WFTW Body: 

શેતાનના મુખ્ય શસ્ત્રોમાંનું એક "ભય" છે. તે તેનો સતત ઉપયોગ કરે છે. જ્યારે વિશ્વાસીઓ અન્યોને ડરાવવાનો અથવા અન્યોને ધમકાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ (જો કે અજાણતામાં) શેતાનની સંગતમાં હોય છે, કારણ કે તેઓ શેતાનના શસ્ત્રાગારમાંના હથિયારનો ઉપયોગ કરી રહ્યાં છે. "ઈશ્વરે આપણને ભયનો આત્મા આપ્યો નથી" (તિમોથીને બીજો પત્ર 1:7). ભય હંમેશા શેતાનનું શસ્ત્ર છે. તેથી એવી ધમકીઓ અને ડરાવવાની યુક્તિઓ જે માણસો આપણી સામે વાપરે છે તેનાથી આપણે‌ ડરવું જોઈએ નહીં. આવા માણસો ભલે પોતાને "વિશ્વાસી" કહેતા હોય પણ તેઓ બધા શેતાનના પ્રતિનિધિ છે. આપણા માટે આ જીવનભર શીખવાનો પાઠ છે.

આપણે એવી રીતે પ્રચાર પણ ન કરવો જોઈએ જાણે કે આપણે લોકોને "ડરાવી" રહ્યા હોઈએ. લોકોને નરક વિશે ચેતવણી આપવી અને તેમને ડરાવવાનો પ્રયાસ કરવો તેમાં ફરક છે. ઈસુએ ક્યારેય કોઈને ડરાવવાનો પ્રયત્ન કર્યો નથી. વિવિધ કલમો ટાંકીને આપણને અપરાધ અને દોષ હેઠળ લાવવાનો પ્રયાસ કરનારા ઉપદેશકોથી પણ આપણે ક્યારેય ડરવું જોઈએ નહીં. જો તેઓ તેમની મંડળી છોડી દે અથવા જો તેઓ તેમનો દશાંશ તેમને ચૂકવતા ન હોય, વગેરે બાબતોને લીધે ઉપદેશકો વિશ્વાસીઓને ઈશ્વરના ન્યાયચુકાદાની ધમકી આપે છે. આ બધી શેતાનની યુક્તિઓ છે.

"પ્રભુના ભયની સુગંધ ઝડપથી પારખી લેવી" એ મહત્વપૂર્ણ છે (યશાયા 11:3 શાબ્દિક અર્થઘટન). જેમ માર્ગ પરના ઘણાં વળાંકો હોવા છતાં પોલીસનો કૂતરો ગુનેગારની સુગંધ લઈ શકે છે, તેમ પવિત્ર આત્મા આપણને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે એટલા સંવેદનશીલ બનાવવા માંગે છે, કે કોઈપણ વળાંક પર, જ્યાં આપણે ઘણા અવાજો સાંભળીએ છીએ, ત્યાં પણ આપણે જાણીશું કે એ કયો માર્ગ છે જે ઈશ્વરનો મહિમા કરે છે. તમે સઘળા આ ક્ષેત્રમાં ઝડપથી સુગંધ પારખી લેનારા બનો. તમે ચારે તરફ પાપ અને ભ્રષ્ટાચારથી ભરેલી દુષ્ટ ભૂમિમાં જીવો છો. તમારી જાતને શુદ્ધ રાખો.

શેતાનનું બીજું મુખ્ય શસ્ત્ર નિરાશા છે. નિરાશા હંમેશા શેતાન તરફથી‌ હોય છે - હા, હંમેશા - અને ક્યારેય ઈશ્વર તરફથી નથી હોતી. તેથી કોઈ પણ બાબત તમને ક્યારેય નિરાશ ન થવા દો - દૈહિક, ભૌતિક, શૈક્ષણિક અથવા આત્મિક અથવા કંઈપણ.

શેતાનનો હેતુ તમને પહેલા નિરાશ કરીને પછી પાપ તરફ દોરી જવાનો છે. જો તમે સાવચેત ન રહો તો એકલતા અને ઘરની યાદ પણ નિરાશાના સ્ત્રોત બની શકે છે. તમારે તેમની સામે લડવું જોઈએ અને તે પર કાબુ મેળવવો જોઈએ. ઈશ્વર તમને કૃપા આપશે.

ઈશ્વર તમને અગાઉથી એવા જોખમો અને જેને તમે ધ્યાનમાં લીધા નથી તેવા પરિબળો વિશે ચેતવણી આપો, જે તેઓ તમારી અગાઉ જુએ છે, જે તમે જોઈ શકતા નથી. પ્રભુ તમને જ્ઞાન આપો અને તમારું રક્ષણ કરો.

જેઓ તેમની પાસે વિશ્વાસથી માંગે છે તેમને ઈશ્વરે જ્ઞાન આપવાનું વચન આપ્યું છે (યાકૂબનો પત્ર 1:5). જો તમે માંગશો નહીં અથવા જો તમે માંગશો પરંતુ વિશ્વાસ નહિ કરો કે ઈશ્વર તમને ચોક્કસપણે જરૂરી જ્ઞાન આપશે તો તમને તે મળશે નહીં.

જો કે યાદ રાખો કે ઈશ્વરનો હેતુ તમને વધુ પૈસા કમાવવામાં મદદ કરવાનો નથી પરંતુ તમને ખ્રિસ્ત જેવા બનાવવાનો છે. પૃથ્વી પર જે કંઈ સમૃદ્ધિ ઈશ્વર તમને આપવા યોગ્ય માને છે, તેઓ તમને આપશે. પરંતુ તે પ્રાથમિક બાબત નહીં હોય - કારણ કે પૈસા એકઠા કરવાનું કામ ઈશ્વર દ્વારા દુન્યવી લોકોને આપવામાં આવ્યું છે - અને આપણને નહીં (જુઓ સભાશિક્ષક 2:26બ).