મંડળી ખ્રિસ્તનું શરીર છે અને તે ફક્ત દર અઠવાડિયે ભેગા થતા વિશ્વાસીઓનો મેળાવડો નથી. આપણે ખાતરી રાખવી જોઈએ કે આપણે શરીરનું નિર્માણ કરી રહ્યા છીએ અને ફક્ત "ધાર્મિક ખ્રિસ્તી જૂથનું” નહીં. કોઈપણ માણસ ધાર્મિક જૂથનું આયોજન કરી શકે છે. જોકે, ખ્રિસ્તના શરીરનું નિર્માણ કરવા માટે ઈશ્વર તરફથી કૃપા અને અભિષેકની જરૂર છે - અને આ માટે આપણે પોતાનો નકાર કરવો પડશે, દરરોજ મરવું પડશે અને પવિત્ર આત્માથી ભરપૂર થવું પડશે.
જૂના કરાર હેઠળ ઈઝરાયલીઓ એક સમુદાય હતા અને શરીર નહીં. આજે ઘણી મોટી મંડળીઓ પણ સમુદાયો છે અને શરીર નથી. કેટલીક નાની ઘર-મંડળીઓ થોડી સારી છે - તે ક્લબ છે પણ શરીર નથી. પરંતુ ઈસુ તેમના શરીરનું નિર્માણ કરી રહ્યા છે.
ખ્રિસ્તનું પ્રથમ શરીર માણસોએ ગભાણમાં (પશુઓ માટે ખોરાક રાખવાની જગ્યા) જોયું હતું. તે તિરસ્કૃત જન્મની અપમાનજનક નિશાની હતી જેના દ્વારા ઘેટાંપાળકોએ ખ્રિસ્તના શરીરને ઓળખ્યુ હતું (લૂક 2:12 જુઓ). ફરીથી અપમાન સાથે ખ્રિસ્તનું શરીર આખરે કાલવરી પર ગુનેગારના વધસ્તંભ પર જડવામાં આવ્યું હતું. જન્મથી મરણ સુધી, ખ્રિસ્તનું પ્રથમ શરીર ધર્મનિરપેક્ષ જગત તેમજ ધાર્મિક જગત તરફથી અપમાનિત થયેલું હતું.
આજે ખ્રિસ્તના શરીરની કોઈપણ સાચી અભિવ્યક્તિને જગત અને બાબિલવાસીઓ જેવા (જૂઠા) ખ્રિસ્તીધર્મીઓ તરફથી સમાન અપમાનનો સામનો કરવો પડશે. જો આપણી સ્થાનિક મંડળીમાં 'ખ્રિસ્તના અપમાનનું’ આ પ્રકારનું આચ્છાદાન નથી, તો શક્ય છે કે આપણે સમાધાનકારી બની ગયા છીએ, અને "બાબિલની (જૂઠા ધર્મની) છાવણીની બહાર" ગયા નથી (હિબ્રૂઓને પત્ર 13:13). જોકે, ખ્રિસ્તનું અપમાન અને આપણું અપમાન, જે આપણા પોતાના પાપ, મૂર્ખતા અથવા હૂંફાળાપણાને પરિણામે થયું હોય તો તે બંને વચ્ચે ઘણો તફાવત છે. આપણે એકને બીજાની સાથે સરખાવવું ન જોઈએ.
ઈસુ વિશે એવું લખવામાં આવ્યું હતું કે "તેમનામાં કોઈ સૌંદર્ય નહોતું … તેમને ધિક્કારવામાં આવ્યા હતા અને તેમની કદર કરવામાં આવી નહોતી" (યશાયા 53:2). તેમનો મહિમા તેમના આંતરિક જીવનમાં હતો - કૃપા અને સત્યતાથી ભરપૂર - જે મોટાભાગના લોકોથી છુપાયેલો હતો (યોહાન 1:14). આપણી સ્થાનિક મંડળી પણ આકર્ષક ન હોવી જોઈએ - દુનિયા માટે પણ નહિ કે બાબિલવાસીઓ જેવા (જૂઠા) ખ્રિસ્તીધર્મીઓ માટે પણ નહિ. મંડળી ફક્ત તે લોકો માટે જ આકર્ષક હોવી જોઈએ જેઓ ઈશ્વરીય જીવનની શોધમાં અંદર આવે છે. મંડપના તંબુમાં અંદર સુંદર પડદા હતા. પરંતુ બાહ્ય આચ્છાદાન ધૂળ અને ગંદકીથી ઢંકાયેલા ઘેરા ભૂરા રંગના ઘેટાંના ચામડાનું હતું. સુંદરતા બધી અંદરના પડદા પર હતી, તંબુની અંદર. ખ્રિસ્તની કન્યા પણ "તેના આંતરિક જીવનમાં ગૌરવવાન" છે (ગીતશાસ્ત્ર 45:13). અને "તેના આંતરિક ગૌરવ પર (અપમાનનું) આચ્છાદાન હશે" (યશાયા 4:5).
અહીં જ મંડળીના આગેવાનોની મોટી જવાબદારી છે. તેઓ મંડળીને આગળ કેવી રીતે દોરી જાય છે તેનાથી નક્કી થશે કે મંડળી ઈસુ જેવી બનશે કે જેને માણસો દ્વારા માન આપવામાં આવ્યું ન હતું, અથવા તે જગત દ્વારા પ્રશંસા પામશે અને સન્માનિત થશે. જો આપણે જગત પાસેથી કે અન્ય દૈહિક અથવા આત્મિક ખ્રિસ્તીઓ પાસેથી પ્રશંસા ઈચ્છીએ, તો આપણે ચોક્કસપણે બાબિલનું નિર્માણ કરીશું. જ્યારે આપણે સામાન્ય રીતે ખ્રિસ્તીઓ દ્વારા લોકપ્રિય અને સ્વીકૃત થઈશું, ત્યારે આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે આપણે ઈસુના પગલા સંપૂર્ણપણે ચૂકી ગયા છીએ.
ઈસુએ કહ્યું, "જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા" (માથ્થી 5:11,12). હેરોદ અને તેના સૈનિકો 20 સદીઓ પહેલા ખ્રિસ્તના તે પ્રથમ શરીર, બાળ ઈસુને મારી નાખવા માટે ઉત્સુક હતા. અને આજે ઘણી જગ્યાએ ઘણા લોકો ખ્રિસ્તના શરીરની શરૂઆતનો નાશ કરવા માટે ઉત્સુક છે. યૂસફે ઈશ્વરના અવાજ પ્રત્યે સંવેદનશીલ બનીને અને ઈશ્વરે જે કહ્યું તેનું પાલન કરવામાં ઝડપી બનીને તે શરીરનું રક્ષણ કર્યું (માથ્થી 2:13-15). ખ્રિસ્તની મંડળીમાં જવાબદારી ધરાવતા આપણે પણ યૂસફ જેવા બનવાની જરૂર છે. આપણે 'શ્રોતા' બનવું પડશે - પવિત્ર આત્મા આપણને જે કહે છે તે સાંભળીને, અને આપણને જે કહેવામાં આવે છે તેનું પાલન કરવામાં ઝડપી બનવું પડશે. જો આપણે સાંભળીએ નહિ અને તેનું પાલન ન કરીએ, તો આપણા વિસ્તારમાં ખ્રિસ્તના શરીરને કોઈ રીતે નુકસાન થશે - અને અંતિમ દિવસે આપણે તેના માટે જવાબદાર હોઈ શકીએ છીએ. આ બાબતમાં આપણે આપણી જવાબદારી ગંભીરતાથી લેવી પડશે, કારણ કે આપણે આપણને જવાબદાર દરેક આત્મા માટે ઈશ્વરને હિસાબ આપવો પડશે (હિબ્રૂઓને પત્ર 13:17).