લોકો ઉત્પન્ન કર્યા છે જેઓ પૃથ્વી પર ખ્રિસ્ત માટે વધુ સારી સાક્ષીરૂપ છે, અને જેમને ઈશ્વર, આદમના સ્વભાવમાંથી મુક્ત કરાયેલા અને જે ખ્રિસ્તના સ્વભાવને પ્રગટ કરી શકે છે તેવા લોકોના નમૂના તરીકે શેતાનને બતાવી શકે છે. આ પ્રયત્નો આ પૃથ્વી પર નહિ પણ સ્વર્ગમાં મહિમા લાવે છે.

જો તમે એવા ખ્રિસ્તી છો કે જેઓ માણસો (સાથી ખ્રિસ્તીઓ પાસેથી પણ!) પાસેથી સન્માન ઈચ્છે છે, તો તમે મહાન આદેશના બીજા ભાગ વિશે વધુ ધ્યાન રાખશો નહીં, કારણ કે તે તમને બીજાઓને જણાવવા માટે ઘણું બધું આપશે નહીં. જો તમારી રુચિ આંકડા અને સંખ્યાઓ અને માણસો તરફના સન્માનમાં હશે તો તમને ફક્ત પ્રથમ ભાગમાં જ રસ હશે. જૂના કરારના પ્રબોધકો ક્યારેય લોકપ્રિય ન હતા; ઈસ્રાએલમાં જે લોકપ્રિય હતા તે તો જૂઠા પ્રબોધકો હતા. બંને વચ્ચે શું તફાવત છે? એક તફાવત એ હતો કે જૂઠા પ્રબોધકોએ લોકોને જે સાંભળવાનું પસંદ હતું તે કહ્યું, જ્યારે ખરા પ્રબોધકોએ લોકોને ઈશ્વર તરફથી જે સાંભળવાની જરૂર હતી તે કહ્યું. અને ઘણી વાર, તે તેમના પાપ, તેમનું દુન્યવીપણું, તેમની મૂર્તિપૂજા, વ્યભિચાર અને તેમના ઈશ્વરથી દૂર જવાના માટે એક ઠપકો હતો, તેમજ પસ્તાવો (ઈશ્વર તરફ પાછા ફરવાનું) કરવાનું આહવાન હતું.

પ્રબોધકીય સેવાકાર્ય ક્યારેય લોકપ્રિય રહ્યું નથી, ન તો જૂના કરારમાં કે ન તો નવા કરારમાં. નવા કરારનું પ્રબોધકીય સેવાકાર્ય, એ જ રીતે, ઈશ્વરના લોકોને તેમની તરફ પાછા આવવા, વચન તરફ પાછા ફરવા, શાસ્ત્રના આજ્ઞાપાલન તરફ પાછા ફરવા, અને ઈસુએ જે શીખવ્યું હતું તે બધું ફરીથી પાળવું, તે છે. તે સુવાર્તા પ્રચારના સેવાકાર્યથી ખૂબ જ અલગ છે અને ખ્રિસ્તનું શરીર ફક્ત પ્રબોધકો દ્વારા અથવા ફક્ત પ્રચારકો દ્વારા જ બાંધી શકાતું નથી.

જો એક ઉદાહરણનો ઉપયોગ કરીએ તો, પ્રચાર દ્વારા મહાન આદેશ (માર્ક 16:15) ના પ્રથમ ભાગને પરિપૂર્ણ કરવાને પ્લેટમાંથી ખોરાક લઈને આપણા મોંમાં નાખવા સાથે સરખાવી શકાય. બધા પ્રચારનો હેતુ શું છે? ખ્રિસ્તના શરીરના સભ્ય ન હોય તેવા વ્યક્તિને ખ્રિસ્તના શરીરમાં લાવવા. તે અનિવાર્યપણે સુવાર્તા પ્રચાર છે. સુવાર્તા પ્રચાર એ અવિશ્વાસી, મૂર્તિપૂજક અથવા કોઈપણ ઈશ્વર વિનાની વ્યક્તિને ખ્રિસ્તના શરીરનો એક ભાગ બનાવવા માટે રચાયેલ છે. મારો હાથ ખોરાક લે છે, જે અત્યારે મારા શરીરનો ભાગ નથી, અને તેને થાળીમાંથી ઉપાડીને મારા શરીરમાં નાખે છે. તે એક ચિત્ર છે કે કેવી રીતે સુવાર્તા પ્રચાર બિન-ખ્રિસ્તીને ખ્રિસ્તના શરીરમાં લાવે છે.

