યોહાન બાપ્તિસ્ત ઈઝરાયલ રાષ્ટ્ર માટે છેલ્લો પ્રબોધક હતો. માથ્થી 3:2 માં વર્ણવેલ તેનો મુખ્ય સંદેશ હતો, "પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે." આ લોકો પાસે, તે આ સંદેશ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ કારણોસર આવ્યો હતો.
પસ્તાવો કરવાનો અર્થ છે પાછા ફરવું. આ માટે હું જે શ્રેષ્ઠ ઉપમા વિચારી શકું છું તે લશ્કરી આદેશ, "પીછે મુડ" માંથી હોઈ શકે છે. જ્યારે કોઈ સૈનિક આગળ તરફ મુખ રાખીને ઊભો હોય અને પરેડ ગ્રાઉન્ડ પર સાર્જન્ટ મેજર કહે છે, "પીછે મુડ", ત્યારે સૈનિક તરત જ તેની પીઠ પાછળ ફેરવે છે જ્યાં પહેલા તેનું મુખ હતું અને જ્યાં પહેલા તેની પીઠ હતી તે દિશામાં મુખ કરીને આગળ જુએ છે. તે આપણને પસ્તાવો કરવો - પાછા ફરવું શબ્દનું સ્પષ્ટ ચિત્ર આપે છે. આપણે આપણા મનમાં પાછા ફરવું પડશે. અંગ્રેજી ભાષામાં અને મોટાભાગની ભાષાઓમાં, પસ્તાવો શબ્દનો અનુવાદ ખૂબ સ્પષ્ટ રીતે થતો નથી, પરંતુ તમિલ ભાષામાં તે ખૂબ જ સ્પષ્ટ છે. તમિલ ભાષામાં, પસ્તાવોનો અનુવાદ "manam thirumbudhal' તરીકે થાય છે, જેનો અર્થ મનનું ફરવું થાય છે. મનનું ફરવું એ બરાબર એ જ છે જે યોહાન બાપ્તિસ્ત ઈઝરાયલ રાષ્ટ્રને ઉપદેશ આપી રહ્યો હતો.
ઈઝરાયલ રાષ્ટ્રને ઘણી બધી દુન્યવી બાબતોનું વચન આપવામાં આવ્યું હતું. જૂના કરાર દરમિયાન, એવું કોઈ વચન નથી આપવામાં આવ્યું કે તેઓ ઈશ્વરના દૈવી સ્વભાવનો ભાગ થઈ શકે, અથવા સ્વર્ગમાં ખજાનો મેળવી શકે, અથવા પૃથ્વી પર સ્વર્ગીય જીવન વિશે, વગેરે. તે બધું પૃથ્વી પરનું હતું.
પુનર્નિયમ 28 માં, આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ કે તેમને ભૌતિક સંપત્તિ, ભૌતિક સમૃદ્ધિ, શારીરિક સ્વાસ્થ્ય, સંખ્યાબંધ બાળકો અને તેમના વ્યવસાયો, પાક અને પશુઓ પર આશીર્વાદોનું વચન આપવામાં આવ્યું હતું. તેમને વચન આપવામાં આવ્યું હતું કે તેઓ ખૂબ સમૃદ્ધ રહેશે, તેઓ ક્યારેય દેવાદાર રહેશે નહીં, તેમના પૃથ્વી પરના બધા શત્રુઓનો નાશ થશે, તેઓ એક મહાન રાષ્ટ્ર બનશે, અને તેમની પાસે એક દેશ હશે, કનાન દેશ, જેને ઈઝરાયલ કહેવામાં આવ્યું.
