written_by :   Zac Poonen categories :   Knowing God Disciples
WFTW Body: 

“જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે” (માથ્થી 5:4). “દિલાસો” શબ્દનો અર્થ “બળવાન કરવા” થાય છે. દિલાસો (comfort) શબ્દના મધ્યમાં “f-o-r-t/કિલ્લો” શબ્દ છે. “કિલ્લો” એ એક વિશાળ લશ્કરી સંરક્ષિત વિસ્તારનું ચિત્ર છે - એક કિલ્લો, બળવાન/મજબૂત કરેલો. “જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કારણ કે તેઓ દિલાસો પામશે.” દુનિયામાં લોકો ઘણા પ્રકારની બાબતો માટે શોક કરે છે. મોટાભાગના લોકો કોઈ વ્યક્તિગત નુકસાનને કારણે શોક કરે છે. કાં તો તેઓએ પૈસા ગુમાવ્યા છે, અથવા તેઓએ કોઈ પ્રિયજન ગુમાવ્યું છે, અથવા તેઓએ તેમની પ્રતિષ્ઠા ગુમાવી છે, અથવા તેઓએ આ પૃથ્વી પરથી કંઈક ગુમાવ્યું છે, જેમ કે તેમનું ગૌરવ, તેમનું પદ, તેમનું કામ, અથવા એવું કંઈક. પરંતુ ઈસુ આવા શોક વિશે વાત કરી રહ્યા નથી. કોઈએ મને દુઃખ પહોંચાડ્યું તે શોક નથી, કે મારા પોતાના દુ:ખ માટે રડવું તે શોક નથી.

ઈસુ ક્યારેય પોતાના દુ:ખ માટે રડ્યા નહીં, પણ તે બીજાઓ માટે રડ્યા. આપણે વાંચીએ છીએ કે તે યરૂશાલેમ પર રડ્યા (લૂક 19:41) અને લાજરસની કબર પર રડ્યા (યોહાન 11:35), પરંતુ લોકોએ તેમની સાથે જે રીતે વર્તન કર્યું તેના માટે તે ક્યારેય રડ્યા નહીં, પછી ભલે તેઓ તેમને શેતાન કહે કે તેમના પર થૂંકે. તે ક્યારેય પોતાના માટે રડ્યા નહીં. એટલું જ નહીં, જ્યારે તે વધસ્તંભ ઉંચકીને વધસ્તંભને માર્ગે જતા ઠોકર ખાઈ રહ્યા હતા, ત્યારે જેમ આપણે લૂક 23:27 માં વાંચીએ છીએ તેમ તે સમયે લોકોના મોટા ટોળા તેમની પાછળ આવી રહ્યા હતા. જ્યારે તેમને કોરડા મારતા અને માર મારતા જોયા, જ્યારે તે આ ભારે વધસ્તંભ ઉંચકી રહ્યા હતા, ત્યારે તેમના માથા પરથી અને પીઠ પરથી લોહી વહેતું હતું, અને તેમના માથા પર કાંટાનો મુગટ હતો ત્યારે તે જોઈને કેટલીક સ્ત્રીઓ શોક કરતી અને મોટેથી રડતી હતી. શું તમે જાણો છો કે ઈસુએ પાછળ ફરીને તેમને શું કહ્યું? "યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડવાનું બંધ કરો! હું ઠીક છું; હા, મારી પીઠ ચિરાઈ ગઈ છે, મારા માથા પર કાંટાનો મુગટ છે, અને હું ભારે વધસ્તંભ ઉંચકી રહ્યો છું. મને થોડીવારમાં મારી નાખવામાં આવશે, પણ હું બિલકુલ ઠીક છું કારણ કે હું ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં છું" (લૂક 23:28)!

જ્યારે તમે સૌથી વધુ પીડાઈ રહ્યા હોવ ત્યારે શું તમે આવું વલણ રાખી શકો છો? "મારા માટે રડો નહીં, હું ઠીક છું, પણ જો તમે રડવા માંગતા હો, તો તમારા માટે અને તમારા બાળકો માટે રડો - તેમની આત્મિક સ્થિતિ જુઓ." ફરોશીઓએ જેઓએ ઝભ્ભા પહેરેલા છે અને તેઓ ખૂબ જ ભવ્ય દેખાય છે. પરંતુ તેમની આત્મિક સ્થિતિ જુઓ. જે દિવસે ખ્રિસ્ત પાછા આવશે અને ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે, "અમારા પર પડો અને અમને ઢાંકી દો" ત્યારે શું થશે? (લૂક 23:30). ઈસુનું વલણ એવું છે. જેમ ગીતમાં કહેવામાં આવ્યું છે તેમ તેમના પોતાના દુઃખ માટે તેમના આંસુ નહોતા, પરંતુ મારા દુઃખ માટે લોહીના પરસેવાના ટીપા હતા.

