બલામનું શિક્ષણ પેર્ગામમની મંડળીમાં ફેલાયું કારણ કે ત્યાંના વડીલો માણસોના ગુલામ બની ગયા હતા.
ઈશ્વરના સેવકે હંમેશા સ્વતંત્ર રહેવું જોઈએ. “તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. માણસના દાસ ન થાઓ” (કરિંથીઓને પહેલો પત્ર 7:23)
.
બલામના શિક્ષણમાં બે ભાગ છે. પિતરનો બીજો પત્ર 2:14,15 માં, પિતરે બંનેનો ઉલ્લેખ કર્યો છે - લોભ અને વ્યભિચાર.
ઈસુએ કહ્યું કે જે પૈસાને પ્રેમ કરે છે તે ઈશ્વરનો દ્વેષ કરે છે, અને જે પૈસાને વળગી રહે છે તે ઈશ્વરને તુચ્છ ગણે છે (લૂક 16:13 કાળજીપૂર્વક વાંચો).
જો આપણે તે સ્પષ્ટ રીતે શીખવીશું નહીં, તો બલામનું શિક્ષણ આપણી મંડળીમાં ફેલાશે, અને ભાઈ-બહેનો પૈસાના પ્રેમી બનશે.
પરંતુ જો આપણે ઈસુએ જે શીખવ્યું તે શીખવવું હોય, તો આપણે પહેલા પોતે પૈસાની પકડમાંથી મુક્ત થવું જોઈએ. પૈસાની પકડમાંથી મુક્ત થવા કરતાં ક્રોધ અને આંખોની લાલસાથી મુક્ત થવું સહેલું છે. ફક્ત સતત યુદ્ધ દ્વારા જ આપણે આ દુષ્ટતા પર વિજય મેળવી શકીએ છીએ.
શું આપણે પૈસાના પ્રેમને "સર્વ પ્રકારનાં પાપના મૂળ" તરીકે જોઈએ છીએ (તિમોથીને પહેલો પત્ર 6:10)? ક્રોધ અને આંખોની લાલસાને દુષ્ટતા તરીકે જોવામાં આવે છે, પણ પૈસાના પ્રેમને એ રીતે જોવામાં આવતો નથી. અને આમ ઘણા લોકો પૈસાના ગુલામ બને છે, તેઓને ખ્યાલ નથી હોતો કે આ રીતે તેઓ ઈશ્વરનો દ્વેષ કરે છે અને તેમને તુચ્છ ગણે છે.
બહુ મોટી સંખ્યામાં, કહેવાતા "પૂર્ણ-સમયના કાર્યકરો" બલામ જેવા પૈસાના પ્રેમના ગુલામ બને છે. તેઓ શ્રીમંત વિશ્વાસીઓના ઘરે જાય છે, કારણ કે તેઓ જાણે છે કે તેમને તેમની પાસેથી ભેટો મળશે. અને આમ જ્યારે આ શ્રીમંત અને પ્રભાવશાળી લોકોને તેમના પાપો માટે ઠપકો આપવો પડે છે ત્યારે તેમના મોં બંધ થઈ જાય છે. તેઓ મંડળીઓમાં પ્રચાર કરવા માટે મુસાફરી કરે છે જ્યાં તેઓ જાણે છે કે તેમને સુંદર ભેટ મળશે. આવા ઉપદેશકો ઈશ્વરની સેવા કેવી રીતે કરી શકે? તે અશક્ય છે. તેઓ પૈસાની સેવા કરી રહ્યા છે. ઈસુએ કહ્યું કે કોઈ બે માલિકોની સેવા કરી શકે નહીં.
નવા કરાર હેઠળ, જે કોઈ પણ ઈશ્વરનો સેવક બનવા માંગે છે તેના માટે ત્રણ આવશ્યક લાયકાતો છે:
તેણે પોતાના અંગત જીવનમાં પાપથી મુક્ત થવું જોઈએ (રોમનોને પત્ર 6:22).
તેણે માણસોને ખુશ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ (ગલાતીઓને પત્ર 1:10).
તેણે પૈસાનો દ્વેષ કરવો જોઈએ અને પૈસાને તુચ્છ ગણવા જોઈએ (લૂક 16:13).
આપણે નવા કરારના સેવક બનવા માટે લાયક છીએ કે નહીં તે જોવા માટે આ ત્રણ ક્ષેત્રોમાં આપણા જીવનની સતત તપાસ કરવી જોઈએ.
