"તેમનામાંથી સર્વસ્વ છે" (રોમનોને પત્ર 11:36) ઈસુએ કહ્યું કે આત્મામાં જેઓ રાંક છે, આકાશનું રાજ્ય તેઓનું છે (માથ્થી 5:3). તેમણે એમ પણ કહ્યું કે જેઓ આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ તે રાજ્યમાં પ્રવેશ કરશે (માથ્થી 7:21). સ્વર્ગનું રાજ્ય સનાતન છે, અને ફક્ત તે જ ત્યાં જોવા મળશે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યું છે. આત્મામાં રાંક એવા લોકો છે જેઓ પોતાની માનવીય અપૂર્ણતા પ્રત્યે સભાન છે અને તેથી જેઓ ઈશ્વરની ઈચ્છાને સંપૂર્ણપણે આધીન છે. આ અર્થમાં, ઈસુ આત્મામાં કાયમ રાંક હતા.
ઈશ્વરે માણસને જીવવા માટે જે હેતુ રાખ્યો હતો તે રીતે ઈસુ જીવ્યા - ઈશ્વર પર કાયમી નિર્ભરતામાં, ઈશ્વરથી અલગ પોતાના મનની શક્તિઓનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેમના શબ્દો પર વિચાર કરો: "પુત્ર પોતાની જાતે કંઈ કરી શકતો નથી...હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ પિતાએ મને જે શીખવ્યું છે તેમ હું એ વાતો કહું છું...હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે...કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે...જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાનાં કામ કરે છે." (યોહાન 5:19,30; 8:28,42; 12:49; 14:10).
ઈસુએ ક્યારેય ફક્ત એટલા માટે કાર્ય કર્યું નહીં કારણ કે તેમણે જરૂરિયાત જોઈ. તેમણે જરૂરિયાત જોઈ, તેની ચિંતા કરી, પરંતુ જ્યારે તેમના પિતાએ તેમને કહ્યું ત્યારે જ કાર્ય કર્યું. તેમણે સ્વર્ગમાં ઓછામાં ઓછા ચાર હજાર વર્ષ રાહ જોઈ, જ્યારે જગતને તારણહારની ખૂબ જરૂર હતી, અને પછી જ્યારે તેમના પિતાએ તેમને મોકલ્યા ત્યારે પૃથ્વી પર આવ્યા (યોહાન 8:42). "જ્યારે યોગ્ય સમય આવ્યો, જે સમય ઈશ્વરે નક્કી કર્યો, ત્યારે તેમણે પોતાના પુત્રને મોકલ્યો" (ગલાતીઓને પત્ર 4:4). ઈશ્વરે દરેક બાબત માટે યોગ્ય સમય નક્કી કર્યો છે (સભાશિક્ષક 3:1). ફક્ત ઈશ્વર જ તે સમય જાણે છે, અને તેથી જો આપણે ઈસુની જેમ દરેક બાબતમાં પિતાની ઈચ્છા શોધીએ તો આપણે ખોટા નહીં પડીએ. અને જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા, ત્યારે તેમણે ફક્ત તેમને જે સારું લાગ્યું તે જ કર્યું નહીં. ભલે તેમનું મન સંપૂર્ણ શુદ્ધ હતું, છતાં તેમણે ક્યારેય મનમાં આવતા કોઈપણ તેજસ્વી વિચાર પર કાર્ય કર્યું નહીં. ના. તેમણે તેમના મનને પવિત્ર આત્માનો સેવક બનાવ્યો.
ભલે તે બાર વર્ષની ઉંમરે શાસ્ત્રોને સંપૂર્ણ રીતે જાણતા હતા, છતાં તેમણે આગામી અઢાર વર્ષ સુથાર તરીકે વિતાવ્યા, તેમની માતા સાથે રહ્યા, ટેબલ અને ખુરશીઓ, વગેરે બનાવ્યા. તેમની પાસે તે જ સંદેશ હતો જે તેમની આસપાસ મરણ પામી રહેલા માણસો માટે જરૂરી હતો, અને છતાં તે પ્રચાર સેવામાં ગયા નહીં. શા માટે? કારણ કે પિતાનો સમય હજુ આવ્યો ન હતો.
