written_by :   Zac Poonen categories :   Knowing God Disciples
WFTW Body: 

માથ્થી 28:20 કહે છે કે શિષ્યોને આપણા પ્રભુ દ્વારા આપવામાં આવેલી દરેક આજ્ઞા પાળવાની અને તેનું અમલ કરવાનું શીખવવું જોઈએ. શિષ્યપણાનો આ માર્ગ છે. ઈસુએ આપેલી કેટલીક આજ્ઞાઓ જોવા માટે ફક્ત માથ્થી અધ્યાય 5, 6 અને 7 વાંચવું પડશે - જેનું પાલન કરવાની મોટાભાગના વિશ્વાસીઓ પણ તસ્દી લેતા નથી. શિષ્ય એક શીખનાર અને પાછળ ચાલનાર છે.

એવા લોકોની જરૂર છે જેઓ ઈશ્વરની સંપૂર્ણ સલાહ જાહેર કરવાના તેડાંથી પ્રભાવિત થયા છે, જેઓ પોતે ઈસુએ આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરે છે, અને જેઓ બીજાઓને પણ ઈસુની બધી આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવવા આતુર છે - અને આમ ખ્રિસ્તના શરીરનું નિર્માણ કરે છે.

ઈસુએ કહ્યું કે તેમના બધા શિષ્યો એક ચિહ્ન દ્વારા ઓળખાશે - એકબીજા માટેના તેમના પ્રેમ દ્વારા (યોહાન 13:35). તે ધ્યાનમાં રાખો! ઈસુ ખ્રિસ્તના શિષ્યોની ઓળખ તેમના ઉપદેશ કે સંગીતની ગુણવત્તાથી નહીં, ન તો "અન્ય ભાષામાં બોલવા"થી, ન તો સભાઓમાં બાઈબલ લઈ જવાથી, ન તો સભાઓમાં તેઓ જે અવાજ કરે છે તેના દ્વારા થાય છે!! તેઓ એકબીજા પ્રત્યેના તેમના તીવ્ર પ્રેમથી ઓળખાય છે.

જે સુવાર્તાની સભા લોકોને ખ્રિસ્ત પાસે લાવે છે તે દ્વારા તે વિસ્તારમાં મંડળીની સ્થાપના થવી જોઈએ, જ્યાં શિષ્યો એકબીજાને પ્રેમ કરે છે. છતાં દુઃખની વાત એ છે કે ઘણી જગ્યાએ જ્યાં દર વર્ષે વારંવાર સુવાર્તા સભાઓ યોજાય છે, ત્યાં એક પણ એવી મંડળી મળવી મુશ્કેલ છે જેના વિશે એવું કહી શકાય કે તેના સભ્યો એકબીજા સાથે લડતા નથી અથવા એકબીજાની નિંદા કરતા નથી, વગેરે, પરંતુ એકબીજાને પ્રેમ કરે છે.

જો નવા બદલાણ પામેલા લોકો તરત જ આવું વિજયી જીવન જીવી શકતા ના હોય તો તે સમજી શકાય છે. પરંતુ આપણા દેશની મંડળીઓમાં વડીલો અને ખ્રિસ્તી આગેવાનો પણ ઝઘડા અને અપરિપક્વતાનું લક્ષણ ધરાવે છે, તો તેમને માટે આપણે શું કહીશું?

આ સ્પષ્ટ પુરાવો છે કે મહાન આદેશ (માથ્થી 28:19,20 માં ઉલ્લેખિત) ના બીજા અને સૌથી મહત્વપૂર્ણ ભાગ - શિષ્યપણા અને ઈસુની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન - એ બાબતોને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે.

મહાન આદેશ (માર્ક 16:15) ના પહેલા ભાગ પર જ સામાન્ય રીતે બધો ભાર મૂકવામાં આવે છે. ત્યાં, ખ્રિસ્તી ધર્મ પ્રચાર પર ભાર મૂકવામાં આવે છે, અને એ સંદેશને પ્રભુ દ્વારા કરવામાં આવેલા ચિહ્નો અને ચમત્કારો દ્વારા પુષ્ટિ મળે છે.

જોકે, માથ્થી 28:19,20 માં, શિષ્યપણા પર ભાર મૂકવામાં આવે છે - શિષ્યનું જીવન ઈસુની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરીને પ્રગટ થાય છે. સંખ્યાબંધ ખ્રિસ્તીઓના પ્રથમ ભાગને સ્વીકારે છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો છેલ્લા ભાગને સ્વીકારે છે. છતાં છેલ્લા વિનાનો પહેલો ભાગ અડધા માનવ શરીર જેટલો અપૂર્ણ અને નકામો છે. પરંતુ કેટલા લોકોએ આ સમજે છે?

ઈસુના સેવાકાર્યમાં, આપણે વાંચીએ છીએ કે તેમની સુવાર્તિક, સાજાપણાની સેવાને કારણે, મોટી સંખ્યામાં લોકો તેમની પાછળ ગયા. તે હંમેશા તેમની તરફ ફર્યા અને તેમને શિષ્યપણા વિશે શીખવ્યું (જુઓ લૂક 14:25,26). શું આજના પ્રચારકો પણ એવું કરશે - કાં તો પોતે, અથવા પ્રેરિતો, પ્રબોધકો, શિક્ષકો અને પાળકોના સહયોગથી પ્રચારકો એ શરૂ કરેલું કાર્ય પૂર્ણ કરી શકે છે.

શા માટે ઉપદેશકો શિષ્યપણાનો સંદેશ જાહેર કરવામાં અચકાય છે? કારણ કે તેનાથી તેમની મંડળીમાં સંખ્યા ઓછી થશે. પરંતુ તેઓને ખ્યાલ નથી કે તેમની મંડળીની ગુણવત્તા ઘણી સારી થશે!!

જ્યારે ઈસુએ ટોળાને શિષ્યપણાનો ઉપદેશ આપ્યો, ત્યારે તે ટોળું ટૂંક સમયમાં જ ફક્ત અગિયાર શિષ્યો સુધી ઘટી ગયું (યોહાન 6:2 ની સરખામણી 6:70 સાથે કરો). બીજાઓને સંદેશ ખૂબ જ મુશ્કેલ લાગ્યો, અને તેઓએ તેમને છોડી દીધા (યોહાન 6:60,66 જુઓ). પરંતુ તે અગિયાર શિષ્યો સાથે જ ઈશ્વરે આખરે જગતમાં તેમના હેતુઓ પૂર્ણ કર્યા.

આજે પૃથ્વી પર ખ્રિસ્તના શરીર તરીકે, આપણે તે જ સેવા ચાલુ રાખવાની છે જે તે અગિયાર પ્રેરિતોએ પ્રથમ સદીમાં શરૂ કરી હતી. લોકોને ખ્રિસ્ત પાસે લાવ્યા પછી, તેમને શિષ્યપણું અને આજ્ઞાપાલન તરફ દોરી જવા જોઈએ. આ રીતે જ ખ્રિસ્તનું શરીર બાંધવામાં આવશે.

જીવનનો માર્ગ સાંકડો છે અને તે શોધનારા થોડા છે.
જેને સાંભળવાને કાન છે, તે સાંભળે.