WFTW Body: 

કાના ખાતેના લગ્ન, ઈશ્વરને માન આપવા દ્વારા મળેલા આશીર્વાદની ઝલક આપે છે (યોહાન 2:1-11). તે નોંધપાત્ર બાબત છે કે ઈસુએ પ્રથમ વખત તેમનો મહિમા એક લગ્નમાં પ્રગટ કરવાનું નક્કી કર્યું. આજે પણ તેઓ દરેક લગ્નમાં અને દરેક લગ્નની ઉજવણીમાં પોતાનો મહિમા પ્રગટ કરવાની ઈચ્છા રાખે છે. જાતીયતા, પ્રેમ અને લગ્ન એ આપણા માટે તેમની સૌથી અમૂલ્ય ભેટો પૈકીની એક છે અને તે એવું માધ્યમ બની શકે છે જેના દ્વારા તે માત્ર આપણી આગળ જ નહીં પરંતુ આપણા દ્વારા અન્ય લોકો આગળ પણ તેમનો મહિમા પ્રગટ કરે છે - એવું ત્યારે જ શક્ય બને જયારે આપણે તેમને તે કરવા દઈએ.

કાનામાં દ્રાક્ષારસની અછત સૂચવે છે કે દરેક લગ્નમાં સમસ્યાઓ અને જરૂરિયાતો ઊભી થશે. આ સમસ્યાઓ આખરે પતિ-પત્ની બંનેને સતત નિરાશા અને હતાશા તરફ દોરી લઇ જઈ શકે છે. પરંતુ જ્યારે ઈસુને લગ્નમાં અગ્રણી સ્થાન આપવામાં આવે છે, ત્યારે તેઓ ખૂબ જ જલ્દી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને જરૂરિયાતો પૂરી કરે છે - જેમ તેમણે કાનામાં કર્યું હતું.

ખ્રિસ્તને ઘરમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે તે પૂરતું નથી; તેઓ શિરપતિ હોવા જોઈએ. જો વાસ્તવમાં પતિ (અથવા પત્ની!) ઘરના વાસ્તવિક શિર હોય તો, દિવાલ પર "ખ્રિસ્ત આ ઘરના શિરપતિ છે" લખેલું પોસ્ટર લટકાવવું એ માત્ર મજાક છે. પરંતુ જ્યાં પણ ખ્રિસ્તને ખરેખર શિરપતિ અને ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવે છે, ત્યાં તેઓ તેમનો મહિમા દર્શાવે છે જેવો ખરેખર તેમણે બે હજાર વર્ષ પહેલાં કાનામાં દર્શાવ્યો હતો (કલમ 11).

"જે કંઈ તે તમને કહે તે કરો", મરિયમ દ્વારા ત્યાંના ચાકરોને આ સલાહ આપવામાં આવી હતી (કલમ 5). તેઓએ તે સલાહ પર ધ્યાન આપ્યું અને સ્પષ્ટપણે અને તરત જ ઈસુના આદેશનું પાલન કર્યું - અને ટૂંક સમયમાં સમસ્યા હલ થઈ ગઈ. જો વિવાહિત યુગલો (તેમજ લગ્ન વિશે વિચારતા યુવાનો) ફક્ત એ જ સલાહ પર ધ્યાન આપે અને ઈશ્વર ની આજ્ઞાઓનું આજ રીતે સ્પષ્ટપણે અને તાત્કાલિક પાલન કરે, તો તેમની સમસ્યાઓનો ઉકેલ કેટલો જલ્દી મળશે.

તે લગ્નમાં પાણી દ્રાક્ષારસમાં પરિવર્તિત થયું હતું. જે સ્વાદહીન અને રંગહીન અને સામાન્ય હતું તે એક ક્ષણમાં કંઈક મીઠી અને ચમકદાર અને મોંઘી વસ્તુમાં બદલાઈ ગયું. આ દર્શાવે છે કે જ્યારે ઈશ્વર ને ઘરનું સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવશે ત્યારે કેવી રીતે લગ્નજીવનની સામાન્ય બાબતો (નિરસ પરિશ્રમવાળી રોજની દિનચર્યા સહિત) ઝળહળાટ સાથે ચમકશે, . સ્વાદવિહીન વસ્તુ મીઠી બની જાય છે, અને જે બાબત અગાઉ સામાન્ય ગણાતી હતી તે અમર્યાદિત મૂલ્યની બની જાય છે.

