WFTW Body: 

બાઈબલ કહે છે કે "ન્યાયી માણસનું જીવન સંતૃપ્ત હશે." (નીતિવચન 14:14).

ચાલો હું તમને મારી સાક્ષી આપું. હું હવે 85 વર્ષનો છું, અને હું 65 વર્ષથી વધુ સમયથી ઈશ્વરનો નવો જન્મ પામેલ બાળક છું. હું પ્રામાણિકપણે સાક્ષી આપી શકું છું કે મારું ખ્રિસ્તી જીવન સંતૃપ્ત રહ્યું છે. હું ઘણી કસોટીઓમાંથી પસાર થયો છું, પરંતુ તે બધામાં, મેં રોમાંચક રીતે ઈશ્વરનો અનુભવ કર્યો છે. અને હું માનું છું કે મારા જીવનનો શ્રેષ્ઠ ભાગ હજી આવવાનો છે. હું ઈશ્વર માટે જીવવા અને તેમની સેવા કરવા સક્ષમ બનવા માટે ઉત્સાહિત છું. ઈશ્વરની સેવા કરવી તે આ દુનિયામાં કરવાની સૌથી શ્રેષ્ઠ બાબત છે.

મને દુનિયામાં એક પણ વ્યક્તિ સામે ફરિયાદ નથી. અત્યાર સુધી કોઈ મને નુકસાન પહોંચાડવામાં સફળ થયું નથી. ઘણાએ મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, અને મારા કેટલાક સહકાર્યકરોએ મારી સાથે દગો કર્યો છે અને મારી વિરુદ્ધ થઈ ગયા છે. ઘણા "ખ્રિસ્તીઓ" એ "ખ્રિસ્તી" સામયિકોમાં અને ઈન્ટરનેટ પર મારા વિશે જૂઠાણા ફેલાવ્યા છે અને તેમાંથી કેટલાક મને કોર્ટમાં પણ લઈ ગયા છે. પરંતુ આ બધા મારા માટે "ખ્રિસ્તના દુઃખોની સંગતનો” એક ભાગ જ રહ્યા છે; અને દરેક વ્યક્તિએ જે કર્યું તે ફક્ત મારા સારા માટે જ કામ કર્યું છે - જેમ રોમનોને પત્ર 8:28 માં કહેવામાં આવ્યું છે. તેથી હું ખરેખર તે બધા માટે ઈશ્વરનો આભાર માનું છું, કારણ કે તેમના દુષ્ટ કાર્યોનો ઉપયોગ ઈશ્વરે મને વધુ સારો માણસ બનાવવા માટે કર્યો છે - મારી પ્રતિક્રિયાઓમાં વધુ ખ્રિસ્ત જેવા બનવા માટે. તે મુખ્ય સારી બાબત હતી જે તેમના દુષ્ટ કાર્યોના પરિણામે આવી હતી.

આપણે ઈશ્વર માટે ઉપયોગી થઈ શકીએ તે પહેલાં, આપણે સૌ પ્રથમ નમ્ર બનવાની જરૂર છે.

આપણા ગર્વ અને આપણી પોતાની ક્ષમતાઓ પરના વિશ્વાસને તોડવા અને આપણી પોતાની નજરમાં આપણને નાના બનાવવા માટે ઈશ્વર ઘણા લોકો અને ઘટનાઓનો ઉપયોગ કરે છે.