ઈસુનો ખરો શિષ્ય શોક કરે છે કારણ કે તે ખ્રિસ્ત જેવો નથી; જ્યારે તેણે પાપ કર્યું હોય અને જ્યારે તે લપસી ગયો હોય ત્યારે તે શોક કરે છે. લોકો તેની સાથે જે રીતે વર્તે છે તેના માટે તે શોક કરતો નથી. તે માને છે કે આ પૃથ્વી પર ખ્રિસ્ત માટે અપમાનિત થવાનું તેના માટે નિયુક્ત થયેલું છે, પરંતુ જ્યારે પણ તેણે પાપ દ્વારા અથવા નિષ્ફળતા દ્વારા પ્રભુનું અપમાન કર્યું હોય ત્યારે તે શોક કરે છે. જ્યારે તે આત્મિક રીતે ઉચ્ચ સ્તરે જાય છે, ત્યારે તે બીજાઓના પાપો માટે પણ શોક કરે છે, બીજાઓની નિષ્ફળતા માટે શોક કરે છે, જેમ ઈસુ યરૂશાલેમ પર રડ્યા હતા. આ તે શોક છે જેના વિશે ઈસુએ વાત કરી હતી. "જેઓ શોક કરે છે તેઓ ધન્ય છે, કેમ કે તેઓને બળવાન કરવામાં આવશે.” કદાચ આપણામાંના કેટલાક બળવાન નથી થતા કારણ એ છે કે આપણે આપણા પાપ માટે શોક નથી કરી રહ્યા.

એનાથી પણ આગળ વધીને બીજાના પાપો માટે શોક કરવો એ એક ઉચ્ચ સ્તર છે. પ્રેરિત પાઉલ તે ઉચ્ચ સ્તર પર પહોંચ્યો હતો. જેઓ ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ ગયા હતા તેવા કરિંથીઓને તે કહે છે, "મને ડર છે કે જ્યારે હું ફરી આવું ત્યારે મારો ઈશ્વર મને તમારી આગળ નીચું જોવડાવે" (કરિંથીઓને બીજો પત્ર 12:21). ઈશ્વર શા માટે પાઉલને નીચું જોવડાવશે? તે આટલું ન્યાયી જીવન જીવ્યો હતો, અને પોતે કોઈ પાપ કર્યું ન હતું તેની તેને ખબર હતી. પરંતુ તે કહે છે, "જેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે મારે શોક કરવો પડે." તેની મંડળીમાં જોવા મળતી કેટલીક બાબતોની યાદી પાઉલે આપી છે (કલમ 20): ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયાં, ગર્વ તથા ધાંધલ વગેરે. જ્યારે તેણે તે લોકો, જેઓ પોતાને ઈશ્વરના લોકો કહેતા હતા તેમના સર્વ પાપો વિશે વિચાર્યું, ત્યારે તે રડ્યો, કારણ કે તે તેમનો આત્મિક પિતા હતો. તે બરાબર એના જેવું જ છે કે એક પૃથ્વી પરના પિતા જો તેનો પુત્ર ખૂબ બીમાર હોય તો રડે. જો પિતા આત્મિક રીતે વિચારશીલ હોય, તો જો તેનો પુત્ર ડ્રગ્સ અથવા ખરાબ ટેવોમાં ભટકી ગયો હોય તો તે ખૂબ જ દુઃખી થાય છે.

પાઉલ કરિંથીઓ માટે આત્મિક પિતા હતો, અને દરેક ખરા ખ્રિસ્તી પાળક અથવા પાસ્ટર તેમના ટોળા માટે આત્મિક પિતા હોવા જોઈએ. આત્મિક પિતાની એક નિશાની એ છે કે તે ફક્ત ટોળાની ટીકા કરશે નહીં, પરંતુ જેમ પાઉલ કરિંથીઓ માટે રડ્યો હતો તેમ તે પોતાના ટોળા માટે રડશે. ફક્ત એવો માણસ જ આત્મિક આગેવાન બનવા યોગ્ય છે. યશાયા 49:10 (યશાયા 49 આત્મિક આગેવાની પર એક ઉત્તમ અધ્યાય છે) માં કહેવામાં આવ્યું છે, "જે લોકો પર દયા કરે છે તે તેમને દોરી લઈ જશે."

આત્મિક આગેવાન બનવા માટે કોણ યોગ્ય છે? તે એ છે જે લોકો પર દયા કરે છે. અને તેથી માથ્થી 5:4 માં "શોક" નો અર્થ પોતાના માટે, પોતાના પાપ માટે, ખ્રિસ્તની સાથે સમાનતા ના હોવા માટે અને બીજાઓ માટે શોક કરવાનો છે. જો આપણે તે કરીશું તો આપણે બળવાન બનીશું, અને જો આપણે આ રીતે આગળ વધીશું તો આપણને બીજા લોકોને પણ બળવાન કરવાનું સામર્થ્ય મળશે.