આ સમય સુધી ઈઝરાયલને વચન આપેલા બધા આશીર્વાદો પૃથ્વીના હતા, અને તેમનું મુખ હંમેશા પૃથ્વીની બાબતો તરફ જ કેન્દ્રિત હતું. પણ યોહાન બાપ્તિસ્ત આવ્યો અને કહ્યું, "હવે પાછા ફરો, આનાથી પાછા ફરી જાઓ. પૃથ્વીની બાબતોની સામે જોવાનું બંધ કરો અને પાછા ફરો કારણ કે હવે એક નવું રાજ્ય આવી રહ્યું છે. તે આકાશનું રાજ્ય છે, જ્યાં પૃથ્વીની જરૂરિયાતો ગૌણ બની જાય છે, શારીરિક સ્વાસ્થ્ય પણ ગૌણ બની જાય છે. ભૌતિક સમૃદ્ધિ બિનમહત્વપૂર્ણ બની જાય છે કારણ કે ઈશ્વર આપણી ભૌતિક જરૂરિયાતો પૂરી પાડે છે. પાછા ફરો, કારણ કે હવે ઈશ્વર તમને આત્મિક સંપત્તિ, એટલે કે સ્વર્ગીય સંપત્તિ આપવા જઈ રહ્યા છે. ઈશ્વર તમને આત્મિક બાળકો આપવા જઈ રહ્યા છે, જરૂરી નથી કે ભૌતિક બાળકો હોય. તમારી પાસે પૃથ્વી પરનો દેશ નહીં, પરંતુ મુખ્યત્વે એક આત્મિક, સ્વર્ગીય દેશ હશે." તે તેમને પાછા ફરવાનું કહી રહ્યો હતો કારણ કે આકાશનું રાજ્ય હજુ આવ્યું ન હતું, પણ તે પાસે હતું. તે પચાસમાના દિવસે આવવાનું હતું.
યોહાન બાપ્તિસ્ત પણ ઈસુ ખ્રિસ્તનો અગ્રેસર હતો, જે નવો કરાર ઈશ્વર માણસો સાથે કરી રહ્યા હતા તેનો માર્ગ તે ખોલવાનો હતો, જેના લીધે બધા દેશના લોકો ઈશ્વર સાથે પિતા તરીકેના સંબંધમાં આવશે. આપણે માથ્થી 4:12-13 માં વાંચીએ છીએ કે યોહાનને હેરોદ દ્વારા બંદીવાન કરવામાં હતો. એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા ગયા. અને નાઝરેથ, જ્યાં તે ત્રીસ વર્ષ સુધી ઉછર્યા અને રહ્યા હતા, તે મૂકીને સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા. પછી, તે ક્ષણથી, ઈસુએ યોહાન બાપ્તિસ્ત જેવા જ સંદેશનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું. "પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે" (માથ્થી 4:17). યોહાન,જાણે કે, રિલે રેસનો પહેલો તબક્કો દોડ્યો હતો અને ઈસુને દંડો (બેટન) સોંપ્યો હતો અને તેમણે તે જ સંદેશ ઉપાડ્યો - "પસ્તાવો કરો." જ્યારે ઈસુ સ્વર્ગમાં ગયા, ત્યારે આપણે વાંચીએ છીએ કે પ્રેરિત પિતરે ઈસુના હાથમાંથી દંડો (બેટન) ઉપાડ્યો અને તે જ સંદેશનો ઉપદેશ આપ્યો - "પસ્તાવો કરો" (પ્રેરિતોનાં કૃત્યો 2:38). તેણે પચાસમાના દિવસે લોકોને ઉપદેશ આપ્યો, "પસ્તાવો કરો અને તમને પવિત્ર આત્માની ભેટ મળશે, જે આપણામાં ઈશ્વરનું રાજ્ય છે." ત્યારે, તે આખરે આવી ગયું હતું.
