WFTW Body: 

શેતાને પિતરને ઘઉંની જેમ ચાળવા માટે ઈશ્વર પાસેથી પરવાનગી માંગી. અને ઈશ્વરે તેને આમ કરવાની પરવાનગી આપી - કારણ કે પિતર પાસે અન્ય, જેઓને હજી સુધી ચાળવામાં આવ્યા ન હતા, તેઓ કરતાં વધુ મહત્વપૂર્ણ સેવાકાર્ય હતું. ઈસુએ ફક્ત પ્રાર્થના કરી કે પિતરનો વિશ્વાસ ખૂટે નહિ. પિતરે ત્રણ વાર પ્રભુનો નકાર કર્યો. પરંતુ, એના લીધે, તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો અને નમ્ર થઈ ગયો અને ખૂબ રડ્યો અને પસ્તાવો કર્યો. આ રીતે ઈશ્વરની યોજના પૂર્ણ થઈ અને ફોતરાં‌ જેવું તેનું સઘળું અભિમાન ચળાઈ ગયું. એ માટે ઈશ્વરે શેતાનનો ઉપયોગ કર્યો. તે એક કારણ છે જેના લીધે ઈશ્વરે હજુ સુધી શેતાનનો નાશ કર્યો નથી. ઈશ્વરની સ્તુતિ થાઓ.

પુનરુત્થાન પછી, ઈશ્વરે કબર પરના દૂત દ્વારા એક ખાસ સંદેશ મોકલ્યો કે, "પણ તમે જાઓ, તેમના શિષ્યોને તથા પિતરને કહો કે, ઈસુ સજીવન થયા છે અને તે તમારી અગાઉ જાય છે" (માર્ક 16:7). તે વાક્ય "...તથા પિતરને ..." આપણા ઈશ્વર માટે ખૂબ જ લાક્ષણિક છે. શું પિતર પણ શિષ્ય ન હતો? પ્રભુએ શા માટે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો? કારણ કે એ પિતર‌ હતો જેને એવું લાગ્યું હશે કે કદાચ તેની ભયંકર નિષ્ફળતાને કારણે "તેના શિષ્યો" શબ્દસમૂહ હવે પછી તેનો સમાવેશ કરી શકશે નહીં. તેથી તે શબ્દસમૂહ તેને જણાવવા માટે હતો કે ઈશ્વર હજુ પણ તેને પોતાનો પ્રેરિત માને છે.

પરંતુ આ સંદેશ મળ્યો હોવા છતાં, પિતર હજુ પણ એટલો નિરાશ હતો કે તેણે માછીમારીના તેના જૂના વ્યવસાયમાં કાયમ માટે પાછા જવાનું નક્કી કર્યું (યોહાન 21:3). તેથી પ્રભુ ગયા અને પિતરને વ્યક્તિગત રીતે તેમના પ્રેરિતપણામાં પાછો તેડ્યો. એવો પ્રભુનો પ્રેમ છે. તેઓ આપણી પાછળ આવતા રહેશે. આમ પિતર પાછો આવ્યો અને તેનો "વિશ્વાસ નિષ્ફળ ગયો નહિ". તેનું કારણ એ નહોતું કે પિતર ક્યારેય નિષ્ફળ ગયો નહોતો કે તેણે ભૂલ કરી નહોતી.

તેથી, જો આપણે ખરેખર નવો જન્મ પામ્યા છીએ અને ઈસુના શિષ્યો બન્યા છીએ, તો આપણે વિશ્વાસ કરવો જોઈએ કે ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં સ્વીકાર્યા છે અને આપણને બિનશરતી પ્રેમ કરે છે - કારણ કે ઈશ્વર પ્રેમ છે. બે પ્રકારના વિશ્વાસીઓ હોય છે:

(1) જેઓ વિશ્વાસ કરે છે કે તેમના સ્વર્ગીય પિતાનો પ્રેમ બિનશરતી છે.
(2) જેઓ વિશ્વાસ કરે છે કે તેમના સ્વર્ગીય પિતાનો પ્રેમ શરતી છે.