ખોરાક સંપૂર્ણપણે શરીરનો એક ભાગ કેવી રીતે બને છે? સૌ પ્રથમ, હું ખોરાક જોઉં છું અને હું તેને મારા હાથથી લઉં છું, અને તેને મારા મોંમાં નાખું છું. અવિશ્વાસીને ખ્રિસ્તમાં લાવવાનો તે સુવાર્તા પ્રચાર છે. પરંતુ આ ખોરાક, જો તે મારા મોંમાં રહે છે, જ્યાં સુધી હું તેને મારા મોંમાં રાખું છું ત્યાં સુધી ક્યારેય મારા શરીરનો ભાગ બનશે નહીં. તે સડી જશે, અને હું તેને થૂંકી કાઢીશ. ઘણા લોકો કે જેઓ તેમના હાથ ઊંચા કરે છે અને નિર્ણય કાર્ડ પર સહી કરે છે અને કહે છે કે તેઓ ખ્રિસ્ત પાસે આવ્યા છે, તેઓ મોંમાં રાખેલા ખોરાક જેવા છે. તમે ત્યાં જાઓ અને આ પાંચસો લોકોની મુલાકાત લો જેમણે આ નિર્ણય કાર્ડ પર હસ્તાક્ષર કર્યા છે, અને તમે જોશો કે તેમાંથી ફક્ત એક જ ખરો શિષ્ય બન્યો છે. અન્ય 499 દૂર ઘસડાઈ ગયા છે. તે દરેક સમયે થાય છે. ખાદ્યપદાર્થો ફક્ત મોંમાં રાખવા માટે નથી. દાંતને ખોરાક ચાવવો પડે છે, અને પછી તે ગળામાં અને પેટમાં જાય છે જ્યાં તેને તોડવા માટે તેના પર તમામ પ્રકારના એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. આ તબક્કે હવે તે બટાકા, કે રોટલી, અથવા ચોખા નથી. તે હજી અન્ય સ્વરૂપોમાં રૂપાંતરિત થશે, અને પાચનની પ્રક્રિયા અને અન્ય ઘણી ક્રિયાઓ જે શરીરની અંદર થાય છે, જેને અંતે તે ખોરાક સંપૂર્ણપણે શરીરનો એક ભાગ બની જાય છે. આ એક ખૂબ જ નમ્ર સેવાકાર્ય છે, શરૂઆતમાં ખોરાક લેવો અને તેને મોંમાં નાખવો, અને આ પ્રચાર છે. પરંતુ તે પછી, શરીરના અન્ય ભાગો કાર્ય હાથ ધરે છે, અને તેઓ એવા કાર્યો કરે છે જે હાથ ક્યારેય કરી શકતા નથી. તેવી જ રીતે, અન્ય કાર્યકરો એવા કાર્યો કરે છે જે પ્રચારકો ક્યારેય કરી શકતા નથી, જેમ કે પ્રબોધકીય સેવાકાર્ય, શિક્ષણનું સેવાકાર્ય, ઘેટાંપાળક તરીકેનું સેવાકાર્ય, અને ધર્મપ્રચારક સેવાકાર્ય, આ બધું તે વ્યક્તિને ખ્રિસ્તના શરીરના એક જીવંત, કાર્યકારી, અસરકારક અને શક્તિશાળી સભ્ય બનાવવા માટે છે. તે ખોરાકની જેમ, જે થોડા અઠવાડિયા પછી, હવે બટાકા અથવા રોટલી નથી, પરંતુ માંસ અને લોહી અને હાડકાં બની ગયા છે, તેવું તે દરેક વ્યક્તિ સાથે થવું જોઈએ, જેને પ્રચારક ખ્રિસ્ત પાસે લાવે છે.

તો કયા કાર્યની વધુ જરૂર છે? પ્રચારક, અથવા પ્રબોધક, અથવા ઘેટાંપાળક, અથવા શિક્ષક? તે પૂછવા જેવું છે, "શું હાથ વધુ મહત્વના છે, કે દાંત, કે પેટ?" શરીરના અંગોની સરખામણી નથી, કારણ કે જો હાથ ખોરાક ન લે અને તેને અંદર ન નાખે, તો દાંત અને પેટને કોઈ લેવાદેવા નથી; અને જો હાથ ખોરાકને મોંમાં નાખવાનું કામ કરે છે, પરંતુ દાંત અને પેટ કંઈ કરતા નથી, તો તે પણ વ્યર્થ છે. તેથી એવું વિચારવાનો કોઈ ફાયદો નથી કે પ્રચારક પ્રબોધક કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે, અથવા પ્રબોધક પ્રચારક કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરતો જોઈ શકાય છે, પરંતુ બંને શરીરમાં સમાનરૂપે જરૂરી છે. ઈશ્વરે નક્કી કર્યું છે કે શરીરના દરેક અંગ સ્વસ્થ અને સ્નાયુબદ્ધ હોવા જોઈએ જેથી તેનું કાર્ય પૂર્ણ થાય.