written_by :   Zac Poonen categories :   The Home The Church
WFTW Body: 

આપણને ઈશ્વર દ્વારા આશીર્વાદિત થવાનું અને આમ દરેક કુટુંબ (અને વ્યક્તિ) જેમને આપણે પૃથ્વી પર મળીએ છીએ તેમને માટે આશીર્વાદ બનવા તેડવામાં આવ્યા છે. ગલાતીઓ 3: 13,14 કહે છે કે ખ્રિસ્ત વધસ્તંભ પર આપણા માટે શાપ બની ગયા જેથી પવિત્ર આત્માની ભેટ દ્વારા ઈબ્રાહીમનો આશીર્વાદ આપણે પામી શકીએ. તે આશીર્વાદ ઉત્પત્તિ 12:2, 3 માં જોવા મળે છે જ્યાં ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું, "હું તને આશીર્વાદ આપીશ અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે." તેથી જ આપણે ઈશ્વરને વિનંતી કરીએ છીએ કે આપણે તેમના પવિત્ર આત્માથી સતત ભરપૂર થઈએ.

આ તમારો વારસો છે. તેથી તેનો દાવો કરો અને હંમેશા તેમાં જીવો. પસ્તાવા અને પાપની કબૂલાત દ્વારા તમારા અંતઃકરણને હંમેશા સાફ રાખો, જેથી આશીર્વાદ વહેવા માટેનો માર્ગ અવરોધિત ન થાય.

સૌ પ્રથમ, તમે જે કરો છો તેમાં ઈશ્વર તમને આશીર્વાદ આપવા માંગે છે - આત્મિક, ભૌતિક,શારીરિક, શૈક્ષણિક, વ્યાવસાયિક અને બીજું બધું. ઈશ્વરના વચનો છે: "તમે જે કરશો તે સફળ થશે" (ગીત.1:3) અને "તમે જે કરશો તેમાં તમને સફળતા મળશે" (યહોશુઆ 1:8). આ નવા કરાર યુગમાં, ઈશ્વર તમને આશીર્વાદ આપવા અને સમૃદ્ધ બનાવવા માંગે છે અને તમને સફળ બનાવવા માંગે છે, સૌ પ્રથમ તમારા આત્મિક જીવનમાં, અને પછી ભૌતિક બાબતોમાં પણ - જૂના કરારના સમયમાં એ થી વિપરીત હતું જ્યાં તેઓ માત્ર ભૌતિક આશીર્વાદથી આશીર્વાદિત થતા હતા.

બીજું, ઈશ્વર તમારા જીવન દ્વારા બીજાઓને આશીર્વાદ આપવા માંગે છે. તેઓને તમારામાં ઈશ્વરીય જીવનનો કંઈક સ્વાદ લાગવો જોઈએ. પરિણામ એ આવશે કે કેટલાક માટે તમે "જીવનદાયક વાસરુપ" બનશો અને અન્ય લોકો માટે (જેઓ ઈશ્વરને નકારે છે), તમે "મૃત્યુકારક વાસરુપ" બનશો (2 કરિંથીઓને પત્ર 2:16).

આ બધું પરિપૂર્ણ થાય માટે, તમારે પવિત્ર આત્માથી સતત ભરપૂર રહેવાની ખૂબ જ આતુરતાથી આશા રાખવી જોઈએ.

આ દુનિયામાં આપણું કામ એ આપણી આજીવિકા મેળવવાનું એક સાધન છે, જેથી આપણે આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહ્યા વગર ઈશ્વરની સેવા કરી શકીએ. પરંતુ આપણે પૃથ્વી પરના આપણા એક ટૂંકા જીવનમાં શક્ય તેટલા વધુ લોકો માટે આશીર્વાદ બનવાની ઇચ્છા રાખવી જોઈએ.

