WFTW Body: 

કરિંથીઓને બીજો પત્ર 11:23-33 માં, પાઉલ ઈશ્વરની સેવામાં તેણે અનુભવેલી વિવિધ કસોટીઓ વિશે વાત કરે છે - જેમ કે તેને કેદખાનામાં નાખવામાં આવ્યો, તેને કોરડાઓ અને સોટીઓનો માર મારવામાં આવ્યો, ઊંઘ વિનાની રાતો, ભૂખ અને તરસ, પ્રતિકૂળ હવામાન, લૂંટારાઓ તરફથી જોખમો વગેરે. એવા સમયો હતા જ્યારે તેની પાસે પોતાને ઢાંકવા માટે પૂરતા ગરમ કપડાં અથવા ખાવા માટે પૂરતો ખોરાક નહોતો; અને તે સમયે તેની પાસે ગરમ કપડાં અને ખોરાક ખરીદવા માટે પૈસા નહોતા. ઈશ્વરે તેને આ બધામાંથી પસાર કર્યો જેથી તે અન્ય ખ્રિસ્તીઓ જેઓ યાતનાઓ ભોગવતા હતા તેઓને માટે એક નાના પાયાનો-પૂર્વગામી બને. એ દરેક કસોટીઓમાં, પાઉલે પોતાને નમ્ર કર્યો.

તે કહે છે, "એકવાર હું દમસ્કમાં પકડાઈ જવાનો હતો અને વિશ્વાસીઓએ મને પકડાવાથી બચવા માટે ટોપલીમાં બેસાડીને નીચે ઉતારવો પડ્યો" (કરિંથીઓને બીજો પત્ર 11:32, 33). જો તમે પ્રેરિત હોત, અને તમારી સાથે આવું કંઈક અપમાનજનક બન્યું હોય, તો તમે તેના વિશે કોઈ સાંભળે તેવું ન ઈચ્છો. પરંતુ પાઉલ ઇચ્છતો ન હતો કે કરિંથીના ખ્રિસ્તીઓ એવી કલ્પના કરે કે તે એક મહાન માણસ છે જેને બચાવવા માટે ઈશ્વર કેટલાક દૂતો મોકલશે. તે એક સામાન્ય માણસ હતો અને તે ઈચ્છતો હતા કે અન્ય લોકો તેને આ રીતે જ ઓળખે. "હું ઇચ્છતો નથી કે કોઈ મારા વિશે તેણે વિચારવું જોઈએ તેના કરતાં વધુ મોટો ધારે", તેણે કહ્યું (કરિંથીઓને બીજો પત્ર 12:6). આજના મોટાભાગના ઈશ્વરના સેવકો, જેઓ બીજાઓને, તેઓ ખરેખર જે છે તેના કરતાં પોતાના વિશે મોટી છાપ ઉપજાવાનો પ્રયાસ કરે છે, તેમના કરતાં પાઉલ કેટલો અલગ હતો.

કરિંથીઓને બીજો પત્ર 12:1 માં, પાઉલ એવા સમય વિશે વાત કરે છે જ્યારે તેને ઈશ્વર દ્વારા ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો હતો. 14 વર્ષ સુધી તેણે ક્યારેય કોઈની આગળ તેનો ઉલ્લેખ કર્યો ન હતો. તે કેવો અદ્ભુત માણસ હતો! તેણે આ અનુભવ વિશે 14 વર્ષ સુધી મૌન સેવ્યું હતું - અને જ્યારે તેણે તેના વિશે વાત કરી ત્યારે પણ તેણે કોઈ વિગતો આપી ન હતી. મોટા ભાગના વિશ્વાસીઓએ મંડળીની આવનાર સંગતમાં આવા દર્શન વિશે વાત કરી હોત – અને તેના વિશે દરેક વિગતો આપી હોત! તેથી જ હું માનું છું કે પાઉલનો અનુભવ ખરો હતો. આ દિવસો દરમિયાન, આકાશના દર્શનો વિશે કેટલાક વિશ્વાસીઓ બડાઈ કરે છે જે તેમની ફળદ્રુપ કલ્પનાઓની ઉપજ છે - અન્ય લોકો પાસેથી માન મેળવવા માટે આમ કહેવામાં આવે છે! હું એવું કેમ કહું છું ? કારણ કે જેઓ ખરા દર્શનો ધરાવે છે તેઓ સમજશે કે તે દર્શનો (પાઉલે કહ્યું તેમ) "એટલા આશ્ચર્યજનક‌ હોય છે કે તેઓને શબ્દોમાં વર્ણવવા અથવા બોલવા માણસની શક્તિની બહાર છે" અને તેઓને "તે બીજાને કહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં" (અકથનીય) (કરિંથીઓને બીજો પત્ર 12:4).