ઈસુ રાહ જોવામાં ડરતા ન હતા. "જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહીં" (યશાયા 28:16). અને જ્યારે તેમના પિતાનો સમય આવ્યો, ત્યારે તે તેમના સુથારના વ્યવસાયમાંથી બહાર આવ્યા અને ઉપદેશ આપવા લાગ્યા. ઘણી વાર પછી, તે કોઈક કાર્ય વિશે કહેતા, "મારો સમય હજુ આવ્યો નથી" (યોહાન 2:4; 7:6). ઈસુના જીવનની દરેક બાબત પિતાના સમય અને ઈચ્છા દ્વારા નિયંત્રિત થતી હતી. માણસોની જરૂરિયાત, ઈસુ માટે કાર્ય કરવા માટેનું આહ્વાન ક્યારેય નહોતી, કારણ કે જો તેમણે તેમ કર્યું હોત તો - તે તેમના પોતાનામાંથી કાર્ય થયું હોત - પોતાના જીવથી. માણસોની જરૂરિયાત ધ્યાનમાં લેવાની હતી, પરંતુ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાની હતી. ઈસુએ યોહાન 4:34,35 માં તે ખૂબ જ સ્પષ્ટ કર્યું. જરૂરિયાત (ક્લમ 35): "તમારી નજર ઊંચી કરીએ જુઓ! માનવ આત્માઓના વિશાળ ખેતરો આપણી આસપાસ પાકી રહ્યા છે, અને હવે લણણી માટે તૈયાર છે..." ક્રિયાનો સિદ્ધાંત (કલમ 34): “જેમણે મને મોકલ્યો છે, તેમની ઈચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે." (જીવતા) ઈસુએ તેમના મિત્રો દ્વારા સૂચવવામાં આવેલા ઘણા સારા કાર્યો કર્યા નહીં, કારણ કે તે જાણતા હતા કે જો તે માણસોનું સાંભળશે અને દેખીતી રીતે જે સારું છે તે કરશે, તો તે તેમના પિતા પાસે જે શ્રેષ્ઠ છે તે ગુમાવશે.
એકવાર, જ્યારે માણસોએ તેમને એક ચોક્કસ જગ્યાએ રહેવા માટે વિનંતી કરી, ત્યારે તેમણે કહ્યું કે તે નહીં કરી શકે, કારણ કે તેમણે તેમના પિતાનો અવાજ તેમને બીજે ક્યાંક જવા માટે બોલાવતા સાંભળ્યો હતો. માનવીય રીતે કહીએ તો, જ્યાં હતા ત્યાં રહેવાના ઘણા સારા કારણો હતા, કારણ કે લોકો તેમના સંદેશ પ્રત્યે અસામાન્ય પ્રતિભાવ આપતા હતા. પરંતુ ઈશ્વરના વિચારો માણસના વિચારો જેવા નથી અને ઈશ્વરના માર્ગો માણસના માર્ગો જેવા નથી (યશાયા 55:8). વહેલી સવારે, ઈસુ એકલા બહાર ગયા હતા અને પ્રાર્થના કરી હતી, અને તેમણે પિતર અને બીજાઓના સૂચનો સાંભળ્યા તે પહેલા તેમના પિતાનો અવાજ સાંભળ્યો હતો (માર્ક 1:35-39), ઈસુએ માનવ તર્ક પર આધાર રાખ્યો ન હતો. તેમણે વચનનું પાલન કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું, “તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે" (નીતિવચનો 3:5-6). તેમણે દરેક બાબતમાં માર્ગદર્શન માટે પોતાના પિતા પર આધાર રાખ્યો. યશાયા 50:4 માં પ્રભુ ઈસુની ભવિષ્યવાણીના સંદર્ભમાં, આપણે વાંચીએ છીએ, "દર સવારે, તે (પિતા) મને જાગૃત કરે છે અને મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની જેમ સાંભળું." ઈસુની આ આદત હતી. તેમણે વહેલી સવારથી અને દિવસભર તેમના પિતાનો અવાજ સાંભળ્યો, અને તેમના પિતાએ તેમને જે કરવાનું કહ્યું તે બરાબર કર્યું. તેમણે માણસો સાથે ચર્ચા કરી નહીં, શું કરવું તે નક્કી કર્યું નહીં, પરંતુ તેમના પિતા સાથે પ્રાર્થના-સંગત કરી. દૈહિક ખ્રિસ્તીઓ માણસો સાથે ચર્ચા કરીને યોજના બનાવે છે. આત્મિક ખ્રિસ્તીઓ ઈશ્વર પાસેથી સાંભળવાની રાહ જુએ છે.
