ઈશ્વરનું ભજન એ એવી બાબત છે જે આપણને આપણા સ્વર્ગીય પિતા સાથે ખૂબ જ ગાઢ સંબંધમાં લાવે છે, અને ભજન એ ફક્ત શબ્દો બોલવા અથવા ઈશ્વરને શબ્દો કહેવા કરતાં કંઈક વધારે છે. ચાલો હું એક ગેરસમજ, જે 90 ટકાથી વધુ વિશ્વાસીઓ ધરાવે છે તેને સ્પષ્ટ કરું. આજે ઘણી મંડળીઓમાં તેમની રવિવારની સવારની મીટિંગ માટે એક જ સામાન્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને "ભજનસેવા" કહેવામાં આવે છે. કેરીસ્મેટિક અથવા અન્ય પેન્ટીકોસ્ટલ મંડળીઓમાં, તેઓ તેને "સ્તુતિ અને ભજન"નો સમય કહે છે. જો તમે સંપૂર્ણપણે શાસ્ત્ર અને બાઈબલના બનવા માંગતા હો, તો તે તદ્દન ખોટી અભિવ્યક્તિ છે; તેઓ રવિવારે સવારે ત્યાં જે કરે છે તે ભજન નથી. તેઓ જે ગીતો ગાય છે તેના શબ્દો જો તમે સાંભળો તો તે સ્તુતિ અને આભાર છે. તે ભજન બિલકુલ નથી. જો તમે મારા પર વિશ્વાસ ન કરતા હો, તો તમે બાઈબલના શબ્દોના સંદર્ભ આપતા પુસ્તકને લઈને ભજન શબ્દને જોઈ શકો છો કારણ કે તે નવા કરારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. જૂના કરારમાં, લોકો માટે ઈશ્વરનું ભજન કરવાનો એકમાત્ર માર્ગ હતો: તાળીઓ પાડવી અને ગાવું અને ઈશ્વરને માટે ગીતો ગાવા સંગીતના સાધનોનો ઉપયોગ કરવો. પરંતુ નવા કરારમાં, ઈસુએ યોહાન અધ્યાય 4:23-24 માં સમરૂની સ્ત્રીને કહ્યું, "પણ એવો સમય આવે છે, અને હાલ આવ્યો છે કે, જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઈચ્છે છે. ઈશ્વર આત્મા છે; અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.”
ઈસુએ "આવનાર" સમય વિશે વાત કરી હતી. તે પચાસમાના દિવસનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે હજી આવ્યો ન હતો. તેમણે યોહાન 4:23 માં પણ કહ્યું, "હાલ આવ્યો છે," જેનો અર્થ છે કે તે તેનામાં પહેલેથી જ પરિપૂર્ણ થઈ ગયું છે, કારણ કે નવા કરારમાં ઈસુ ઘણા ભાઈઓમાં પ્રથમજનિત છે. તે એ હતા જેમણે આપણા માટે નવો કરાર ખોલ્યો, તેથી એક અર્થમાં, તે પ્રથમ અને આપણા આગેવાન હતા. અને તેથી, તે ઘડી આવી ગઈ હતી જ્યાં આખરે એક માણસ પૃથ્વી પર ચાલતો હતો જે આત્માથી અને સત્યતાથી પિતાની ભજન કરતો હતો, અને તે પોતે ઈસુ હતા. કોઈએ તે પહેલાં ક્યારેય કર્યું ન હતું.
થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 5:23 આપણને કહે છે કે માણસ આત્મા, પ્રાણ અને શરીર છે, અને આ સૂચવે છે કે જ્યારે ઈસુ અહીં આત્મા શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે તે કહેતા હતા કે જૂના કરારનું બધું ભજન ફક્ત શરીર અને પ્રાણમાં જ હતું. મતલબ કે તેઓ હાથ વડે ઈશ્વરનું ભજન કરે છે, હાથ ઊંચા કરે છે, તાળીઓ પાડે છે; તેઓ તેમના પ્રાણ વડે ઈશ્વરનું ભજન કરતા, જે તેમના મન, તેમની બુદ્ધિ, તેમની લાગણીઓનો ઉપયોગ કરે છે; તેઓને આનંદ અને લાગણીઓ, ભાવનાત્મક લાગણીઓ અનુભવાતી હતી જે જ્યારે તમે મીટિંગમાં આભારસ્તુતિના ગીતો ગાઓ છો ત્યારે અનુભવો છો. પ્રાણ અને દેહ દ્વારા ભજનની એ મર્યાદા હતી. પરંતુ તેમણે કહ્યું, "હવે તમે ભજનના ઊંડા સ્તર પર આવી ગયા છો જે તમે હવેથી કરી શકો છો, કેમ કે જેમ પવિત્ર મારામાં રહે છે તેમ આત્મા તમારામાં વાસ કરે છે." ઈસુ કહેતા હતા, "તમે માત્ર દેહ અને પ્રાણથી નહિ, પણ આત્માથી અને સત્યતાથી પણ ભજન કરી શકશો."
આજે આપણે શું કરવું જોઈએ? આપણે હજી પણ તાળી પાડીએ છીએ અને હાથ ઊંચા કરીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ ત્યારે આપણે લાગણીશીલ થઈ જઈએ છીએ અને આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે બધાથી આગળ, આપણે આત્મામાં ભજન કરવું જોઈએ, અને તેનો અર્થ એ છે કે આપણે આત્મા અને પ્રાણ વચ્ચેના પડદાને ભેદીએ છીએ, અને તે ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ જ્યાં આપણે ઈશ્વર સાથે એકલા છીએ. જૂના કરારના મુલાકાતમંડપનાં, ત્રણ ભાગો છે - શરીર, પ્રાણ અને આત્માને અનુરૂપ - અને છેલ્લો ભાગ, આ બંધ ભાગ, જે પડદાથી ઢંકાયેલો હતો, તે પરમપવિત્રસ્થાન છે, જ્યાં ફક્ત ઈશ્વર જ રહેતા હતા. બહારના આંગણામાં, ખૂબ જ ઉત્સાહથી બલિદાનો ચઢાવવામાં આવતાં. પવિત્રસ્થાનમાં, સંખ્યાબંધ યાજકો એકબીજાની આસપાસ ધૂપ અને દીવા પ્રગટાવતા હતા, પરંતુ પરમપવિત્રસ્થાનમાં, એકલા ઈશ્વર હતા. તેથી જ્યારે કોઈ વ્યક્તિ પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરે, ત્યારે તે એકલા ઈશ્વર સાથે હતો. તેને બીજા કોઈનું ભાન ન હતું. તે અને ઈશ્વર સિવાય ત્યાં બીજું કોઈ નહોતું. તે આત્મામાં ભજન છે, જ્યાં તમે અને ઈશ્વર એકલા છો, અને તે કંઈક છે જે તમે તમારા રૂમમાં કરી શકો છો, અને તે એવી બાબત નથી જે તમે ફક્ત શબ્દોથી કરો છો.