પહેલા પ્રકારના લોકો શાંતિમાં રહેશે કેમ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે છે. બીજા પ્રકારના લોકો કાયમી અશાંતિમાં રહેશે કારણ કે તેઓ એવો વિશ્વાસ કરે છે કે ઈશ્વર તેમને પ્રેમ કરવાનું ચાલુ રાખે માટે તેઓએ સારી કામગીરી કરવી પડશે. જગતનો દરેક જૂઠો ધર્મ શીખવે છે કે ઈશ્વરનો પ્રેમ શરતી છે - અથવા તેમનો પ્રેમ "કામગીરી પર આધારિત - પ્રેમ" છે - એવો પ્રેમ જે આપણે કેટલું સારું કાર્ય કરીએ છીએ તેના પર આધારિત છે! ઈસુએ આવીને તેનાથી વિરુદ્ધ શીખવ્યું. તેમ છતાં મોટા ભાગના વિશ્વાસીઓ હજુ પણ તેમના વિચારોમાં વિધર્મી છે. આપણે શેતાનના જૂઠાણાનો પર્દાફાશ કરવો જોઈએ. કારણ કે સત્ય એ છે કે ઈશ્વર તેમના બાળકોને બિનશરતી પ્રેમ કરે છે. આપણે તે પ્રેમને નકારી શકીએ છીએ અને ઈશ્વરથી દૂર જઈ શકીએ છીએ અને ખોવાઈ જઈ શકીએ છીએ. પરંતુ પોતાના બાળકો માટે તેમનો પ્રેમ હજુ પણ બિનશરતી છે. ઉડાઉ દીકરા માટે પિતાના પ્રેમની વાર્તા આ બાબતને સંપૂર્ણ રીતે સમજાવે છે.

એ વાત સાચી છે કે લોકો પ્રત્યેના ઈશ્વરનો પ્રેમ અલગ-અલગ પ્રમાણનો હોય છે. ઈશ્વર જગતના તમામ લોકોને અમુક પ્રમાણમાં પ્રેમ કરે છે (યોહાન 3:16). પરંતુ ઈશ્વર તેમના નવો જન્મ પામેલા બાળકોને વધારે પ્રેમ કરે છે. અને પોતાના બાળકોમાં, તે કેટલાકને અન્ય કરતાં વધુ પ્રેમ કરે છે, કારણ કે તેઓ અમુક શરતોને પૂર્ણ કરે છે - જેમ કે ઈસુએ યોહાન 14:21 માં કહ્યું: "જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે." અને તે ઉપરાંત, ઈશ્વર સૌથી વધારે‌ પ્રમાણમાં તે શિષ્યોને પ્રેમ કરે છે, કે જેમણે ઈસુને અનુસરવા માટે બધું જ છોડી દીધું છે - જેમ ઈશ્વરે ઈસુના પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે (જુઓ યોહાન 17:23).

પરંતુ તેમ છતાં ઈશ્વરનો પ્રેમ પોતે બિનશરતી છે.

ઈશ્વરના પ્રેમનું એક વિશિષ્ટ વર્ણન લૂક 6:35 માં "કચવાયા વગર ઉછીનું આપવા" તરીકે વ્યક્ત કરવામાં આવ્યું છે. માનવ પ્રેમ હંમેશા બદલામાં આદર, પ્રેમ અને ભેટોની અપેક્ષા રાખે છે. પરંતુ દૈવી પ્રેમ કશાની અપેક્ષા રાખતો નથી. તે જેને પ્રેમ કરે છે તેના પર તેની કોઈ આંતરિક માંગ નથી. ઈશ્વર સૂરજને ભલા અને ભૂંડા પર સમાનરૂપે ઉગાવે છે, અને દુષ્ટ અને કૃતઘ્ન પ્રત્યે કૃપાળુ અને દયાળુ છે. જો આપણે આ દૈવી પ્રેમમાં જીવીએ તો જ આપણે ફરોશીઓની સઘળી માન્યતાઓથી બચી શકીશું.