WFTW Body: 

તે સાચું છે કે ઈસુ વિશ્વાસુ લોકોને બદલો આપશે (પ્રકટીકરણ 22:12) અને તે પણ સાચું છે કે આપણા જીવનની અંતિમ ઈચ્છા પ્રભુને પ્રસન્ન કરવાની હોવી જોઈએ (કરિંથીઓને બીજો પત્ર 5:9) જેથી એક દિવસ તેમના તરફથી, આપણે આ શબ્દો સાંભળી શકીએ કે, "શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર", તેમ છતાં ઈસુએ આપણને સ્વર્ગીય બદલો મેળવવાની સ્વ-કેન્દ્રિત ઇચ્છા સામે ચેતવણી આપી છે, જે આપણને આપણા બલિદાનોમાં અને તેમના માટેની આપણી સેવામાં પ્રેરણા આપે છે.

જ્યારે પિતરે પોતાની પ્રશંસાત્મક સરખામણી ધનવાન યુવાન શાસક (જે હમણાં જ ઈસુ પાસેથી ચાલ્યો ગયો હતો) સાથે કરી અને પ્રશ્ન પૂછ્યો, "જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?" (માથ્થી 19:27), ઈસુએ મજૂરોના દ્રષ્ટાંત સાથે જવાબ આપ્યો (માથ્થી 20:1-16). ત્યાં આપણે જોઈએ છીએ કે જેઓ વેતન (બદલો મેળવવા) માટે કામ કરતા હતા તેઓ છેલ્લા થયા, જ્યારે વેતનનો કોઈ વિચાર કર્યા વિના જેઓ કામ કરતા હતા તેઓ પહેલા થયા હતા (ભલે તેઓએ તેમની અગાઉ આવેલાઓ કરતા થોડી ટકાવારીમાં કામ કર્યું હતું).

જથ્થા વિરુદ્ધ ગુણવત્તા - ત્યાં આપણે મૃત કાર્યો અને જીવંત કાર્યો વચ્ચેનો તફાવત જોઈએ છીએ. અન્ય વિશ્વાસીઓ કરતા બઢતી મળવાની અને ખ્રિસ્તની કન્યામાં સ્થાન મેળવવાની આપણી આશા સાથે કરેલા કાર્યો, અંતિમ દિવસે મૃત કાર્યો તરીકે ખુલ્લા પાડવામાં આવશે.

ભવિષ્યમાં કોઈક દિવસે તમારી પ્રશંસા કરવામાં આવશે એવા વિચાર સાથે જો તમે તમારા વિચાર-જીવનને શુદ્ધ કરો, બીજાઓનું ભલું કરો, અને તમારી પત્નીને પ્રેમ કરો અથવા તમારા પતિને આધીન થાઓ, તો પછી 'સ્વ' હજી પણ તમારા જીવનના કેન્દ્રમાં છે, અને તમારા બધા સ્વ-કેન્દ્રિત 'સારા' કાર્યો મૃત કાર્યો છે!

જેઓ મહિમામાં મુગટો મેળવે છે તેઓ એવું કહેતા તેને પ્રભુના ચરણોમાં નાખી દેવા ઉતાવળા હોય છે કે, "તમે એકલા જ યોગ્ય છો" (પ્રકટીકરણ 4:10). જ્યારે આપણે ઈશ્વરને મહિમા આપવાની ઇચ્છા સિવાયના અન્ય હેતુઓથી પોતાને શુદ્ધ કરીએ છીએ ત્યારે જ આપણે મૃત કાર્યોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. જો આપણે કરેલાં બધાં સારા કાર્યોની આપણી યાદદાસ્તમાં નોંધ રાખીએ તો એ સારા કાર્યો મૃત કાર્યો બની જાય છે.

ઈસુએ આપણને અંતિમ ન્યાયચુકાદાના દિવસના બે ચિત્રો આપ્યા - એક, જ્યાં લોકોએ તેમના પૃથ્વી પરના જીવનમાં કરેલા બધા સારા કાર્યો ઈશ્વર સમક્ષ ગણાવ્યા, "પ્રભુ, અમે તમારા નામે પ્રબોધ કર્યો, અમે તમારા નામથી માંદાઓને સાજા કર્યા, વગેરે" (માથ્થી 7:22,23). આ લોકોને પ્રભુએ નકારી કાઢ્યા હતા. બીજા ચિત્રમાં આપણે ન્યાયીઓને આશ્ચર્ય પામતા જોઈએ છીએ જ્યારે ઈશ્વર તેઓને, તેમના પૃથ્વી પરના જીવનમાં કરેલા સારા કાર્યોની યાદ અપાવે છે. "પ્રભુ, અમે તે ક્યારે કર્યું?", એ તેમનો આશ્ચર્યજનક પોકાર છે (માથ્થી 25:34-40). તેઓએ કરેલા સારા કાર્યો વિશે તેઓ ભૂલી ગયા હતા - કારણ કે તેઓએ બદલો મેળવવા માટે તે કાર્યો કર્યા ન હતા. ત્યાં આપણે મૃત કાર્યો અને જીવંત કાર્યો વચ્ચે સ્પષ્ટ તફાવત જોઈએ છીએ. આપણે કઈ શ્રેણીમાં બંધબેસીએ છીએ?