ઈશ્વર મંડળીમાંથી "અભિમાની અને ગર્વિષ્ઠ” માણસોને દૂર કરે છે (સફાન્યા 3:8-17).
પ્રેરિત યોહાને પોતાના સમયમાં આ બનતું જોયું. તેમણે કહ્યું, "તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].” (યોહાનનો પહેલો પત્ર 2:19)
દરેક મંડળીના વડીલો નક્કી કરે છે કે તેઓ તેમના મંડળીમાંં કેવા આત્મિક ધોરણ જાળવી રાખવા માંગે છે. જે મંડળીઓમાં પવિત્રતાના કોઈ ધોરણો નથી, ત્યાં કોઈ તેમને છોડીને જશે નહીં. પરંતુ જે મંડળીઓ ઈસુએ શીખવેલા ધોરણો અનુસાર જીવવા માંગે છે, તેઓ ઈસુએ પોતે જોયું હતું તેમ જોશે કે ઘણા લોકો તેમને છોડી જશે. અને અમે અમારી મધ્યે પણ આ બનતું જોયું છે.
જે લોકો સૌ પ્રથમ અમારી મંડળી છોડી ગયા તેઓ ધનવાન અને શક્તિશાળી હતા. તેઓ નારાજ થઈને જતા રહ્યા કારણ કે તેઓ દુનિયામાં અને અન્ય મંડળીઓમાં જે પ્રમાણેનો મોભો મેળવવા માટે ટેવાયેલા હતા તેવો, તેમની ઈચ્છા મુજબનો વર્તાવ તેમને અમારી મધ્યે ના મળ્યો. તેમની સંપત્તિ કે તેમનો હોદ્દો તેમને ઈસુના શિષ્યો બનવાથી નહોતા રોકતા, પરંતુ તેનું કારણ સંપત્તિ અને હોદ્દાનું તેમનું અભિમાન હતું. અમે ક્યારેય કોઈની પૃથ્વી પરની સંપત્તિ કે પદની પરવા નહોતી કરી. અમે ફક્ત એવા લોકોનું સન્માન કર્યું જેઓ નમ્ર અને ઈશ્વરનો ડર રાખનારા હતા - પછી ભલે તેઓ ધનવાન હોય કે ગરીબ (ગીતશાસ્ત્ર 15:4).
કેટલાક અન્ય લોકો અમને છોડી ગયા કારણ કે તેઓ અમારી મંડળીમાંં વડીલો બનવા માંગતા હતા - અને તેમને વડીલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ન હતા! અને કેટલાક જેમને વડીલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓ અમને છોડી ગયા કારણ કે જવાબદારી પ્રત્યેના તેમના અવિશ્વાસુપણાને લીધે તેમને વડીલપદ છોડી દેવાનું કહેવામાં આવ્યું. તેમાંના કેટલાક તેમની પ્રચાર ક્ષમતાઓ દ્વારા પૈસા કમાવવા માંગતા હતા (પિતરનો પહેલો પત્ર 5:2) - અને આપણને પૈસા કમાવવા માટે સુવાર્તાનો પ્રચાર કરનારા બધાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે (તિમોથીને પહેલો પત્ર 6:3). બીજાઓએ ટોળા પર સ્વામી તરીકે રાજ કર્યું (પિતરનો પહેલો પત્ર 5:3). અને તેમાંના કેટલાકે લોકોને પ્રભુ સાથે નહીં પણ પોતાની સાથે જોડ્યા (પ્રેરિતોનાં કૃત્યો 20:30)! ઈશ્વરે આ બધા વડીલોને બદલે અમને વધુ સારા માણસો પુરા પાડ્યા અને આમ અમને ખાતરી આપી કે ઈશ્વરે પોતે જ તેમને દૂર કર્યા હતા.