ખરો ભજનારા ઈશ્વર પ્રત્યેના તેના વલણમાં શું કહે છે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગીતશાસ્ત્ર 73:25 માં જોવા મળે છે. જો તમે તમારા હૃદયના ઊંડાણથી ઈશ્વરને પ્રામાણિકપણે આ કહી શકો, તો તમે ભજનારા છો. જો નહીં, તો તમે આત્માથી ભજન નથી કરી રહ્યા. તે કહે છે, "હે ઈશ્વર, તમારા વિના આકાશમાં મારો બીજો કોણ છે?" બીજા શબ્દોમાં કહીએ તો, "જ્યારે હું સ્વર્ગમાં પહોંચું છું, ત્યારે હું સોનેરી શેરીઓ કે હવેલી કે મુગટની શોધમાં નથી. હું એકલા ઈશ્વર સાથે ખુશ અને સંતુષ્ટ થઈશ. મને ઈશ્વર સિવાય કોઈની કે અન્ય કોઈ વસ્તુની જરૂર નથી." તે કહે છે, "મારી પાસે અદ્ભુત ભાઈઓ અને બહેનો અને કુટુંબના સભ્યો છે જેઓ સ્વર્ગમાં હોઈ શકે છે, પરંતુ તમે મારા માટે બધું જ છો." અને તમારા સિવાય, હું પૃથ્વી પર કંઈપણ ઈચ્છતો નથી." તે કહે છે, "માત્ર સ્વર્ગમાં જ નહિ, પરંતુ હું સ્વર્ગમાં પહોંચું તે પહેલાં, અહીં આ પૃથ્વી પર, હું તમારા સિવાય કંઈપણ ઈચ્છતો નથી. તમે મને જે આપ્યું છે તેના કરતાં હું ભૌતિક ચીજવસ્તુઓની વધુ ઈચ્છા રાખતો નથી. હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું." સંતોષ સાથે ભક્તિભાવ એ મહાન લાભ છે. એક ભજનારાને આ પૃથ્વી પરની કોઈપણ બાબત વિશે ક્યારેય ફરિયાદ હોતી નથી - તે ઈશ્વરે તેના માટે ગોઠવેલા તમામ સંજોગોથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. ઈશ્વર તેને જે કુટુંબમાં લાવ્યા તેનાથી તે સંતુષ્ટ છે, તેની નોકરીથી સંતુષ્ટ છે, તેની પાસે જે કંઈ છે તેનાથી તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. તેને ઈશ્વર સિવાય કંઈ જોઈતું નથી.
તો આ ખરું ભજન છે, જ્યાં મારા હૃદયની મનોવૃત્તિ છે કે હું અહીં આ પૃથ્વી પર ઈશ્વર સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. જો તમારી પાસે હૃદયનું એવું વલણ ન હોય, તો પછી ભલે તમે રવિવારની સવારે ઈશ્વરની સ્તુતિ કરો અને આભાર માનો ત્યારે તમે ગમે તેટલા લાગણીશીલ હોવ, તમે ભજનારા નથી. તમે તેને ભજન અને આભારસ્તુતિ કહી શકો છો, પરંતુ તમે તમારી જાતને ભ્રમિત કરી રહ્યાં છો, અને શેતાન તમારા માટે તે કરવા માટે ખૂબ જ ખુશ છે કારણ કે તમે કલ્પના કરો છો કે તમે ઈશ્વરનું ભજન કરી રહ્યાં છો પણ ખરેખર તમે તે કરતા નથી. પરંતુ ઈસુએ યોહાન 4:23 માં કહ્યું હતું કે પિતા તેઓને શોધે છે જેઓ આત્મામાં તેમનું ભજન કરે છે. અને એક પિતાની આ કેટલી અદ્દભુત ઝંખના છે.
શું તમારી પાસે તમારા પિતાના હૃદયને સંતોષવાની, આત્માથી ભજન કરનાર બનવાની ઝંખના છે? પછી ગીતશાસ્ત્ર 73:25 પર જાઓ અને જ્યાં સુધી તે શબ્દો તમારા હૃદયની અભિવ્યક્તિ ન હોય ત્યાં સુધી આરામ ન કરો, કે તમે પૃથ્વી પર ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કંઈ ઈચ્છતા નથી, સેવાકાર્ય પણ નહીં. તમારા પ્રચારમાં અથવા તમારા શિક્ષણમાં અથવા તમારા ચર્ચ બિલ્ડિંગમાં અથવા કોઈપણ સેવામાં અથવા તમારા પૈસા અથવા તમારી મિલકત અથવા કોઈપણ વસ્તુમાં તમારો સંતોષ ન મેળવો. "પ્રભુ, મારી પાસે તમે છો અને હું ફક્ત તમને જ ઈચ્છું છું."