જો આપણે ઈશ્વર માટે અસરકારક બનવું હોય તો પૈસા અને ભૌતિક વસ્તુઓનો આપણા જીવન પર કોઈ પ્રભાવ ન હોવો જોઈએ.
આપણે ભેટો મેળવવાનો પણ ધિક્કાર કરવો જોઈએ, કારણ કે ઈસુએ કહ્યું હતું કે "લેવા કરતાં આપવામાં વધુ આશીર્વાદ છે" (પ્રેરિતોનાં કૃત્યો 20:35).
જો આપણે આપણા જીવનમાં પૈસાની પકડમાંથી મુક્ત નહીં થઈએ, તો આપણે ક્યારેય ઈશ્વરને પ્રેમ કરી શકીશું નહીં કે તેમની સેવા કરી શકીશું નહીં, જે રીતે આપણે કરવી જોઈએ. અને આપણે બીજાઓને ઈશ્વરને પ્રેમ કરવા દોરી શકીશું નહીં. અને આપણે તેમને બલામના શિક્ષણથી બચાવી શકીશું નહીં.
બલામના શિક્ષણનું બીજું પાસું અનૈતિકતા છે. આ શિક્ષણ ભાઈઓ અને બહેનોને કોઈપણ પ્રતિબંધ વિના મુક્તપણે એકબીજા સાથે ભળવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણે પ્રકટીકરણ 2:14 માં વાંચીએ છીએ કે બલામ જ મોઆબી છોકરીઓને ઈઝરાયલી યુવાનો સાથે મુક્તપણે ભળવા માટે પ્રોત્સાહિત કરતો હતો. આનાથી ઈઝરાયલીઓમાં એવી અનૈતિકતા ફેલાઈ ગઈ કે ઈશ્વરે એક જ દિવસમાં 24,000 લોકોને મારી નાખ્યા (ગણના 25:1-9).
જ્યારે ફીનહાસે ભાલો ઊંચો કર્યો અને તે રોક્યું, ત્યારે જ ઈઝરાયલ સામે ઈશ્વરનો કોપ બંધ થયો. જ્યારે ઈશ્વરે ફીનહાસનું કાર્ય જોયું, ત્યારે તે એટલા પ્રસન્ન થયા કે તેમણે તેને સદાના યાજકપદનો કરાર આપ્યો (ગણના 25:11-13). મંડળીમાં ભાઈઓ અને બહેનોના છૂટથી હળવા મળવા સામે સખ્તાઈ કરનાર લોકોનું ઈશ્વર હંમેશા સન્માન કરે છે.
અહીં ફરીથી, વડીલો તરીકે, આપણે આપણા વ્યક્તિગત વર્તન દ્વારા ઉદાહરણ બનવું જોઈએ. આપણે બહેનો સાથેના આપણા વર્તનમાં ગંભીર રહેવું જોઈએ અને તેમની સાથે બધા પ્રકારની ઉદ્ધત અને બિનજરૂરી વાતચીત ટાળવી જોઈએ. આપણે ખાસ કરીને એવી બહેનોથી સાવચેત રહેવું જોઈએ જે હંમેશા આપણી સાથે વાત કરવા માંગે છે. જો આપણને બહેનો સાથે વાત કરવાનું ગમે છે, તો આપણે ઈશ્વરની મંડળીની આગેવાની કરવા માટે અયોગ્ય છીએ. આપણે ક્યારેય બંધ રૂમમાં એકલી સ્ત્રીઓ સાથે વાત ન કરવી જોઈએ. બહેનોને પોતાની પત્ની અથવા બીજા વડીલ ભાઈને સાથે રાખીને સલાહ આપવી હંમેશા શ્રેષ્ઠ છે.
જ્યારે શિષ્યોએ સમરૂનમાં કૂવા પાસે ઈસુને એક સ્ત્રી સાથે વાત કરતા જોયા, ત્યારે લખ્યું છે કે "સ્ત્રીની સાથે તે વાત કરતા હતા માટે તેઓ આશ્ચર્ય પામ્યા" (યોહાન 4:27) - કારણ કે ઈસુ સામાન્ય રીતે ક્યારેય એકલી સ્ત્રી સાથે વાત કરતા ન હતા. તે એવું કંઈ પણ ન કરવા માટે સાવચેત હતા જે જોવામાં દુષ્ટતા લાગે. અહીં આપણા બધા માટે અનુસરવા માટેનું ઉદાહરણ છે.