written_by :   Zac Poonen categories :   Knowing God Disciples
WFTW Body: 

“જેઓને ‍ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે.” (માથ્થી 5:6). દુનિયામાં, લોકો બધી પ્રકારની બાબતો માટે ભૂખ અને તરસ ધરાવે છે. જો તમે દુનિયાના લોકો જે બાબતો માટે ભૂખ અને તરસ ધરાવે છે તે જુઓ, તો તે છે સંપત્તિ, પૈસા, આરામદાયક જીવન, ઘરો અને જમીન, સમાજમાં પ્રગતિ, તેમની નોકરીમાં ઉચ્ચ પદ, તેમના દેખાવને સુંદર બનાવવો, અને એવી કોઈપણ બાબત જે તેમને આ દુનિયામાં સન્માન, આરામ અને આનંદ આપે તે છે. આ બાબત ઘણા ખ્રિસ્તીઓ માટે પણ સાચી છે.

મોટાભાગના ખ્રિસ્તીઓ, જેઓ દાવો કરે છે કે તેઓ નવો જન્મ પામ્યા છે, તેઓ પણ આ બાબતોનો પીછો કરી રહ્યા છે. પરંતુ ઈશ્વરીય જીવન જીવવા માટે ભૂખ અને તરસ - પાપને દૂર કરવા માટે ભૂખ અને તરસ - એ એક દુર્લભ ગુણ છે અને ઈસુએ આ કહ્યું તે હું માનું છું: ખૂબ ઓછા લોકો આ રીતે જીવન જીવે છે. જ્યારે ખૂબ ઓછા લોકો સંપૂર્ણ ન્યાયી હોવાના સંદેશમાં રસ ધરાવતા જોવા મળે છે ત્યારે મને આશ્ચર્ય થતું નથી. હકીકતમાં, જ્યારે લોકો કહે છે કે, "તે અશક્ય છે" ત્યારે મને આશ્ચર્ય થતું નથી. જ્યારે લોકો કહે છે કે પહાડ પરના ઉપદેશમાં અશક્ય ધોરણો છે અને કોઈ પણ તેના પર ખરું ઉતરી શકતું નથી, ત્યારે હું દુન્યવી ખ્રિસ્તી અથવા કહેવાતા નવો જન્મ પામેલા ખ્રિસ્તીઓ પાસેથી આ જ જવાબની અપેક્ષા રાખું છું જેમની પાસે દુન્યવી વલણ છે. મને પ્રશ્ન થાય છે કે જો ઈસુએ પહાડ પરના ઉપદેશમાં જે શીખવ્યું હતું તે બધું અવગણે છે તો શું આવી વ્યક્તિ ખરેખર નવો જન્મ પામેલી છે. એટલા માટે ઈસુએ માથ્થી 28:20 માં "તેમને શિષ્યો બનાવો" એમ કહેતા પહેલા, "મેં જે આજ્ઞા આપી છે તે બધું શીખવો" એમ કહ્યું.

દરેક વ્યક્તિ જે પોતાને ખ્રિસ્તી કહે છે, પણ ફક્ત સ્વર્ગમાં જવા માંગે છે અને ઈસુએ આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરવામાં રસ નથી રાખતો, તે તેમનાથી દૂર છે. જો કોઈ વ્યક્તિ ખરેખર શિષ્ય બને છે, તો તેને ઈસુએ શું આજ્ઞા આપી છે તે જાણવામાં રસ હશે. ઈસુના સાચા શિષ્યનું વલણ એવું છે કે, "જો તે ઈચ્છે છે કે હું આત્મામાં રાંક બનું, તો હું તેનો અર્થ જાણવા માંગુ છું અને તેનું પાલન કરવા માંગુ છું. જો તે ઈચ્છે છે કે હું મારા પાપ માટે શોક કરું અથવા નમ્ર બનું, તો હું તેનો પણ અર્થ જાણવા માંગુ છું. જો તે ઈચ્છે છે કે હું ન્યાયીપણા માટે ભૂખ્યો અને તરસ્યો રહું, તો હું ન્યાયીપણા માટે ભૂખ્યો અને તરસ્યો રહેવા માંગુ છું."

ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા રહેવાનો અર્થ શું છે? ઉદાહરણ તરીકે, જો તમે કહો, "મને થોડા પાણીની તરસ લાગી છે," તો તમે તે એક ગ્લાસ પાણી માટે કેટલા પૈસા ચૂકવવા તૈયાર થશો? જો એક ગ્લાસ પાણીની કિંમત 100,000 રૂપિયા હોય તો? તમે કહેશો, "ના, હું એટલો તરસ્યો નથી કે હું એક ગ્લાસ પાણી માટે 100,000 રૂપિયા ચૂકવું." પણ વિચાર કરો કે જો તમે એક એવા વ્યક્તિ હોવ જે સાત દિવસથી રણમાં ભટકતો રહ્યો હોય અને તમારું આખું શરીર સુકાઈ ગયું હોય અને તમારું મોં સુકાઈ ગયું હોય અને તમે તરસથી મરી જવાના છો. તમે જરૂર એક ગ્લાસ પાણી માટે 100,000 રૂપિયા ચૂકવવા તૈયાર થશો! તે તરસ છે. અને જો તમે ભૂખથી મરી રહ્યા હોવ તો તમે ખોરાક માટે ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર થશો.