પછી પાઉલે એક ભારે કસોટી વિશે વાત કરી જેનો તેને સામનો કરવો પડ્યો હતો જેને માટે સતત પ્રાર્થના કર્યા છતાં પણ ઈશ્વરે દૂર કરી ન હતી. પાઉલે તેને "દેહમાં કાંટો" અને "શેતાનનો દૂત " કહ્યો - છતાં તે "ઈશ્વર દ્વારા આપવામાં આવ્યું હતું" (કરિંથીઓને બીજો પત્ર 12:7). ઈશ્વરે પાઉલને આપેલી ભેટ એક કાંટો હતો!! ઈશ્વરે પાઉલને તે આપ્યું કારણ કે તેમણે પાઉલ અભિમાની બને એવા જોખમમાં જોયો. ઈશ્વર બધા અભિમાની લોકોનો પ્રતિકાર કરે છે, પરંતુ તે પાઉલનો પ્રતિકાર કરવા માંગતા ન હતા. તેઓ તેને કૃપા આપવા માંગતા હતા. પરંતુ જો તે નમ્ર રહે તો જ તેઓ પાઉલને કૃપા આપી શકે (પિતરનો પહેલો પત્ર 5:5). તેથી ઈશ્વરે શેતાનના દૂતને પાઉલને હેરાન કરવાની છૂટ આપી અને આમ તેને સતત ઈશ્વર પર આધાર રાખનાર અને નમ્ર રાખ્યો. તેથી, આપણે જોઈએ છીએ કે, અમુક સમયે, સારા અંતને ધ્યાનમાં રાખીને, ઈશ્વર કદાચ શેતાનના દૂતને પણ આપણને સતાવતા રહેવાની પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, માંદગી, શેતાનનો દૂત છે. આપણે એવું કેમ કહીએ છીએ? કારણ કે ઈસુએ કહ્યું, "જો તમે, ભૂંડા છતાં, તમારા બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માંગે છે તેઓને કેટલાં વિશેષ કરીને સારાં વાનાં આપશે?" (માથ્થી 7:11). ઈશ્વર, જેઓ સંપૂર્ણ રીતે સારા છે, તેમની સરખામણીમાં આપણે બધા ભૂંડા પિતાઓ છીએ. અને આપણામાંથી કોઈ પણ ક્યારેય પોતાના બાળકોને માંદગી નહીં આપે. તો પછી એક પ્રેમાળ, સ્વર્ગીય પિતા તેમના કોઈપણ બાળકને માંદગી કેવી રીતે આપી શકે? પૃથ્વી શાપિત છે તેથી જગતમાં મોટાભાગની માંદગીઓ આવે છે (ઉત્પત્તિ 3:17). કેટલીક અન્ય માંદગીઓ શેતાન તરફથી આવે છે (અયૂબ 2:7).

ભલે ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા હોય કે આપણે સ્વસ્થ રહીએ, તેમ છતાં તેઓ કોઈ ચોક્કસ હેતુસર આપણને અમુક સમયે બીમાર થવાની પરવાનગી આપી શકે છે. જ્યારે પાઉલે કાંટામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી, ત્યારે ઈશ્વરે તેને છુટકારો આપ્યો ન હતો તેને બદલે કાંટો હોવા છતાં વિજયવંત બનવા માટે તેને કૃપા આપી હતી. એ જ કૃપાથી આપણે પણ વિજયવંત બની શકીએ છીએ. કરિંથીઓને બીજો પત્ર 13: 4 અને 5 માં, આપણે વાંચીએ છીએ, "ઈસુને નિર્બળતામાં વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા, તેમ છતાં તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. આપણે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે આપણે તેમની સાથે જીવીશું.”

જે પોતે નિર્બળ છે અને જે ઈશ્વરના સામર્થ્યથી જીવે છે, તે ખરો શિષ્ય છે. અને આ રીતે પાઉલ પત્રને સમાપ્ત કરે છે.