ઈશ્વરે મને મારી જુવાનીના દિવસોમાં ખૂબ નમ્ર બનાવ્યો, અને તે આજે પણ મને ભાંગીને નમ્ર બનાવી રહ્યા છે. આ ફળદાયીતાનો માર્ગ છે. આપણે જેટલા વધુ નમ્ર બનીએ છીએ, તેટલો વધુ ઈશ્વર આપણો ઉપયોગ અન્ય લોકો માટે આશીર્વાદરૂપ બનવા માટે કરી શકે છે. આપણે નિર્ગમન 17 માં વાંચ્યું છે કે જ્યારે ખડકને તોડવામાં આવે છે ત્યારે જ પાણી વહેવા માંડે છે. જ્યારે એક સ્ત્રી ઈસુને અભિષેક કરવા માટે અત્તરની શીશી લાવી, અને જયારે તે શીશીને તોડવામાં આવી હતી ત્યારે જ ઘરમાં મીઠી સુગંધ પ્રસરી ગઈ હતી (માર્ક 14:3). પાંચ હજાર લોકોને ખવડાવવા માટે, ઈસુએ રોટલી લીધી અને તેને આશીર્વાદ આપ્યો. પરંતુ જ્યાં સુધી રોટલીને ભાંગવામાં આવી નહિ ત્યાં સુધી કોઈને ખવડાવવામાં આવ્યું ન હતું. આ બધા ઉદાહરણોમાં શું સંદેશ છે? બસ એટલો જ કે ભંગીત થવું અથવા નમ્ર થવું એ આશીર્વાદનો માર્ગ છે. જ્યારે અણુ વિભાજિત થાય છે, ત્યારે તે આખા શહેરને વીજળી આપવા માટે પૂરતી શક્તિ ઉત્પન્ન કરે છે! એક અણુ એટલો નાનો છે કે તમે તેને માઈક્રોસ્કોપ હેઠળ પણ જોઈ શકતા નથી. પરંતુ જ્યારે તે તૂટી જાય છે, ત્યારે કેવી જબરદસ્ત શક્તિ બહાર આવે છે. કુદરતમાં તેમજ બાઈબલમાં માત્ર આ જ સંદેશ છે: ઈશ્વરનું સામર્થ્ય ભંગાણ દ્વારા પ્રકાશિત થાય છે. આવનારા નવા વર્ષમાં આ સંદેશ આપણને બધાને પકડી રાખે.

1963 માં જ્યારે મેં મારા જીવન અને સેવામાં સામર્થ્ય માટે તેમની આગળ પ્રથમ વખત વિનંતી કરી ત્યારે ઈશ્વરે મને આ સંદેશ આપ્યો. તે સમયે, મેં નૌકાદળમાંથી રાજીનામું આપ્યું તે પહેલાં, ઈશ્વરે મને બતાવ્યું કે ભંગાણનો માર્ગ અધિકાર મેળવવાનો માર્ગ છે. અને હું જીવનભર ક્યારેય એ ભૂલવા માંગતો નથી. હું ખાસ કરીને યુવાનોને, જેઓ જયારે યુવાન હોય ત્યારે તેઓ આ પાઠ શીખે તે માટે પ્રોત્સાહિત કરવા માંગુ છું.

બીજી જરૂરિયાત ઈશ્વરના વચનોમાં જીવંત વિશ્વાસ છે.

મિસરમાં ઈઝરાયલના વડીલોને ઈશ્વરે બે વચનો આપ્યા: "હું તમને (1) મિસરમાંથી બહાર કાઢીશ અને (2) કનાનીઓના દેશમાં લાવીશ." (નિર્ગમન 3:17). જેમ તમે જોઈ શકો છો, બે વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ માત્ર પ્રથમ પરિપૂર્ણ થયું હતું. બીજું પરિપૂર્ણ થયું ન હતું. તે વડીલોમાંથી કોઈએ કનાનમાં પ્રવેશ કર્યો ન હતો - કારણ કે જ્યારે કનાનમાં પ્રવેશવાનો સમય આવ્યો ત્યારે તેઓએ વિશ્વાસથી પ્રતિસાદ આપ્યો ન હતો (ગણના 13). જ્યાં સુધી આપણે વિશ્વાસથી પ્રતિસાદ ન આપીએ ત્યાં સુધી ઈશ્વરના વચનો પૂરા થતા નથી. ઈશ્વરનું વચન અને આપણો વિશ્વાસ બે વીજળીના તાર જેવા છે. જ્યારે તેઓ એકબીજાને સ્પર્શ કરે છે (જેમ કે ઈલેક્ટ્રિક સ્વીચમાં હોય છે) ત્યારે જ પાવર તારમાંથી વહેવાનું શરૂ થાય છે. તમે ઈશ્વરના વચન વિશે સાંભળી શકશો અને સમજી શકશો. પરંતુ જ્યારે તમારો વિશ્વાસ કહે છે, "હા, હું માનું છું કે તે મારા જીવનમાં પરિપૂર્ણ થશે," ત્યારે જ વચન પૂર્ણ થશે. કનાનની સરહદો પર, ફક્ત યહોશુઆ અને કાલેબ જ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરતા હતા, અને તેથી જ તેઓ વચનના દેશમાં પ્રવેશ્યા હતા. આપણે એવો જ વિશ્વાસ રાખીએ અને નવા વર્ષમાં વિજયના વચન આપેલ દેશમાં સતત જીવીએ.

અમે તમને બધાને ખૂબ જ આશીર્વાદિત વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ - વધુ નમ્ર અને ઈશ્વરમાં વધુ વિશ્વાસના વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ.