WFTW Body: 

ઈશ્વરને જાણવા કરતાં બાઇબલને જાણવું ઘણું સહેલું છે - કારણ કે તમારે બાઇબલને જાણવા માટે કિંમત ચૂકવવાની જરૂર નથી. તમારે ફક્ત અભ્યાસ કરવાનો છે.

તમે તમારા અંગત જીવનમાં અનૈતિક અને તમારા વૈચારિક -જીવનમાં અશુદ્ધ હોઈ શકો છો અને તેમ છતાં તમે બાઇબલને સારી રીતે જાણી શકો છો. તમે એક જાણીતા ઉપદેશક હોઈ શકો છો અને તેમ છતાં તે જ સમયે તમે પૈસાના પ્રેમી પણ હોઈ શકો છો. પરંતુ જો તમે ઈશ્વરને જાણો છો તો તમે તમારા જીવનમાં અનૈતિક હોઈ શકતા નથી. તમે પૈસાના પ્રેમી બનીને ઈશ્વરને જાણી શકતા નથી. તે અશક્ય છે. અને તેથી જ મોટાભાગના ઉપદેશકો ઈશ્વરને જાણવાને બદલે બાઇબલને જાણવાનો સરળ માર્ગ અપનાવે છે.

ભાઈઓ, હું તમને પૂછવા માંગુ છું: શું તમે ફક્ત બાઇબલનો અભ્યાસ કરીને ખુશ છો કે પછી તમારા હૃદયમાં પ્રભુને જાણવાની તીવ્ર ભૂખ છે? પાઉલ પ્રેરિતે ફિલિપ્પીઓને પત્ર 3:8-10 માં કહ્યું હતું કે તેની સૌથી મોટી ઝંખના ઈશ્વરને વધુ સારી રીતે જાણવાની હતી. ઈશ્વરને જાણવાની સરખામણીમાં તે બીજા બધાને કચરો જ માનતો હતો. આ મહાન કિંમતી મોતી માટે પાઉલે તેના બીજા બધા મોતી તજી દીધા. પાઉલના સેવાકાર્યનું રહસ્ય તેણે ગમાલ્યેલની સેમિનરીમાં બાઇબલનો અભ્યાસ કરવામાં વિતાવેલા વર્ષોમાં નહીં, પરંતુ ઈશ્વર વિશેના તેના અંગત જ્ઞાનમાં જોવા મળે છે.

“અનંત જીવન એટલે ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત રીતે જાણવા તે છે" (યોહાન 17:3).

આપણે કદાચ અનંત જીવનને સ્વર્ગમાં અનંત જીવન વિતાવવા તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. પરંતુ ઈસુએ તેને તે રીતે વ્યાખ્યાયિત કર્યું નથી. અનંત જીવનને સ્વર્ગમાં જવા અથવા નરકમાંથી બચવા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો સંબંધ પ્રભુને જાણવા સાથે છે. ઈશ્વરને આત્મીય અને અંગત રીતે જાણવું એ મારા જીવનનો ઉત્સાહ અને મારા હૃદયનો બોજ રહ્યો છે. હું જાણું છું કે જો હું વ્યક્તિગત રીતે ઈશ્વરને ઓળખું તો જ મારી સેવામાં દૈવી અધિકાર હોઈ શકે. અને તેથી, અમારી બધી મંડળીઓમાં, મેં લોકોને ઈશ્વરના પોતાના જ્ઞાન તરફ દોરી જવાની કોશિશ કરી છે.

ઇતિહાસમાં પહેલાં કરતાં આજે બાઇબલનું વધુ જ્ઞાન છે. પચાસમાના દિવસ પછી લગભગ 1500 વર્ષો સુધી, ક્યાંય પણ છાપેલા બાઇબલ ઉપલબ્ધ નહોતા. માત્ર છેલ્લી બે સદીઓમાં, બાઇબલ આટલા મુક્તપણે ઉપલબ્ધ થયા છે. આજે, આપણી પાસે ઘણી બધી આવૃત્તિઓ અને સંકલન અને અભ્યાસ-સહાયક સામગ્રી ઉપલબ્ધ છે.

