written_by :   Zac Poonen categories :   The Church Leader
WFTW Body: 

એક આત્મિક આગેવાનને સર્વ પ્રથમ ઈશ્વર તરફથી તેડું મળશે. તેનું કાર્ય તેનો વ્યવસાય નહીં, પરંતુ તેનું તેડું હશે.

કોઈ પણ વ્યક્તિ પોતે જ પોતાને આત્મિક આગેવાન તરીકે નિયુક્ત કરી શકે નહીં. "તેને આ કાર્ય માટે ઈશ્વર દ્વારા તેડવામાં આવે છે" (હિબ્રૂઓને પત્ર 5: 4). આ એક સિદ્ધાંત છે જેને બદલી શકાતો નથી. આગળની કલમ કહે છે કે ઈસુએ પણ પોતે જ પોતાને આપણા પ્રમુખયાજક તરીકે નિયુક્ત કર્યા નહોતા. પિતાએ તેમને નિયુક્ત કર્યા હતા. જો તે સાચું છે તો આપણા તેડાં વિશે એ કેટલું સાચું હોવું જોઈએ.

આજે દુઃખદ બાબત એ છે કે ભારતમાં મોટા ભાગના "ખ્રિસ્તી સેવકો" તેમની આજીવિકા કમાવવા માટે કામ કરી રહ્યા છે. તેમના માટે તે એક વ્યવસાય છે. તેઓને ઈશ્વર દ્વારા તેડવામાં આવ્યા નથી.

"વ્યવસાય" અને "તેડાં", બંને વચ્ચે ઘણો તફાવત છે. ચાલો હું શું કહેવા માંગુ છું તે સમજાવું. ધારો કે હોસ્પિટલમાં એક બીમાર બાળક છે અને એક નર્સ તેની ફરજના 8 કલાક દરમિયાન તેની સંભાળ રાખે છે. તે નર્સ પછી ઘરે જાય છે અને તે બાળક વિશે બધું ભૂલી જાય છે. તે બાળક માટે તેની ચિંતા માત્ર 8 કલાક માટે હતી. હવે તેની પાસે કરવા માટે અન્ય બાબતો છે, જેમ કે ફિલ્મ જોવા જવું અને ટેલિવિઝન જોવું. બીજા દિવસે જ્યારે તે કામ પર પાછી ન જાય ત્યાં સુધી તેણે તે બાળક વિશે ફરીથી વિચારવાની જરૂર નથી. પરંતુ તે બાળકની માતા 8 કલાકની ફરજ જેવું કામ કરતી નથી! જ્યારે તેનું બાળક બીમાર હોય ત્યારે તે ફિલ્મ જોવા‌ જઈ શકતી નથી. આ વ્યવસાય અને તેડાં વચ્ચેનો તફાવત છે.

તમે તમારી મંડળીમાં વિશ્વાસીઓની જે રીતે કાળજી લો છો તેના પર જો તમે તે ઉદાહરણ લાગુ કરો, તો તમે જાણી શકશો કે તમે એક નર્સ છો કે એક માતા છો!

પાઉલે થેસ્સલોનિકીઓને પહેલો પત્ર 2:7-8 માં કહ્યું કે, “પણ જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસાઈથી વર્ત્યા. વળી અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને કેવળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા પોતાના જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઇ પડ્યા હતાં."

પાઉલે તે ખ્રિસ્તીઓને માત્ર ઈશ્વરની સુવાર્તા જ નહિ પરંતુ તેનો જીવ પણ આપ્યો. કોઈપણ‌ સેવા જે આ રીતે કરવામાં આવતી નથી તે ખરેખર ખ્રિસ્તી સેવા નથી. પાઉલે આ રીતે ઈશ્વરની સેવા કરી કારણ કે તેને સેવા માટે તેડવામાં આવ્યો હતો. તેણે તેને વ્યવસાય તરીકે ન લીધો.

પ્રભુની સેવા કરવી અદ્ભુત છે. તે જગતની સૌથી મોટી બાબત છે. પૃથ્વી પરની કોઈ પણ બાબતને તેની સાથે સરખાવી શકાય નહીં - પરંતુ જો તમને તેડવામાં આવ્યા હોય તો જ. તેને વ્યવસાય તરીકે ઘટાડી શકાય નહીં.

6 મે, 1964 ના રોજ જ્યારે હું ભારતીય‌ નૌકાદળમાં અધિકારી હતો ત્યારે ઈશ્વરે મને તેમની (સંપૂર્ણ સમયની) સેવા કરવા માટે તેડું આપ્યું. પછી મેં મારું રાજીનામું નૌકાદળના અધિકારીઓને આપ્યું. પરંતુ તે‌ જાણે મૂસાએ ફારુનને ઈસ્રાએલીઓને જવા દેવા કહ્યું એના જેવું હતું! ભારતીય નૌકાદળે મને જવા દીધો નહીં. 2 વર્ષ લાગ્યા અને વારંવાર અરજીઓ કરવી પડી ત્યાર પછી આખરે તેઓએ મને ચમત્કારિક રીતે - ઈશ્વરના માન્ય સમયમાં જવા દીધો.

ઈશ્વર દ્વારા તેડું મળવાથી મારા જીવનમાં ઘણો ફરક આવ્યો છે.

સૌ પ્રથમ, હવે મને કોઈ ફરક પડતો નથી કે લોકો મારા વિશે કે મારા સેવાકાર્ય વિશે શું વિચારે છે, કારણ કે મારા માલિક બીજા કોઈ છે અને મારે ફક્ત તેમને જ જવાબ આપવાનો છે.

બીજું, જ્યારે પણ મને મારા સેવાકાર્યમાં કોઈ કસોટી અથવા વિરોધનો સામનો કરવો પડે છે - અને તે ઘણીવાર થાય છે, ત્યારે હું વિશ્વાસ રાખી શકું છું કે ઈશ્વર મારા પક્ષમાં ઊભા છે અને મને કૃપા આપી રહ્યા છે.

ત્રીજું, મને પૈસા મળી રહ્યા છે કે નહીં, અને મને ખાવા માટે ખોરાક મળી રહ્યો છે કે નહીં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. જો મને ખોરાક અને પૈસા મળે છે તો તે સારું‌ છે. જો મને કોઈ ખોરાક કે પૈસા મળી રહ્યા નથી, તો પણ મને કોઈ વાંધો નથી. મને પૈસા અથવા ખોરાક મળતા નથી ફક્ત તે કારણથી હું ઈશ્વરની સેવા કરવાનું બંધ કરી શકતો નથી - કારણ કે ઈશ્વરે મને તેડ્યો છે.

હું મારા તેડાથી છટકી શકતો નથી. હું પગારદાર કર્મચારી નથી કે જે પગાર અથવા ખોરાક ન મળવાથી કામ કરવાનું બંધ કરી દે! આ તો માતા અને તેના બાળકના ઉદાહરણ જેવું છે. જો એક મહિનો નર્સનો પગાર ચૂકવવામાં આવે નહીં તો તે કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ માતા ક્યારેય તેનું કામ બંધ કરી શકતી નથી. તેને કોઈ પણ સંજોગોમાં પગાર મળતો નથી! તેને ખોરાક કે પૈસા ન મળે તો પણ તે તેના બાળકની સંભાળ રાખશે! પ્રેરિતોએ આવી રીતે જ પ્રભુની સેવા કરી હતી‌.

ઈશ્વર દ્વારા તેડું મળવું કેવી ભવ્ય બાબત છે!