બીજાઓએ અમને છોડી દીધા કારણ કે તેઓ કોઈ શ્રીમંત, પશ્ચિમી મંડળી સાથે જોડાવા માંગતા હતા - અને અમારા જેવી ગરીબ ભારતીય મંડળી સાથે નહીં. મોટાભાગના ભારતીય ખ્રિસ્તીઓ માને છે કે પશ્ચિમી ખ્રિસ્તીઓ આત્મિક રીતે શ્રેષ્ઠ છે, અને તેથી તેઓ ધિક્કારપાત્ર રીતે તેમને શરણે જાય છે. ભારતમાં ઘણી મંડળીઓની કોઈ ખાસ સભાઓમાં ઓછામાં ઓછા એક અમેરિકન અથવા યુરોપિયન ઉપદેશક તેમના મુખ્ય વક્તા તરીકે ચોક્કસ રીતે હોય છે. ફક્ત આ રીતે તેઓ લોકોને તેમની સભાઓમાં આકર્ષિત કરી શકે છે! જોકે, અમે બધી જાતિના લોકોને અમારા સમાન માનતા હતા અને આત્માના અભિષેક અને અમે જે સંદેશો આપ્યો હતો તેના દ્વારા લોકોને અમારી મંડળી તરફ આકર્ષવાનો પ્રયાસ કરતા હતા - અને ઉપદેશકની ત્વચાના રંગ દ્વારા નહીં!! ઘણા ભારતીય ખ્રિસ્તીઓ આર્થિક લાભ માટે અને પશ્ચિમ દેશોમાં મફત મુસાફરી કરી શકે માટે પશ્ચિમી જૂથોને વળગી રહે છે!! અમે આવા બધા "પોતાનો સ્વાર્થ શોધનારાઓની" વિરુદ્ધ ઊભા હતા.
પછી ઘણા એવા હતા જેમણે અમને છોડી દીધા કારણ કે તેઓને લાગ્યું કે અમે જે પવિત્રતાનો ઉપદેશ આપ્યો હતો તે ખૂબ ઊંચો હતો! અમે શિષ્યપણું, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા (અને પવિત્ર આત્માના કૃપાદાન), બધા સભાન પાપ પર વિજય, પહાડ પરનો ઉપદેશ (માથ્થી અધ્યાય 5, 6 અને 7), સંપૂર્ણતા તરફ આગળ વધવું, ઈસુની જેમ ચાલવું, એક પ્રભુમય પારિવારિક જીવન, દરરોજ વધસ્તંભ ઉંચકવો, દુનિયાના આત્માથી અલગ થવું, પૈસાના પ્રેમથી મુક્તિ, ઉપવાસ અને પ્રાર્થના, હૃદયથી દરેકને માફ કરવા, ઈસુએ આપણને પ્રેમ કર્યો તેમ બીજાઓને પ્રેમ કરવો, સ્થાનિક મંડળીને ખ્રિસ્તના શરીરની જેમ બાંધવી, વગેરેનો ઉપદેશ આપ્યો. આવા ઉપદેશથી ઘણા લોકોને ઠોકર લાગી અને તેથી તેઓ અમને છોડી ગયા. પરંતુ આનાથી અમને કોઈ ખલેલ પહોંચી નહીં - કારણ કે અમે જાણતા હતા કે ઘણા લોકો ઈસુના સંદેશથી નારાજ હતા, અને તેમને છોડી ગયા હતા (યોહાન 6:60, 66). પરંતુ અમને આશ્ચર્ય થયું કે જે ખ્રિસ્તીઓએ તેમના બાળકોના શિક્ષણ માટે શ્રેષ્ઠ શાળાઓ અને તેમની તબીબી સારવાર માટે શ્રેષ્ઠ હોસ્પિટલો પસંદ કરી હતી તેઓએ તેમની આત્મિક સંગત માટે પવિત્રતાના નીચા ધોરણોવાળી મંડળીઓ પસંદ કરી. આ ફક્ત એટલું જ સાબિત કરે છે કે તેઓ આત્મિક બાબતો કરતાં પૃથ્વીની બાબતોને વધુ મહત્વ આપે છે અને તેમના દેહને તેમના આત્મા કરતાં વધુ મહત્વ આપે છે.
પરંતુ અમને એ જોઈને વધુ આશ્ચર્ય થયું કે કેટલાક, જેમને ઈશ્વરીય જીવનની કોઈ ઈચ્છા નહોતી તેઓ હજુ પણ અમારી મંડળીમાંં રહેવાનું પસંદ કરે છે. જોકે, અમને ખબર પડી કે તેઓ ફક્ત એટલા માટે જ રહ્યા કારણ કે તેમને તેમના પરિવારો માટે અમારે ત્યાં સારું વાતાવરણ મળ્યું. અમારી મંડળી એક સારી ક્લબ જેવી હતી જે કોઈ સભ્યપદ ફી લેતી નહોતી! અને તેથી ઘણા "દુન્યવી" ખ્રિસ્તીઓ હજુ પણ અમારી મંડળીમાંં રહ્યા. ઈસુની મંડળીમાંં એક યહૂદા ઈશકારિયોત પણ હતો!
