પેર્ગામમના વડીલને દુન્યવીપણા અને પાપ પ્રત્યે બેદરકાર વલણ તરફ દોરી જાય એવા સિદ્ધાંતો શીખવનારા લોકોને મંજૂરી આપવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો (પ્રકટીકરણ 2:14, 15). તે પોતે એક સારો માણસ હોઈ શકે છે. પરંતુ તેણે બીજાઓને બલામના સિદ્ધાંત શીખવવાની મંજૂરી આપી. તેથી તે દોષિત હતો.
મંડળીમાં લોકોને પાપને હળવાશથી લેવા તરફ દોરી જાય એવા કોઈ પણ ઉપદેશની મંજૂરી ન આપવાની જવાબદારી પ્રભુએ વડીલોને સોંપી છે. "એક સિદ્ધાંત જે ભક્તિભાવ તરફ દોરી જાય છે" (ઈશ્વરીય, ખ્રિસ્ત જેવા જીવન તરફ), અને તે જ "સ્વચ્છ શિક્ષણ" છે (તિમોથીને પહેલો પત્ર 6:3). બીજું દરેક શિક્ષણ વધુ કે ઓછા અંશે અસ્વચ્છ છે.
આ વડીલે તેની મંડળીમાં આવા બેદરકાર શિક્ષણને શા માટે મંજૂરી આપી? કદાચ તેણે ક્યારેય ભાઈ-બહેનોને કોઈપણ બાબત માટે સુધાર્યા નહીં, કારણ કે તે નમ્ર અને દીન ભાઈ તરીકેની પ્રતિષ્ઠા ઈચ્છતો હતો. જો એમ હોય, તો તેણે મંડળીના ભલા કરતાં પોતાનું સન્માન વધુ શોધ્યું.
"નમ્રતા" અને "દીનતા" એ એવા ગુણો છે જે આપણે ઈસુના ઉદાહરણમાંથી શીખવા જોઈએ, જેમ તેમણે પોતે આપણને કરવાનું કહ્યું હતું (માથ્થી 11:29). નહિંતર આપણે તેના અર્થની ખોટી સમજ મેળવી શકીએ છીએ.
ઈસુની નમ્રતા અને દીનતા તેમને નાણાવટીઓને મંદિરમાંથી બહાર કાઢવાથી અથવા જ્યારે પિતરે ખોટા સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો કે ઈસુએ વધસ્તંભથી દૂર થવું જોઈએ, ત્યારે પિતરને "અરે શેતાન, મારી પછવાડે જા" જેવા કડક શબ્દોથી ઠપકો આપવાથી રોકી ન શક્યા (માથ્થી 16:22, 23).
શેતાન મંડળીને ગેરમાર્ગે દોરવા માટે પિતર જેવા સારા ભાઈનો પણ ઉપયોગ કરી શકે છે. કારણ કે તે ભાઈ સભાઓમાં એવી રીતે બોલી શકે છે જે વધસ્તંભ જેવા શબ્દનું મહત્વ ઓછું કરી શકે છે. આવા ઉપદેશને હંમેશા શેતાનના અવાજ તરીકે ઓળખવો જોઈએ - કારણ કે આમ ઈશ્વર જે ઈચ્છે છે તે દિશાથી શેતાન તેમને દૂર ફેરવી શકે છે.
મંડળીના વડીલો તરીકે આપણી પાસે સૌથી મોટી જવાબદારીઓમાંની એક એ છે કે આપણી મંડળીએ કઈ દિશામાં જવું જોઈએ તે નક્કી કરવું. તે દુન્યવીપણુ અને સમાધાનની દિશા ન હોવી જોઈએ. તે ફરોશીવાદ અને કાયદાવાદની દિશા પણ ન હોવી જોઈએ. પરંતુ તે વધસ્તંભનો માર્ગ હોવો જોઈએ - ઈશ્વરની ઈચ્છાની દિશા.
બલામ જેવા ઉપદેશકો સામાન્ય રીતે મહાન જીવ -શક્તિ ધરાવતા હોય છે અને તેઓ મંડળીના લોકો પર ખોટો પ્રભાવ પાડી શકે છે. શક્તિશાળી માનવ વ્યક્તિત્વ ધરાવતા ઉપદેશકો હંમેશા બીજાઓને દબાવી દે છે, અને તેમને ખ્રિસ્ત સાથે તેમના શિર તરીકે જોડાવાથી અટકાવે છે. તેઓ અન્ય લોકોને એવી રીતે પ્રભાવિત પણ કરે છે કે તે તેઓને ખરી આત્મિકતાથી દૂર, ઉપરછલ્લી, દુન્યવી ધાર્મિકતા તરફ દોરી જાય છે.
જ્યારે કોઈ ઉપદેશક સમજી શકતો નથી કે તેની જીવ-શક્તિને મરણને આધીન કરવી એટલે શું, ત્યારે તે વિશ્વાસીઓને, ખ્રિસ્ત, જે સર્વનું શિર છે તેમની સાથે નહીં પણ પોતાની સાથે જોડશે. વિશ્વાસીઓ ઉપદેશકની પ્રશંસા કરશે અને તેનું પાલન કરશે, પરંતુ તેઓ ક્યારેય તેમના જીવનમાં પાપ કે જગત પર વિજય મેળવી શકશે નહીં.
આત્મિક શક્તિ અને જીવ -શક્તિ વચ્ચે ઘણો તફાવત છે, અને આપણે બંને વચ્ચે તફાવત પારખવા સક્ષમ હોવા જોઈએ. વ્યક્તિ પાસે ઘણું બાઈબલ-જ્ઞાન અને બોલવાનું કૃપાદાન હોઈ શકે છે. તે ભાઈઓ અને બહેનો પ્રત્યે ખૂબ આતિથ્યશીલ પણ હોઈ શકે છે, અને તેમને ઘણી વ્યવહારુ રીતે મદદ કરી શકે છે. પરંતુ જો તે લોકોને ખ્રિસ્ત સાથે નહીં પણ પોતાની સાથે જોડે છે, તો તે ખ્રિસ્તના શરીરના નિર્માણમાં અવરોધ બનશે.
બલામ જેવા ઉપદેશકો બીજાઓ પાસેથી ભેટો મેળવવામાં ખુશ છે (ગણના 22:15-17). ભેટ આપણી આંખોને અંધ કરી શકે છે (નીતિવચનો 17:8), અને આપણે માણસો પ્રત્યે બંધાઈએ છીએ, જેથી આપણે તેમના ગુલામ બનીએ. તે આપણને ઈશ્વરનું સત્ય બોલવામાં અને આપણા પર ઉપકાર કરનારાઓને સુધારવામાં અવરોધ લાવી શકે છે.
ઈશ્વરના સેવકે હંમેશા મુક્ત રહેવું જોઈએ. "તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. માણસના દાસ ન થાઓ." (કરિંથીઓને પહેલો પત્ર 7:23).