written_by :   Zac Poonen
WFTW Body: 

“દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે” (માથ્થી 5:7). ઈસુએ આપણને પ્રાર્થના કરવાનું શીખવ્યું, “ઓ આકાશમાંના અમારા બાપ, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.” આ પ્રાર્થનાનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે, જો હું કોઈને મારા વિરુદ્ધ કરેલ પાપ માટે માફ ન કરું, તો પ્રભુ મને માફ નહીં કરે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, “પ્રભુ, મને એ જ રીતે માફ કરો જેમ મેં આ બીજી વ્યક્તિને માફ કરી છે.” પરંતુ જો મેં આ બીજી વ્યક્તિને માફ ન કરી હોય, તો હું ખરેખર ઈશ્વરને વિનંતી કરું છું કે મને માફ ન કરે.

શું તમને ખ્યાલ છે કે જ્યારે તમે પ્રભુની પ્રાર્થના કરો છો, ત્યારે તમે ઈશ્વરને વિનંતી કરો છો કે તમને બરાબર એ જ રીતે માફ કરે જેમ તમે બીજાઓને માફ કર્યા છે? જ્યારે તમે બીજાને માફ કરવાનો ઈનકાર કરો છો, ત્યારે તમે પ્રાર્થના કરો છો, “મને એ જ રીતે માફ કરો જે રીતે મેં આ વ્યક્તિને માફ કરી છે; કારણ કે મેં તેને માફ નથી કર્યો, તેથી તમે મને માફ કરતા નહિ.” અથવા, "મેં તેને માફ કરી દીધો છે પણ તેણે મારી સાથે જે કર્યું તેના કારણે મને તેના પર ભયંકર દ્વેષ છે, તેથી પ્રભુ, જ્યારે તમે મને માફ કરો છો, ત્યારે તમે પણ મારા પર દ્વેષ રાખો."

જ્યારે પણ લોકો આપણને કોઈ રીતે નુકસાન પહોંચાડે છે અથવા દુઃખી કરે છે, ત્યારે આપણા મનમાં બે વિરોધાભાસી વિચારો ઉદ્ભવે છે. એક દયાનો વિચાર છે અને બીજો ન્યાયનો વિચાર છે. પવિત્ર આત્મા આપણને માફ કરવા અને દયાળુ બનવાનું કહે છે, પરંતુ આપણું શરીર આપણને તે વ્યક્તિ પર કઠોર બનવા અને તેનો ન્યાય કરવા અને પ્રાર્થના કરવા કહે છે કે ઈશ્વર પણ તેનો ન્યાય કરે. પરંતુ તે યાકૂબનો પત્ર 2:13 માં કહે છે, "કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે." જો હું કોઈના પ્રત્યે નિર્દય છું, તો ઈશ્વર મારા પ્રત્યે નિર્દય રહેશે. અને ન્યાયના દિવસે, આપણને એક મોટું આશ્ચર્ય થશે જ્યારે ઈશ્વર એવા વિશ્વાસીઓ પર ખૂબ જ ભારે ન્યાયચુકાદો લાદશે જેમણે બીજાઓને માફ કર્યા નથી - તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે નહીં.

યાકૂબનો પત્ર 2:13 આગળ કહે છે, "ન્યાય પર દયા વિજય મેળવે છે." એનો અર્થ એ થયો કે જ્યારે મારા હૃદયમાં કોઈનો ન્યાય કરવા અને તેના પ્રત્યે દયાળુ બનવા વચ્ચે સંઘર્ષ થાય છે, ત્યારે દયાને વિજયી થવા દો, ન્યાયને નહીં. એ ઈશ્વરના માણસની નિશાની છે. ન્યાય પર દયા વિજય મેળવે છે.

રોમનોને પત્ર 12:19 કહે છે, “તમે સામું વૈર ન વાળો” કારણ કે એ ઈશ્વરનું કામ છે. ઈશ્વર કહે છે, “બદલો લેવો એ મારું કામ છે. એ તમારું કામ નથી.” પ્રભુ કહે છે કે, “વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.” તેથી જો તમારો વૈરી ભૂખ્યો હોય, તો તેને ખવડાવો. જો તે તરસ્યો હોય, તો તેને કંઈક પીવા માટે આપો. આપણે વૈર ન વાળવું જોઈએ. આપણે દયાળુ બનવું જોઈએ અને જ્યાં સુધી આપણે બીજાઓનું ભલું કરી શકીએ ત્યાં સુધી સારું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ન્યાયના દિવસે આપણે જોઈશું કે જો આપણે બીજાઓને માફ ન કર્યા હોય, તો ઈશ્વર આપણને માફ નહીં કરે. ઈસુ પ્રભુની પ્રાર્થનામાં ફરીથી એ જ સૂચનાનું પુનરાવર્તન કરે છે.

“પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે” (માથ્થી 6:15). “તમારા આકાશમાંના પિતા” (માથ્થી 6:14 પ્રમાણે) સૂચવે છે કે તે પહેલેથી જ તમારા પિતા છે અને તમે ઈશ્વરના સંતાન છો. તેમણે એમ ન કહ્યું કે, "ઈશ્વર તમને માફ નહીં કરે." જો તેમણે "ઈશ્વર" શબ્દનો ઉપયોગ કર્યો હોત, તો આપણે કહી શકીએ કે આ કલમ અવિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. પરંતુ ધ્યાન આપો કે માથ્થી 6:15 માં "તમારા પિતા" લખેલું છે. શું ઈશ્વર અવિશ્વાસીઓના પિતા છે? ના! પરંતુ જો તમે ઈશ્વરના નવો જન્મ પામેલા બાળક છો, તો ઈશ્વર તમારા પિતા છે. અને તે કહે છે કે "તમારા પિતા તમારા અપરાધોને માફ નહિ કરે." શા માટે? કારણ કે તમે બીજા કોઈને માફ નથી કર્યા.

જો તમારા અપરાધો માફ ન થાય, તો તમે ઈશ્વરના રાજ્યમાં કેવી રીતે પ્રવેશ કરી શકો છો? શું તમને લાગે છે કે તમારા મૃત્યુ પછી તે માફ થશે? શું આપણા મૃત્યુ પછી બીજી તક છે? જો તમે કોઈને માફ કર્યા વિના મૃત્યુ પામો છો, તો અનંતકાળમાં તમારું ભાવિ શું હશે? મારા મનમાં કોઈ શંકા નથી કે તમે નરકમાં જશો, કારણ કે પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ જેના પાપો માફ નથી થયા તે સ્વર્ગમાં પ્રવેશી શકતું નથી. આપણા મૃત્યુ પછી પાપો માફ થવાની કોઈ શક્યતા નથી. તે હમણાં જ માફ થવા જોઈએ, અને તેથી જ બીજાઓ પ્રત્યે દયાળુ બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કોઈ દયાળુ કૃત્ય નથી જે તમે બીજા કોઈ સાથે કરી રહ્યા છો. તે વાસ્તવમાં એક દયાળુ કાર્ય છે જે તમે તમારી જાત સાથે કરી રહ્યા છો, કારણ કે તમે ઈચ્છો છો કે ઈશ્વર તમારા પર દયાળુ રહે.