written_by :   Zac Poonen categories :   The Church Disciples
WFTW Body: 

જ્યારે અમે પ્રથમ વખત એક મંડળી તરીકે ભેગા થવાનું શરૂ કર્યું, ત્યારે અમને વિજય મેળવવો એટલે શું તેની ખબર ન હતી - અમારા અંગત જીવનમાં પણ નહિ કે અમારા ગૃહસ્થ જીવનમાં પણ નહિ. જ્યારે અમે અન્ય વિશ્વાસીઓ તરફ જોયું, ત્યારે અમને જાણવા મળ્યું કે તેઓ પણ એવી જ હાલતમાં હતા. તેથી અમે મદદ માટે તેમાંથી કોઈની પાસે જઈ શક્યા નહીં. તેથી અમે ઉપવાસ કર્યો અને મંડળી તરીકે વારંવાર પ્રાર્થના કરી અને જવાબ માટે ઈશ્વર તરફ જોયું. અમે મોટાભાગની જાહેર રજાઓ ઉપવાસ અને પ્રાર્થનામાં વિતાવી. ધીમે ધીમે ઈશ્વરે તેમના વચનમાંથી નવા કરાર વિશે અમને સત્યો પ્રગટ કરવાનું શરૂ કર્યું જે અમે પહેલાં ક્યારેય સમજ્યા નહોતા. જેમ જેમ અમે આ સત્યોને સમજવા લાગ્યા, તેમ તેમ અમે વધુને વધુ મુક્ત થતા ગયા - અને અમારું જીવનો અને અમારા કુટુંબો ધીમે ધીમે રૂપાંતરિત થયા.

પછી મને લાગ્યું કે આ સત્યો બીજાઓને સમજાવવાની મારી જવાબદારી છે. તે મારા માટે સ્પષ્ટ થઈ ગયું કે ઈશ્વરે મને બાઇબલના તે સત્યો પર ભાર મૂકવા માટે તેડ્યો છે જેના વિષે અન્ય ખ્રિસ્તીઓ ઉપદેશ આપતા નથી. તેથી મારી આસપાસના લોકો શું શીખવે છે તે હું ધ્યાનથી સાંભળતો હતો. આ રીતે મેં શોધી કાઢ્યું કે મારા શિક્ષણ સેવાકાર્યમાં મને કઈ બાબતો પર પર ભાર મૂકવા માટે તેડવામાં આવ્યો હતો.

સંપૂર્ણ સુવાર્તા

મેં કેટલાક પ્રચારકોને "સંપૂર્ણ સુવાર્તા" શબ્દનો ઉપયોગ કરતા સાંભળ્યા. પરંતુ જ્યારે મેં તેઓએ જે શીખવ્યું તેની સરખામણી શાસ્ત્ર સાથે કરી, ત્યારે મને જાણવા મળ્યું કે તેઓ સંપૂર્ણ સુવાર્તાનો ઉપદેશ આપતા જ નહોતા. હિબ્રૂઓને પત્ર 4 માં પવિત્ર આત્મા "સુવાર્તા" ને (કલમ 2), "કનાનમાં પ્રવેશ" તરીકે વર્ણવે છે અને માત્ર "મિસરમાંથી બહાર આવવું" તે નહીં. મેં ત્યાં એ પણ વાંચ્યું કે ઈશ્વરના લોકોએ વિજયના "સાબ્બાથના વિશ્રામ" માં પ્રવેશવું જોઈએ (કલમ 9). તેથી મેં જોયું કે પાપોની ક્ષમાનો સંદેશ માત્ર અડધી સુવાર્તા હતી. સંપૂર્ણ સુવાર્તામાં પાપ પર કાબુ મેળવવાનો પણ સમાવેશ થાય છે (આપણા દેહમાં કદાવરોને મારી નાખવા). જેમ એવું જીવન ધીમે ધીમે મારા માટે એક વાસ્તવિકતા બની ગયું, મેં સંપૂર્ણ સુવાર્તાનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું.