ઈસુ પોતાના પિતાની જેમ જીવ્યા (યોહાન 6:57). ઈસુ માટે, ઈશ્વરનું વચન ખોરાક કરતાં વધુ મહત્વપૂર્ણ હતું (માથ્થી 4:4). તેમને દિવસમાં ઘણી વખત, સીધા પિતા પાસેથી તે પ્રાપ્ત કરવું પડતું હતું. તે પ્રાપ્ત કર્યા પછી, તેમણે તેનું પાલન કર્યું. આજ્ઞાપાલન પણ તેમના દૈનિક ખોરાક કરતાં વધુ મહત્વપૂર્ણ હતી (યોહાન 4:34). ઈસુ, પિતા પર આધાર રાખીને જીવ્યા. દિવસભર તેમનું વલણ હતું, "બોલો, પિતા, હું સાંભળી રહ્યો છું." તેમણે મંદિરમાંથી નાણાવટીઓને નસાડ્યા તે વિશે વિચારો. એવા ઘણા પ્રસંગો બન્યા હશે જ્યારે ઈસુ મંદિરમાં નાણાવટીઓની સાથે હતા, જ્યારે તેમણે તેમને નસાડ્યા ન હતા. તેમણે આમ કર્યું, ફક્ત ત્યારે જ જ્યારે તેમના પિતા દ્વારા તેમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સાંસારિક ખ્રિસ્તી નાણાવટીઓને કાં તો કાયમ માટે બહાર હાંકી કાઢવાનું પસંદ કરશે અથવા તો ક્યારેય નહીં. જોકે, જે ઈશ્વર દ્વારા દોરવણી પામે છે, તે જાણે છે કે ક્યારે, ક્યાં અને કેવી રીતે કાર્ય કરવું. ઈસુ ઘણી સારી બાબતો કરી શક્યા હોત, જે તેમણે ક્યારેય કરી ન હતી, કારણ કે તે તેમના પિતાની ઈચ્છાની બહાર હતી. તે હંમેશા શ્રેષ્ઠ કાર્યો કરવામાં વ્યસ્ત રહેતા હતા. અને તે પૂરતા હતા. તે પૃથ્વી પર સારા કાર્યો કરવા માટે નહીં, પરંતુ તેના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવ્યા હતા.
“શું તમે જાણતા નહોતા કે મારે મારા પિતાને ત્યાં હોવું જોઈએ,” તેમણે બાર વર્ષની ઉંમરે યૂસફ અને મરિયમને પૂછ્યું (લૂક 2:49). ફક્ત આ જ બાબતો તેમને પૂર્ણ કરવામાં રસ હતો. જ્યારે પૃથ્વી પરના સાડા તેત્રીસનો અંત આવ્યો, ત્યારે તે ખરેખર સંતોષ સાથે કહી શક્યા, "પિતા, જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે મેં પૂરું કર્યું છે" (યોહાન 17:4). તેમણે દુનિયાભરમાં મુસાફરી કરી ન હતી, તેમણે કોઈ પુસ્તક લખ્યું ન હતું, તેમના અનુયાયીઓ ઓછા હતા, દુનિયાના ઘણા ભાગોમાં હજુ પણ ઘણી બધી જરૂરિયાતો પૂરી કરવાની બાકી હતી, વગેરે, વગેરે, પરંતુ તેમણે પિતાએ તેમના માટે જે કાર્ય નિયુક્ત કર્યું હતું તે પૂર્ણ કર્યું હતું. તે, અને તે જ, આખરે મહત્વનું છે.
(અનુસંધાન આવતા અંકે)