પરંતુ શું તમને લાગે છે કે બાઇબલના આ બધા જ્ઞાને વધુ પવિત્ર ખ્રિસ્તીઓ પેદા કર્યા છે? ના. જો બાઇબલ-જ્ઞાન પવિત્રતા પેદા કરી શકે છે, તો આપણે આજે ઇતિહાસમાં સૌથી વધુ ઈશ્વરપરાયણ લોકો હોવા જોઈએ. પરંતુ આપણે નથી. જો બાઇબલ-જ્ઞાન પવિત્રતા પેદા કરી શકે તો શેતાન પોતે પવિત્ર હોત - કારણ કે બાઇબલને તે જેટલું જાણે છે તેટલું કોઈ જાણતું નથી.

આજે આપણી પાસે હજારો વિદ્યાર્થીઓને બાઇબલ શીખવતી ઘણી બધી સેમિનરીઓ છે. પરંતુ શું આજે વિશ્વના સૌથી વધુ ઈશ્વરપરાયણ લોકો તે સેમિનરીઓમાં જોવા મળે છે? ના. આજે ઘણા સેમિનરી સ્નાતકો વિધર્મીઓ કરતા પણ ભૂંડાં છે.

કેટલાક વર્ષો પહેલા, હું ભારતની ટોચની ઇવેન્જેલિકલ સેમિનરીના એક સેમિનરી સ્નાતકને મળ્યો હતો, જે તેના સ્નાતકના ક્લાસમાં પ્રથમ ક્રમે હતો. તેણે મને કહ્યું કે તે સેમિનરીમાં ત્રણ વર્ષ પછી, તેની આત્મિક સ્થિતિ જ્યારે તે પ્રથમ વખત જોડાયો હતો ત્યારે જે હતી તેના કરતાં વધુ ખરાબ હતી. તો પછી એ સેમિનરીએ તેને શું શીખવ્યું? એ સેમિનરીએ તેને બાઇબલ વિશેની અને ખ્રિસ્તી ધર્મ વિશેની હકીકતો શીખવી હતી. શેતાન પોતે આવી સેમિનરીમાંથી તેના કલાસમાં પ્રથમ ક્રમનો સ્નાતક થઈ શક્યો હોત.

તે યુવાનને ઈશ્વરવિદ્યાનો (હર્મેન્યુટિક્સ) અભ્યાસ કરવાનો, "ઉચ્ચ વિવેચકો" કેવી આલોચના કરે છે તે જાણવાનો અને ગ્રીક શબ્દોના મૂળ-અર્થો શું હતા તે બધું સમજવાનો શો ઉપયોગ, જો તેણે ગુસ્સો, કડવાશ, લંપટ વિચારો અને પૈસાના પ્રેમને કાબુમાં લીધો ન હોય? તેના નવા મળેલા પ્રમાણપત્ર સાથે, તે ટૂંક સમયમાં એક મંડળીનો પાળક બનશે. પરંતુ તે તેની મંડળીના લોકો, જેમની સૌથી મોટી સમસ્યાઓ નૈતિક હશે અને ધર્મશાસ્ત્ર વિશેની નહીં, તેમને શું શીખવશે, તે કોઈપણ ક્ષેત્રોમાં, તેઓને બિલકુલ મદદ કરી શકશે નહીં. આ રીતે ભારતમાં ઈશ્વરના કાર્યનો નાશ થઈ રહ્યો છે.

જો તમે પોતે ઈશ્વરને ઓળખો છો, તો જ તમે તમારી મંડળીના લોકોને ઈશ્વરને ઓળખવા માટે દોરી શકશો. જો તમે તમારા પોતાના જીવનમાં પાપ પર વિજય મેળવ્યો હશે, તો જ તમે તમારી મંડળીના સભ્યોને પણ પાપ પર વિજય મેળવવા તરફ દોરી શકશો. પછી તેઓ પણ બહાર જઈને પ્રભુની સેવા કરવા - અધિકાર અને સામર્થ્ય સાથે સજ્જ થશે.

શું તમને લાગે છે કે શેતાન કોઈના બાઇબલ જ્ઞાન અથવા ડિગ્રી-સર્ટિફિકેટ્સથી પ્રભાવિત થાય છે? જરાય નહિ. શેતાન ફક્ત પવિત્ર, નમ્ર પુરુષો અને સ્ત્રીઓથી ડરે છે જેઓ ઈશ્વરને ઓળખે છે.