પસ્તાવો

મોટાભાગના પ્રચારકો પાપોની માફી માટેની એકમાત્ર જરૂરિયાત તરીકે, ખ્રિસ્તમાં વિશ્વાસનો ઉપદેશ આપતા હતા. પાપનો પસ્તાવો કરવો એવો પ્રચાર ખૂબ ઓછો કરવામાં આવી રહ્યો હતો. અને જ્યાં પસ્તાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યાં પણ, પાપના જે મૂળ કારણ, સ્વાર્થ, સ્વ-કેન્દ્રિતતા અને પોતાની ઇચ્છા પ્રમાણે કરવું, તે બાબતોને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવી ન હતી. તેથી લોકોને ખબર ન હતી કે તેઓએ ચોક્કસ રીતે કઈ બાબતોને ધિક્કારવી જોઈએ અને તેઓએ શેનાથી દૂર રહેવું જોઈએ. મેં જોયું કે મારું તેડું પાપના મૂળને સ્પષ્ટ રીતે સમજાવવા માટે હતું જેથી દરેકને ખબર પડે કે તેઓએ કઈ બાબત માટે પસ્તાવો કરવો જોઈએ.

શિષ્યપણું

ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા મોટાભાગના લોકોને એ શીખવવામાં નહોતું આવતું કે તેઓએ ખ્રિસ્તના શિષ્યો પણ બનવું જોઈએ. શિષ્યપણાની ત્રણ શરતો (જે ઈસુએ નિર્ધારિત કરી છે) સમજાવવામાં આવતી ન હતી: ઈસુને સર્વોચ્ચ પ્રેમ કરવો (પરિવારના તમામ સભ્યોથી વધારે); દરરોજ વધસ્તંભ ઉંચકવો (સ્વ નકાર કરવો) અને આપણી પાસે જે છે તે બધું છોડી દેવું (ભૌતિક સંપત્તિ સાથે જોડાયેલા ન રહેવું ) (લૂક 14:26-33). તેથી મારા પ્રચારમાં આ એક મુખ્ય બાબત બની ગઈ.

પવિત્ર આત્માનું બાપ્તિસ્મા

પવિત્ર આત્માના બાપ્તિસ્માનો પ્રચાર કરનાર લગભગ દરેક જૂથે શીખવ્યું કે તેનો પ્રારંભિક પુરાવો "અન્ય ભાષામાં બોલવું" તે હતું. પણ મેં જોયું કે આ શીખવનારાઓમાંના મોટાભાગના લોકો દુન્યવી મનના અને પૈસાના પ્રેમી હતા. બીજી તરફ, મેં કેટલાક વિશ્વાસીઓને જોયા જેમને ખાતરી હતી કે અન્ય ભાષામાં બોલવું તે શેતાન તરફથી છે!! પરંતુ ઈસુએ શીખવ્યું હતું કે આત્માના બાપ્તિસ્માનો પુરાવો સામર્થ્ય છે - તેમના સાક્ષી બનવાનું સામર્થ્ય (આપણે કઈ રીતે જીવીએ છીએ તે વિશે) અને માત્ર સાક્ષી આપવી તે નહીં (આપણે જે બોલીએ છીએ તે દ્વારા નહિ) (પ્રેરિતોનાં કૃત્યો 1:8). અને તેથી, મેં તે જાહેર કર્યું કે અન્ય ભાષામાં બોલવું એ આત્માના કૃપાદાનોમાંનું એક હતું જે તેમણે કેટલાકને આપ્યા હતા. આ મુદ્દા પરના મારા વલણને કારણે, 'પેન્ટીકોસ્ટલ' લોકોએ મને 'ભાઈ' તરીકે ગણાવ્યો. અને 'ભાઈઓએ' મને 'પેન્ટીકોસ્ટલ' તરીકે ઓળખાવ્યો!! આ બંને ચરમસીમાઓથી સમાન અંતરે દૂર રહીને હું ખૂબ ખુશ હતો.

(આવતા અંકે ચાલુ )