written_by :   Zac Poonen categories :   The Home The Church Disciples
WFTW Body: 

ખરી ખ્રિસ્તી સંગત પ્રકાશ પર આધારિત હોવી જોઈએ. જો આપણે પ્રકાશમાં ચાલવા તૈયાર હોઈએ તો જ આપણે એકબીજા સાથે ખરી અને ઊંડી સંગતમાં ચાલી શકીએ છીએ. તમામ ઢોંગ અને દંભથી દૂર રહીને, એકબીજાની સાથે આપણે જેવા છીએ એવા જ રહેવાની ઈચ્છા શામેલ છે. ઈશ્વર ઇચ્છે છે કે ખ્રિસ્તીઓ એકબીજા સાથે આવી રીતે ચાલે. યાદ રાખો, શરૂઆતની મંડળીમાં ઈશ્વરે જાહેરમાં જેનો ન્યાય કર્યો તે પહેલું પાપ દંભ હતું (પ્રેરિતોનાં કૃત્યો 5:1-14માં નોંધાયેલ અનાન્યા અને સાફિરાની વાત જુઓ).

પાપને કારણે આપણે બધાએ આપણા પરસ્પર સંબંધોમાં મુખવટો પહેર્યો છે. આપણે જેવા છીએ તે રીતે ઓળખાવામાં આપણને ડર અને શરમ લાગે છે. આપણે મુખવટો પહેરેલા લોકોથી ભરેલી દુનિયામાં જીવીએ છીએ; અને જ્યારે લોકો બદલાણ પામે છે, ત્યારે પણ તેઓ તેમના મુખવટા ઉતારતા નથી. તેઓ તેમનો મુખવટો પહેરે છે અને સંગતોમાં જાય છે અને અન્ય લોકને મળે છે - અને તેને સંગત કહે છે. પરંતુ આવી સંગત હાસ્યાસ્પદ છે. તેમ છતાં, શેતાન મોટા ભાગના ખ્રિસ્તીઓને ફક્ત તેનાથી સંતુષ્ટ થવા દે છે.

તે સાચું છે કે આપણામાંના કોઈપણ માટે આપણા મુખવટાને સંપૂર્ણપણે દૂર કરવું અશક્ય છે. એક પાપી જગતમાં જીવવું અને અપૂર્ણ મંડળીની સંગત હોવી, અને આપણે પોતે દેહથી બંધાયેલા હોવાથી, અન્ય લોકો સાથે સંપૂર્ણ રીતે પ્રમાણિક બનવું શક્ય નથી તેમ જ ઇચ્છનીય નથી. સંપૂર્ણ પ્રમાણિકતા શક્ય નથી, કારણ કે આપણે આપણી જાતને સંપૂર્ણ રીતે જોઈ શકતા નથી. તેમ જ તે સલાહભર્યું નથી, કારણ કે તે અન્યને ઠોકરરૂપ બની શકે છે.

પ્રામાણિક બનવામાં આપણને ચોક્કસપણે ડહાપણની જરૂર છે. પરંતુ આપણે ક્યારેય એવા હોવાનો ડોળ ન કરવો જોઈએ જે આપણે નથી. એ તો ઢોંગ છે - અને ઢોંગની ઈસુ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

સ્વ-ન્યાયી, ફરોશીઓ જેવું વલણ રાખવાને લીધે ઘણા ખ્રિસ્તીઓને અન્ય લોકોને મદદ અને પ્રોત્સાહનના માધ્યમો બનવાથી અટકાવે છે. આપણું વલણ એવું હોવું જોઈએ કે આપણા સાથી-વિશ્વાસીઓ અને અન્ય લોકો નિઃસંકોચ આપણી પાસે આવે અને પોતાને આપણી આગળ હળવી કરે છે અને પોતાનો બોજ આપણી આગળ ખાલી કરે, એ જાણીને કે તેમની વાત સહાનુભૂતિ અને સમજણથી સાંભળવામાં આવશે, અને તેઓની અજ્ઞાનતા અથવા નિષ્ફળતા માટે તેઓને ધિક્કારવામાં નહિ આવે.

દુનિયા એકલવાયા, ચિંતાગ્રસ્ત, ભયગ્રસ્ત અને માનસીક રોગી લોકોથી ભરેલી છે. ખ્રિસ્ત પાસે તેમની સમસ્યાઓનો જવાબ છે, પરંતુ તે જવાબ તેમની પાસે ખ્રિસ્તના શરીર, મંડળી દ્વારા આવવો જોઈએ. પરંતુ અફસોસ, મોટાભાગના ખ્રિસ્તીઓ એટલા સ્વ-ન્યાયી અને અવાસ્તવિક છે કે તેઓ જરૂરિયાતમંદ લોકોને દૂર હાંકી કાઢે છે.

કીથ મિલર ‘ધ ટેસ્ટ ઓફ ન્યૂ વાઇન’ માં કહે છે,
"આપણી આધુનિક મંડળી એવા ઘણા લોકોથી ભરેલી છે જેઓ શુદ્ધ દેખાય છે, શુદ્ધ લાગે છે પણ પોતાનાથી, પોતાની નબળાઈઓથી, પોતાની હતાશાથી અને મંડળીમાં તેમની આસપાસ વાસ્તવિકતાના અભાવથી, આંતરિક રીતે બીમાર છે. આપણા બિન-ખ્રિસ્તી મિત્રોને એમ લાગે છે, 'આ સારા શાંતિપ્રિય લોકો મારી સમસ્યાઓને ક્યારેય સમજી શકશે નહીં.’ અને વધુ સમજદાર અન્યધર્મી લોકો, જેઓ આપણને સામાજિક અથવા વ્યવસાયિક રીતે જાણે છે, તેઓને લાગે‌ છે કે આપણે ખ્રિસ્તીઓ કાં તો સંપૂર્ણ રીતે સુરક્ષિત છીએ અને માનવીય પરિસ્થિતિ વિશે અજાણ છીએ, અથવા તો પૂરેપૂરા દંભી છીએ."

આપણે વ્યક્તિગત સ્તરે અન્ય લોકો સાથે પ્રામાણિક સંગત એટલે શું છે તે શીખવાની જરૂર છે - અને આપણે બધા એક વ્યક્તિથી શરૂઆત‌ કરી શકીએ છીએ.