ભારતના પ્રખ્યાત પ્રચારકો સામાન્ય રીતે મોટા શહેરોમાં જ પ્રચાર કરે છે. તેઓ ભાગ્યે જ ગામડાઓમાં સરળ, ગરીબ (અને અભણ) લોકો સાથે બેસવા માટે સમય કાઢે છે. તેથી મને ખુશી છે કે ઈશ્વરે અમને ભારતના ગામડાઓમાં ગરીબ લોકોની સેવા કરવાનો વિશેષાધિકાર અને સન્માન આપ્યું છે. હું ત્યાં જગતને જીતનાર જીવનની સુવાર્તાનો ઉપદેશ આપું છું - અને ઈશ્વર ત્યાં મંડળી સ્થાપે છે. અને મારા પત્નિ ત્યાં ગરીબ મહિલાઓ અને બાળકો માટે મેડિકલ ક્લિનિક્સ ચલાવે છે. આ લોકો પ્રત્યેની અમારી સેવાથી અમે બંને ખૂબ જ આશીર્વાદિત થયા છીએ.

ઈશ્વર અમારી ટેપ અને અમારા સાહિત્યને જ્યાં લઈ ગયા છે તે સ્થાનો જોવા અદ્ભુત છે. તે સામગ્રી દરેક ખંડમાં ગયા છે - પૃથ્વીના છેવાડાના ભાગોમાં ગઈ છે (પ્રેરિતોનાં કૃત્યો 1:8). ઘણા ઉપદેશકો પણ અમારા પુસ્તકો અને ટેપની સામગ્રીનો ઉપયોગ તેમની મંડળીમાં તેમના પોતાના સંદેશામાં કરી રહ્યા છે. આમ આ વચન એવી મંડળીઓમાં આગળ વધે છે જ્યાં હું ક્યારેય જઈ શક્યો ન હતો. ઈશ્વરની સ્તુતિ થાઓ. જ્યાં સુધી લોકો વચન પ્રમાણે જીવે છે અને અમારી સામગ્રી દ્વારા પૈસા કમાવવાનો પ્રયાસ કરતા નથી, અમે તેઓને અમારી સામગ્રીનો મુક્તપણે ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે

ઈશ્વરના આત્માથી અભિષિક્ત થવા અને પ્રબોધ કરવાની ("તમારા સાંભળનારાઓની જરૂરિયાત મુજબ વચન બોલવાની ક્ષમતા") ભેટ માટે ઈશ્વરને શોધો . એમ ના માનશો કે પ્રબોધ કરવાની ભેટ માંગવી એ અભિમાન છે. એ રીતે શેતાન લોકોને મૂર્ખ બનાવે છે. પવિત્ર આત્મા દરેક વિશ્વાસીને પ્રબોધ કરવાની ભેટ મળે માટે આતુરતાપૂર્વક તેની અભિલાષા રાખવાની વિનંતી કરે છે (1 કરિંથીઓને પત્ર 14:1). તેથી આ ભેટ માટે અભિલાષા રાખો. જો તમે ઈશ્વર પાસે એવી વસ્તુ ન માગો જેની તમને જરૂર હોય - કોઈપણ ક્ષેત્રમાં - તો તમને તે મળશે નહીં. તમારે હિંમતભેર વિનંતી કરીને માંગવું જોઈએ - ભૌતિક જરૂરિયાતો માટે, બુદ્ધિ માટે, કામ પરની કોઈ સમસ્યાના ઉકેલ માટે અથવા સામાન્ય રીતે કોઈપણ સમસ્યા માટે. ઈશ્વર આપણા જીવનમાં સમસ્યાઓઆવવા દે છે જેથી આપણે તેમની પાસે જઈ શકીએ અને ઉકેલ શોધી શકીએ. જીવન કેટલું કંટાળાજનક બની જાય જો આપણે ક્યારેય એવા તોફાનોનો સામનો ન કરીએ જે તોફાનોને ઈસુ શાંત કરે છે! તેથી, માંગો - અને માંગતા રહો જેથી તમારો આનંદ પૂર્ણ થાય.