written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

"આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે" (માથ્થી 28:18). જો આપણે બહાર જઈને આ મહાન આદેશને પૂર્ણ કરવાનો છે તો આપણે તે વાત માનવી જોઈએ. જો હું એ માનતો નથી કે સર્વ અધિકાર ઈસુને આપવામાં આવ્યો છે, તો હું થોડા સમય પછી એ છોડી દઈશ, કારણ કે ખ્રિસ્તી કાર્ય ખૂબ જ નિરાશાજનક કાર્ય હોઈ શકે છે. તમે તરત જ પરિણામો જોઈ શકશો નહીં. પ્રચારકો કે પ્રબોધકો કે પ્રેરિતો તરત જ પરિણામો જોતા નથી. બાળકને પુખ્તાવસ્થા સુધી ઉછેરવા જેવું તે છે. હું મંડળીઓ બાંધવાના અને વિશ્વાસીઓને સ્થાપિત કરવાના અને તેમને ઈશ્વરભક્તિ તરફ લઈ જવાના મારા વર્ષોના પ્રયાસ દ્વારા આ પ્રમાણિત કરી શકું છું. નિરાશ થવું ખૂબ જ સહજ છે સિવાય કે આપણે સમજીએ કે જે મને આ સેવાકાર્યમાં મોકલે છે તે એ છે જેને આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે. એ અધિકાર સાથે તે મને ટેકો આપી રહ્યા છે.

તેથી હું મહાન આદેશના બીજા ભાગને આ રીતે જોઉં છું: તે ઈસુએ કરેલા બે સૌથી અદ્ભુત નિવેદનોની વચ્ચે છે. પ્રથમ કલમ 18 છે, "આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે," અને બીજી કલમ 20 છે, "જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું." જો મને આ બેમાંથી કોઈ એક તથ્ય વિશે શંકા હોય, તો હું મહાન આદેશના બીજા અડધા ભાગને પૂરો કરી શકતો નથી. ખ્રિસ્તી સેવાકાર્યના પચાસ વર્ષોમાં મને જોવા મળ્યું છે કે જો તમને નીચેની બાબતોની ખાતરી ન હોય તે ખૂબ નિરાશાજનક હોઈ શકે છે:

- જેમણે તમને મોકલ્યા છે તે એ છે જેમની પાસે આકાશમાં (અવકાશી ક્ષેત્રો, બીજા આકાશમાં જ્યાં દુષ્ટાત્માઓ રહે છે) અને પૃથ્વી પર (પૃથ્વી પરના તમામ લોકો પર) સર્વ અધિકાર છે. ખ્રિસ્ત પાસે આ અધિકાર છે.

- જ્યારે હું મહાન આદેશના આ ભાગને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ, ત્યારે મારી પાસે તેમના તરફની ચોક્કસ ખાતરી છે કે તે સર્વકાળ મારી સાથે રહેશે.

આ બે અદ્ભુત વચનોના સંદર્ભમાં એક મોટો ભય છે. ખ્રિસ્તીઓને શરતો પૂરી કર્યા વિના વચનનો દાવો કરવાનો પ્રયાસ કરવાની ખૂબ જ ખરાબ ટેવ છે. ઉદાહરણ તરીકે, જો તમને કહેવામાં આવે કે, "પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો અને તમારો ઉદ્ધાર થશે," અને તમે કહો, "સારું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાની શરત પૂરી કરીશ નહિ, પણ છતાં 'હજી મારો ઉદ્ધાર થશે," શું તમને નથી લાગતું કે તે મૂર્ખતા છે? અથવા, "જો આપણે આપણા પાપોની કબૂલાત કરીએ, તો તે આપણા પાપોને માફ કરવા માટે વિશ્વાસુ અને ન્યાયી છે." જો તમે તમારા પાપની કબૂલાત કરવાની શરત પૂરી ન કરો, તો તમે કેવી રીતે માની શકો કે તે તમારા પાપ માફ કરશે?

ઈશ્વરના વચનો શરતી છે. ભૌતિક વચનો છે, જેમ કે ઈશ્વર સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે, જે તે દરેકને કોઈપણ શરતો વિના આપે છે. પરંતુ જ્યારે ઈશ્વરના આત્મિક વચનોની વાત આવે છે, ત્યારે તે પ્રાપ્ત કરવાની શરતો છે. આ પાપોની ક્ષમા સાથે શરૂ થાય છે. પસ્તાવો અને ખ્રિસ્તમાં વિશ્વાસ વિના, કોઈને પાપોની માફી મળતી નથી. ન્યાયીકરણ વિશ્વાસ દ્વારા છે, અને પવિત્રતા વિશ્વાસ દ્વારા છે. વળી, ઈશ્વર પોતાની કૃપા દરેકને શરત વિના આપતા નથી. તે ફક્ત નમ્ર લોકોને જ તેમની કૃપા આપે છે. દરેક આત્મિક વચન માટે એક શરત છે.

જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે તેવા બધા ક્ષેત્રોમાં વચન સાથે જોડાયેલી શરતને પરિપૂર્ણ કરવાનું મહત્વ ઘણા બધા ખ્રિસ્તીઓ સમજે છે, તેઓ શા માટે આ વચન પર આવે છે, "જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું," અને શરત પૂરી કર્યા વિના તેનો દાવો કરવાનો પ્રયાસ કરે છે? તે મને આશ્ચર્યચકિત કરે છે. જો હું ઉપદેશ આપું કે તમે પસ્તાવો અને વિશ્વાસ ન કરો તો પણ તમને માફ કરી શકાય છે તો તેઓ આશ્ચર્ય પામશે. જો હું કહું કે જો તમે તમારા પાપો કબૂલ ન કરો તો તમને માફ કરી શકાય છે, તો તેઓ કહેશે કે તે હાસ્યાસ્પદ છે. બાઈબલ કહે છે કે જો તમે તમારા પાપો કબૂલ કરો છો, તો તે તમને માફ કરવા માટે વિશ્વાસુ અને ન્યાયી છે, ખરું ને? સારું, એ જ બાઈબલ કહે છે કે જો તમે જઈને શિષ્યો બનાવો, તેમને બાપ્તિસ્મા આપો, અને મેં તમને જે આજ્ઞા આપી છે તે બધું કરવાનું શીખવશો તો ઈશ્વર જગતના અંત સુધી તમારી સાથે રહેશે. આ પ્રભુએ કહ્યું છે. પછી તેમણે કહ્યું, "જો, હું સર્વકાળ તમારી સાથે છું."

તેથી તે ખાસ કરીને જેઓ બીજાઓને ઈસુએ જે આજ્ઞા આપી છે તે કરવાનું શીખવવા માટે આગળ વધે છે તેઓને આપવામાં આવેલ વચન છે. મેં તેને પરિપૂર્ણ કરવા માટે 50 વર્ષ વિતાવ્યા છે, વિશ્વના ઘણા ભાગોમાં, લોકોને સીડી, ઇન્ટરનેટ અને સાહિત્ય દ્વારા, ઈસુએ જે આદેશ આપ્યો હતો તે બધું કરવાનું શીખવ્યું છે. હું સાક્ષી આપી શકું છું કે મેં ખરેખર મારી સાથે પ્રભુની હાજરી અને અધિકારનો અનુભવ કર્યો છે. તેથી હું તમને એવું માનવા પ્રોત્સાહિત કરવા માંગુ છું કે ઈશ્વરના વચનો ખરા છે. તેમનો અધિકાર તમને મદદ કરશે જો તમે લોકોને ઈસુએ આપેલી બધી જ આજ્ઞાઓ પાળવાનું શીખવવા માટે આગળ વધશો તો, પ્રથમ તમે તે કરો, અને તે સદાકાળ તમારી સાથે રહેશે.

તેમનું સદાકાળ આપણી સાથે રહેવાનું એક પરિણામ એ છે કે, તે આપણને હતાશા, અંધકાર, ખરાબ મિજાજ અને તેના જેવી તમામ પ્રકારની બાબતોથી બચાવે છે. જો ઈસુ હંમેશા મારી સાથે હોય તો દુનિયામાં મારો મિજાજ કેવી રીતે ખરાબ થઈ શકે? જો ઈસુ હંમેશા મારી સાથે હોય તો દુનિયામાં હું કેવી રીતે નિરાશ અથવા ભયભીત થઈ શકું? ઘણા લોકો કલ્પના કરે છે કે ખ્રિસ્ત તેમની સાથે છે, જ્યારે ખરેખર તે તેમની સાથે નથી હોતા. તેઓ ઈસુએ જે આદેશ આપ્યો છે તે બધું કરવા માંગતા નથી; તેઓ અન્ય લોકોને ઈસુએ જે આદેશ આપ્યો હતો તે શીખવવા માંગતા નથી. તેથી આપણે તે વચનનો દાવો કરી શકીએ તે પહેલાં તે પરિપૂર્ણ કરવાની એક શરત છે, અને હું તમને તે સ્પષ્ટપણે જોવા માટે પ્રોત્સાહિત કરવા માંગુ છું.