WFTW Body: 

"આપણુ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓ સામે,આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો]ની સામે છે" (એફેસીઓને પત્ર 6:12).

3500 વર્ષ પહેલાં, મૂસા સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો અને ઇઝરાયલીઓ માટે આ પૃથ્વી પર ઈશ્વર તરફથી એક રાજ્યનું વચન લાવ્યો. પરંતુ 2000 વર્ષ પહેલાં, ઈસુ સ્વર્ગમાંથી નીચે આવ્યા અને આપણા માટે સ્વર્ગીય રાજ્યનું વચન લાવ્યા. નવા કરાર અને જૂના કરાર વચ્ચેનો આ મૂળભૂત તફાવત છે. જો આપણે આ સમજીશું નહીં, તો આપણે શેતાન સામે અસરકારક યુદ્ધ લડી શકીશું નહીં.

આપણું રાજ્ય આ જગતનું નથી. અને તેથી આપણે ક્યારેય પણ, ક્યારેય પણ કોઈ બાબતને લઈને માણસો સાથે લડવું કે ઝઘડવું જોઈએ નહીં. અસરકારક આત્મિક યુદ્ધ માટે આ સૌથી પ્રથમ જરૂરિયાત છે. વિશ્વાસીઓને તેમના તેડાથી આડે માર્ગે લઈ જવાના પ્રયાસોમાં શેતાનની મુખ્ય રીતોમાંની એક છે કે તે તેઓને અન્ય લોકો સાથે - તેમના સંબંધીઓ અથવા તેમના પડોશીઓ અથવા તેમના ભાઈઓ અને બહેનો સાથે લડાવે છે અથવા ઝઘડાવે છે. અને હંમેશા ઝઘડો કોઈક દુન્યવી બાબતને લઈને હશે. આ રીતે શેતાન વિશ્વાસીઓને તેમની સ્વર્ગીય સ્થિતિથી આ પૃથ્વી અને તેની બાબતો પર ખેંચી લાવવામાં સફળ થાય છે, અને આ રીતે શેતાન સામેની લડાઈમાં તેમને બિનઅસરકારક બનાવે છે.

જો તમે શેતાન સામે અસરકારક રીતે લડવા માંગતા હોવ અને મંડળીનું નિર્માણ કરવા માંગતા હોવ, તો નક્કી કરો કે તમે ક્યારેય કોઈ માનવી સાથે અથવા કોઈપણ દુન્યવી બાબતોને લગતા વિવાદમાં સામેલ થશો નહીં. આપણે આપણા મનમાં, બીજાઓ સાથે કાલ્પનિક લડાઈ પણ ન કરવી જોઈએ. આપણને કોઈની સામે એક પણ ફરિયાદ ન હોવી જોઈએ.

અને આપણે કોઈની પાસેથી આંતરિક અપેક્ષા પણ ન રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, આપણે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે લોકો આપણી સાથે આદરપૂર્વક, અથવા વિચારપૂર્વક વર્તે, અથવા આપણને પ્રેમ પ્રદર્શિત કરે, અથવા તેઓ આપણને ક્યારેય છેતરે નહીં અથવા કપટ ન કરે વગેરે. આપણે આપણા જીવનસાથી પાસેથી પણ આવી અપેક્ષાઓ રાખવી જોઈએ નહીં. આવા તમામ વિવાદો અને ફરિયાદો અને માંગણીઓ સંકેતો આપે છે કે એ વ્યક્તિનું રાજય આ જગતનું છે અને તેણે તેના હૃદયમાં શેતાનને સ્થાન આપ્યું છે. અને આવા લોકો વ્યથિત જીવન જીવવાને નિર્મિત છે.

ઈશ્વર એકમાત્ર છે જેમની સાથે આપણને કામ છે (હિબ્રૂઓને પત્ર 4:13). આપણા સઘળાં સંજોગો (જે રીતે અન્ય લોકો આપણી સાથે વર્તે છે તે સહિત) આપણા પ્રેમાળ પિતા દ્વારા આપણા ભલા માટે - તેમના પુત્રની સમાનતામાં આપણને અનુરૂપ બનાવવા માટે રચાયેલ છે. તેથી, આપણી પાસે કોઈની સામે કોઈ ફરિયાદ માટે કોઈ સ્થાન નથી, પરંતુ સર્વ સમયે ઈશ્વરની સ્તુતિ કરવા માટે પુષ્કળ સમય છે.