જ્યારે યોહાન બાપ્તિસ્ત અને ઈસુએ ઈશ્વરના રાજ્ય વિશે વાત કરી, ત્યારે તેઓએ કહ્યું કે તે આવવાનું છે, અથવા તે પાસે છે. ઈસુએ એક વાર કહ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે છે, એ હકીકતનો ઉલ્લેખ કરીને કે, ખ્રિસ્ત પોતે, ઈશ્વરનું રાજ્ય પહેલેથી જ હાજર હતું. પરંતુ તે તેમની આસપાસના લોકોમાં હાજર નહોતું. તે ફક્ત પચાસમાના દિવસે જ આવશે, જ્યારે 120 શિષ્યો પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામવાની રાહ જોતા હતા. પછી ઈશ્વરના આત્માએ તેમને ભરપૂર કર્યા અને ઈશ્વરનું રાજ્ય તેમની અંદર વાસ કરવા માટે આવ્યું. આ તે રાજ્ય છે જેના વિષે તેમણે જાહેર કર્યું હતું - આકાશનું રાજ્ય (અથવા ઈશ્વરનું રાજ્ય) - જ્યાં પવિત્ર આત્મા આપણી અંદર વાસ કરે છે. તે શારીરિક સાજાપણા અને ભૌતિક સમૃદ્ધિનું બાહ્ય રાજ્ય નથી, જેમ કે, દુઃખદ રીતે, આજે ઘણા ખ્રિસ્તી ઉપદેશકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તે છેતરપિંડી છે, અને તે ઈશ્વરનું રાજ્ય નથી.
તો તે ખરેખર શું છે? રોમનોને પત્ર 14:17 માં તે કહે છે, ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી. તે સમૃદ્ધિ અથવા સાજાપણા જેવું પૃથ્વી પરનું કંઈ નથી - તે પૃથ્વી પરના આશીર્વાદો બિલકુલ નથી.
રોમનોને પત્ર 14:17 મુજબ, ઈશ્વરનું રાજ્ય ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્મામાં મળતો આનંદ છે:
• ન્યાયીપણું: ખુદ ઈશ્વરનું ન્યાયીપણું, જ્યારે આપણે ખ્રિસ્તને આપણા તારણહાર અને પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણા પર મુકવામાં આવે છે, અને પછી પવિત્ર આત્મા દ્વારા આપણને અંદરથી આપવામાં આવે છે, જ્યાં ઈશ્વરનું ન્યાયીપણું આપણા જીવનમાં પ્રગટ થાય છે.
• આનંદ: એક આંતરિક આનંદ જે પવિત્ર આત્મામાં, આપણને નિરાશા અને હતાશાથી સંપૂર્ણપણે મુક્ત કરે છે.
• શાંતિ: એક આંતરિક શાંતિ, મુખ્યત્વે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવે છે, ચિંતા, ભય, તણાવ, નિરાશા, ઉદાસીનતા, ખરાબ મૂડ વગેરેથી મુક્તિ અને બધા માણસો સાથે બાહ્ય શાંતિ, જ્યાં આપણે લોકો અથવા બીજી કશી બાબત સાથે લડવાનો ઈનકાર કરીએ છીએ.
તો આ ઈશ્વરનું રાજ્ય છે. તે આંતરિક બાબત છે. ઈશ્વરનું રાજ્ય આપણી અંદર છે. પવિત્ર આત્મા દ્વારા ખ્રિસ્તનું જીવન અંદર આવે છે. તે આકાશનું જીવન છે, અહીં આ પૃથ્વી પર તે આપણા હૃદયની અંદર છે.
આગળ જોતાં, ચાલો આપણે યોહાન બાપ્તિસ્તના શબ્દો પર ધ્યાન આપીએ: "પૃથ્વીની બાબતો તરફ મુખ રાખવાનું બંધ કરો અને પાછા ફરો કારણ કે હવે એક નવું રાજ્ય આવી રહ્યું છે, જ્યાં પૃથ્વીની જરૂરિયાતો ગૌણ બની જાય છે, શારીરિક સ્વાસ્થ્ય પણ ગૌણ બની જાય છે. ભૌતિક સમૃદ્ધિ બિનમહત્વપૂર્ણ બની જાય છે કારણ કે ઈશ્વર આપણને ભૌતિક જરૂરિયાતો પૂરી પાડે છે. પાછા ફરો - આ જગત તરફ મુખ રાખવા અંગે પસ્તાવો કરો - કારણ કે હવે ઈશ્વર તમને આત્મિક સંપત્તિ આપવાના છે."
ચાલો આપણે આકાશના રાજ્યમાં પ્રવેશ કરીએ.