જોકે, અમે અમારી મંડળીઓમાં વડીલોમાં ઉચ્ચ ધોરણ જાળવવાનો પ્રયાસ કર્યો, તેમના માટે ખાસ કરીને વારંવાર સભાઓ અને પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ઈશ્વરે કેટલાક ઉત્તમ માણસોને અમારી મંડળીમાંં વડીલો બનાવવા માટે ઊભા કર્યા. તેમાંના ઘણા સારી રીતે બોલીને ઉપદેશ આપી શકે એવા નહોતા, પરંતુ તેઓ ખ્રિસ્તનો મહિમા કરતા હતા અને ઈશ્વરના લોકોના ભલા માટે ખરા હૃદયથી ચિંતા રાખતા હતા (ફિલિપીઓને પત્ર 2:19-21). જો અમને કોઈ જગ્યાએ આવા એક પણ ભાઈ ન મળે, તો અમે ત્યાં મંડળી શરૂ ન કરતા - કારણ કે અમને સમજાયું છે કે ઈશ્વરીય ઘેટાંપાળક વિના, ઘેટાં ફક્ત ભટકી જાય છે.
આજે અમે અમારી મંડળીઓ પર નજર કરીએ છીએ, ત્યારે અમે જોઈએ છીએ કે અમે હજુ પણ ઈશ્વર જે ઈચ્છે છે તેનાથી ઘણા નીચા ધોરણ પર છીએ. પરંતુ અમે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છીએ અને અમે ઈસુએ શીખવેલા પવિત્રતાના ધોરણને જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ - ભલે કોઈ અમારી સાથે જોડાય કે કોઈ અમને છોડીને જતા રહે.
મંડળી એ ઈશ્વરનું નિવાસસ્થાન છે - જેમ જૂના કરારમાં મુલાકાતમંડપ હતો. તે મંડપમાં ત્રણ ભાગો હતા - બહારનું આંગણું, પવિત્રસ્થાન અને પરમપવિત્રસ્થાન. બહારના આંગણામાં, વેદી અને કુંડ (પાપોની ક્ષમા અને પાણીથી -બાપ્તિસ્માના પ્રતીક તરીકે) ની આસપાસ મોટી સંખ્યામાં લોકો ભીડ કરતા હતા. જોકે, પવિત્ર સ્થાનમાં સંખ્યા ઘણી ઓછી હતી. ત્યાં, દીવી, રોટલીની મેજ અને ધૂપની વેદી એ પવિત્ર આત્માનો અભિષેક, ઈશ્વરના વચનનો અભ્યાસ અને પ્રાર્થનાનું પ્રતીક હતા. પરંતુ જૂના કરારના સમયમાં, પરમપવિત્રસ્થાનમાં કોઈ પ્રવેશ કરી શકતું ન હતું. આ પવિત્ર ક્ષેત્ર આજે તે બધા માટે ખુલ્લું છે જેઓ ઈશ્વર સાથેની સંગત શોધે છે, જેઓ પોતાનું સર્વસ્વ તેમને સમર્પિત કરે છે, અને જેઓ આત્મા અને સત્યતાથી તેમનું ભજન કરવાનો પ્રયાસ કરે છે.
મુલાકાતમંડપના આ ત્રણ ભાગો ઈશ્વર સાથેની આત્મીયતાના ત્રણ વર્તુળોનું પ્રતિનિધિત્વ કરે છે. અને દરેક મંડળી (અમારી મંડળી સહિત) એવા લોકોથી બનેલી છે જેઓ આ ત્રણ ક્ષેત્રોમાંથી એકમાં રહેવાનું પસંદ કરે છે. જોકે, વિજેતાઓ તે છે જેઓ હંમેશા પરમપવિત્રસ્થાનમાં રહેવાનું પસંદ કરે છે, અને તેથી જેઓ અંત સુધી ઈશ્વરને વિશ્વાસુ રહેશે, તેઓ જ અમારી મંડળીની - અને દરેક મંડળીની ખરી શક્તિ હશે.