ઈસુ જે પ્રકારની ભૂખ અને તરસ વિશે વાત કરી રહ્યા છે તે, જ્યારે તે અનુકૂળ હોય અથવા જો તે મારી કોઈપણ યોજનાઓને ખલેલ પહોંચાડતું ન હોય ફક્ત ત્યારે જ ન્યાયી બનવાની નહીં પણ તે કોઈપણ કિંમતે ન્યાયી બનવાની ઉગ્ર ભૂખ અને તરસ છે. પ્રભુમંદિરમાં બેઠેલા મોટાભાગના લોકો, પવિત્રતાના સંદેશાઓ સાંભળનારાઓ પણ, પવિત્ર બનવા માંગે છે જો તે તેમની યોજનાઓને ખલેલ પહોંચાડતું ન હોય, અથવા જો તે ભવિષ્ય માટેની તેમની મહત્વાકાંક્ષાઓને બગાડતું ન હોય, અથવા જો જે છોકરી કે છોકરા સાથે તેઓ લગ્ન કરવા માંગે છે તેનાથી લગ્ન કરવામાં અવરોધ ન લાવતું હોય. તેઓ ન્યાયીપણું ઈચ્છે છે, જ્યાં સુધી તેના માટે ખૂબ મોટી કિંમત ચૂકવવાની ન હોય. તેથી જ્યારે તમે તેમને ન્યાયીપણું મેળવવાની વાત કરો છો, ત્યારે જો તેમનો પહેલો પ્રશ્ન હોય કે, "કિંમત શું છે?" તો તમે જાણો છો કે તેઓ ખરેખર ભૂખ્યા નથી. જે ​​વ્યક્તિ ખૂબ તરસ્યો કે ભૂખ્યો છે તે કિંમત પૂછશે નહીં. તે કહેશે, "મને તે પાણી આપો! હું કિંમત ચૂકવીશ! હું તમને મારી પાસે જે કંઈ છે તે બધું આપીશ કારણ કે હું મરી રહ્યો છું!"

આપણા પૂરા હૃદયથી ઈશ્વરને શોધવાનો અર્થ એ જ છે. ઘણા લોકો ઈશ્વરને એ રીતે નથી શોધી શકતા જે રીતે બીજાઓએ તેમને શોધ્યા છે, અને તેઓ સંતોષકારક ખ્રિસ્તી જીવન (જે મોટાભાગના નવો જન્મ પામેલા ખ્રિસ્તીઓની સ્થિતિ છે) કેમ નથી શોધી શકતા, તેનું કારણ એ છે કે તેઓ ખરા હૃદયથી ઈશ્વરને શોધતા નથી. મેં ઘણા દેશોમાં મુસાફરી કરી છે અને 52 વર્ષથી ખ્રિસ્તી છું, મેં મારા જીવનમાં ખૂબ ઓછા ખ્રિસ્તીઓ જોયા છે, જે પ્રામાણિકપણે કહી શકે છે કે, "હું ખરેખર પ્રભુથી સંતુષ્ટ છું, હું મારા ખ્રિસ્તી જીવનથી સંતુષ્ટ છું, તેમણે મને આપેલી પ્રગતિથી, અને જે રીતે મારું જીવન વીત્યું છે તેના માટે હું આભારી છું. હું દરરોજ મારા જીવન વિશે ઉત્સાહિત છું!" ખૂબ ઓછા લોકો પ્રામાણિકપણે એવું કહી શકે છે. મને લાગે છે કે મોટાભાગના લોકો તેમના ખ્રિસ્તી જીવનથી કંટાળી ગયા છે. કદાચ જે દિવસે તેમનું બદલાણ થયું તે દિવસે તેઓ ઉત્સાહિત હતા, પરંતુ હવે તેઓ ખૂબ કંટાળી ગયા છે. તેમની પાસે બાઈબલ વાંચવાનો સમય નથી, તેમને આત્મિક બાબતોમાં કોઈ રસ નથી; તેઓ પ્રભુમંદિરમાં જવા, સાક્ષી આપવા અને ગરીબોની સંભાળ રાખવા જેવી ચોક્કસ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઈ શકે છે, પરંતુ તેઓ ઈસુના પગલે ચાલવા માટે ઉત્સાહિત નથી.

આ પાછળનું કારણ સમજવા માટે આપણે માણસ અને ઈશ્વર સંબંધિત એક નિયમ સમજવાની જરૂર છે. યર્મિયા 29:13 માં પ્રભુ પોતાના ઈઝરાયલ લોકોને કહે છે, "તમે મને શોધશો, ને તમે તમારા ખરા હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ.” તમે તેમને તમારા ખરા હૃદયથી નથી શોધતા અને તમે તેમને અડધા હૃદયથી, અથવા તમારા ત્રણ-ચતુર્થાંશ હૃદયથી શોધી રહ્યા છો? તો ચોક્કસ, તમારી પાસે એક ધર્મ હશે. તમારી પાસે એક ખ્રિસ્તી ધર્મ હશે જે ફક્ત એક ધર્મ છે, ધાર્મિક વિધિઓ અને વિવિધ બાબતો સાથે જે તમે કરો છો, પરંતુ તમે ઈશ્વરને જાણશો નહીં. તમે ઈસુને એક વ્યક્તિગત મિત્ર તરીકે નહીં જાણી શકો, અને તેથી તમે ખ્રિસ્તી જીવનમાંની દરેક બાબત ગુમાવશો. તમારું ખ્રિસ્તી નામ હોઈ શકે છે અને તમે ખ્રિસ્તી પ્રભુમંદિરના સભ્ય હોઈ શકો છો, પરંતુ જો તમે ઈશ્વરને વ્યક્તિગત રીતે જાણતા નથી, તો તમે મુખ્ય બાબત ગુમાવી દીધી છે. અને કારણ એ હોઈ શકે છે કે તમે તમારા ખરા હૃદયથી ઈશ્વરને શોધી રહ્યા નથી. દુનિયામાં ઘણી બધી બાબતો છે જે તમે તમારા ખરા હૃદયથી શોધી રહ્યા છો, પરંતુ ઈશ્વરને નહીં.