આ ચમત્કારના પરિણામે ઘણા લોકોની જરૂરિયાતો પણ પૂરી થઈ. ખ્રિસ્તી લગ્ન ફક્ત પતિપત્ની બન્નેને જ ખુશી આપીને તેનો હેતુ ક્યારેય પૂરો કરતું નથી. ઈશ્વરનો ઇરાદો એ છે કે પરિણીત યુગલોના પ્યાલા સતત "ઉભરાતા" હોવા જોઈએ (ગીતશાસ્ત્ર 23:5). તેઓ બીજા ઘણા લોકો માટે આશીર્વાદના સ્ત્રોત બનવા જોઈએ - હકીકતમાં જે દરેકને તેઓ મળે છે તે બધાને માટે. ઈશ્વરે એકવાર તેમના આજ્ઞાકારી સેવકને કહ્યું - "હું તને આશીર્વાદ દઈશ ... અને તું આશીર્વાદરુપ થશે - અન્ય લોકોનું ભલું કરતા ... (અને) તારામાં પૃથ્વીના તમામ કુટુંબો અને સગાંઓ આશીર્વાદ પામશે" (ઉત્પત્તિ 12:2 , 3). ગલાતી 3:14 મુજબ, ઈશ્વરનો તે આશીર્વાદ આપણા માટે પણ છે. લગ્નનો આનાથી મોટો ઉદ્દેશ્ય શું હોઈ શકે? પરંતુ કેટલા પ્રમાણમાં આપણે બીજાઓ માટે આશીર્વાદરુપ બનીએ છીએ તે આપણે આપણા રોજિંદા જીવનમાં ઈશ્વરની આજ્ઞાનું કેટલા પ્રમાણમાં પાલન કરીએ છીએ તેની પર આધાર રાખે છે. "તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કારણ કે તેં મારુ કહ્યું સાંભળ્યું છે અને માન્યું છે", ઈશ્વરે ઈબ્રાહિમને કહ્યું (ઉત્પત્તિ 22:18).

કાના ખાતેનો ચમત્કાર એ લોકો માટે પણ આશાનો સંદેશ આપે છે જેમણે જાતીયતા, પ્રેમ અને લગ્નના ક્ષેત્રમાં ભૂલ કરી છે અને નિષ્ફળ ગયા છે. જ્યારે કાનામાં દ્રાક્ષારસ ખૂટી ગયો, ત્યારે તેઓ ઈશ્વર તરફ વળ્યા અને ઈસુએ તેમને નિરાશ ન કર્યા. જો તમે તમારી જરૂરિયાત માટે તેમની તરફ ફરશો તો તેઓ તમને પણ નિરાશ નહીં કરે - ભલે તમારી નિષ્ફળતા ગમે તેટલી મોટી કેમ ન હોય. તેઓ ઈચ્છે છે કે તમે ફક્ત તે જરૂરિયાત વિશે પ્રમાણિક રહો (જેમ કાનામાં થયું હતું તેમ ) અને તમારી નિષ્ફળતા વિશે તેમને જણાવો. શું તમે તમારી મૂર્ખતા દ્વારા, તે છોકરી (અથવા તે છોકરા) સાથેના સંબંધમાં હદ વટાવી ગયા છો? શું તમે પ્રેમની બાબતમાં ભૂલ કરી છે - કદાચ અજ્ઞાનતા દ્વારા? શું હવે પરિણામે તમે શરમ અને હતાશાનો સામનો કરી રહ્યા છો? શું અન્ય લોકોને તમારા વિશે ગેરસમજ છે અને તમારી નિંદા કરે છે - અથવા કદાચ તમને બદનામ કરે છે? તો પછી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ પ્રભુ તરફ વળો. તેઓ પાપીઓનો મિત્ર છે. તે ફક્ત તમારા પાપને માફ કરવા માટે જ નહીં, પણ શેતાને તમારા જીવનમાં સર્જેલી અવ્યવસ્થાને શુદ્ધ કરવા માટે પણ રાહ જુએ છે. આ બે હેતુઓ પૂરા કરવા માટે જ તેઓ દુનિયામાં આવ્યા હતા (1 યોહાન 3:5, 8). નિરાશા ન થાઓ, કારણ કે તમારા માટે પણ આશા છે. ઈશ્વરે કાનાના લગ્નની ઉણપ પુરી કરી હતી તેના કરતાં પણ વધુ તે તમારા જીવનની દરેક ઉણપને પુરી કરી શકે છે. ઈશ્વરે કાનામાં તેમનો મહિમા પ્રગટ કર્યો, અને તે તમારા કિસ્સામાં પણ તે જ કરી શકે છે.

જો તમારે નિરાશાનો સામનો કરવો પડ્યો હોય, તો એ હકીકતમાં હિમ્મત રાખો કે ખ્રિસ્તી જીવનમાં લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે. (પ્રેરિતોનાં કૃત્યો 20:35). ઈશ્વર તમારા માટે એકંદરે સઘળું હિતકારક કરી શકે છે, અને અધૂરી રહેલી ઇચ્છાઓ હોવા છતાં તેમના મહિમા માટે સંપૂર્ણ જીવન જીવવામાં તમને મદદ કરી શકે છે.